૧૫. અવતારીપણું - અન્ય ગ્રંથાનુસાર

અનાદિમુક્ત સદ્. ગોપાળાનંદ સ્વામીએ, શ્રીજીમહારાજના પુરુષોત્તમપણાનાં તેર અસાધારણ લક્ષણો કહેલાં છે, તેમાં છેલ્લું લક્ષણ આ પ્રમાણે બતાવેલ છે:-

संदर्शयेत्पूर्वनिजावताराल्लीनान्स्वमूर्तौ शतशो मनुष्यान्१६ ।

लीनो न तेषु स्वयमद्भुतं तत् त्रयोदशं धर्मसुतस्य लक्ष्म ॥ 131 ॥

પોતાના પૂર્વ અવતારોને પોતાની મૂર્તિને વિષે લીન થયેલા સેંકડો મનુષ્યોને દેખાડે; પરંતુ પોતે તે અવતારમાં લીન ન થાય, તે આશ્ચર્યકારક, ધર્મસુતના સર્વોપરીપણાનું તેરમું લક્ષણ છે 131.

અનાદિમુક્ત સદ્. બ્રહ્માનંદ સ્વામીએ પણ શ્રીહરિને પ્રકટ થવાના છ હેતુ બતાવ્યા છે, તે પૈકી ચોથા હેતુમાં આ પ્રમાણે કહ્યું છે:-

स्वकीयावतारास्तदीयाश्चभक्ता निजोपासनां ज्ञानमाबोध्य तेषाम्२ ।

तथैतान्स्वधामाऽधिनेतुं विचिन्त्याऽऽगतः श्रीहरिर्हेतुरुक्तश्चतुर्थः ॥ 132 ॥

પોતાના અવતારો તથા તે અવતારોના ભક્તો તેમને, પોતાના સ્વરૂપની ઉપાસના તથા જ્ઞાન સમજાવીને તેઓ સર્વેને પોતાના અક્ષરધામ પ્રત્યે લઈ જવા એ શ્રીહરિને પ્રકટ થવાનો ચોથો હેતુ છે 132.

વળી આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે રચાવેલ જે 'હરિલીલાકલ્પતરુ' નામક ગ્રંથ, તેના લેખક જે સદ્. બ્ર. અચિંત્યાનંદજી, તેમના સ્વરચિત અન્ય હસ્તલિખિત લખાણોમાંથી મળી આવેલા અને જૂનાગઢથી 'શ્રી સ્વામિનારાયણ ષોડશોપચાર મહાપૂજા' એ નામથી પ્રસિદ્ધ થયેલ નાની પુસ્તિકામાં મંગલાચરણ તથા મહિમા તરીકે મૂકેલા, ઉપાસના પરત્વેના જે શ્લોકો છે તેમાં ત્રણ શ્લોકો નીચે પ્રમાણે છે :-

અનાદિમુક્ત સદ્. ગોપાળાનંદ સ્વામી શ્રીહરિની સ્તુતિ કરે છે :-

श्रीदत्त कपिलः कुमार ऋषभो देवर्षिनारायणौ

व्यासो यज्ञपृथू ध्रुवो हयशिरा हंसो हरिर्मोहिनी ।

मत्स्यकूर्मवराहबुद्धनृहरित्रैराम्यकृष्णा बटु

रित्याद्याकृतिकोऽवतार्यवतु नः श्रीस्वामिनारायणः ॥ 133 ॥

જે ભગવાન (1) દત્તાત્રેય, (2) કપિલ, (3) સનત્કુમાર, (4) ઋષભદેવ, (5) નારદમુનિ , (6) નારાયણ, (7) વ્યાસ, (8) યજ્ઞ, (9) પૃથુ, (10) ધ્રુવજી, (11) હયગ્રીવ, (12) હંસાવતાર, (13) હરિ અવતાર, (14) મોહિની અવતાર, (15) મત્સ્ય, (16) કૂર્મ, (17) વરાહ, (18) બુદ્ધ, (19) નૃસિંહ, (20) રામચંદ્રજી, (21) પરશુરામ, (22) બલરામ , (23) કૃષ્ણ, અને (24) વામન. એ આદિ અવતાર ધારણ કરે છે; એવા અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અમારું રક્ષણ કરો 133.

