ધ્યાન

0:000:00

આ વિષય એટલો બધો ગહન ને વિશાળ છે કે અત્યાર સુધીમાં અસંખ્ય ચિંતકોએ, મનીષીઓએ તથા અનુભવીઓએ અનેક ગ્રંથો લખ્યા છે. હજુ પણ આ ક્ષેત્રમાં ઘણું ઘણું લખી શકાય તેમ છે. અહીં તો આ વિષયને સંક્ષિપ્તમાં મૂકવાનો અલ્પ પ્રયાસ કરવામાં આવ્યો છે. અનેક ધર્મો, અનેક સંપ્રદાયો અને અનેક મતો તથા દર્શનશાસ્ત્રોને કારણે તથા સાધકોની યોગ્યતા પ્રમાણે ધ્યાનના પણ અનેક પ્રકારો છે.

સ્વામિનારાયણ ધર્મમાં પૂર્ણ પુરુષોત્તમ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે તેમના આદર્શ પ્રકારો બતાવ્યા છે. તેમાં પણ શ્રીહરિના સંકલ્પથી પ્રગટ થયેલા અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીબાપાશ્રીએ શ્રીજીમહારાજ તથા સ.ગુ. ગોપાળાનંદ સ્વામી, સ.ગુ. ગુણાતીતાનંદ સ્વામી વગેરે મહામુક્તોએ દર્શાવેલા ધ્યાનના પ્રકારને સુસ્પષ્ટ રીતે સમજાવીને માનવકૂળ ઉપર મહદ્ ઉપકાર કરેલો છે. અબજીબાપાશ્રીએ દર્શાવેલ આ ધ્યાનનો પ્રકાર સર્વોત્કૃષ્ટ, સંપૂર્ણ ને અંતિમ સીમાચિહ્નરૂપ છે. તે ધ્યાનના પ્રકાર વિશે જાણીએ તે પહેલાં આ વિષય અંગેની કેટલીક પાયાની વાત સમજી લઈએ, જેથી સાધકને તે વધુ સરળતાથી સમજવામાં મુશ્કેલી ન નડે.

આપણી ઇંદ્રિયો-અંતઃકરણની વૃત્તિઓ આંતર-બાહ્ય અનેકવિધ વિષયોમાં સતત વેરવિખેર થઈને રહેલી છે. આપણે ઇંદ્રિયો દ્વારા બહારના જગતના વિષય ગ્રહણ કરીએ છીએ. આપણી અર્થાત્ આત્મા પાસે બાહ્યજગત સંબંધી વિષયો ગ્રહણ કરવાનાં ઉપકરણો એવા ઇંદ્રિયો -અંતઃકરણ છે, જેની સહાય સિવાય આપણે બાહ્યજગતના વિષયો ગ્રહણ કરી શકીએ નહિ. કારણ કે આપણે દેહાત્મબુદ્ધિરૂપી સાંકળ દ્વારા શરીર સાથે મજબૂત રીતે બંધાયેલા છીએ. એટલે આપણને મળતા જગત સંબંધી અનુભવો તે જ્ઞાન ઇંદ્રિયો દ્વારા મળે છે. આપણી ચેતના ધ્યાન ને સમાધિ દ્વારા ઇંદ્રિયાતીત બને ત્યારે જ આપણે ઇંદ્રિયાતીત અનુભવો મેળવી શકીએ. એવી સ્થિતિ જ્યાં સુધી નથી થઈ, ત્યાં સુધી ઇંદ્રિયો - અંતઃકરણ દ્વારા બાહ્યજગતના વિષયો સંબંધી સુખ-દુઃખનો અનુભવ આપણને થયા કરે છે. ઇંદ્રિયો-અંતઃકરણની વૃત્તિઓ તરંગોરૂપે અનંત પ્રકારે તેના ઉપાદાનમાંથી અર્થાત્ ચિત્તમાંથી ઉદભવી સતત પ્રવાહિત રહે છે. તેમાંના સંકલ્પ-વિકલ્પરૂપ તરંગોને આપણે મન તરીકે જાણીએ છીએ. મનમાં અનંત પ્રકારના સંકલ્પ-વિકલ્પરૂપ તરંગો, વિચારરૂપ તરંગો ઉદભવ્યા જ કરે છે. તેથી મન હંમેશાં તોફાની સાગરની જેમ અશાંત જણાય છે.

