૧૦. અવતારીપણું - સત્સંગિજીવનાનુસાર
સર્વથી પર શ્રીજીમહારાજના તેજનો સમૂહ છે તેમાં સદા વિરાજમાન ને દિવ્યસાકાર દ્વિભુજ મૂર્તિ, મહા સુખમય, અતિશય તેજોમય, મુક્ત-નિત્યમુક્તના સ્વામી, સુખદાતા ને નિયંતા અને વારાહ-નૃસિંહાદિક સર્વ અવતારના અવતારી જે શ્રીકૃષ્ણ, નરનારાયણને વાસુદેવ છે, તેમના પણ અવતારી અને તેમને સુખ, સાર્મથ્ય, પ્રકાશ, ઐશ્વર્ય વગેરેના પ્રદાતા, તેમના નિયંતા તથા અક્ષર, કાળ, મહાપુરુષ ને મહામાયા - એમના દ્વારે અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલયરૂપ છે લીલા જેમની, તેમ જ અનંત નામના નામી, સર્વના સ્વામી અનંત સ્વરૂપના સ્વરૂપી એવા શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ છે; તે વૈરાજબ્રહ્માની અર્ધી આયુષ્ય પૂરી થઈ ત્યારે, બ્રહ્માંડમાં મનુષ્યલોકમાં એકવાર મનુષ્યરૂપે પોતે પ્રકટ થયા છે. આ વાત શ્રીહરિએ બે શ્લોકે કરીને સ. જી. પ્ર. 3, અ. 24માં આ પ્રમાણે કહેલી છે:-
निःश्रेयसाय जीवानां श्रीविष्णुर्भगवान्स्वयं१० ।
आविर्भवति भूलोके स्वतंत्रः करुणानिधिः ॥ 45 ॥
नरनारायणो दत्त ऋषभः कपिलादयः११ ।
रामकृष्णादयश्चास्याऽवतारीः सन्ति भूरिशः ॥ 46 ॥
'સ્વતંત્ર' એટલે પોતાના અક્ષરધામમાં રહ્યા થકા જ અનંતકોટી બ્રહ્માંડમાં તથા મૃત્યુલોકમાં, મનુષ્યરૂપે દર્શન દેવા અને ભક્તના આત્યંતિક મોક્ષ કરવા સમર્થ; ને ‘करुणानिधिः’ એટલે એકાંતિક ભક્તના મનોરથ પૂરા કરવા, તેમ જ તેમને સુખ આપવા સારુ મનુષ્યરૂપે પ્રકટ થતા એવા કૃપાના નિધિ; ને ‘विष्णुः’ કહેતાં, રામકૃષ્ણાદિક સર્વે અવતારોમાં પોતાના પ્રકાશનાં કિરણોથી પ્રવેશ કરીને, અવતારોને પ્રકાશ-ઐશ્વર્યના પ્રકાશક, એવા સ્વયં ભગવાન જે શ્રી સ્વામિનારાયણ, તે જ પોતે જીવોના, ‘निःश्रेयसाय’ એટલે, જીવોને પોતાના અક્ષરધામમાં લઈ જઈને પોતાના સ્વરૂપનો આનંદ અનુભવ કરાવવો, તે રૂપી આત્યંતિક મોક્ષ પ્રાપ્ત કરવા અને એકાંતિક ધર્મનું પ્રવર્તન કરવા, મનુષ્યલોકમાં પ્રકટ થાય છે. તે સ્વયં પ્રત્યક્ષ વિષ્ણુ ભગવાન તે, હું સ્વામિનારાયણ છું; તે મારા નરનારાયણ, ઋષભદેવ, દત્તાત્રેય, કપિલાદિ તથા રામકૃષ્ણાદિ ઘણાક અવતારો થયા છે ને વળી થશે, તે સર્વે અવતારોનો અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન તે હું છું, આ રહસ્ય જાણવા કોઈ સમર્થ નથી; પરંતુ તે શ્રીહરિની કૃપાના પાત્ર મુક્તપુરુષ છે તેઓ જ તેને જાણે છે 45-46.
શ્રીહરિ વળી બદરિકાશ્રમ કે ગોલોકમાંથી પધાર્યા નથી; પરંતુ અક્ષરધામમાંથી પધાર્યા છે. તે સ. જી. પ્ર. 4, અ. 46માં કહ્યું છે:-
स हि नारायणः स्वामी घाम्नः स्वादक्षरात्परात्३४ ।
आविर्बभूव भूलोके न्राकृति श्रेयसे नृणाम् ॥ 47 ॥
ધર્મવંશી આચાર્ય, શિષ્યને આમ ઉપદેશ કરે છે : શ્રી સ્વામિનારાયણ ભગવાન, મુમુક્ષુ જીવોના મોક્ષ કરવા માટે, મનુષ્યરૂપે અક્ષરથી પર એવા પોતાના અક્ષરધામમાંથી. મનુષ્યલોકમાં પ્રકટ થયા છે 47. તેમ જ સ. જી. પ્ર. 1, અ. 1માં સુવ્રતમુનિ પ્રતાપસિંહ રાજા પ્રત્યે કહે છે :-
जातोऽभूत्सांप्रतं भूमौ कोसलेषूत्तरेषु सः५४ ।
भक्तौ धर्माद्धरिरिति प्रसिध्दः सारवो द्विजः ॥ 48 ॥
આ પૃથ્વી ઉપર, ઉત્તર કોસલદેશમાં સરવરિયા વિપ્રજ્ઞાતિમાં પ્રકટ થયેલા એવા ધર્મદેવથકી, તેમનાં પત્ની ભક્તિદેવીને વિષે, અક્ષરધામાધિપતિ શ્રી પુરુષોત્તમ ભગવાન આ વર્તમાનકાળે પ્રકટ થયા છે ને હરિ, કૃષ્ણ, હરિકૃષ્ણ ને સ્વામિનારાયણ એ નામે પ્રસિદ્ધ છે 48.
