૯. રામાનંદ સ્વામીનો આદેશ
(હરિલીલાકલ્પતરુ અનુસાર)
સ. ગુ. બ્રહ્મચારી અચિંત્યાનંદજી રચિત 'હરિલીલા-કલ્પતરુ' નામક મોટો ગ્રંથ છે. તેમાં સર્વાવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન છે, તેનું નિરૂપણ સ્થળે સ્થળે કર્યું છે. તે ગ્રંથના બીજા સ્કંધના 58 માં અધ્યાયમાંથી અવતારીપણાનું કિંચિત્ વિવેચન અત્રે જણાવીએ છીએ.
અહીં કથાનો સંબંધ આવો છે: શ્રીજીમહારાજે સાત વર્ષ પર્યંત વનમાં તપશ્ચર્યા કરી, તીર્થોને પાવન કર્યાં અને અનેક જીવોનો મોક્ષ કર્યો. વળી અધર્મનું ઉન્મૂલન ને ધર્મનું પ્રવર્તન કરતા કરતા 'લોજ' ગામે આવીને, મુક્તાનંદ સ્વામી આદિ સંત ભેળા રહ્યા. એ સમયે રામાનંદ સ્વામી ભુજમાં હતા; તેમણે પોતાના ભક્તોને પત્ર લખીને જણાવ્યું કે લોજમાં બહુ મોટા બ્રહ્મચારી આવ્યા છે તેમનાં દર્શન કરવા તમારે જવું. ત્યારે તે પત્ર વાંચીને તે ભક્તો લોજમાં બ્રહ્મચારીનાં દર્શન કરવા ગયા; પરંતુ શેખપાટના લાલજી ભક્ત જે, ભાગવતી વાસુદેવી મહાદીક્ષા લીધા પછી નિષ્કુળાનંદ સ્વામી થયા હતા, તે બ્રહ્મચારીનાં દર્શન કરવા ગયા નહિ ને ભુજ રામાનંદ સ્વામીનાં દર્શન કરવા આવ્યા. ત્યારે રામાનંદ સ્વામીએ તેમને કહ્યું કે, તમને લોજ જવાનું લખ્યું હતું ને અહીં કેમ આવ્યા? ત્યારે લાલજી ભક્ત બોલ્યા: આપ અહીં બિરાજો છો ને લોજમાં કોનાં દર્શન કરવા જઉં? ત્યારે રામાનંદ સ્વામી બોલ્યા: લોજમાં તો બહુ જ મોટા બ્રહ્મચારી આવ્યા છે, એમ કહ્યું. ત્યારે લાલજી ભક્ત રામાનંદ સ્વામીને પૂછવા લાગ્યા:-
ततोऽप्राक्षीत्स तं भूयः स तुल्यः कपिलेन किम्४५ ।
दत्तात्रेयेण हरिणा ऋषभेणाऽथवा समः ॥ 40 ॥
હે મહામુને! તે 'લોજ'માં જે બ્રહ્મચારી આવ્યા છે તે કપિલદેવજી તુલ્ય છે? દત્તાત્રેય સમાન છે? કે ઋષભદેવ ભગવાન સરખા છે? ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું કે, એમની આગળ એ અવતાર તે શું; એ તો એથી પણ મોટા છે 4. ત્યારે લાલજી ભક્તે વળી સ્વામીને પૂછ્યું :-
रामचंद्रेण किं तुल्यो वर्तते स महामुने!४६ ।
स प्राहेत्यथ तेभ्योऽपि विद्यते स भृशं बरः ॥ 41 ॥
એ બ્રહ્મચારી, રામચંદ્રજી ભગવાન તુલ્ય છે શું? ત્યારે સ્વામી તેમના પ્રત્યે બોલ્યા: હે લાલજી! તે વર્ણિરાજ તો, રામચંદ્ર આદિ સર્વે અવતારથી પણ અતિશય મોટા છે 41. ત્યારબાદ જેના મનમાં અતિ આશ્ચર્ય થયું છે એવા તે લાલજી ભક્ત ફરીથી સ્વામીને આ પ્રકારે પૂછે છે:-
स तं पुनरथाप्राक्षीदित्थं विस्मितमानसः४७ ।
अस्माकमिष्टदेवेन स किं कृष्णेन सन्निमः ॥ 42 ॥
તે બ્રહ્મચારી, આપણા ઇષ્ટદેવ જે શ્રીકૃષ્ણ ભગવાન તેમના તુલ્ય છે શું? 42. ત્યારે રામાનંદ સ્વામી લાલજી ભક્તને આ પ્રકારે કહેવા લાગ્યા:-
स इत्यथाऽवदद् भक्तं मत्तः कृष्णो यथाऽधिकः४८ ।
तथाऽत्यधिक एवेशात् तस्मादपि स विद्यते ॥ 43 ॥
હે ભક્ત! જેમ શ્રીકૃષ્ણ ભગવાન મારા થકી મોટા છે, તેમ જ લોજમાં આવ્યા છે જે બ્રહ્મચારી, તે ગોલોકધામના નિવાસી શ્રીકૃષ્ણ ભગવાન થકી પણ અતિશય મોટા છે 43.
વળી સ્વામી કહે છે:-
सर्वेषामवताराणां कारणं च परात्परः४९ ।
सोऽप्राकृतगुणैश्वर्यो विद्यते पुरुषोत्तमः ॥ 44 ॥
હે ભક્ત! એ બ્રહ્મચારી તો દિવ્યગુણ ને દિવ્ય ઐશ્વર્યવાળા છે અને ગોલોકવાસી જે કૃષ્ણ ભગવાન, બદરીવનવાસી નરનારાયણ ભગવાન તથા શ્વેતદ્વીપનિવાસી વાસુદેવબ્રહ્મ તે સર્વે અવતારના કારણ છે; અર્થાત્ એમના સુખ, સાર્મથ્ય ને પ્રકાશના દાતા છે. અને ‘परात्परः’ કહેતાં, પર જે મૂર્તિમાન અક્ષરબ્રહ્મ તે થકી પણ પર છે, એટલે પોતાના તેજ:પુંજરૂપ બ્રહ્મમાં રહ્યા છે. અને ‘पुरुषोत्तमः’ એટલે 'પુરુષ' જે મુક્તપુરુષ તેમના સ્વામી, સુખદાતા ને નિયંતા છે માટે પુરુષોત્તમ કહ્યા છે, એવા મોટા એ બ્રહ્મચારી છે; તેમનાં દર્શન કરવા તમે ગયા નહિ તે તમે મોટી ભૂલ કરી 44. આવો સર્વોપરી નિશ્ચય થયો તે પછી, સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું:-
અલૌકિક મૂર્તિ આજની, ધરી ધર્મકુમાર;
જોતાં ના'વે જોડ્યમાં, આ સમ અન્ય અવતાર.
સમર્થ મૂતિ સુખભરી, ધરી ન ધરશે કોય;
સર્વોપરી છે શ્રીહરિ, સહજાનંદ પ્રભુ સોય.
(હરિસ્મૃતિ ચિંતામણિ 7)