આસન

0:000:00

આસનના બે અર્થ થાય છે :

(1) વિવિધ પ્રકારનાં યોગાસનો જેવાં કે, પદ્માસન, સિદ્ધાસન, મયૂરાસન, સ્વસ્તિકાસન, સુખાસન, ધનુરાસન, શીર્ષાસન, સર્વાંગાસન વગેરે વગેરે અનેક પ્રકારનાં યોગાસનો હોય છે. આ આસનો મુખ્યત્વે હઠયોગનાં અંગ છે. આ બધાં આસનો તથા નેતિ, ધોતિ, બસ્તી વગેરે ક્રિયાઓથી તથા ભસ્ત્રિકા, કપાલભાતિ, અનુલોમ-વિલોમ વગેરે પ્રાણાયામના પ્રકારો દ્વારા શરીરની નાડીઓ તથા શક્તિકેન્દ્રોની શુદ્ધિ થાય છે. ઇંદ્રિયો અંતઃકરણની શક્તિઓનો અભૂતપૂર્વ વિકાસ થાય છે. બ્રહ્મચર્યપાલનમાં દૃઢતા આવે છે. શરીર તેમ જ બહાર વિશ્વમાં રહેલા પ્રાણતત્ત્વ ઉપર કાબૂ આવે છે, તેથી પ્રાણશક્તિના અનેક ચમત્કારો ર્સજી શકાય છે. શરીર સંપૂર્ણપણે નીરોગી બને છે.

હઠયોગની સાધના દ્વારા શરીરના દરેક કોષને સતત નવજીવન ને પોષણ મળવાથી યોગી વૃદ્ધાવસ્થા ઉપર કાબૂ મેળવી ઘણું લાંબુ ને નીરોગી જીવન જીવી શકે છે. એવો હઠયોગી ધારે તો પોતાના આયુષ્યને સેંકડો વર્ષો સુધી લંબાવી શકે છે. ભારતવર્ષમાં સેંકડો વર્ષો સુધી યોગીઓ જીવ્યા છે તેવા દાખલાઓ મળી આવે છે. સ્વામી વિવેકાનંદજીને એક યોગી આશરે તેરસો વર્ષની ઉંમરવાળા મળ્યા હતા તેમ તેમણે જણાવેલું. હઠયોગની ષટ્કર્મ, આસનો, પ્રાણાયામ, ઇંદ્રિયોના નિગ્રહની તપશ્ચર્યા, બ્રહ્મચર્ય, અમુક શક્તિશાળી મંત્રો તથા ઔષધિઓમાં રહેલી ગજબની શક્તિના પ્રયોગો દ્વારા શરીરના પંચભૂતાત્મક પરમાણુઓમાં નિરંતર આવશ્યક ફેરફાર કરી, શરીરને નીરોગી રાખી શકાય છે. વૃદ્ધાવસ્થા તથા મૃત્યુને વર્ષો સુધી નિવારી શકાય છે. આવી હઠયોગની સાધના યોગ્ય માર્ગદર્શક ગુરુના સાંનિધ્યમાં ન થાય તો લાભ ને બદલે ગંભીર હાનિ થવાનો સંભવ રહે છે.

માનવજીવનનો ધ્યેય ફક્ત લાંબુ નીરોગી જીવન જીવવું એ જ નથી. વાસ્તવમાં અમૂલ્ય એવા માનવજીવનનો ધ્યેય છે આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર કરી, પ્રભુના સ્વરૂપમાં પૂર્ણ અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત કરી આત્યંતિક મોક્ષની, પરમપદની પ્રાપ્તિ કરવી અને તેથી ઓછું કશું જ નહિ. એમ તો વડનું ઝાડ ઘણી વખત હજારો વર્ષો સુધી જીવે છે, તો પણ આખરે તે વટવૃક્ષ જ રહે છે. તેની ચેતનાનો કોઈ આધ્યાત્મિક વિકાસ થતો નથી. કેટલાંક પશુઓ પણ નીરોગી ને લાંબુ જીવન જીવે છે. તેઓ બહુ ઓછા માંદા પડે છે, પણ તે પશુ જ રહે છે. તેમ નીરોગી ને લાંબુ જીવન જો જીવનનો આધ્યાત્મિક ઉત્કર્ષરૂપ ધ્યેય સિદ્ધ કરવામાં ઉપયોગી ન બને, તો તે પશુ તુલ્ય જીવન વિષયભોગમાં વેડફાઈ જાય અને નિરર્થક બની રહે. માટે નીરોગી શરીર સાથે સેંકડો વર્ષ જીવી જવું તે બહુ અગત્યનું નથી, પરંતુ માનવશરીર જેવા ઉત્તમ માધ્યમ દ્વારા પ્રભુપ્રાપ્તિ કરી જીવનને ધન્ય બનાવવું તે અતિ મહત્ત્વનું છે.

