૧૪. અવતારીપણું - શિક્ષાપત્રી તથા તદભાષ્યાનુસાર

શિક્ષાપત્રી શ્લો. 104ના બીજા પાદમાં શ્રીહરિ લખે છે: 'જીવ, માયા અને ઈશ્વર તેમના સ્વરૂપને જે રૂડી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ.' તેમાં ઈશ્વરની વિકિત શિ. શ્લો. 108 માં શ્રીહરિ આ પ્રમાણે જણાવે છે:-

स श्रीकृष्णः परंब्रह्म भगवान पुरुषोत्तमः ।

उपास्य इष्टदेवो नः सर्वाविर्भावकारणम् ॥ 130 ॥

અને તે ઈશ્વર ક્યા? તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે. અને શ્રીકૃષ્ણ જે તે આપણા ઇષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને 'સર્વ અવતારના કારણ છે' 130.

શ્રીહરિએ આ શ્લોકમાં 'ક્યા ઈશ્વર?' એમ પૂછવાથી ઈશ્વર અસંખ્ય છે એવી સ્પષ્ટતા બતાવી છે. જો એમ ન હોય ને એક જ ઈશ્વર હોય તો ક્યા ઈશ્વર? એવો પ્રશ્ન સંભવે નહિ. વળી અમદાવાદના 7 મા વચનામૃતમાં પણ સનાતન ઈશ્વર અને આધુનિક ઈશ્વર એમ બે પ્રકારના ભેદ બતાવ્યા છે, તે કેમ સંભવે? માટે ઈશ્વર અસંખ્ય છે.

અહીં શંકા થાય કે ઈશ્વર ક્યા જાણવા? ‘नन्वीशकोटित्वात् एतादशो कोऽसौ ईशः’ શાસ્ત્રમાં પ્રધાનપુરુષ, વૈરાજપુરુષ આદિ અનંતકોટી ઈશ્વર કહ્યા છે, પણ આવા તેજ-પ્રતાપવાળા સર્વના પ્રકાશક ઈશ્વર ક્યા જાણવા? તેનો ઉત્તર એ છે : વચનામૃત, સત્સંગિજીવન, સત્સંગિભૂષણ આદિ, શ્રીજીએ રચેલ-રચાવેલ શાસ્ત્રમાં જેમને પરબ્રહ્મ પુરુષોત્તમ એવા શ્રીકૃષ્ણ ભગવાન કહ્યા છે, તેમને જ આ સ્થળે ઈશ્વર કહેલ છે.

હવે તેમાં પણ શંકા થાય કે, ‘नन्वेवंभूतानुभावः कौऽसौ कृष्णः?’ શિક્ષાપત્રીના આ 108માં શ્લોકમાં - 'શ્રીકૃષ્ણ ભગવાન' કહ્યા; તે ગોલોકધામના નિવાસી, રાધિકા-લક્ષ્મીના પતિ ને દેવકી-વસુદેવને ઘેર પ્રકટ થયા હતા અને જેમને વ્યાસજીએ ગીતા, તેમજ શ્રીમદ્ ભાગવતમાં પરબ્રહ્મ પુરુષોત્તમ આદિ નામે વર્ણવ્યા છે, એવા જે અવતારસ્વરૂપ શ્રીકૃષ્ણ ભગવાન છે તેમને જાણવા? કે ગોલોકધામથી પર અક્ષરધામના નિવાસી અને ભક્તિદેવી ને ધર્મદેવને ઘેર પ્રકટ થયા છે; તેમ જ વાસુદેવાનંદવર્ણી તથા શતાનંદમુનિ આદિ અનાદિ મુક્તોએ સત્સંગિભૂષણ, સત્સંગિજીવન આદિ શાસ્ત્રમાં જેમને પરબ્રહ્મ પુરુષોત્તમ આદિ નામે કરીને ગાયા છે, એવા અનાદિ શ્રીકૃષ્ણનામક સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણને જાણવા?

તેનું સ્પષ્ટીકરણ શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે જ પોતાને આ 108માં શ્લોકમાં ત્રણ વિશેષણ આપીને સમજાવે છે : ‘यः’ કહેતાં જે. ‘नः=अस्माभिः=भवभ्दः’ (‘नः’ છઠ્ઠી વિભક્તિમાં કર્તામાં છે). શ્રી અયોધ્યાપ્રસાદજી, શ્રી રઘુવીરજી, મુકુંદાનંદ, મુકતાનંદ તથા મયારામ ભટ્ટ આદિ સર્વે મારા આશ્રિત તમોએ ‘उपास्यः’ એટલે ઉપાસના કરવા યોગ્ય ને ઇષ્ટદેવપણે માનેલો. અને ‘सर्वाविर्भावकारणम्’ અર્થાત્ રામકૃષ્ણાદિ સર્વે અવતારનો કારણ-એવો પ્રત્યક્ષ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ હું જ છું, તે મને જ સંપ્રદાયના શાસ્ત્રમાં 'અનાદિ શ્રીકૃષ્ણ' નામે કહેલ છે.