વળી સિદ્ધમુક્ત શતાનંદમુનિ, એ જ પ્રકરણ ને અધ્યાયમાં શ્રીહરિની સ્તુતિ કરે છે:-
देवानामपि यो देव ईश्वराणां तथेश्वरः९ ।
कालस्यापि हि यः कालः कारणानां च कारणम् ॥ 49 ॥
स एव साक्षाभ्दगवान् स्वामिनारायणाख्यया१२ ॥ 50 ॥
જે ભગવાન, 'બ્રહ્માદિક દેવોના પણ દેવ' અર્થાત્ તેમને ઉપાસ્ય છે તથા પ્રધાનપુરુષ અને મૂળપુરુષાદિક ઈશ્વરોના ઈશ્વર છે. કાળના પણ કાળ છે ને સૃષ્ટિકાર્યના કારણ મૂળઅક્ષરાદિક, તેમ જ મોક્ષના કારણ, મુક્ત તથા નિત્યમુક્ત છે તેમના પણ કારણ છે 49. તે જ ભગવાન હાલમાં સ્વામિનારાયણ નામે પ્રસિદ્ધ છે; તે ભગવાન આ 'સત્સંગિજીવન' ગ્રંથ રચવામાં, મારી વિઘ્નોથકી રક્ષા કરો 50.
સ. જી. પ્ર. 2, અ. 44 માં, શાસ્ત્રીઓ શ્રીહરિની સ્તુતિ કરે છે:-
श्वेतद्वीपे च वैकुंठे गोलोके ब्रह्मपत्तने९० ।
महावैकुंठलोके च बदर्यां क्षीरसागरे ॥ 51 ॥
अधुना तु वयं स्वामिन् ! सर्वकारणकारणम्९३ ॥
समाधिनिष्ठवचनैर्विद्म त्वामेकमेव हिः ॥ 52 ॥
स्वामिनारायण! विमो ! करिष्यामो वयं सदा९४ ।
तवैव कृष्णसंज्ञस्य भक्तिं नवविधामपि ॥ 53 ॥
હે સ્વામિનારાયણ! હે વિભો! હે સ્વામિન્! શ્વેતદ્વીપ ધામને વિષે જે તમારા અવતારસ્વરૂપ રહ્યાં છે, તેમને જ અમે કારણ સ્વરૂપ સમજતા હતા; પણ અત્યારે સમાધિમાં, એ ગોલોકાદિક ધામમાં રહેલા તમારા અવતાર તેમનાં દર્શન કરીને સમાધિ થકી કેટલાક ભક્ત જાગ્રત થયા; તેમણે (અમને) કહ્યું કે, એ ધામમાં જે કારણરૂપ અવતાર રહ્યા છે, તે કારણના પણ કારણ આ સ્વામિનારાયણ ભગવાન છે; અર્થાત્ જે કારણ હોય તે પોતાના કાર્યમાં વ્યાપીને રહે ને તેથી જુદા પણ રહે; માટે સર્વ કારણના કારણ પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ તમે છો; એટલે અન્વયરૂપે સર્વ ધામમાં, સર્વ અવતારસ્વરૂપે તમે જ રહ્યા છો અને વ્યતિરેકરૂપે તમારા અક્ષરધામમાં રહો છો. એ હેતુથી હવે અમે, પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ જે શ્રી સ્વામિનારાયણ તમે છો, તે તમારી જ ભક્તિ કરીશું 51-53.
અનાદિમુક્ત સદ્. મુકુન્દાનંદવર્ણી સ. જી. પ્ર. 3, અ. 17 માં શ્રીહરિની સ્તુતિ કરે છે:-
मात्स्यं कूर्मं वराहं कपिलमथ हरिं वासुदेवं च वैन्यं२
दत्तात्रेयं च हंसं नरहरिमृषभं वामनं पर्शुरामम् ।
यज्ञं रामं कुमारं हयशिरसमथो नारदं राजराजं
व्यासं कृष्णं च बुद्धं धृतपुरूवपुषं नौमिनारायणं त्वाम् ॥ 54 ॥
હે ભગવન્! અનંત શરીરો, મૂર્તિઓ, અવતારોને ધારણ કરનારા એવા ધર્મદેવના પુત્ર; અથવા તો મુક્તસમૂહના આશ્રયભૂત નારાયણ એવા તમોને હું નમસ્કાર કરું છું; જે તમો મત્સ્ય, કચ્છ, વરાહ, કપિલ, હરિ, વાસુદેવ, પૃથુ, દત્તાત્રેય, હંસ, નૃસિંહ, ઋષભ, વામન, પરશુરામ, યજ્ઞ, રામ, કુમાર, હયગ્રીવ, નારદ, રાજરાજ, કૃષ્ણ અને બુદ્ધ આદિ અવતારોને ધારણ કરો છો; અર્થાત્ તમે અવતારી છો અને તમારી ઇચ્છાથી જ તે તે અનંત અવતારોને, તમારી શક્તિ દ્વારા ધારણ કરો છો 54.