૧૬. નરનારાયણના મિષે શ્રીહરિનું પ્રાકટ્ય
(હરિલીલાકલ્પતરુ તથા અન્ય ગ્રંથાનુસાર)
નરનારાયણ ભગવાન, પોતાના ઇષ્ટદેવ શ્રી વાસુદેવ ભગવાનનું ધ્યાન કરે છે; તે પ્રસંગનું વર્ણન ધર્મધુરંધર આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે, હરિલીલાકલ્પતરુ સ્કં. 1, અ. 16 માં આ પ્રમાણે કરેલું છે:-
तावद्बदरिकारण्ये नरनारायणो निजम्११ ।
कृत्वा नित्यविधिं चिंते हरिं स्वेष्टमचिन्तयत् ॥ 136 ॥
તે જ સમયે બદરિકાશ્રમમાં નરનારાયણ ભગવાને, પોતાનો નિત્યવિધિ કરીને, ચિત્તમાં પોતાના ઇષ્ટદેવ શ્રી વાસુદેવ ભગવાનનું ધ્યાન કર્યું 136.
सपदि स हरिकृष्ण ईश्वरेशोऽभवदमृतः प्रकटोऽन्तिके तदीये१२ ।
जनचयभवमोचनैकतानो बहुकरुणोऽक्षरतः परोऽवतारी ॥ 137 ॥
તત્કાળ તે જ સમયે, 'અક્ષરથી પર' અર્થાત્ અક્ષરાતીતને તે સર્વના એક નિયંતા અવતારી, અનંત અતિશય કરુણાવાળા, ઈશ્વરના પણ ઈશ્વર, દિવ્ય ને મનુષ્યોના જન્મ-મરણરૂપી પાશનો નાશ કરવાનું જ કેવળ જેને એક તાન છે એવા શ્રી હરિકૃષ્ણ ભગવાન તે સમાધિમાં નરનારાયણના મનમાં પ્રકટ થયા; અર્થાત્ ધ્યાન શ્રી વાસુદેવનું કર્યું, પરંતુ શ્રીજીમહારાજે દર્શન દીધાં 137.
આ પ્રસંગનું આગળ વર્ણન કરતાં, એ જ અધ્યાયમાં વળી કહ્યું છે :-
अथ तं सपरात्परं हरिं रुचिरे चैव निषाद्य विष्टरे१९ ।
विदधे मुदितो यथोचितं स्तवनं तस्य च सत्कृतिं भृशम् ॥ 138 ॥
પછી તે નરનારાયણ ઋષિએ, પરાત્પર શ્રીહરિને સુંદર આસન ઉપર બેસાડીને, અતિ હર્ષથી તેમનું યથાયોગ્ય સન્માન કરવાપૂર્વક સ્તુતિ કરી 138. હવે શ્રી હરિકૃષ્ણ મહાપ્રભુ, નરનારાયણને કહે છે :-
एतत्कार्यं मया साध्यं विद्यते त्वेकहेतुना३३ ।
सर्वेषामवताराणां ताप्रादुर्भविताऽस्म्यहम् ॥ 139 ॥
(હરિ. કલ્પ. સ્કં. 1, અ. 16)
સર્વ અવતારોના કારણ અવતારી એવા મારાથી, આ કાર્ય સિદ્ધ થાય તેમ છે; માટે તમારા દ્વારા (તમારા મિષે) હું જ પૃથ્વીપર પ્રાદુર્ભાવ પામીશ 139.