પ્રભુપ્રાપ્તિરૂપ માનવજીવનનું સર્વોચ્ચ લક્ષ્ય કેવળ મનુષ્ય શરીર દ્વારા જ સિદ્ધ થઈ શકતું હોવાથી માનવદેહને મંદિર તુલ્ય ગણેલું છે. અર્થાત્ દેહમંદિરની દેવના મંદિરની જેમ યથાયોગ્ય પરવરિશ-જાળવણી થવી જોઈએ, કારણ કે દેહમંદિર દ્વારા જ આત્મામાં પરમાત્માના સ્વરૂપની પ્રતિષ્ઠા થઈ નિજમંદિર બનવું શક્ય બને છે. શરીરરૂપી માધ્યમ સિવાય આત્માની ઊર્ધ્વગતિ સંભવી શકતી નથી, એવો પ્રભુનો જ નિયમ છે. શરીર નીરોગી ને તંદુરસ્ત ન રહે તો સાધનામાં અડચણ ઊભી થાય છે. માટે શરીરને નીરોગી ને સ્વસ્થ રાખવા બનતો પ્રયત્ન કરવો આવશ્યક છે. તે માટે નિયમિત વ્યાયામ, યોગ્ય પોષક ને શુદ્ધ સાત્ત્વિક આહાર, યોગનાં અમુક આસનો તથા પ્રાણાયામ અથવા ઊંડા શ્વાસોચ્છ્વાસની ક્રિયા, શરીર ને મનની શિથિલીકરણની ક્રિયા તથા ધ્યાન વગેરે દ્વારા તન-મનને નીરોગી બનાવી શકાય છે. અમુક પ્રકારનાં યોગાસનો, પ્રાણાયામ, આહારના નિયમો વગેરે જાણકાર પાસેથી શીખી લઈ તેને અમલમાં મૂકવાથી શરીરનું આરોગ્ય જળવાઈ રહે છે. શરીરના સ્વાસ્થ્ય માટે આટલું પૂરતું છે. આસનોના વિવિધ પ્રકારો અને હઠયોગની જટિલ પ્રક્રિયાઓમાં બહુ ઊંડા ઊતરવાની આવશ્યકતા નથી.

કેટલીક નિયમિત કસરતો કરવાથી શરીરના પાચનતંત્રમાં, શ્વસનતંત્રમાં, રૂધિરાભિસરણની ક્રિયામાં ચોક્કસ લાભ થાય છે. હૃદય, મગજ, કિડની, લિવર, પેટના અવયવો વગેરે તંદુરસ્ત ને નીરોગી બને છે. તેની કાર્યક્ષમતામાં વૃદ્ધિ થાય છે. અંતઃસ્રાવી ગ્રંથિઓનાં રસાયણોના સ્રાવ સંતુલિત ને સપ્રમાણ થવાથી તન-મન નીરોગી ને સ્વસ્થ બને છે. તેથી સાધના સરળતાથી થઈ શકે છે. સંસ્કૃતમાં ઊક્તિ છે :

नायमात्मा बलहीनेन लभ्य: ।

અર્થાત્ આત્મા-પરમાત્માની પ્રાપ્તિ નિર્બળોથી થઈ શકતી નથી. નિર્બળ, રોગીષ્ટ, નમાલું ને નિર્વીર્ય શરીર ને મન ભૌતિક તેમ જ આધ્યાત્મિક એમ બંને પ્રકારના વિકાસ માટે અવરોધરૂપ છે. માટે તન-મન નીરોગી ને તંદુરસ્ત રહે એટલા પૂરતી દેખભાળ કરવી આવશ્યક છે, પરંતુ આખો વખત દેહની આળપંપાળમાં વેડફી નાખવો તે બિલકુલ હિતાવહ નથી. તે મૂર્ખતા છે. તેનાથી તો દેહાભિમાન ઘટવાને બદલે વધુ દૃઢ થાય છે. તેથી દરેક ક્ષેત્રમાં અતિરેક ર્વજી વિવેક ને સમજણનો ઉપયોગ કરવો જ હિતાવહ છે.