મનની આ પ્રકારની પ્રાકૃતિક ને સાહજિક ચંચળતા પાછળ પણ એક અગમ્ય કારણ રહેલું છે અને તે છે મનની સુખ-શાંતિ તરફની ગતિ! મન જો ચંચળ ન હોત અને કેવળ જડ પથ્થર જેવું હોત, તો માનવી ક્યારેય પણ કોઈ પણ પ્રકારની પ્રગતિ કરી શક્યો ન હોત. મનની આ પ્રકારની ગતિશીલતા ને ક્રિયાશીલતા જ તેને શાશ્વત શાંતિ ને પરમાનંદરૂપ ધામ એવા પરમાત્મા તરફ અવિરતપણે આકર્ષિત રાખે છે. જેથી અનંત પ્રકારના બાહ્ય વિષયાનંદોની પાછળ થતી દોડધામથી અંતે થાકી-હારી ને કંટાળીને તે અંતર્મુખ થવા મથામણ કરે છે. અંતઃકરણની આ મનરૂપી શક્તિ દ્વારા, ઇંદ્રિયો દ્વારા આત્મા અનેક વિષયોનું ગ્રહણ કરી ચિત્તમાં સંસ્કારોરૂપે કર્મબંધન પામે છે અને તે બંધાયેલ કર્માશયના ફળરૂપે નિરંતર સુખ-દુઃખ ભોગવ્યા કરે છે.

ચિત્તમાંથી ઉદભવતી એક બીજી શક્તિ એવા પ્રકારની છે કે જેની પાસે સત્-અસત્, યોગ્ય-અયોગ્ય, સારું-નરસું પારખવાની શક્તિ છે. નિર્ણય અને નિશ્ચય કરવાની શક્તિ છે. આ શક્તિને આપણે બુદ્ધિ કહીએ છીએ. અંતઃકરણની આ અદભુત શક્તિ દ્વારા જ માનવી અન્ય પ્રાણીઓ કરતાં અલગ ને વિશિષ્ટ છે. આ શક્તિ દ્વારા જ તેણે આટલો બધો વિકાસ સાધ્યો છે. ભૌતિક તેમ જ આધ્યાત્મિક એમ બંને પ્રકારના વિકાસ માટે બુદ્ધિતત્ત્વની ઉપયોગિતા અનિવાર્ય છે. બુદ્ધિ દ્વારા મનુષ્ય જો ઇચ્છે તો ઇંદ્રિયો તથા મન ઉપર સતત અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા, સત્શાસ્ત્રો ને સત્પુરુષો પાસેથી પ્રાપ્ત જ્ઞાન ને સમજણ દ્વારા નિગ્રહ કરીને તેમની ઉપર વિજય મેળવી શકે છે. આ પ્રકારની શક્તિ કેવળ મનુષ્યમાં જ સંભવે છે, તેથી મનુષ્યજન્મ દેવોને પણ દુર્લભ ને શ્રેષ્ઠ ગણાય છે. આ વિવેકશક્તિ દ્વારા મનુષ્ય ધારે તો અનેક પ્રકારનાં કર્મો કરવા છતાં પણ, તેમાં અહંકારની 'હું'પણાની ભાવનાથી ને કર્તાપણાની ભાવનાથી રહિત રહી, કર્મમાં ફળની આસક્તિથી રહિત ને તેનાથી અલિપ્ત રહી શકે છે. પરિણામે અનંત જન્મનાં કર્મબંધનોથી મુક્તિ મેળવી શકે છે.

અંતઃકરણની શક્તિઓ અગાધ છે. જો તેની વૃત્તિઓને બહારના વિષયોમાં એકાગ્ર કરવામાં આવે તો તે દ્વારા અનેક પ્રકારની વૈજ્ઞાનિક શોધો ને ભૌતિક સિદ્ધિઓ હાંસલ કરી શકાય છે. જ્યારે એ શક્તિને અંતર્મુખ કરી પરમાર્થની સાધના કરવામાં આવે તો વ્યક્તિ બધાં પ્રકારનાં બંધનો ને આવરણોમાંથી મુક્તિ મેળવી શકે છે.