હવે શ્રીજીમહારાજ તથા મુક્તમાં જેને પ્રીતિ નથી તેને આ પ્રકારે સંબોધે છે:-

येषां श्रीस्वामिनारायणपदकमले नास्ति भक्तिर्नराणां

गोपालानंदमुन्यादिषु शुभगुणदः सत्सु संगो न येषाम् ।

येषां श्रीधर्मपुत्रोदितसुखदवृषे नास्ति दाढंर्य नराणां

धिक्तान् धिक्तान् धिगेतान् कथयति सततं कीर्तनस्थो मृदंगः ॥ 134 ॥

જે મનુષ્યોને શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં ચરણકમળમાં ભક્તિ નથી; જે મનુષ્યોને ગોપાળાનંદમુનિ આદિક સંતોનો, શુભ ગુણને આપનારો સત્સંગ નથી; જે મનુષ્યોને ભક્તિ-ધર્મના પુત્ર શ્રી સ્વામિનારાયણ ભગવાને કહેલા, આત્યંતિક કલ્યાણને આપનારા ભાગવત ધર્મને વિષે દઢતા નથી, તે મનુષ્યોને ધિક્કાર છે; ધિક્કાર છે; ધિક્કાર છે;ભ્રએ પ્રમાણે ઓચ્છવમાં વગાડાતી મૃદંગ નિરંતર કહે છે 134.

હવે શ્રીહરિ સ્વયં કહે છે :-

त्रैराम्यवाराहनृसिंहवामनश्रीमत्स्यकूर्माकृतिबुद्धकल्क्यः ।

कृष्णादयः संत्यवतारका यतस्तं स्वामिनारायणमेव विद्धि माम् ॥ 135 ॥

જેના થકી રામચંદ્રજી, પરશુરામ, બળરામ, વરાહ, નૃસિંહ, વામન, મત્સ્ય, કૂર્મ, બુદ્ધ, કલ્કિ એ આદિક અને કૃષ્ણ, નરનારાયણ આદિ અવતારો થાય છે એવો મને અવતારી 'સ્વામિનારાયણ' જાણો 135.

વળી કાવ્ય-કીર્તનરૂપે રચેલ 'પુરુષોત્તમવિવાહ'ના 12મા પદમાં શ્રીજીસમકાલીન સદ્. બ્ર. વૈષ્ણવાનંદ સ્વામી લખે છે:

નહિ વૈકુંઠવાસી એવા, નહિ ગોલોકવાસી જેવા.

નો'ય ભૂમા પુરુષ સુખધામ, આ તો પૂરણકામ અકામ.

નો'ય મચ્છ ને કચ્છ વરાહ, નો'ય વામ રામ અથાહ.

નહિ શ્વેતદ્વીપ પતિ શ્યામ, નહિ બદ્રિકાવાસી અકામ.

આ તો સર્વના સ્વામી છે એક, એમ જાણે તે પરમ વિવેક.

શ્રીજીમહારાજ પોતાનું સર્વોપરીપણું તથા સર્વાવતારી-પણું, ભક્તચિંતામણિ પ્ર. 77 માં શ્રીમુખે નીચે પ્રમાણે કહે છે :-

વિધિ પર તે વિરાટ કહીએ, તે પર પ્રધાનપુરુષ લઈએ;

તે પર મૂળપ્રકૃતિ પુરુષ, તેથી પર અક્ષર સુજશ. 5

અક્ષર પર પુરુષોત્તમ જેહ, તેણે ધર્યું મનુષ્યનું દેહ;... 6

* * *

અતિ અપાર અક્ષરાતીત, થઈ તે સાથે તમારે પ્રીત:

ભક્ત જકતમાંહિ છે જો ઘણા, ઉપાસક અવતાર તણા. 39

જે જે મૂરતિ જનને ભાવે, તે મૂર્તિ નિજ ધામ પહોંચાવે;

પણ સર્વે પાર જે પ્રાપતિ, તે છે તમારે કહે પ્રાણપતિ. 40

(ભ. ચિં. પ્ર. 79)

વળી અનાદિમુક્ત સદ્. નિષ્કુળાનંદસ્વામી* લખે છે:-

કોટિ અવતારના કારણ કહી, કોટિ કૃષ્ણ કરજોડ;

નિષ્કુળાનંદ રહે ચરણમેં, મેરે ઇષ્ટકી હજૂર.