વળી શ્રીહરિ વનવિચરણ કરતા કરતા બદરીનાથ ક્ષેત્રમાં પધાર્યા; તે પ્રસંગનું વર્ણન, હરિલીલાકલ્પતરુના બીજા સ્કંધના 38મા અધ્યાયમાં આ પ્રમાણે વર્ણવેલું છે:-
ततस्तदाऽऽगमोत्पन्नप्रभूतानन्दमानसः१८ ।
सनरो बदरीनाथः प्रायान्मूर्तस्तदन्तिकम् ॥ 140 ॥
શ્રીહરિના આગમનથી જેમને અતિશય આનંદ થયો છે, એવા નરે સહિત મૂર્તિમાન બદરીનાથ, શ્રીહરિની સમીપમાં આવ્યા 140. હવે બદરીનાથ શ્રીહરિની સ્તુતિ કરે છે :-
दिव्यब्रह्मपुराधीशः सर्वकारणकारणम् ।
भवेस्येवाक्षरपरः साक्षात्त्वं पुरुषोत्तम: ॥ 141 ॥
निमित्तीकृत्य दुर्वासःशापमुद्दिश्य मां तथा२२ ।
जातोऽस्यनन्तजीवानां त्वमात्यन्तिक मुक्तये ॥ 142 ॥
(હરિ, કલ્પ, સ્કં. 2, અ. 38)
હે હરે! દિવ્ય બ્રહ્મપુરધામના અધિપતિ, સર્વ કારણના કારણ અક્ષરથી પર, એવા સાક્ષાત્ પુરુષોત્તમ તમે જ છો 141. દુર્વાસાના શાપને નિમિત્ત કરીને તથા મને ઉદ્દેશીને, એટલે બદરીવનવાસી પ્રકટ થશે એમ સર્વેને જણાવીને, અનંત જીવોના આત્યંતિક મોક્ષ માટે તમે અક્ષર-ધામમાંથી પ્રકટ્યા છો 142.
ऋषीन्द्रैश्चापि देवेशैर्बह्मचर्यं सुदुश्चरम्२८ ।
प्रवर्तयिष्यसे भूमौ स्वप्रतापेन भूयसा ॥ 143 ॥
तदा ब्रहद्व्रतप्रेयांस्तोषं यास्याम्यहं भृशम्९ ।
प्रवर्तितं श्रमेणैतत् केवलं मे मयाऽऽश्रमे ॥ 144 ॥
(હરિ. કલ્પ. સ્કં. 2, અ. 38)
વળી હે શ્રીહરિ! ઋષીન્દ્રો તથા દેવેશોને પણ બ્રહ્મચર્યપાલન દુષ્કર છે તે તમે, તમારા અપાર પ્રતાપથી આ ભૂમિમાં પ્રવર્તાવશો 143. ત્યારે બૃહદ્વ્રત પ્રિય જેને છે એવો હું, તે અત્યંત સંતોષ પામીશ; મેં મારા આશ્રમમાં આ બ્રહ્મચર્યવ્રત અતિશય કષ્ટે કરીને પ્રવર્તાવેલું છે 144.
હવે નર તથા નારાયણ, શ્રીહરિનું પૂજન કરે છે:-
उपचारैरथ वरैस्तं संपूज्य मुदैव सः४५. ।
गन्तुमापृच्छय तं राजंस्तूर्णमन्तर्दधे ततः ॥ 145 ॥
(હરિ. કલ્પ. સ્કં. 2, અ. 38)
પછી નરે સહિત નારાયણ, અત્યંત આનંદપૂર્વક, શ્રેષ્ઠ ચંદન, પુષ્પાદિ ઉપચારોથી શ્રીહરિને પૂજિને ત્યાંથી જવા માટે, શ્રીહરિની આજ્ઞા લઈ તત્કાળ તે સ્થાન થકી અંતર્ધાન થયા 145.
વળી શ્રીજીમહારાજ વનવિચરણ કરતા કરતા બદરીકેદાર પધારે છે; તે સમયનું વર્ણન ધ. ધુ. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ, હરિલીલામૃત -કળશ 3, વિશ્રામ 4 માં આ પ્રમાણે કરે છે :-
એવે અવસરે બદરીનાથે, પૂરા હેતથી પોતાને હાથે; ધર્મપુત્રનું પૂજન કીધું, ધૂપ દીપ ને નૈવેદ્ય દીધું.
પછી આરતી હરિની ઉતારી,
સ્તુતિ સ્નેહ સહિત ઉચ્ચારી;
અહો અક્ષરપતિ મહારાજ,
ધર્યું તન ધર્મસ્થાપન કાજ.
વળી અનાદિમુક્ત સદ્. મુક્તાનંદ સ્વામીના શિષ્ય સદ્. આધારાનંદ સ્વામીએ 'શ્રીહરિચરિત્રામૃતસાગર' નામક ગ્રંથ રચ્યો છે. તેમાં શ્રીહરિ, સં. 1850ના કાર્તિક વદ 8 ના દિવસે બદરીકેદાર પધાર્યા; તે સમયે નરનારાયણ ભગવાન, શ્રીજીમહારાજનો હસ્ત ગ્રહણ કરી તેમને પોતાના આશ્રમમાં લઈ જાય છે. તે વખતે નરનારાયણદેવ, શ્રીહરિની આ પ્રમાણે સ્તુતિ કરે છે:-
તુમરે પ્રતાપ ન જાનત જોઈ,
હમકું અધિક કર માનત સોઈ;
અધિકમેં અધિક કીયેઉ આઈ,
હમકું દરશ દીયે હિત લાઈ.