અંતઃકરણની મન, બુદ્ધિ, વિવેકશક્તિ, તર્કશક્તિ, વિશ્લેષણશક્તિ, પૃથક્કરણશક્તિ વગેરે શક્તિઓ તેના ચિત્તરૂપી ઉપાદાન ક્ષેત્રમાંથી પ્રગટે છે. આ ચિત્તને (Sub-concious mind) અને મહતત્ત્વને અભેદપણું છે. યોગની પરિભાષામાં ચિત્તને એક સરોવરરૂપે કલ્પેલું છે. એ સરોવરનું તળિયું એટલે આત્મા. જો સરોવર પ્રદૂષિત થયેલું હોય ને તેમાં સતત તરંગો ઉત્પન્ન થયા કરતા હોય તો, તેનું તળિયું જોઈ શકાય નહિ. જ્યારે સરોવરનું પાણી સ્વચ્છ હોય, નિષ્તરંગ ને શાંત હોય, ત્યારે જ તેનું તળિયું જોઈ શકાય છે. તેમ ચિત્તરૂપી સરોવર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, રાગદ્વેષ વગેરે દોષોથી, અનેક પ્રકારનાં પાપકર્મોથી ને પંચવિષય સંબંધી વાસનાઓથી પ્રદૂષિત થયેલું હોય છે. અનંત પ્રકારે બાહ્ય તથા આંતર વિષયો તરફ આકર્ષિત ને આસક્ત વૃત્તિઓ ચિત્તરૂપી સરોવરમાં તરંગોરૂપે ને વમળોરૂપે સતત ઉદભવ્યા જ કરે છે. તેમાંથી કેટલીક ઇંદ્રિયો દ્વારા બહાર આવે છે. આમ આ ચિત્તરૂપી સરોવર સતત તરંગિત, પ્રદૂષિત અને ડહોળાયેલું રહેતું હોવાથી તેના તળિયારૂપી આત્માની ઝાંખી થઈ શકતી નથી. અર્થાત્ આત્માનુભૂતિ અશક્ય બને છે. આ ચિત્તરૂપી સરોવરમાંથી વૃત્તિરૂપી તરંગો ઉદય થઈ ઇંદ્રિયો દ્વારા બાહ્ય વિષયો ગ્રહણ કરવાની ક્રિયા કરે છે. તે તરંગો સાથે કર્તુવૃત્તિ-કર્તાપણાની ભાવના અને અહંવૃત્તિ તથા રાગ અથવા દ્વેષની વૃત્તિ ભળે છે. તેની ઉપર આત્માનો પ્રકાશ પડે છે. તેથી તે વૃત્તિ-તરંગ સાથે આત્મા અજ્ઞાને કરીને એકરૂપતા અનુભવે છે ને પોતાને તે વૃત્તિરૂપ માનવા લાગે છે.

ઉદાહરણ તરીકે ચિત્તમાં ઉદભવતી અહંવૃત્તિ ઉપર આત્માનો પ્રકાશ પડે ને આત્મા તેની સાથે ઐક્ય અનુભવે તો પોતાને પુરુષ અથવા સ્ત્રી છું એમ દેહાત્મબુદ્ધિથી નિહાળે છે. અહંભાવ પણ અનંત પ્રકારે રહેલો છે. જેમ કે હું સ્વરૂપવાન છું, બળિયો છું, હું ધનવાન છું, સત્તાધીશ છું, મારા જેવું વિદ્વાન કે જ્ઞાની બીજું કોણ છે? વગેરે વગેરે. આ અહંભાવની સાથે મમત્ત્વની ભાવના પણ જોડાયેલી છે. જેમ કે આ દેહ મારો છે. આ સંબંધીઓ, સ્ત્રી, બાળકો, આ ધન, આ સંપત્તિ, આ બંગલો, આ જમીન વગેરે પદાર્થો આ બધું મારું જ છે. આ રીતે અનંત પ્રકારે અહંમમત્ત્વની ભાવના રહેલી છે.

આ રીતે જ્યારે ચિત્તમાં ક્રોધની વૃત્તિ ઉદય થાય, ત્યારે તેની ઉપર ચૈતન્યનો પ્રકાશ પડે, એટલે ચૈતન્ય ક્રોધની વૃત્તિ સાથે એકાકાર થવાથી પોતાને ક્રોધી અનુભવે. એ જ રીતે કામ, લોભ, ઈર્ષા, દ્વેષ વગેરે વિવિધ વૃત્તિઓ સંબંધે જાણવું. આ રીતે ચિત્તની વિવિધ વૃત્તિઓ તરંગોરૂપે ઇંદ્રિયો દ્વારે બહાર આવે છે ને તેની સાથે આત્માનું ઐક્ય થવાથી કર્તાપણાની ને અહંમમત્વની ભાવના ઉદભવે છે. તેથી પંચજ્ઞાનેન્દ્રિયો ને પંચકર્મેન્દ્રિયો દ્વારા જોવાની, સાંભળવાની, બોલવાની, સ્પર્શવાની, સૂંઘવાની, આસ્વાદ માણવાની વગેરે અનેક ક્રિયાઓ થાય છે. તે ક્રિયાઓની પ્રતિક્રિયારૂપે ચિત્તમાં સૂક્ષ્મ સંસ્કારોરૂપે તેની નોંધણી (Record) થાય છે. તે સંસ્કારોનો કર્માશય બંધાય છે. જે કારણશરીર સાથે વળગેલો રહે છે. તે કર્મો જ્યારે પરિપક્વ થઈ પ્રારબ્ધરૂપે બને છે, ત્યારે તે પ્રારબ્ધનું ફળ સુખ કે દુઃખરૂપે અવશ્ય ભોગવવું જ પડે છે. તેમાં શુભ કર્મોનું ફળ સુખરૂપે ને અશુભ કર્મોનું ફળ દુઃખરૂપે ભોગવવું પડે છે. Every action has reaction - દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે એ વૈજ્ઞાનિક સિદ્ધાંત પ્રમાણે અનંત કર્મો બંધાય છે ને તેના પરિણામ સ્વરૂપે જન્મ-મરણનું ચક્ર અવિરતપણે ચાલ્યા જ કરે છે.