* કીર્તનમાળા : સં ૧૯૯૦. પ્રસિદ્ધકર્તા : કો. રણછોડ ભક્ત, મુંબઈ પદ ૧૫૭૨.

* * *

એવા* મળ્યા છે મહારાજ, જે કોઈ સર્વના શ્યામ છે રે;

વળી રાજા એ અધિરાજ, એને આધારે સૌ ધામ છે રે. 1

ધામધામના જે રહેનાર, હાજર રહે છે જોડી હાથને રે;

કરી આરત્યેસું ઉચ્ચાર, શીશ નમાવે છે નાથને રે. 2

* ઉપરની ટીપ્પણીમાં બતાવેલ કીર્તનાવલીમાં પદ ૫૨૪.

વળી તે સદ્. નિષ્કુળાનંદ સ્વામી રચિત પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર 10માં પણ, (1) મત્સ, (2) કચ્છ, (3) વરાહ, (4) નૃસિંહ, (5) વામનજી, (6) પરશુરામ, (7) રામ, (8) કૃષ્ણ, (9) બુદ્ધ અને (10) કલ્કિ, - આ દશ 'અવતારોનું' નિરૂપણ કરીને પછી, એ સર્વેના 'અવતારીપણે' શ્રીહરિજીને વર્ણવેલા છે. તે કહ્યું છે :-

એહ આદિ બહુ અવતાર રે,

તે તો અવતારીના નિરધાર રે. 18

પણ સર્વે રીતે સુખકારી રે,

તે તો પુરુષોત્તમ અવતારી રે;

તેહ પોતે પધાર્યા છે આજ રે,

અક્ષરધામના ધામી મહારાજ રે. 19

* * *

બ્રહ્મા રાખ્યા સત્ય લોકમાં, શિવને રાખ્યા કૈલાસ;

વિષ્ણુને રાખ્યા વૈકુંઠમાં, એમ આપ્યો જૂજવો નિવાસ.

ઇંદ્ર રાખ્યો અમરાવતી, શેષજીને રાખ્યા પાતાળ;

જ્યાં જ્યાં કરી શ્રીહરિએ આજ્ઞા, તીયાં રહ્યા સુખેસદાકાળ.

બદરીતળે રાખ્યા ઋષીશ્વર, નિરન્નમુક્ત રાખ્યા શ્વેતદ્વીપમાં;

ગોપીગોપ રાખ્યા ગોલોકે, રાખ્યા મુક્ત અક્ષર સમીપમાં.

એમ જેને રાખ્યા ઘટે, તેમ રાખ્યા છે કરી તપાસ;

જેવો જોયો અધિકાર જેને, તેવો આપ્યો છે અવિનાશ.

(નિષ્કુળાનંદ સ્વામી કૃત 'વાચનવિધિ' ગ્રંથ, કડવું 37)

વળી આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ 'હરિલીલામૃત ગ્રંથ' - કળશ 4, વિશ્રામ 3 માં લખે છે :

જેમ કૃષ્ણ મોટા સર્વેથી,

તેમ આ છે મોટા વળી એથી;

આ છે અવતારના અવતારી,

ઘણું શું કહીએ વિસ્તારી. 42

તેમ જ અનાદિમુક્ત સદ્. વિધાત્રાનંદ સ્વામી કૃત 'પુરુષોત્તમનિરૂપણ' પત્રિકામાં કહ્યું છે : 'સાક્ષાત્ મૂર્તિમાન શ્રી નરનારાયણ બદરિકાશ્રમવાસી છે તે, તથા શ્રી લક્ષ્મીનારાયણ આદિ સર્વે છે તે, પ્રકટ પુરુષોત્તમ દ્વિભુજમૂર્તિ એવા જે 'આ ભગવાન' તેની ઉપાસના કરે છે, એમ શ્રીજીમહારાજે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા કરી તેને જે એકાંતિક જ્ઞાનવાળા ભક્ત તે સમજે છે.'