અહીં મૂળશ્લોકમાં એમ કહ્યું છે: 'તે શ્રીકૃષ્ણ આપણા ઇષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે.' આવી રીતે શ્રી સહજાનંદ સ્વામી પોતે ભક્તપણે જે બોલ્યા છે, એ તો અનેક જીવના સમાસને અર્થે છે; પણ શ્રીહરિનો રહસ્ય અભિપ્રાય ઉપર દર્શાવ્યા મુજબ છે.

હવે અક્ષરધામનિવાસી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું 'કૃષ્ણ' એવું નામ અનાદિનું છે ને ગોલોકવાસીનું 'કૃષ્ણ' એવું નામ તો ઔપચારિક છે માટે ક્યા કૃષ્ણ જાણવા? તેનું વિશેષ સ્પષ્ટીકરણ શિક્ષાપત્રીભાષ્યમાં, શ્લો. 29ની ટીકામાં શ્રીજીસમકાલીન સિદ્ધમુક્ત શતાનંદમુનિ આ પ્રમાણે જણાવે છે:-

‘नवास्तां श्रीकृष्णस्य परब्रह्मत्वं मूलपुरुषस्य भगवतस्तु कृष्णशब्दवाच्यत्वं न घटते । द्वापरान्ते देवकीवसुदेवदेवाभ्यामा-विर्भावात्प्रागेव भगवतः कृष्णाख्यत्वे सकलं ब्रह्मवैवर्तपुराणमेव प्रमाणम् ॥

અનાદિ શ્રીકૃષ્ણ ભગવાનને (અર્થાત્ શ્રી સહજાનંદ સ્વામીને) તો પરબ્રહ્મપણું ભલે હોય; પરંતુ મૂળપુરુષરૂપ શ્રીકૃષ્ણ ભગવાનને તો, 'કૃષ્ણ' શબ્દવાચ્યપણું ઘટતું નથી; કેમ કે મૂળપુરુષ જે ભગવાન કહેવાય છે, તે તો દ્વાપરને અંતે દેવકી-વસુદેવ થકી પ્રકટ થયા; તે પછી તેમનું ગર્ગાચાર્યે 'કૃષ્ણ' એવું નામ પાડ્યું છે. માટે કોઈ એમ કહે કે, કૃષ્ણ નામની પ્રવૃત્તિ તેમના જન્મ પછી જ થઈ છે તો તે બરાબર નથી; કેમ કે અનાદિ ભગવાનનું નામ જ 'શ્રીકૃષ્ણ' છે. અને વસુદેવના ગૃહે શ્રીકૃષ્ણ પ્રકટ થયા તે પહેલાં પણ, 'બ્રહ્મવૈવર્ત' પુરાણમાં સ્થળે સ્થળે શ્રીકૃષ્ણ શબ્દનો નિર્દેશ કરેલો છે.

અહીં શંકા થાય કે, શિ. શ્લો. 112માં - 'ભગવાનના સ્વરૂપોને વિષે ભેદ ન સમજવો.' એમ કહ્યું છે તેનું કેમ સમજવું? તો અનાદિ શ્રીકૃષ્ણનામક શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવોના મોક્ષ કરવા મનુષ્યરૂપે પૃથ્વી પર વિચરતા હતા, તે સમયે મુમુક્ષુજીવોને પોતાનો નિશ્ચય કરાવવા સારુ સમાધિ કરાવતા અને તે સમાધિમાં રાધાકૃષ્ણ, નરનારાયણ, લક્ષ્મીનારાયણ આદિ રૂપે પોતે થઈને દર્શન દેતા હતા; એ જ પોતાનાં 'સંકલ્પસ્વરૂપ' અર્થાત્ સંકલ્પાવતારને શ્રીજીમહારાજે મહામંદિરોમાં પધરાવ્યા છે. આવા હેતુથી 'ભગવાનનાં સ્વરૂપોમાં' એટલે અમદાવાદ, ભુજ, વરતાલ, ગઢપુર, ધોલેરા, જૂનાગઢ, મૂળી, ધોળકા આદિ ધામોમાં મોટાં મંદિરોમાં પધરાવેલ એવા નરનારાયણ, લક્ષ્મીનારાયણ, ગોપીનાથ, રાધાકૃષ્ણ, મોરલીમનોહર, મદનમોહન આદિ સ્વરૂપોને વિષે સર્વપ્રકારે ભેદ ન સમજવો; અર્થાત્ શ્રીજીમહારાજે પોતે સામાન્ય ભક્તજનના સમસાને અર્થે પોતાના સંકલ્પે કરીને વેષાંતર ધારણ કરનાર જનોની માફક દ્વિભુજ, ચતુર્ભુજ કે સહસ્ત્રાભુજરૂપે પોતે જ દર્શન દીધાં હોય તથા આપણા મંદિરોમાં તેવાં સ્વરૂપો પધરાવેલ હોય તેમાં તથા શ્રીહરિમાં ભેદ નથી એમ સમજવું; પરંતુ ગોલોકવાસી રાધાકૃષ્ણ, શ્વેતદ્વીપવાસી વાસુદેવ, બદરિકાશ્રમવાસી નરનારાયણ ને વૈકુંઠવાસી લક્ષ્મીનારાયણ આદિ અવતારસ્વરૂપમાં અને અનાદિ શ્રીકૃષ્ણ જે અક્ષરધામાધિપતિ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ, તેમાં તો અવતાર-અવતારી એવો ભેદ છે જ, એમ સિદ્ધમુક્ત શતાનંદમુનિએ શિ. શ્લો. 29ની ટીકામાં પ્રથમ કહ્યા મુજબ સ્પષ્ટતા બતાવી છે. અને શ્રીજીએ પણ શિક્ષાપત્રીના આ 108 માં શ્લોકમાં ‘सर्वाविर्भावकारणम्’ એ પદ વડે અવતાર-અવતારીનું વિલક્ષણપણું સૂચવ્યું છે.