રજોગુણી પ્રવૃત્તિઓથી રજોગુણી કર્મો બંધાય છે. તમોગુણી કર્મોથી તમોગુણી કર્માશય બને છે ને સત્ત્વગુણી કર્મોથી સત્ત્વગુણી કર્માશય બને છે. શાસ્ત્રમાં જે ચિત્રગુપ્તના ચોપડાની વાત આવે છે, તે જ આપણું ચિત્ત! તેમાં સૂક્ષ્માતિસૂક્ષ્મ કર્મ પણ અંકિત થઈ જાય છે. કર્મોની ક્રિયાઓને પ્રતિક્રિયા દ્વારા કર્મોના સંસ્કારોને કારણશરીર સાથે જોડી દેવાનું કામ પરમાત્માની સર્વવ્યાપી, સર્વાંતર્યામી અન્વયશક્તિ દ્વારા થાય છે.

જેવી રીતે કમ્પ્યુટરમાં જેવા ને જેટલા પ્રકારની ડેટા ઍન્ટ્રીઓ ફીડ કરવામાં આવે અને તેને 'સેવ' કમાન્ડ આપે તો તે બધી ઍન્ટ્રીઓનો કમ્પ્યુટરની હાર્ડડીસ્કમાં સંગ્રહ થાય છે. પછી જ્યારે કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તો તે અંગેની ફાઇલ ખોલવાનો કમાન્ડ (સંકેત) આપવાથી તે મેળવી શકાય છે. કોઈ ડેટાને કાઢી નાખવો હોય તો તેને ડિલિટ કૉડ આપીને કાઢી નાખી શકાય છે. તેવી રીતે આપણું ચિત્ત અને કારણશરીર એ આપણાં કર્મોની ઍન્ટ્રીની હાર્ડડીસ્ક છે અને તેમાં અનંત જન્મોનાં કર્મોની ફાઇલોના ઢગલા સંગ્રહાયેલા છે. તેમાં એક પરમાત્મા સિવાયના બીજા રેકોર્ડ ભૂસવાના છે. તો જ મુક્તિ મળવાની શક્યતા છે. પરમાત્માના સ્વરૂપ સિવાય બીજા બધા રેકોર્ડ વાસનાઓના કે કર્મબંધનના ભૂંસી નાખવા હોય તો પ્રભુના જ્ઞાન-ધ્યાન ને ઉપાસનારૂપી ડિલિટ કમાન્ડ આપીને ભૂંસવા પડે. આ કર્મનો સિદ્ધાંત અતિ ગહન છે. તેની ગતિ અતિ ગહન છે તેમ ગીતા પણ કહે છે. આ વિષય ઘણો વિશાળ છે, અહીં તો તે અંગે સંક્ષિપ્તમાં વર્ણવીને સંતોષ માણીએ.

આમ સતત અશાંત રહેતા ચિત્તને શાંત કરવું કેવી રીતે? તેની મલિનતા દૂર કરી સ્વચ્છ કેવી રીતે બનાવવું? આ પ્રશ્નો મુખ્ય છે. કારણ કે ચિત્તરૂપી સરોવર શાંત ને સ્વચ્છ બને ત્યારે આત્માનો ને પરમાત્માનો સાક્ષાત્કાર શક્ય બને. આનો ઉપાય છે પ્રભુના સ્વરૂપનું જ્ઞાન, ઉપાસના ને ધ્યાન. જેમ સૂર્યનાં કિરણો ફેલાયેલાં હોય ત્યારે તેની શક્તિ ઓછી જણાય છે, પરંતુ બિલોરી કાચ (Convex lens) દ્વારા એ કિરણોને એક જ પોઇન્ટ ઉપર એકાગ્ર કરવામાં આવે, તો પદાર્થને બાળી નાખે તેવી ગરમીશક્તિ ઉત્પન્ન થાય છે. આ પ્રકારે શ્રીજીમહારાજ વચનામૃતમાં એક બીજું દૃષ્ટાંત આપે છે કે જેમ વીસ જુદા જુદા કોશ ચાલતા હોય તો તેના પાણીનો પ્રવાહ બહુ શક્તિશાળી ન હોય, પણ એ વીસ કોશનો પ્રવાહ ભેળો થઈને વહે તો પ્રચંડ શક્તિ ઉત્પન્ન થાય છે. એમ મનની અનેકવિધ વિષયોમાં વેરવિખેર થયેલી બાહ્યવૃત્તિને ધ્યાન ને એકાગ્રતા દ્વારા, અંતરવૃત્તિ દ્વારા એકાગ્ર કરી તેનો નિગ્રહ કરવામાં આવે, તો એક જ વિષયમાં એકાગ્ર થયેલી મનની અસાધારણ શક્તિ દ્વારા બીજે અનેક વિષયોમાં પ્રસરેલી વૃત્તિઓનો નિગ્રહ થાય છે. ત્યાર બાદ ક્રમે ક્રમે ચિત્તરૂપી સરોવર શાંત અને સ્થિર બને છે. તેની સઘળી મલિનતા દૂર થાય ને સઘળા તરંગો શમી જાય ત્યારે તળિયારૂપ આત્માનો સાક્ષાત્કાર થાય છે. અને પરમાત્માની સર્વોપરી શુદ્ધ ઉપાસના ને જ્ઞાન દ્વારા તે આત્મામાં પરબ્રહ્મ પરમાત્માના દિવ્યસ્વરૂપનો પણ સાક્ષાત્કાર થાય છે. પરિણામસ્વરૂપે બધાં જ આવરણો દૂર થતાં આત્યંતિકમોક્ષની પ્રાપ્તિ થાય છે.

