થાળ
થાળ એ પ્રભુ પ્રત્યે પ્રેમલક્ષણા ભક્તિનો ભાવ અર્પણ કરવાનું એક ઉત્તમ માધ્યમ છે. પ્રભુની સેવા, પૂજા, આરતી, થાળ વગેરે પ્રભુ પ્રત્યેના અલૌકિક ભાવાર્પણનાં પ્રતીક છે. પ્રભુના સ્વરૂપમાં પરાપ્રેમ, પરાભક્તિ ઉદય થવાનાં ઉત્કૃષ્ટ સાધનો છે. થાળ દ્વારા ભક્તહૃદયમાં પ્રભુ પ્રત્યેના અદ્વિતીય અનુરાગનું પ્રગટીકરણ થાય છે.
થાળ પ્રભુને અર્પણ કરવા માટે, પ્રભુની પ્રસન્નતા માટે તૈયાર કરવાનો હોય, ત્યારે તેમાં અત્યંત પવિત્રતા ને શુદ્ધિ જાળવવી ઘણી આવશ્યક છે. થાળના બધા પદાર્થોને ખૂબ જ કાળજીપૂર્વક શુદ્ધ કરવા જોઈએ. ભોજનનાં વિવિધ વ્યંજનો સ્વાદિષ્ટ છતાં સાત્ત્વિકપણે તૈયાર કરેલાં હોવા ઘટે. પદાર્થો ગાળેલા શુદ્ધ જળથી ધોયેલા, સારી રીતે વિણેલા, ચાળેલા, સાફ કરેલા ને જંતુ રહિત હોવા જોઈએ. મીઠા-મસાલાનું પ્રમાણ પણ યોગ્ય રીતે જળવાવું જોઈએ. બેદરકારીને લીધે વાનગીઓ અતિ ખારી, ખાટી, તીખી કે મીઠી ન હોવી જોઈએ. બેદરકારીને લઈને વાનગીઓ સપ્રમાણ સ્વાદવાળી ન બને તો પ્રભુના પ્રેમમાં ઊણપ ગણાય. પ્રભુ માટેનો થાળ પોતે જાતે પરિશ્રમ લઈને તૈયાર કરવો અથવા પૂરી દેખરેખ હેઠળ પવિત્ર વ્યક્તિ પાસે તૈયાર કરાવવો જોઈએ. થાળ તૈયાર કરતી વખતે બેદરકારી, આળસ, પ્રમાદ, નિરસતા ન હોવા જોઈએ. પંચવિષય સંબંધી મલિન વાસનાના વિચારો, સાંસારિક-વ્યાવહારિક વિચારો થાળ બનાવતી વખતે પ્રયત્નપૂર્વક દૂર રાખવા જોઈએ.
થાળની દરેક વાનગી એકાગ્રતાપૂર્વક ને પ્રભુની સ્મૃતિ સહ પ્રસન્ન ચિત્તે તૈયાર કરવી જોઈએ. જેથી રસોઈ શુદ્ધ, સાત્ત્વિક ને સ્વાદિષ્ટ બને. જે પાત્રોમાં પ્રભુને થાળ ધરાવવાનો હોય તે પાત્રો કાળજીપૂર્વક ધોઈને સાફ કરવાં જોઈએ. નાહી, ધોઈ, શુદ્ધ વસ્ત્રો પરિધાન કરી, પવિત્રપણે થાળ તૈયાર કરવો. આંતર-બાહ્ય અશુદ્ધિ હોય, મલિન વિચારો હોય ત્યારે થાળ વ્યક્તિનાં મલિન આંદોલનો દ્વારા અશુદ્ધ બને છે. આ વાત આપણે આભામંડળના વિજ્ઞાનને આધારે 'બાહ્ય-આભ્યંતર શૌચ'ના પ્રકરણમાં જોઈ ગયા છીએ. થાળ તૈયાર કરતી વખતે વાતો કરવી, બોલબોલ કરવું એ યોગ્ય નથી, કારણ કે બોલવાથી ઉચ્છ્વાસ કે થૂંક ઊડે છે તથા એકાગ્રતા પણ તૂટે છે. થાળ સુઘડતાથી તૈયાર કરી પ્રભુને અતિ ભક્તિભાવપૂર્વક ધરાવવો જોઈએ. આપણે ઘેર કોઈ અગત્યના મહેમાનો આવવાના હોય ત્યારે કેટલી બધી કાળજી લઈને આપણે રસોઈ તૈયાર કરતા હોઈએ છીએ અને પીરસવામાં પણ કેટલું બધું ધ્યાન રાખતા હોઈએ છીએ. તો આ તો અનંત બ્રહ્માંડોના અધિપતિ, રાજાધિરાજ એવા પૂર્ણ પુરુષોત્તમનારાયણને અર્થે થાળ કરવાનો છે, તો તેમાં કેટલી શુદ્ધિ ને કાળજીની અગત્ય છે તે વિચારવું ઘટે.
થાળ બનાવી પ્રભુને ધરાવતી વખતે એવી ભાવના કરવી કે થાળના નિમિત્ત દ્વારા હું મારા હૃદયની શુદ્ધ ને વિવિધ ભાવોર્મિઓ વિવિધ વાનગીઓના માધ્યમ દ્વારા પ્રભુને અર્પણ કરું છું. એવી નિષ્કામ ભક્તિભાવનાનો થાળ દ્વારા પ્રભુ સ્વીકાર કરે છે અને મારા ઉપર તેમની અલૌકિક કૃપાની વર્ષા કરે છે. મારા ચૈતન્યને એ ઉત્તમ ભાવના દ્વારા આકર્ષણ કરીને પૂર્ણ પુરુષોત્તમરૂપ બનાવી પોતાના સ્વરૂપમાં મુક્ત કરીને રાખે છે. ને અપાર દિવ્ય સુખ ને શાંતિનું મારા ચૈતન્ય ઉપર અવતરણ કરે છે. તેથી મારાં સઘળાં આવરણો ને અનિષ્ટો દૂર થઈ જાય છે. હું પ્રભુના દિવ્ય સુખરૂપ મહાસાગરમાં ઝીલી રહ્યો છું, અપાર સુખ-શાંતિ-આનંદનો અનુભવ કરી રહ્યો છું. એમ ધારણા કરી ધ્યાનમાં ઊંડા ઊતરવું.
