પ્રસ્તાવના

શિ. લો. ૧૦૮ માં શ્રીજીમહારાજે એમ કહ્યું છે કે, તે ઈશ્વર ક્યા? કારણ કે, ગઢડા પ્રથમ પ્રકરણ વચ. ૭ માં, પાંચ ભેદ અનાદિ કહ્યા છે; તેમાં અક્ષરબ્રહ્મ તથા પુરુષોત્તમને, ઈશ્વરથી પર ગણ્યા છે. વળી ગઢડા અંત્ય પ્ર. ૩૮ માં વચનામૃતમાં, શ્રીહરિએ પોતાને ઈશ્વરના પણ ઈશ્વર ને સર્વ અવતારના અવતારી કહેલા છે.

આવી રીતે શાસ્ત્રના ભિન્નિભન્ન શબ્દ સાંભળીને સમજણમાં ઠા રહેતો નથી. તે ગઢડા પ્રથમ પ્રકરણ વચ. ૭ માં જ કહ્યું છેઃ ‘શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી ને ભ્રમી જવાય છે.’ અર્થાત્‌ શ્રીજીમહારાજની અથવા તેમના મુક્તની કૃપા થયા વિના કોઈને અધ્યાત્મ વાર્તા સમજાતી નથી.

ગઢડા અંત્ય પ્રકરણના બીજા વચનામૃતમાં પણ કહ્યું છેઃ ‘જેને સત્સંગ થતાં થતાં એવું અંગ બંધાઈ જાય છે તેવું ને તેવું જ સદાય રહે છે.... અને સત્સંગે કરીને તે અંગની પુષ્ટિ તો થાય; પણ અંગ તો તેનું તે જ રહે છે અને જ્યારે જેને જે અંગ બંધાય છે ત્યારે અંગ બંધાતા એનું ચિત્ત વિભ્રાંત જેવું થઈ જાય છે.’

હવે એ વિભ્રાંતિ ટાળવાને માટે, શ્રીજીમહારાજે તથા શ્રીજી સમકાલીન સંતોએ, શાસ્ત્રમાં ઘણા સ્થળે નિર્દેશ કરેલો છે, જેમ કે, શ્રીજીમહારાજ, ‘સર્વે અવતારના કારણ અવતારી છે; સર્વોપરી છે; ઈશ્વરના પણ ઈશ્વર છે’- એવું વર્ણન શાસ્ત્રમાં આવે; અને જેમ પરશુરામ ભગવાનનું ઐશ્વર્ય, રામચંદ્રજીએ લઈ લીધું ત્યારે રામચંદ્રજી, પરશુરામથી સમર્થ ને તેમના અવતારી કહેવાયા; એવી રીતે શાસ્ત્રમાં અવતાર-અવતારીના ભેદનું વર્ણન કરેલું હોય તો તે, ભગવાનનું મહત્પણું - માહાત્મ્ય વર્ણવ્યું છે એમ જાણવું; પરંતુ ખંડન કર્યું છે એમ ન જાણવું. અને અવતાર-અવતારી ભેદનું જે નિરૂપણ કરવું તે તો શ્રીહરિની આજ્ઞા છે; તે વડતાલના ૧૮મા વચનામૃતમાં કહ્યું છે કે, ‘રૂપને ભેદે કરીને’ ઉપાસનાના ભેદ કરવા; પરંતુ ‘સ્થાનકને ભેદે કરીને’ ઉપાસનાના ભેદ ન કરવા.

વળી ‘હરિવાક્યસુધાસિંધુ’ ગ્રંથની ટીકા કરનાર શ્રી શુકાનંદ સ્વામીએ, ટીકાની સમાપ્તિમાં જે લોકો મૂક્યા છે તેમાં ૨૪ મા લોકમાં તથા ‘હરિલીલાકલ્પતરુ’ સ્કં. ૨, અ. ૪૯, લો. ૮ માં શ્રીજીમહારાજને તથા બીજા અવતારને જે તુલ્યપણે જાણે છે તેમને મંદબુદ્ધિવાળા કહેલા છે. માટે ‘આ અવતારથી આ અવતાર મોટો છે’ એમ જે કહેવું તે તો શાસ્ત્રમાં અનાદિની રીતિ છે. તે શ્રીમદ્‌ભાગવત દશમ સ્કંધ અ. ૪૧, લો. ૪૬ માં તથા એ જ સ્કંધના ૧૦ મા અધ્યાયના ૩૫ મા લોકમાં શ્રીકૃષ્ણને, શ્રી વ્યાસજીએ, વાસુદેવ ભગવાનના અંશાવતાર કહેલા છે. આવી જ રીતે વાસુદેવમહાત્મ્યમાં તથા મહાભારતમાં પણ નરનારાયણ તથા શ્રીકૃષ્ણ ભગવાનના મૂળકારણ વાસુદેવ ભગવાનને કહેલા છે.