આવું પરિણામ ધ્યાનના સતત નિદિધ્યાસ દ્વારા જ શક્ય બને છે. ધ્યાન સિવાયનાં અન્ય સાધનો જેવાં કે બાહ્ય-આભ્યંતર શૌચ, બાહ્યપૂજા, માનસીપૂજા, કથા-વાર્તા, ભજન-કીર્તન, સંતસમાગમ, નવધાભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય વગેરે સાધનો ધ્યાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરવાના સહાયરૂપ ઉપકરણો માત્ર છે. આ બધાં સાધનો દ્વારા ધ્યાન માટેની યોગ્યતા આવે છે. ત્યાર બાદ પ્રભુના જ્ઞાન, ઉપાસના ને ધ્યાનરૂપ સાધન દ્વારા પ્રભુપ્રાપ્તિરૂપ પરમાર્થ સિદ્ધ થાય છે. સદાચાર, બ્રહ્મચર્ય, અહિંસાધર્મ, સત્યનિષ્ઠા, જ્ઞાન, ધર્મ, વૈરાગ્ય, ભક્તિ, પંચવર્તમાનનું યથાર્થ પાલન વગેરે સાધનોની પરિપક્વતા થવાથી મન શુદ્ધ, સાત્ત્વિક ને સ્થિર થાય છે. એવા શુદ્ધ, સાત્ત્વિક ને નિર્વાસનિક મનને શ્રદ્ધા ને ધૈર્યપૂર્વક ધ્યાનના અભ્યાસમાં પરોવવામાં આવે ત્યારે જ ધ્યાન સિદ્ધ થઈ શકે છે. એવા લાંબા કાળના નિરંતર નિદિધ્યાસ દ્વારા મન ધ્યાનમાંથી નિર્વિકલ્પ સમાધિમાં સરી પડે ત્યારે ધ્યાતા, ધ્યાન ને ધ્યેય તથા જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેય આ ત્રણેય એક બની જતાં પૂર્ણ સાક્ષાત્કારની ઉપલબ્ધિ થાય છે.

આગળ કહ્યું તેમ ધ્યાનના અનેક પ્રકારો છે, પરંતુ સર્વોત્કૃષ્ટ ધ્યેય જે આત્યંતિક કલ્યાણ, તેની પ્રાપ્તિ માટે સર્વોપરી ઉપાસનાની દૃષ્ટિએ જે ધ્યાન સર્વશ્રેષ્ઠ છે તેની સંક્ષિપ્તમાં ચર્ચા કરીશું.

ભગવાન સ્વામિનારાયણે જે ધ્યાન બતાવ્યું છે અને અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રીએ તેનો સ્વાનુભાવ કરીને તેનું પ્રતિપાદન કર્યું છે તે આ પ્રમાણે છે :