હવે શિ. શ્લો. 29માં કહ્યા પ્રમાણે કોઈને શંકા થાય કે, ભગવાનનું ખંડન તે શું સમજવું? તો, પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સદા દિવ્યસાકાર મૂર્તિમાન છે અને અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયના કર્તા છે, તેમને અરૂપ તથા અકર્તા કહેવા તથા તે ભગવાનની પ્રેરક શક્તિ વિના સ્વતંત્રપણે કાળ, માયા, પુરુષ, સ્વભાવ, કર્મ તે કર્તા છે એમ જે કહેવું તથા અવતાર-અવતારીને સમાન કહેવા તે ખંડન કર્યું કહેવાય છે. તે ગઢડા મધ્ય પ્ર. વચ. 9 માં કહ્યું છે: 'બીજા અવતાર જેવા અમને જાણે તો તે અમારો દ્રોહ કર્યો કહેવાય' અર્થાત્ અમારું ખંડન કર્યું કહેવાય.

અને જેમ પરશુરામ ભગવાનનું ઐશ્વર્ય રામચંદ્રજીએ લઈ લીધું ત્યારે રામચંદ્રજી, પરશુરામથી સમર્થ ને તેમના અવતારી કહેવાયા. એવી રીતે શાસ્ત્રમાં અવતાર-અવતારીના ભેદનું વર્ણન કરેલું હોય તો તે, ખંડન નહિ પરંતુ ભગવાનનું મહત્પણું-માહાત્મ્ય વર્ણવ્યું છે એમ જાણવું; અને અવતાર-અવતારી ભેદનું જે નિરૂપણ કરવું તે તો શ્રીહરિની આજ્ઞા છે; તે વરતાલના 18મા વચનામૃતમાં શ્રીહરિએ કહ્યું છે: 'રૂપને ભેદે કરીને' ઉપાસનાના ભેદ કરવા. અર્થાત્ શ્રીહરિએ છપૈયામાં પ્રકટ થઈ, પોતાનાં મતાપિતાને અક્ષરધામમાં અનંત મુક્તે સહિત પોતાનું દર્શન આપ્યું અને ગોલોકાદિક ધામોનાં પણ ધામીએ સહિત દર્શન કરાવ્યાં. વળી કાલવાણી આદિ ગામોમાં અનેક મતવાદીઓને સમાધિઓ કરાવી, ને તે સમાધિમાં શ્રીહરિએ શ્રીકૃષ્ણ, નરનારાયણ આદિ સર્વે અવતારોને પોતાને વિષે (પોતાના તેજમાં) લીન કર્યા, પણ પોતે કોઈ અવતારમાં લીન થયા નહિ, એવાં અનેક ભક્તજનોને દર્શન આપ્યાં. એવી રીતે રૂપને ભેદ કરીને ઉપાસનાના ભેદ કરવા.