ગઢડા મધ્ય પ્ર. ૯ મા વચનામૃતમાં પણ શ્રીહરિએ કહ્યું છેઃ ‘બીજા અવતાર જેવા અમને જાણે તો તે, અમારો દ્રોહ કર્યો કહેવાય. (અર્થાત્‌ અમારું ખંડન કર્યું કહેવાય).’

વળી લોયાના ૧૧ મા વચનામૃતમાં કહ્યું છેઃ ‘પોતાને મળી જે મૂર્તિ તેને મૂકીને તેના જ પરોક્ષ અવતાર થયા છે તેનું જો ધ્યાન કરે તો, તે ભગવાન વિના બીજા જે દેવ-મનુષ્યાદિક આકાર છે તેનું પણ ધ્યાન કરે.’ અર્થાત્‌ પૂર્વે થયેલા અવતારનું ધ્યાન ન કરવું.

લોયાના ૧૨ મા વચનામૃતમાં પણ શ્રીહરિને કહેવાનો આશય એ છે કે, અમને શ્રીકૃષ્ણ જેવા જાણીને ભજે તો, તે કનિષ્ઠ નિર્વિકલ્પ નિચયવાળો ભક્ત જાણવો. વળી અમદાવાદના ૭ મા વચનામૃતમાં વૈકુંઠ પણ અસંખ્ય કહેલાં છે.

* * *

અને તે વૈકુંઠના સુખથી શ્રીકૃષ્ણ ભગવાનના ગોલોકધામનું સુખ-અધિક છે, ને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ, અતિ અધિક છે. - એમ પંચાળાના પહેલા વચનામૃતમાં કહેલું છે.

ગઢડા અંત્ય પ્રકરણના બીજા વચનામૃતમાં - ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ અને બદરિકાશ્રમ આદિ ધામોની સભાથકી પણ ‘આ સત્સંગીની’ અર્થાત્‌ અક્ષરધામની સભા અધિક છે, એમ શ્રીહરિએ સમ ખાઈને કહ્યું છે. વળી આ ગોલોકાદિક ચાર ધામ ગણાવ્યાં તેમાં પણ બે ધામ શ્રીહરિને વધારે પ્રિય છે; તે લોયાના ૧૪ મા વચનામૃતમાં કહ્યું છેઃ ‘અમારા મનમાં શ્વેતદ્વીપ તથા બદરિકાશ્રમ જેવા ગમે છે તથા બીજા લોક (એટલે ગોલોકાદિક ગમતા નથી.)’ અને શિક્ષાપત્રીમાં અમને પ્રિય એવું ‘ગોલોકધામ’ જે લખ્યું તે તો ચાલોચાલ ભક્ત તથા નવા મુમુક્ષુને પ્રિય લાગે, તેથી અક્ષરધામ ને ‘ગોલોક’ એવું ઔપચારિક ઉપનામ આપ્યું છે, પણ શિક્ષાપત્રીના અર્થ પોતાની મેળે ન સમજાય એટલા સારુ જ શિ. લોક. ૩૬ માં નિત્યપ્રત્યે સાધુનો - સત્પુરુષનો સમાગમ કરવોઃ ‘काय सगोऽन्वहं सताम् ।’’ એમ શ્રીહરિએ કહ્યું છે.