સર્વોપરી, પૂર્ણપુરુષોત્તમ ભગવાન, સર્વોત્કૃષ્ટ ઉપાસ્ય ને ધ્યેય સ્વરૂપ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઊભી અથવા બેઠેલી મુદ્રાની એક સુંદર મૂર્તિ, જેમાં પોતાને અતિ પ્રેમ ઊભરાતો હોય તેવું સ્વરૂપ લેવું. મંદિરોમાં ઘનશ્યામ મહારાજનાં જે સ્વરૂપો પધરાવ્યાં છે તે ધ્યાન કરવા માટે પધરાવ્યાં છે. તેમાંથી કોઈ પણ સ્વરૂપનો ફોટોગ્રાફ ધ્યાન માટે લઈ શકાય. ધ્યાનની અનુકૂળતા માટે દ્વિચક્ષુનું સન્મુખ સ્વરૂપ ઉત્તમ છે. એક ચક્ષુવાળી મૂર્તિનું ધ્યાન બરોબર થઈ ન શકે, કારણ કે તેમાં પૂરું મુખારવિંદ ધ્યાનમાં લઈ શકાતું નથી. વસ્ત્રો-અલંકાર સહિતની અથવા ઉઘાડા શરીરની મૂર્તિ ધ્યાનમાં લઈ શકાય. આ સ્વરૂપ મોટા મુક્તપુરુષ પાસે પ્રસાદીનું કરાવવાથી અતિ લાભદાયી બને છે, પરંતુ મોટા મુક્ત પૃથ્વી ઉપર ન હોય ત્યારે મંદિરમાં પધરાવેલાં સ્વરૂપો થકી પણ પ્રસાદીનું કરાવી શકાય છે. પ્રસાદીના સ્વરૂપમાં પ્રભુની ચેતનાશક્તિનો વિશેષ આવિર્ભાવ હોવાથી સાધકની સાધનામાં પ્રગતિ ઝડપી બને છે. મૂર્તિ પ્રસાદીની છે એવો મહિમાભાવ થવાથી પણ સાધકને તે મૂર્તિમાં સહેજે જ વધુ આકર્ષણ થાય છે. ધ્યાન માટે ફક્ત એક જ સ્વરૂપ લેવું. સ્વરૂપો બદલતાં રહેવાથી મનની એકાગ્રતા સિદ્ધ થઈ શકતી ન હોવાથી સાધના વ્યર્થ બને છે. માટે આગળ કહ્યું તેવું એક જ સ્વરૂપ લેવું. તે પોતાની આંખ સામે વ્યવસ્થિત રહે તેવી બેઠક ઉપર બિરાજિત કરવું. પોતાની આંખો ખેંચાય નહિ તે રીતે બરોબર અંતર રાખવું. સારી પેઠે બેસાય તેવું આસન ઊનનું કે સૂતરાઉનું જે મળે તે લઈ સુખાસન, પદ્માસન, સ્વસ્તિકાસન, સિદ્ધાસન વગેરે જે ફાવે તે આસનમાં બેસવું. પછી એકાગ્ર ચિત્તે, એકાગ્ર દૃષ્ટિએ મૂર્તિને નખથી શિખા પર્યંત નિહાળ્યા કરવી. ધ્યાનમાં પવિત્રતા, નિયમિતતા ને એકાંત અતિ અગત્યના છે.

મૂર્તિના ચરણનું ધ્યાન કરી તે અંગો અંતરવૃત્તિએ દૃઢ કરવાં. પછી બધાં અંગો એક પછી એક ધારી શિખા પર્યંત ધ્યાન કરવું. બાહ્યદૃષ્ટિ વડે નખથી શિખા ને શિખાથી નખ પર્યંત વારે વારે પ્રેમથી જોયાં કરવાં. પછી આંખો બંધ કરી અંતરવૃત્તિએ અંતરમાં ધારવાનો અભ્યાસ કરવો. મોટા મુક્ત પાસેથી પ્રતિમામાંથી પ્રતિમાભાવ ટાળી સાક્ષાત્ પ્રભુ જ બિરાજે છે તેવું જ્ઞાન સમજી દિવ્યભાવે સહિત મૂર્તિનું ધ્યાન કર્યા કરવું. ધારણા કરતી વખતે પ્રત્યાહાર દ્વારા મનમાંથી મૂર્તિ સિવાયના બીજા બધા વિચારો પ્રયત્નપૂર્વક દૂર રાખવાનો અભ્યાસ કરવો. ધ્યાન કરવાની યોગ્યતા માટેના નિયમોનું પાલન કરવા અંગે ઘણું કહી શકાય. પરંતુ ટૂંકમાં એટલું જ કે પ્રભુએ આપેલા *પંચવર્તમાનને મોટા મુક્ત દ્વારા યથાર્થ સમજી લઈ તેનું યથાર્થ પાલન કરવાનો પ્રયત્ન કરવો. પંચવર્તમાનના પાલનમાં યોગના યમ-નિયમ, ઇંદ્રિયસંયમ વગેરે પાત્રતાનાં બધાં સાધનો આવી જાય છે.

એવા પંચવર્તમાનનું યથાર્થ પાલન, પ્રભુના સ્વરૂપમાં અચલ શ્રદ્ધા, અનન્ય નિષ્ઠા, સર્વોપરી ઉપાસના, પતિવ્રતાપણું, સાધનામાં અણનમ ધૈર્યબલ તથા મોટા મુક્તપુરુષનો જોગ-સમાગમ-સેવા વગેરે સહાયરૂપ ઉપકરણોનો અમલ કરી ધ્યાનનો અભ્યાસ કરવાથી અંતઃકરણ પવિત્ર ને સ્થિર થાય છે. તેથી ધ્યાનાવસ્થામાં તેનો સહેલાઈથી નિગ્રહ થાય છે, અને તેથી પ્રભુના સ્વરૂપમાં જોડાવાની સરળતા રહે છે.

