૫. શ્રીમદ્ ભાગવતાદિ શાસ્ત્રથી અવતાર-અવતારી ભેદ
(શ્રીકૃષ્ણ તથા વાસુદેવનું પૃથક્પણું)
શ્રીમદ્ ભાગવતમાં પણ અવતાર-અવતારીપણાનો ભેદ કહ્યો છે; તે પ્રથમ સ્કંધના ત્રીજા અધ્યાયમાં એમ કહ્યું છે: ભગવાને મહદાદિક તત્ત્વદ્વારે વૈરાજપુરુષનું રૂપ ધારણ કર્યું અને વૈરાજપુરુષ દ્વારા ચોવીસ અવતાર થયા છે. ત્યારબાદ એ જ અધ્યાયમાં કહ્યું છે:-
एते चांशकला: पुंस: कृष्णस्तु भगवान्स्वयम्२८ ।
ईन्द्रारिव्याकुलं लोकं मृडयंति युगे युगे ॥ 7 ॥
એ ચોવીસ અવતાર 'પુરુષના' એટલે મહાપુરુષના અંશ ને કળા અવતાર છે અને કૃષ્ણ ભગવાન તો, સ્વયં પોતે મૂળપુરુષરૂપ ભગવાન છે ને મહામાયા જે રુકમણીજી તેમના પતિ છે; ગોલોકધામના નિવાસી છે; અનંતકોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે ને તે જ પોતે બ્રહ્માંડમાં યુગયુગમાં અવતાર ધારણ કરે છે; અને આસુરી સંપદાએ યુક્ત એવા દૈત્યો તેમણે પીડાને પમાડેલ એવા જે દેવતા તથા સાધુ તેમનું રક્ષણ કરે છે 7.
આ ત્રીજા અધ્યાયમાં, 'નરનારાયણ અને શ્રીકૃષ્ણ એ અવતાર પણ વૈરાજપુરુષમાંથી થાય છે.' એમ કહ્યું; તે વૈરાજપુરુષ તો માયાબદ્ધ છે તો તેથી નિર્ગુણ અવતાર કેમ સંભવે? તો તેનો નિર્ણય ગઢડા મધ્ય પ્રકરણ વચનામૃત 31 માં કર્યો છે; શ્રીજીમહારાજ કહે છે: 'એ વૈરાજપુરુષ દ્વારાએ (ભગવાનના) અવતાર થાય છે. એમ શાસ્ત્રમાં કહ્યું છે; તે તો એમ સમજવું જે, એ જે વાસુદેવનારાયણ તે પુરુષરૂપે કરીને વૈરાજપુરુષને વિષે આવીને વિરાજમાન હોય, ત્યારે અવતાર કહ્યા છે; માટે તે અવતાર તો સર્વે, વાસુદેવ ભગવાનના જ છે. અને એ વાસુદેવ ભગવાન જ્યારે પ્રતિલોમપણે, એ વૈરાજપુરુષ થકી નોખા પડી જાય, ત્યારે, એ કેવળ વૈરાજપુરુષ થકી અવતાર સંભવે જ નહિ.'
આ વચનામૃતમાંથી એમ સમજાય છે જે, વૈરાજપુરુષમાંથી અવતાર થાય છે તેમાં શ્રીકૃષ્ણ ને નરનારાયણ વિના, બીજા જે અવતાર છે તે મહાપુરુષના છે; અને શ્રીકૃષ્ણ ને નરનારાયણ તે વાસુદેવ નારાયણના અવતાર છે.
વળી ગોલોકવાસી શ્રીકૃષ્ણ ભગવાન પોતે જ મહામાયાના પતિ મહાપુરુષ છે અને તે જ પોતે, વસુદેવ-દેવકીના પુત્રરૂપે પૃથ્વીપર પ્રગટ થયા હતા. અને જે મહાલક્ષ્મજી છે તે ભીમક રાજાની પુત્રી રુકમણીરૂપે પ્રકટ થયાં હતાં; તે 'રુકમણી' મહામાયા છે અને તેના પતિ 'કૃષ્ણ' તે મહાપુરુષ છે. તે શ્રી. ભા. સ્કંધ 10, અ. 60માં કહ્યું છે:-
क्व स्वे महिम्न्यभिरतो भगवांस्त्र्यधीश:३४ ।
क्वाहं गुणप्रकृतिरज्ञगृहितपादा ॥ 8 ॥
यर्ह्यस्य वृद्धय उपात्तरजोऽतिमात्रो४६
मामीक्षसे तदु ह न: परमाऽनुकम्पा ॥ 9 ॥
રુકમણીજી કૃષ્ણ ભગવાનને કહે છે: હે સ્વામિન્! ‘त्र्यधीश:’ એટલે પ્રધાનપુરુષરૂપે ત્રણ ગુણના અધિષ્ઠાતા ને પોતાના મહિમામાં નિમગ્ન એવા ભગવાન તમે ક્યાં? અને અજ્ઞજનો જેની સેવા કરે છે એવી ગુણમય મહામાયા તે હું ક્યાં? 8. અને તમે નિર્ગુણ છો તોપણ, આ વિશ્વની ઉત્પત્તિને અર્થે રજોગુણની માત્રાને અંગીકાર કરીને મારા સામું જુઓ છો; અર્થાત્ મારી સાથે રમણ કરો છો તે અહો! આશ્ચર્ય છે; મારા ઉપર તમારી મોટી કૃપા છે 9. આનો ભાવ એવો છે કે, રુકમણીજી મહામાયા છે ને તેમના પતિ કૃષ્ણ તે મહાપુરુષ છે; આવો બંને શ્લોકનો ભાવાર્થ છે.