આપણને આધ્યાત્મિક વિકાસ માટે જરૂરી અંગો એવા ધ્યાન-ચિંતન, જપ વગેરે એકાગ્રતાપૂર્વક સરળતાથી થઈ શકે, એટલા માટે યોગનાં કેટલાંક આસનોની જરૂર છે. તેમાં મુખ્ય સુખાસન, સ્વસ્તિકાસન, સિદ્ધાસન ને પદ્માસન છે. તેમાંથી ગમે તે આસનમાં, જેમાં લાંબો સમય સુખપૂર્વક બેસી શકાય તે આસનમાં બેસવું જોઈએ. અર્ધો કલાકથી ત્રણ કલાક સુધી સરળતાથી એક આસને બેસી શકાય એવો અભ્યાસ કરવો જોઈએ. એમ અભ્યાસ કરવાથી તે આસન સિદ્ધ થાય છે. કોઈ પણ આસનમાં કરોડરજ્જુ સીધી રહે ને ખભા સીધા રહે એ રીતે ટટ્ટાર બેસવાનો અભ્યાસ કરવો. કમરમાંથી વળીને લાંબો સમય ધ્યાનમાં બેસવાથી કરોડરજ્જુને નુકસાન થાય છે. વળીને બેસવાથી જ્ઞાનતંતુઓનો માર્ગ વિક્ષિપ્ત થવાથી મનની એકાગ્રતા થવામાં પણ અવરોધ થાય છે. માટે નિયમિત અભ્યાસ કરી આસન જીતવું. આસન જીતવાથી ઇંદ્રિયો-અંતઃકરણની ચંચળતા ને મલિનતા દૂર થાય છે. તેથી દ્વંદ્વાત્મક પરિસ્થિતિમાં સ્થિરતા ને સ્થિતપ્રજ્ઞતા આવે છે. ઇંદ્રિયો ને અંતઃકરણ ઉપર વિજય મેળવવાની શક્તિ પ્રગટે છે. જપ, ધ્યાન ને ચિંતન જેવી સૂક્ષ્મ સાધનામાં એકાગ્રતા સિદ્ધ થાય છે.

(2) આસનનો બીજો અર્થ છે : જેની ઉપર સુખાસન, સ્વસ્તિકાસન વગેરે યોગાસનમાં બેસી શકાય તેવું બેઠકનું આસન. તે આસન ઊન અથવા કામળીનું, દર્ભનું કે સુતરાઉનું ધોયેલું એવું કોઈ પણ આસન ઉપયોગમાં લઈ શકાય. મૃગચર્મ કે વ્યાઘ્રચર્મ (વાઘની ચામડીનું) શાસ્ત્રની દૃષ્ટિએ ઉત્તમ છે, પરંતુ હાલના યુગમાં તે મળવું દુર્લભ હોવાથી તેનો મોહ રાખવાની જરૂર નથી. આસન માટે એટલું જરૂરી છે કે તે શુદ્ધ હોવું જોઈએ. બીજા કોઈ આસનને કે મલિન-અશુદ્ધ પદાર્થ દ્વારા અશુદ્ધ થયેલું હોવું ન જોઈએ. સાધકે પોતાના જ આસનનો ઉપયોગ કરવો હિતાવહ છે. બીજાએ ઉપયોગ કરેલા આસનમાં તેના મનના વિચારતરંગો કે ભાવતરંગોની અસર થાય છે, જે સાધનામાં વિક્ષેપરૂપ બની શકે છે, માટે પોતાનું આસન અલગ રાખવું. આસનનું માપ એટલું હોવું જરૂરી છે કે તેની ઉપર બેસવાથી પગનો કોઈ ભાગ જમીનને સ્પર્શે નહિ. જે ઉપર સારી પેઠે બેસી શકાય તેવું આસન લેવું એમ શ્રીહરિનો શિક્ષાપત્રીમાં આદેશ છે. તેનું કારણ એ છે કે જપ ને ધ્યાન વગેરે ક્રિયાઓ વખતે શરીરમાં વીજચુંબકીય શક્તિ ઉત્પન્ન થાય છે. એ વખતે જમીનને પગનો સ્પર્શ થતો હોય તો વીજળી જેમ અર્થિંગ થઈને જમીનમાં ચાલી જાય છે, તેમ ઉત્પન્ન થયેલી ઊજાર્ પણ જમીનમાં ચાલી જાય છે. યોગીઓ લાકડાની પાવડી પહેરતા તેનો ઉદ્દેશ પણ આ જ હતો. કારણ કે લાકડું વીજળીનું વાહક નથી. માટે તેવું આસન રાખવું. આસન મેલું-ઘેલું હોય તો પણ મનમાં અશુદ્ધ વિચારો ઉદભવે છે. માટે આસન શુદ્ધ ને પવિત્ર હોવું આવશ્યક છે. જેથી સાધનામાં સરળતા રહે. આ બાબત સાધકે લક્ષ્યમાં લેવી ઘટે.