આવી રીતે ધ્યાનના લાંબા કાળના અભ્યાસના પરિણામ સ્વરૂપે પ્રભુના સ્વરૂપમાં પરાપ્રેમ, પરાભક્તિનો ઉદય થાય છે. જગત સંબંધી પંચવિષયના રાગ, આસક્તિ, વાસના વગેરે ધીમે ધીમે ઓછાં થઈ દૂર થઈ જાય છે. અંતરશત્રુઓ ઉપર વિજય મેળવી શકાય છે. લાંબા સમયના ધ્યાનના અભ્યાસથી ચિત્તમાં એક પ્રભુના સ્વરૂપનો જ આકાર દૃઢ થવાથી ચિત્તની વૃત્તિઓ બીજા અનંત પ્રકારના વિષય સંબંધી આકારો ધારણ કરતી અટકી જાય છે. પછી સમગ્ર ચિત્ત એક પ્રભુનો જ આકાર ધારણ કરે, ત્યારે તેના બધા તરંગો શમી જાય છે ને તેની સઘળી મલિનતા દૂર થાય છે. પરિણામ સ્વરૂપે આત્મામાં પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. આત્મા ઉપર અજ્ઞાન-અવિદ્યાના અનાદિકાળથી રહેલાં આવરણો દૂર થઈ જતાં, જેને લીધે ચૈતન્ય અણુ સરખો સૂક્ષ્મ ભાસતો હતો, તે દૂર થવાથી તેનો પ્રકાશ ફેલાય છે.

તે આત્મા ખદ્યોત (આગિયા) જેવો હતો. તેમાંથી ક્રમે ક્રમે પ્રકાશ વૃદ્ધિ પામીને મહાતેજ જેવો થઈ જાય છે. ચોમાસામાં જેમ સૂર્ય વાદળોથી ઢંકાઈ જાય છે, ત્યારે અંધકાર લાગે છે, પરંતુ જેવાં વાદળો ખસી જાય કે તરત જ સૂર્યપ્રકાશ સર્વત્ર ફેલાય છે. તેમ મૂળમાયાના અજ્ઞાન-અવિદ્યારૂપ આવરણો ખસી જતાં આત્માનો પ્રકાશ ફેલાય છે. પછી તે પ્રભુની ઉપાસનાને કારણે પ્રભુના સર્વવ્યાપી બ્રહ્મરૂપ પ્રકાશ સાથે એકરૂપ થાય છે. તેથી આત્મામાં પ્રભુના નિત્યસિદ્ધ વ્યતિરેક દિવ્યસ્વરૂપનો તેમની જ કૃપા દ્વારા સાક્ષાત્કાર થાય છે.

આ પ્રકારે સાંખ્યજ્ઞાન દ્વારા પોતાના સ્વરૂપને સ્થૂળ, સૂક્ષ્મ, કારણ ને મહાકારણ શરીર, જાગૃત, સ્વપ્ન ને સુષુપ્તિ એ અવસ્થાઓથી પર, કાળ, કર્મ, માયા તથા માયાના સત્ત્વ, રજ ને તમ એ ત્રણ ગુણોથી પર તથા જીવકોટીથી લઈને મૂળ અક્ષરકોટી, તેથી પર માની પ્રભુના બ્રહ્મરૂપ તેજ સાથે એકતા માની ધ્યાન કરવાથી આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. જ્યારે આત્મામાં પ્રભુના સ્વરૂપનો સન્મુખ ભાવે સાક્ષાત્કાર થાય છે, તેને વિદેહી મુક્તની અર્થાત્ પરમએકાંતિક મુક્તની સ્થિતિ કહેવામાં આવે છે. આ પ્રકારનું ધ્યાન પહેલાં અનુલોમપણે સિદ્ધ થાય છે. અર્થાત્ પ્રભુના સ્વરૂપને સન્મુખ ધારીને ધ્યાનની દૃઢતા કરવામાં આવે છે.