ગઢડા અંત્ય પ્રકરણના 38મા વચનામૃતમાં શ્રીજીમહારાજ, સ્વાશ્રિતોને પોતાના અવતારી સ્વરૂપનો નિશ્ચય કરાવવા માટે શ્રીમુખે કહે છે: 'સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને, જીવોના કલ્યાણ અર્થે, આ પૃથ્વીને વિષે પ્રકટ થયા થકા સર્વ જનના નયનગોચર વર્તે છે, ને તે તમારા ઇષ્ટદેવ છે, ને તમારી સેવાને અંગીકાર કરે છે;.... અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે ને ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વે અવતારના અવતારી છે ને તમારે સર્વેને, એકાંતિકભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે.'

વળી લોયા વચનામૃત 12નો ભાવાર્થ આ પ્રમાણે છે: 'અમને શ્રીકૃષ્ણ જેવા જાણીને ભજે તે, કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળો જાણવો; અને શ્વેતદ્વીપને વિષે રહ્યા એવા જે વાસુદેવ, તે જેવા જાણીને અમને ભજે, તે મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો જાણવો; અને ધામરૂપ જે અક્ષર તે રૂપે રહ્યો થકો પુરુષોત્તમ એવો હું તે મારી ઉપાસના કરે, તે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો જાણવો.' આમ શ્રીહરિજીએ કહ્યું છે.

વળી શ્રીજીસમકાલીન સદ્. બ્ર. વૈષ્ણવાનંદ સ્વામી રચિત 'હરિલીલાસિંધુ' નામક ગ્રંથ છે, તેમાં શ્રીજીમહારાજનું સર્વોપરીપણું સ્થળે સ્થળે વર્ણવેલું છે. તે ગ્રંથના પહેલા રત્નના છઠ્ઠા તરંગમાં માર્કંડેયમુનિએ આ પ્રમાણે કહ્યું છે:-

તમ પૂછે હમ સબ બાત મુનિ સોઈ,

ધામધામી કહાવ હૈ;

કહુ દિવસ ભૂવિપર આએ નહિ હરિ,

અબકિ બેર સો આય હે. 23

અર્થ :- હે મુનિ! તમે મને જે વાત પૂછી તે સંબંધમાં જણાવવાનું કે, જે સર્વ ધામના ધામી કહેવાય છે, તે આ શ્રીહરિ અત્યાર પહેલાં, ક્યારેય ભૂમિ પર આવ્યા નથી અને તે આ વખતે જ પધાર્યા છે; અર્થાત્ અક્ષરધામાધિપતિ શ્રીહરિ આ પૃથ્વીપર ફક્ત એક જ વાર પધારે છે તે જ આ છે. 23. આ ઉપરથી પ્રતીત થાય છે કે, શ્રીજીમહારાજ વૈરાજબ્રહ્માની આયુષ્યમાં તેમનાં 50 વર્ષને દોઢ પહોર દિવસ વીતી ગયો, ત્યારે આ બ્રહ્માંડમાં ફક્ત આ એક જ વખત પધાર્યા છે. ને શ્રીજીના અવતાર એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેમના તો બ્રહ્માના એક દિવસને વિષે ચાર હજાર અવતાર થાય છે; કારણ કે વૈરાજબ્રહ્માના એક દિવસને વિષે એક હજાર સત્યયુગ, એક હજાર ત્રેતાયુગ, એક હજાર દ્વાપરયુગ ને એક હજાર કળિયુગ વીતી જાય છે. એમ બ્રહ્માના એક દિવસમાં ચાર હજાર યુગ વીતી જાય છે. તે હરિવાક્યસુધાસિંધુમાં કહ્યું છે: ‘चतुर्युगसहस्त्रं ब्रह्मणो दिनमुच्यते’ અને તે દરેક યુગમાં શ્રીકૃષ્ણ ભગવાન પ્રકટ થાય છે. તે ગીતામાં પોતે જ કહ્યું છે: ‘संभवामि युगे युगे’ - હું દરેક યુગમાં પ્રકટ થાઉં છું. (આવી રીતે શ્રીકૃષ્ણાદિક અવતાર વારંવાર પ્રકટ થયા છે, થાય છે અને થશે; ને શ્રીજીમહારાજ તો ફકત આ ફેરે જ પધાર્યા છે.) તે માર્કંડેયમુનિએ પણ હરિલીલાસિંધુના એ જ રત્ન ને એ જ તરંગમાં કહ્યું છે:-