આવી રીતે ભગવાનનો મહિમા સમજવો તે ઘણો દુષ્કર છે. તે શ્રુતિમાં કહ્યું છેઃ 'यता वाचो निवर्तंते अप्राप्य मनसा सह ।।'’ ભગવાનને ઓળખવામાં મન અને વાણી પહોંચતાં નથી. વળી પ્રથમ પ્ર. વચ. ૬૩ માં કહ્યું છેઃ ‘વિરાટપુરુષની નાભિમાંથી થયું જે કમળ, તેના નાળમાં બ્રહ્મા સૌ વર્ષ લગી ચાલ્યા પણ તેનો અંત ન આવ્યો. જ્યારે સમર્થ એવા બ્રહ્મા પણ, કમળકંદ જેવી નિજીર્વ વસ્તુને પાર ન પામી શક્યા તો, પ્રથમ પ્ર. વચ. ૭ માં કહેલ ચૈતન્યવર્ગમાં જે ‘પાંચ ભેદ’ કહેતાં, (૧) પ્રધાનપુરુષ સુધી જીવકોટી, (૨) માયાકોટી, (૩) મૂળપુરુષરૂપ, ઈશ્વરકોટી ને (૪) ‘બ્રહ્મ’ કહેતાં, બ્રહ્મકોટી તથા અક્ષરકોટી અને પાંચમા પરબ્રહ્મ તથા પરબ્રહ્મના મુક્તો, તેમના મહિમાને તો કોણ પાર પામી શકે ? પરંતુ પ્રથમ પ્ર. વચ. ૫૪માં - ‘प्रसंगमजरंपाशम्’’ તથા મધ્ય પ્ર. વચ. ૫૪ માં - ‘'यस्यात्मबुद्धि:'’ એ બે લોકમાં કહ્યા પ્રમાણે જેને આત્માપરમાત્માના સાક્ષાત્કારવાળા, અભિજ્ઞ એવા સત્પુરુષને વિષે આત્મબુદ્ધિ થાય, તો તેનું મોક્ષદ્વાર ઊઘડી જાય તેમાં પૂછવું જ શું ? ને તે જ ભગવાનનો મહિમા યથાર્થ સમજી શકે છે. યુધિષ્ઠિર રાજાની પેઠે કેવળ શાસ્ત્રના વચનનો વિશ્વાસ હોય તેમને ભગવાનનું સ્વરૂપ યથાર્થ સમજાતું નથી. નારદજી સાત મન્વંતર સુધી ગાનવિદ્યા શીખ્યા તો પણ તે વિદ્યા ન આવડી. પછી જ્યારે તુંબરુ પાસે શીખ્યા ત્યારે ગાનવિદ્યા આવડી. એમ બ્રહ્મવિદ્યા પણ કેવળ શાસ્ત્ર થકી નહિ પરંતુ, અભિજ્ઞ એવા સત્પુરુષની કૃપાથી જ સમજાય છે; છતાં પણ આ પુસ્તિકામાં અવતાર-અવતારી ભેદનો નિર્દેશ શાસ્ત્રાભ્યાસીઓને સમજવા માટે, શાસ્ત્રાનુસારે કરવાનો પ્રયત્ન કર્યો છે.

આ ‘અવતાર-અવતારી ભેદ’ લખવાનું કારણ એ છે કે, જો સ્વરૂપનિષ્ઠામાં ખામી રહી જશે તો અક્ષરધામમાં જવાશે નહિ; તે શ્રીજીસમકાલીન અમોઘાનંદ સ્વામીની વાત આપણા સત્સંગમાં સુપ્રસિદ્ધ છે. શ્રીજીમહારાજની સ્વરૂપનિષ્ઠા સરળતાથી સમજી સૌ ગ્રહણ કરે, એ જ શુભેચ્છા.

તા. ક. આ અવતાર-અવતારી ભેદના લોકની કુલ સંખ્યા કેટલી છે, તેના અનુક્રમ નંબર, લોકના છેડે પંક્તિમાં જ સમાન અક્ષરથી મૂક્યા છે. અને તે તે લોકનો અંક, મૂળ ગ્રંથમાં કેટલામો છે તેનો નંબર લોકના છેડે, મથાળે નાના અક્ષરથી મૂક્યો છે.

વિક્રમ સંવત ૨૦૨૮, ઉત્તરાયણ

તા. ૧૪/૧૫-૧-૧૯૭૨

શ્રી સ્વામિનારાયણ મંદિરસ્થ

મુનિસંત કેશવપ્રિયદાસજી

અમદાવાદ.