૧૧. અવતારીપણું - સત્સંગિભૂષણાનુસાર
સ. ભૂ. અંશ 4, અ. 22 માં, સદ્. મુક્તાનંદ સ્વામી તથા સદ્. બ્રહ્માનંદ સ્વામી શ્રીજીમહારાજની સ્તુતિ કરે છે :-
धृताः कत्यवतारास्तेऽग्रेऽवतारान् भवान्कति ४१ ।
धर्ता कत्यधुना संत्यवराताश्चात्र ते स्थिताः ॥ 55 ॥
हरिकृष्णावतारोऽयं सर्वेभ्योऽत्यधिकस्तव४२ ।
तभ्योऽपि तत्समो नैव तस्य तत्कारणत्वतः ॥ 56 ॥
હે હરિકૃષ્ણ શ્રી સહજાનંદ સ્વામી ! તમે પૂર્વકાળમાં નરનારાયણ, રાધાકૃષ્ણાદિક કેટલાક અવતાર ધારણ કર્યા છે. (कति अवतारा धृताः) અને હે હરે! ભવિષ્યકાળમાં તમે કેટલાક અવતારોને ધારણ કરશો. (भवान् कति अवतारान्) અને હે સ્વામિન્! વળી વર્તમાનકાળે તમારા અવતારો આ સત્સંગમાં છે; (ते अवताराः अधुना अत्र स्थिताः संति) અર્થાત્ તમારી ઇચ્છાથી તે અવતારો મનુષ્યરૂપે સત્સંગમાં પ્રકટ થયા છે. તે સર્વે અવતારો થકી (तेभ्यः सर्वेभ्यः अपि)’ તમારો આ 'હરિકૃષ્ણ' નામક અવતાર અતિ અધિક છે (तव अयं हरिकृष्ण अवतार अत्यधिकः); તમારા તુલ્ય (तत्समः), અન્ય અવતારો છે જ નહિ (नैव). તમને (तस्य), શ્રીકૃષ્ણ-નરનારાયણાદિ અવતારોનું કારણપણું છે (तत्कारणत्वतः) એટલે તમે સર્વે અવતારોના (तेषाम्), સુખ, સાર્મથ્ય ને પ્રકાશના દાતા છો. વળી સર્વે મુક્તના સ્વામી, સુખદાતા ને નિયંતા છો; તે તમે પ્રસન્ન થઈને, અમને તમારા ભેગા રાખો 55-56. વળી એ જ અંશના અ. 25માં કહ્યું છે:-
नृदेवपशुयादःसु धृतानां त्वमनेकशः13 ।
रामकृष्णादिरुपाणां धर्तास्येव पृथुश्रवः ॥ 57 ॥
હે વિશાળ યશવાળા શ્રીહરે! મનુષ્યમાં દત્ત-કપિલાદિરૂપે, દેવમાં વામનાદિરૂપે, પશુમાં વરાહાદિરૂપે અને જળચરમાં મચ્છકચ્છાદિરૂપે ધારણ કર્યા એવા જે અનેક અવતાર તેના; તથા રામ, કૃષ્ણ ને નરનારાયણાદિક રૂપના; એટલે એ અવતારસ્વરૂપના ધારણ કરનાર (અવતારી) તમે જ આ પ્રકટ શ્રીહરિકૃષ્ણ છો 57.
વળી નરનારાયણ ભગવાનના કારણ અવતારી શ્રીજી મહારાજ છે અને તે અક્ષરધામના નિવાસી છે; પરંતુ પોતે બદરિકાશ્રમવાસી નથી, એમ સ. ભૂ. અંશ 2, અ. 64 માં શ્રીહરિ સ્વયં કહે છે :-
नरनारायणादीनी रुपाणि हि निजेच्छया८ ।
धरामि निर्गुणान्येव जीवकल्याणहेतवे ॥ 58 ॥
अहं दिव्ये ब्रह्मपुरे वसामि मूर्तिमान् सदा५ ।
दिव्यदेहोऽमितेश्वर्यः कोटिमुक्तगणैर्वृतः ॥ 59 ॥
સર્વ અવતારનો અવતારી એવો હું શ્રી સ્વામિનારાયણ છું, તે હું મારી ઇચ્છાએ કરીને જીવોના મોક્ષાર્થે, નિર્ગુણ એવા નરનારાયણાદિ અવતારોને ધારણ કરું છું 58. વળી કોટી મુક્તના સમૂહથી વીંટાયેલો અમિત ઐશ્વર્યવાળો, દિવ્યસ્વરૂપ ને મૂર્તિમાન એવો હું શ્રી સ્વામિનારાયણ, તે મારા દિવ્ય બ્રહ્મપુર ધામમાં નિવાસ કરીને રહ્યો છું 59.
વળી એ જ અંશ ને એ જ અધ્યાયમાં શ્રીજી કહે છે:-
अतः सर्वे स्वस्वधर्मे स्थिताः संतो हि कारणम्१० ।
अवताराणां सर्वेषां ज्ञात्वा मां भजतादताः ॥ 60 ॥
હે ભક્તજનો! સર્વ અવતારમાં અન્વયપણે પ્રવેશ કરીને, તે તે અવતારકાર્ય કરનારો હું જ છું. એ હેતુ માટે મારા આશ્રિત તમે સર્વે તે, પોતપોતાના ધર્મમાં રહી, રામકૃષ્ણ ને નરનારાયણાદિક જે સર્વે અવતાર તેમનો કારણ અવતારી મને જાણીને આદરપૂર્વક મને ભજો 60.