અર્થ :- હે સ્વામિનારાયણ ભગવાન ! તમારો પ્રતાપ જે જાણતા નથી તે મને - નરનારાયણને તમારાથી પણ અધિક કરીને માને છે; પરંતુ મારું હિત વિચારી, તમે આજે મને તમારાં દર્શન દઈ, અધિકાધિક કૃતાર્થ કરેલ છે.
વળી એ જ ગ્રંથમાં આ પ્રમાણે વાત છે: સદ્. બ્રહ્માનંદ સ્વામી કે જેઓ પૂર્વાશ્રમમાં લાડુદાનજી નામે ઓળખાતા, તે લાડુદાનજીને ગઢપુરમાં શ્રીજીમહારાજનાં દર્શન થતાં જ સમાધિ થઈ ગઈ; પ્રથમ બદરિકાશ્રમમાં ગયા; ત્યાં નરનારાયણ દેવે તેમને પોતાની પાસે બેસાડી, ગઢડામાં શ્રીજીમહારાજ સભામાં વિરાજી જે ચરિત્રો કરે છે તેની વાત પૂછી; તે લાડુદાનજીએ કહી. પછી લાડુદાનજીએ પૂછ્યું : 'તે શ્રીજી તમે છો?' ત્યારે નારાયણે કહ્યું : અમારા જેવા તો તેમને અનંત છે. (પુર. 204, તરંગ 12)
વળી શ્રીહરિ અક્ષરધામમાંથી પધાર્યા છે છતાં, શ્રીહરિને ગોલોકવાસી તથા બદરિકાશ્રમવાસી કહેવાય છે; તેનું કારણ એ છે કે, શ્રીજીમહારાજ ગોલોક, બદરિકાશ્રમ આદિ ધામોમાં દર્શન દઈને પૃથ્વી ઉપર પધાર્યા છે, માટે તે તે નામની પણ ઉપમા અપાય છે. તે શ્રીજી સમકાલીન અનાદિમુક્ત સદ્. બ્ર. વૈષ્ણવાનંદ સ્વામીએ 'પુરુષોત્તમ-વિવાહ' ના બીજા પદમાં આ પ્રમાણે સમજાવ્યું છે:-
અશ્રરધામથી જાન આવી, મુક્ત જાનૈયા તે માંય;
ગોલોકથી શ્વેતદ્વીપમાં, પછી રહ્યા બદ્રીમાંય. 5
બદ્રીથી આવીને ઊતર્યા. હરિ ધર્મ ભક્તિને ઘેર;
વેશ વરણાગી કર્યો, કહે વૈષ્ણવાનંદ એ પેર. 6
વળી પુરુષોત્તમવિવાહના 11મા પદમાં વૈષ્ણવાનંદ સ્વામી લખે છે:-
સર્વે અવતારના અવતારી,
સેવે ચતુર્વ્યૂહ જેને પ્યારી.... 2
અક્ષરાતીત મુક્ત અપાર,
પૂજે ચરણકમળ જેનાં સાર.....3
મહાકાળ અને માયા મૂળ,
પુરુષ અક્ષરબ્રહ્મ અતુલ;
સેવે શંકીત સર્વે અકામી,
કહે વૈષ્ણવાનંદ તે હું પામી....4
ભાવાર્થ : - સર્વ અવતારના અવતારી જે શ્રીહરિને 'નર, નારાયણ, હરિ અને કૃષ્ણ' - ચતુર્વ્યૂહ પ્રેમથી સેવે છે; તથા સાકાર અક્ષરથી પર એવા જે પરમ એકાંતિક મુક્તો છે તેપણ જેમનાં ચરણકમળ પૂજે છે, તેમજ મૂળમાયા, મૂળપુરુષ જે શ્રી કૃષ્ણ, મહાકાળ તથા 'અતુલ' એટલે સૃષ્ટિકાર્યમાં તેમના જેવા કોઈ નહિ, એવા અક્ષરબ્રહ્મ તે પણ જેમને સેવે છે, એવા શ્રી સહજાનંદ સ્વામીને વૈષ્ણવાનંદ સ્વામી કહે છે કે, હું પામ્યો છું.