આ રીતે પ્રભુને થાળ ધરાવવાથી સર્વવ્યાપી ને સર્વાંતર્યામી એવા પરમાત્મા તથા તેમના મુક્તો પ્રસન્ન થાય છે અને થાળમાં રહેલ ભક્તિભાવને ગ્રહણ કરી ભક્ત ઉપર કૃપાવર્ષા કરે છે. તેથી ભક્તની આધ્યાત્મિક ચેતનાનું ઊર્ધ્વીકરણ થાય છે. પ્રભુને ભાવપૂર્વક થાળ અર્પણ કરવાથી તે થાળના પદાર્થો ઉપર પરમાત્માની દિવ્યદૃષ્ટિ પડે છે. તેથી ખોરાકમાં રહેલ અચેતન, જડતા, અપવિત્રતા તથા રજોગુણી-તમોગુણી અસર પણ ઘટી જાય છે. તે થાળ મહાપ્રસાદરૂપ બની જાય છે. એવી પ્રસાદી ગ્રહણ કરનાર ભક્તનું મન સાત્ત્વિક અને નિર્મળ બને છે. તેથી પ્રભુના સ્વરૂપમાં એકાગ્ર થવાની શક્તિનો વિકાસ થાય છે. પ્રભુપ્રાપ્તિ માટેની સાધનામાં રહેલાં આવરણો, વિક્ષેપો ધીમે ધીમે દૂર થતાં જાય છે. સ્વાદવૃત્તિનું નિયમન પણ સરળ બને છે. રસાસ્વાદની આસક્તિ ઘટે છે. કેવળ પ્રભુના દિવ્યસુખરૂપ પ્રસાદ પામવાની અભિપ્સાનો ઉદય થાય છે. ઇંદ્રિયો-અંતઃકરણની વિષયાભિમુખ વૃત્તિઓનું બળ ઘટે છે અને અંતરશત્રુઓ ઉપર વિજય મેળવવામાં સફળતા મળે છે. ભક્તનું શારીરિક ને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. આ ભાવપૂર્વક પ્રભુને અર્પણ કરેલા થાળનું ફળ છે.
પ્રભુને જે રીતે બાહ્યસ્વરૂપે થાળ ધરાવાય છે, એ રીતે માનસીપૂજા દ્વારા પણ થાળ અર્પણ કરી શકાય છે. અતિ ભક્તિભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક ને મહિમાપૂર્વક બાહ્યરૂપે અર્પણ કરેલો થાળ કે માનસીપૂજામાં અર્પણ કરેલો થાળ, આ બંનેનું ફળ તથા ગૌરવ સરખું છે. બાહ્ય રીતે થાળ કરવામાં કદાચ બધા પ્રકારની વાનગીઓ તૈયાર કરવાનું શક્ય ન બને. જ્યારે માનસીપૂજામાં તો માનસસમૃદ્ધિનો જેટલો ઉપયોગ કરવો હોય તેટલો કરીને અનેક પ્રકારનાં વ્યંજનો પ્રભુને ધરાવી શકાય છે. ભક્તની ગમે તેવી ગરીબ સ્થિતિ પણ તેમ કરવામાં તેને બાધક નથી બની શકતી. મોટા સમ્રાટ પણ બાહ્ય સામગ્રી ન ધરાવી શકે એટલી સામગ્રી ગરીબ ભક્ત પોતાની માનસસમૃદ્ધિ દ્વારા નિર્માણ કરી પ્રભુને અર્પણ કરી શકે છે. શરત એટલી જ છે કે હૃદયના વિશુદ્ધ ભક્તિભાવ સાથે પ્રભુને થાળ અર્પણ કરેલો હોવો જોઈએ. તે ક્રિયા યંત્રવત્ ને નિષ્પ્રાણ ન હોવી જોઈએ.
બાહ્યવૃત્તિએ પ્રભુના પ્રતિમાસ્વરૂપને થાળ ધરાવ્યા બાદ અંતરવૃત્તિએ પ્રભુના સ્વરૂપને અંતરમાં ધારી, એ સ્વરૂપ સાથે પોતે રસબસ-તદ્રૂપ-તલ્લીન છે, પ્રભુરૂપ છે, એમ પ્રતિલોમપણે પ્રભુને થાળ અર્પણ કરે, તો તે થાળનું વિશેષપણે દિવ્ય સુખ પામી શકે. આ રીતે પ્રતિલોમવૃત્તિએ થતી ધ્યાનની ક્રિયાઓ સર્વોત્કૃષ્ટ છે. તેવા નિદિધ્યાસથી ક્રમે ક્રમે સાધક આધ્યાત્મિક વિકાસ સાધીને સાક્ષાત્કારની સ્થિતિ સંપાદન કરી શકે છે.
આ રીતે થાળની ક્રિયાનું સ્થૂળ-સૂક્ષ્મ રહસ્ય યથાર્થ રીતે સમજી પ્રભુને થાળ અર્પણ કરવાથી તેનો વધુ ને વધુ અલૌકિક આનંદ અનુભવી શકાય છે.