કબહુ ધરત તનુ ગોલોકધામી,

કબહુ ધરત શ્વેતદ્વીપ સ્વામી;

કબહુ નરનારાયણ આવે,

કબહુ હિરણ્યમય મૂર્તિ કહાવે.27

સો સબ રૂપ રૂપ કે ભૂપા,

અબકિ બેર આવહિ અનુપા. 30

અર્થ :- ક્યારેક ગોલોકધામના અધિપતિ આ પૃથ્વી પર અવતાર ધરે છે; ક્યારેક શ્વેતદ્વીપના અધિપતિ આવે છે; ક્યારેક નરનારાયણ આવે છે ને ક્યારેક બીજી મૂર્તિઓ આવે છે 27. તે સર્વે રૂપ રૂપોના નિયંતા ફક્ત આ વખતે જ પધાર્યા છે 30.

વળી 'હરિલીલાસિંધુ' રત્ન 1, તરંગ 2માં દેવાંગનાઓ કહે છે:-

સબહી લોક કે લોકપતિ, હમ આજ વિષ્ણુ કહાય;

તાકે પિતા તિનકે પિતા, તોહિ પિતુ પિતુ ઈન ચાય. 18

અક્ષર પર પરબ્રહ્મસો, પુરુષોત્તમ પ્રભુ જેહ;

પ્રકટ ભયે છુપયાનમે, ધર્મભક્તિકે ગેહ. 19

અર્થ :- સર્વ લોકના લોકપતિઓ જે બ્રહ્મા, વિષ્ણુ ને શિવ; તેના પિતા વૈરાજ; તેના પિતા પ્રધાનપુરુષ, તેના પિતા 'મૂળપૂરુષ' જે ગોલોકવાસી શ્રીકૃષ્ણ; તેના 'પિતા', એટલે તેના કારણ જે વાસુદેવબ્રહ્મ કે જેને શ્વેતદ્વીપના મુક્તો ઇચ્છે છે 18. તેથી પર અક્ષર ને અક્ષરથી પર પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન, તે પોતે છપૈયાપુરમાં ધર્મ-ભક્તિને ઘેર પ્રકટ થયા છે 19.

વળી આ જ ગ્રંથના ત્રીજા રત્નના તરંગ 7 માં, શ્રી ધર્મદેવે કહ્યું છે :-

નરનારાયણ કૃષ્ણ હરીશા,

જન્મેઉ પુત્ર ચારુ જગદીશા;

હરિ વૈકુંઠ કૃષ્ણ ગોલોકા,

નરનારાયણ બદ્રીય ઓંકા. 6

અર્થ :- નર, નારાયણ, કૃષ્ણ ને હરિ - એ ચારેય, જગતના ઈશ્વરો મારા પુત્રરૂપે જન્મ્યા હતા. તેમાં હરિ જે 'પ્રધાનપુરુષ' કહેતાં રામચંદ્રજી તે, વૈકુંઠમાં વાસ કરીને રહ્યા છે; કૃષ્ણ ગોલોકમાં વાસ કરીને રહ્યા છે ને નર તથા નારાયણ બદરિકાશ્રમમાં વાસ કરીને રહ્યા છે 6.

આવી જ રીતે અનાદિમુક્ત ગોપાળાનંદ સ્વામીની વાતો, અનાદિમુક્ત ગુણાતીતાનંદ સ્વામીની વાતો તથા ગોપાળાનંદ સ્વામીના શિષ્ય સદ્. નિર્ગુણદાસજી સ્વામીની વાતોમાં, તેમજ શ્રીહરિચરિત્ર ચિંતામણિના મોટા-મોટા ત્રણ ભાગ છે તે સર્વેમાં અવતાર-અવતારીના ભેદની વાત વિસ્તારથી વર્ણવેલી છે.