વળી શ્રી. ભા. સ્કં. 4, અ.1માં નરનારાયણ ભગવાનની જન્મ કથા છે તેમાં નરનારાયણ તે, વાસુદેવ ભગવાનના અવતાર છે અને તે જ નરનારાયણ, શ્રીકૃષ્ણ ને અર્જુનરૂપે પ્રકટ થયા હતા * તે કહ્યું છે:-
* શ્રીમદભાગવતમાં નરનારાયણ તે, શ્રીકૃષ્ણાર્જુનરૂપે પ્રકટ થયા, એમ કહ્યું છે પણ વાસ્તવિક નોખા છે.
ताविमौ वै भगवतो हरेरंशाविहागतौ59 ।
भारव्ययाय च भुव: कृष्णौ यदुकुरूद्वहौ ॥ 10 ॥
‘भगवत: हरे:’ એટલે શ્વેતદ્વીપવાસી વાસુદેવના ’अंशो’ - અવતાર જે નરનારાયણ તે ’ईहागतौ’ અર્થાત્ આ બદરિકાશ્રમમાં આવ્યા છે. ’तौ ईमौ’ એટલે તે પોતે નરનારાયણ, પૃથ્વીનો ભાર હરવા યદુકુળમાં શ્રીકૃષ્ણરૂપે અને કુરુકુળમાં અર્જુનરૂપે પ્રકટ થયા છે 10. તેમ જ દશમસ્કંધ પૂર્વાર્ધ અ. 41માં સુદામા માળી, બળદેવજી તથા શ્રીકૃષ્ણ પ્રત્યે કહે છે :-
भवन्तौ किल विश्वस्य जगत: कारणं परम्46 ।
अवतीर्णाविहांशेन क्षेमाय च भवाय च ॥ 11 ॥
તમે શ્રીકૃષ્ણ ને બળરામ તે બેય, સર્વ જગતના કારણ છો અને સર્વ વિશ્વના ’क्षेमाय’ એટલે સુખ સારુ ને ’भवाय’ એટલે વૃદ્ધિને અર્થે, આ લોકમાં ’अंशेन’ કહેતાં વાસુદેવના અંશે કરીને અવતર્યા છો; અર્થાત્ તમે વાસુદેવના અવતાર છો 11. વળી પૂર્વાર્ધ દશમસ્કંધ અ. 10માં નળકૂબેર તથા મણિગ્રીવ કહે છે:-
स भवान्सर्वलोकस्य भवाय विभवाय च३५ ।
अवतीर्णोऽशभागेन साम्प्रतं पतिराशिषाम् ॥ 12 ॥
સર્વ સુખ-સંપત્તિના આપનારા અને જેમના અવતાર દિવ્ય છે. એવા જે તમે શ્રીકૃષ્ણ ભગવાન તે ’सर्वलोकस्य’ કહેતાં મુમુક્ષુ જીવોની વૃદ્ધિને અર્થે ને મોક્ષને અર્થે આ સમયે ’अंशभागेन’ એટલે કે, વાસુદેવના ઐશ્વર્યનો અંશભાગનો, તમારામાં 'આવેશ' થવાથી પ્રકટ થયા છો; અર્થાત્ તમે વાસુદેવના અવતાર છો 12.
વળી વિષ્ણુપુરાણના પંચમ અંશના 17માં અધ્યાયમાં આ પ્રમાણે વાર્તા છે: અક્રૂરજી શ્રીકૃષ્ણનાં તથા બળવદેવજીનાં દૂરથી દર્શન કરીને આ પ્રકારે વિચાર કરવા લાગ્યા:-
भगवद्वासुदेवांशो द्विधा योऽयं व्यवस्थित:२६ ॥ 13 ॥
આ શ્રીકૃષ્ણ અને બળદેવજી એ બે રૂપોમાં, જે આ શ્રીકૃષ્ણ છે તે, ભગવાન વાસુદેવના અંશ છે 13.
तस्मादहं भक्तिविनम्रचेता व्रजामि सर्वेश्वरमीश्वराणाम्३३ ।
अंशावतारं पुरुषोत्तमस्य ह्यनादिमध्यान्तमजस्य विष्णोः ॥ 14 ॥
(ગ્રંથ, અંશ, અ. સદર)
એ હેતુથી તે ઈશ્વરોના ઈશ્વર; આદિ, મધ્ય અને અંતરહિત; એવા પુરુષોત્તમ ભગવાન જે 'વિષ્ણુ' એટલે વાસુદેવ તેમના અંશાવતાર શ્રીકૃષ્ણચંદ્રની પાસે, હું ભક્તિપૂર્વક નમ્ર ચિત્તથી જઉં છું; (મને પૂર્ણ આશા છે કે, તેઓ મારી અવજ્ઞા નહિ કરે) 14. એમ વિચાર કર્યા પછી, અક્રૂરજી શ્રીકૃષ્ણ ભગવાનની પાસે જાય છે.