હવે શિ. શ્લો. 121 માં - 'અમને પ્રિય એવું જે ધામ, તે ગોલોક છે' એમ કહ્યું છે તેનું કેમ સમજવું? તો 'ગો' શબ્દના 21 અર્થ થાય છે, તેમાં અહીં 'ગો' એટલે કિરણ અને 'લોક'નો અર્થ સમૂહવાચક લેવો; અર્થાત્ તેજના સમૂહરૂપ અક્ષરધામ તે, શ્રીહરિને પ્રિય છે એમ જાણવું; જો એમ અર્થ ન ઘટાવીએ તો, ગઢડા અંત્ય પ્રકરણના બીજા વચનામૃતમાં - 'જેવી શ્વેતદ્વીપમાં સભા છે ને જેવી ગોલોક-વૈકુંઠલોકને વિષે સભા છે ને જેવી બદરિકાશ્રમને વિષે સભા છે તેથી પણ હું આ સત્સંગીની (અર્થાત્ અક્ષરધામની) સભાને અધિક જાણું છું.' એમ ગોલોકાદિક ધામોની સભાથી પોતાની સભાને અધિક કહી છે તે કેમ સંભવે? વળી લોયા વચ. 14 માં - 'અમારા મનમાં શ્વેતદ્વીપ તથા બદરિકાશ્રમ જેવા ગમે છે, તેવા બીજા લોક ગમતા નથી.' એમ કહ્યું છે. આમાં પણ ગોલોકાદિક ધામ કરતાં શ્વેતદ્વીપ અને બદરિકાશ્રમને વખાણ્યાં છે. અને પાંચાળાના પહેલાંમાં-'ગોલોકથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે.' એમ કહ્યું છે. માટે રાધા-રમા અને ગોપી-ગોવાળોથી પરિસેવિત ગોલોકધામ થકી પૃથક્ જે તેજના સમૂહરૂપ, ને ગોલોક છે ઉપનામ જેનું એવું અક્ષરધામ તે, શ્રીહરિને પ્રિય છે એમ જાણવું. અને આ અક્ષરધામને વિષે સ્ત્રી-પુરુષ એવો ભેદ નથી; ગઢડા અંત્ય પ્ર. વચ. 38 માં કહ્યા પ્રમાણે સર્વે મુક્ત દિવ્ય પુરુષાકાર છે.

વળી તેજના સમૂહરૂપ જે આ 'ગોલોક' કહેતાં અક્ષરધામ કહ્યું તે કિરણોએ કરીને શ્રીકૃષ્ણ ભગવાનના ગોલોકધામની મધ્યે વ્યાપીને રહ્યું છે, તેથી ગોલોકના મધ્યે અક્ષરધામ કહેવાય છે; પણ તે અક્ષરધામનું અન્વયસ્વરૂપ છે. એવી રીતે આ અક્ષરધામ શ્વેતદ્વીપાદિ બીજાં ધામોમાં પણ કિરણોદ્વારે વ્યાપીને રહ્યું છે એમ જાણવું. જો એમ અર્થ ન ઘટાવીએ તો, લોયા વચ. 14 માં અક્ષરધામને તો અધોઊર્ધ્વ પ્રમાણે રહિત કહેલ છે ને ગોલોકને તો વેદરસ તથા ભક્તચિંતામણિ પ્ર. 159 માં 'પરિમિત' અર્થાત્ માપવાળું કહેલ છે. આ હેતુથી બૃહત્ એવું અક્ષરધામ પરિમિત ધામમાં કેવી રીતે સમાય? ન જ સમાય. માટે અહીં શિક્ષાપત્રીમાં તો અધોઊર્ધ્વ પ્રમાણે રહિત તેજના સમૂહરૂપ જે અક્ષરધામ, તેને જ શ્રીહરિએ ચાલોચાલ ભક્તોના સમાસને માટે 'ગોલોક' એવા નામથી સંબોધેલ છે એમ જાણવું; આ શ્રીહરિનો 'મુખ્ય સિદ્ધાંત' છે. અને રાધા-રમાથી પરિસેવિત જ ગોલોક છે તે જ શ્રીહરિને પ્રિય છે એમ જ સમજવું તે શ્રીહરિનો 'સામાન્ય સિદ્ધાંત' છે.

આવી રીતે શિક્ષાપત્રીમાંથી કોઈ અર્થ સ્વતઃ ન સમજાય તો, શિ. શ્લો. 203 માં કહ્યા પ્રમાણે 'ધર્મનો વિસ્તાર' અર્થાત્ ઉપાસના સંબંધી ભાગવતધર્મનો તથા વર્ણાશ્રમધર્મનો વિસ્તાર જાણવા માટે 'સંપ્રદાયના જે ગ્રંથ' એટલે કે વચનામૃત, સત્સંગિજીવન આદિ ગ્રંથનો અનુકલ્પ-આશ્રય લેવો, એમ શ્રીજીમહારાજે કહેલું છે. વળી શિક્ષાપત્રીના કેટલાક અર્થ પોતાની મેળે સમજાય એવા નથી. તેથી જ શ્રીહરિએ શિ. શ્લો. 36 માં નિત્યપ્રત્યે સાધુનો-સત્પુરુષનો સમાગમ કરવો. 'कार्यं सङ्गोऽन्वह सताम्' । એમ કહ્યું છે.