સ. ભૂ. અંશ 2, અ. 5 માં, શ્રી વ્યાપકાનંદ સ્વામી જ્યેષ્ઠજીત રાજાને કહે છે:-
सोऽप्यपाद्यंग तन्मूतौ लयं तदाऽभयो नृपः३२ ।
द्दष्ट्वा तत्कारणं तं स्वं पूर्णकामममन्यत ॥ 61 ॥
અહીં પૂર્વશ્લોક સાથે આવો સંબંધ છે: શ્રીહરિ, અભયરાજાને, મનુષ્યરૂપ પોતાની મૂર્તિથકી પ્રકટ કરેલા અને કરોડો સૂર્યની કાંતિથી પણ અધિક કાંતિવાળા, રામકૃષ્ણ તથા મત્સ્યાદિ અવતારોને દેખાડતા હતા પછી તે શ્રીહરિની ઇચ્છાથી, રામકૃષ્ણ તથા મત્સ્યાદિ અવતારો તે શ્રીહરિની મૂર્તિમાં જ્યારે લીન થયા, ત્યારે અભયરાજા તે રામકૃષ્ણાદિ સર્વે અવતારોના પણ કારણ, એવા કારણ મૂર્તિ 'શ્રી સ્વામિનારાયણ' ભગવાનને જોઈ પોતાને પૂર્ણકામ માનવા લાગ્યા 61.
વળી સ. ભૂ. અંશ 5, અ. 14 માં કહ્યું છે:-
मीनः कच्छप सूकरौनरहरीरामास्त्रयो वामनो५
व्यासः सत्यवतीसुतश्च कपिलः कृष्णश्च बुध्दः पृथुः ।
कल्किः पुण्ययशाश्च दत्तऋषभोऽप्यन्येऽवताराइतो ।
जायंतेऽगणिताविशति पुनरेतेऽत्रैवतेऽस्यास्तनो : ॥ 62 ॥
ज्ञात्वा तद्वयमीशितोऽशुभहरं तत्कारणां त्वामिमां६
त्वन्मूर्तिं पुरुषोत्तमं प्रियतमां स्वेषां च भाषामहे ॥ 63 ॥
મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહ, રામચંદ્ર, પરશુરામ, બળરામ, વામન, સત્યવતી પુત્ર વ્યાસ, કપિલ, શ્રીકૃષ્ણ, બુદ્ધ, પૃથુ, પવિત્ર કીર્તિવાળા કલ્કિ, દત્તાત્રેય, ઋષભદેવ અને બીજા પણ અગણિત અવતારો, તમારી આ મૂર્તિમાંથી જ પ્રાદુર્ભાવ પામીને પાછા આ મૂર્તિમાં જ અર્થાત્ મૂર્તિના તેજમાં જ લીન થઈ જાય છે 62. તે હેતુ માટે હે સર્વ નિયંતા પ્રભો! તમારી આ મૂર્તિને, સ્વભક્તોને અતિ પ્રિય તથા રામકૃષ્ણાદિક અવતારોની કારણભૂત જાણી, તમને અમે સર્વે પાપહર પુરુષોત્તમ કહીએ છીએ 63.
'આદરજ' ગામમાં સદ્. મુક્તાનંદ સ્વામી વગેરે સંતો શ્રીહરિની પ્રાર્થના કરે છે. તે સ. ભૂ. અંશ 4, અ. 22 માં કહ્યું છે:-
शास्त्राणि जीवं नरमक्षरं यं कूटस्थमांहुः प्रकृतेः परं च३३ ।
नारायण ब्रह्मविभो पुमांसं शुद्धं महापुरुषमव्ययं यं ॥ 64 ॥
लब्धभूतिर्भवतो लयां ते प्रधानपुंसां निजपत्न्यजायाः३४ ।
सृजत्यनेकांडभवायकोटीस्तस्याप्यनेकाः फलदोऽस्ति नान्यः ॥ 65 ॥
હે સર્વવ્યાપક શ્રીહરે! જે 'મહાપુરુષને' અર્થાત્ શ્રીકૃષ્ણને વેદાદિક શાસ્ત્રો પરમાત્મા, ઈશ્વર, નિત્યમુક્ત, નિર્વિકાર અને પ્રકૃતિ થકી પર પુરુષ, એ આદિ શબ્દોથી કહે છે તથા જે મહાપુરુષ શ્રીકૃષ્ણને નારાયણ, ગુણાતીત, નિર્મળ, અવિનાશી તથા બ્રહ્મસ્વરૂપ કહે છે, તે મહાપુરુષ પણ તમારી પાસેથી જ પ્રાપ્ત કરેલ છે ઐશ્વર્ય જેમણે એવા થકા, પ્રલયના અંતે અનેક બ્રહ્માંડોની ઉત્પત્તિ કરવાને અર્થે પોતાના પત્ની મૂળમાયા દ્વારા, પ્રધાનપુરુષોની અનંત કોટીઓ સર્જે છે; તે મૂળમાયાના પતિ મહાપુરુષને પણ તમે જ એક ફળપ્રદાતા છો; બીજો કોઈ નથી 64-65.