ત્યાર બાદ મોટા મુક્ત પાસેથી સર્વોત્કૃષ્ટ પ્રકારનું ધ્યાન શીખી લઈ અંતરમાં પ્રતિલોમપણે પુરુષોત્તમરૂપ થઈને, અર્થાત્ પોતાના સ્વરૂપની પ્રભુના બ્રહ્મરૂપ તેજ સાથે એકતા નહિ માનતાં, સ્વયં પ્રભુના સ્વરૂપની સાથે જ એકતા માની, પોતે પુરુષોત્તમરૂપ છે એમ માનીને ધ્યાન કરવું. પ્રભુ સ્વામી છે ને હું તેમનો નિત્ય સેવક છું. પ્રભુ સુખદાતા છે ને હું તેમના સુખનો ભોક્તા છું. એમ સ્વામી-સેવકભાવે તથા દૂધમાં સાકર ભળી જાય તેમ રસબસ-તદ્રુપ-તલ્લીનભાવને પામેલો, પ્રભુના પરમસાર્ધમ્યને પામેલો અનાદિમુક્ત છું તેમ માની પુરુષોત્તમરૂપે ધ્યાન કરવું. આ ધ્યાનનો સર્વોત્કૃષ્ટ પ્રકાર છે.

આ પ્રકારનું ધ્યાન સિદ્ધ થતાં નિર્વિકલ્પ સમાધિ, અસંપ્રજ્ઞાત સમાધિ થાય છે. આત્મામાં પ્રભુના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થતાં તે સ્વરૂપમાં રોમેરોમ રસબસભાવે પ્રેમાદ્વૈત સધાય છે. આ સ્થિતિમાં સાધકનો અહંભાવ સંપૂર્ણપણે પ્રભુમાં વિલીન થવાથી પોતાનું અસ્તિત્વભાન લય પામે છે. એક પ્રભુ જ છે, અન્ય કંઈ નથી એવી દિવ્યસ્થિતિ થતાં જ્યાં જ્યાં, અંદર-બહાર દૃષ્ટિ જાય ત્યાં એક પ્રભુનાં જ દર્શન થાય છે. આ ગુણાતીત, માયાતીત, ઇંદ્રિયાતીત, પૂર્ણ પુરુષોત્તમરૂપ દિવ્યસ્થિતિને કૈવલ્યમુક્તની સ્થિતિ, અનાદિમુક્તની સ્થિતિ કહેવામાં આવે છે. પરમપદ, આત્યંતિક મોક્ષ જે કહો તે આ સ્થિતિ છે. જીવાત્મા આ સ્થિતિમાં સાધકમાંથી સિદ્ધ, અપૂર્ણમાંથી પૂર્ણ, અણુમાંથી વિભુ, જીવમાંથી શિવ, બદ્ધમાંથી મુક્ત, નરમાંથી નારાયણ બને છે. અર્થાત્ નારાયણના તુલ્યભાવને, પરમ સાર્ધમ્યભાવને, પ્રેમાદ્વૈતભાવને પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ તે પ્રભુસંબંધી દિવ્ય સુખ-ઐશ્વર્યને દાસભાવે ભોગવે છે. પરભાવમાં દાસભાવે સુખ ભોગવવું એ જ સેવા છે, પણ બીજી કોઈ સેવા નથી. આ પ્રકારના સર્વોત્તમ ધ્યાન માટે અલગ ગ્રંથ બની શકે, પરંતુ અહીં તો માત્ર સંક્ષિપ્ત વિવરણ કરી સંતોષ માનીશું.

આધુનિક વિજ્ઞાનના મતે ધ્યાન દ્વારા શારીરિક-માનસિક પણ ઘણા લાભ થાય છે. વૈજ્ઞાનિકોએ E.E.G. દ્વારા એવું તારણ કાઢ્યું છે કે આપણી જાગૃત અવસ્થામાં પ્રવૃત્તિઓ દરમ્યાન 'બીટા' તરંગોનું મગજમાં પ્રાધાન્ય હોય છે. ઊંઘ દરમ્યાન મગજની પ્રવૃત્તિ ઓછી થતાં 'થિટા' તરંગો વહે છે. માણસની બેભાન અવસ્થામાં મગજમાં 'ડેલ્ટા' તરંગો ઉત્પન્ન થાય છે. જ્યારે ઊંડા ધ્યાનની અથવા ઊંડા ચિંતનની અવસ્થામાં 'આલ્ફા' નામના તરંગો વહે છે. આ તરંગો Electromagnetic ways - વીજચુંબકીય તરંગો છે, જે મગજના E.E.G. અર્થાત્ Electro encephalogram દ્વારા જાણી શકાય છે. જેમ હૃદયની પ્રવૃત્તિ E.C.G દ્વારા જાણી શકાય છે, તેમ મગજની પ્રવૃત્તિ કે ક્ષતિ જાણવા માટે E.E.G. કાઢવામાં આવે છે.

ધ્યાનાવસ્થામાં તાલબદ્ધ વહેતા આલ્ફા તરંગોને લઈને હૃદયના ધબકારા નિયમિત બને છે. તાણ-તણાવ વખતે ઉત્પન્ન થતાં આંતરસ્ત્રાવી ગ્રંથિના હૉર્મોન્સ જેવા કે કોર્ટિસોલ વગેરેનું પ્રમાણ ઘટે છે. લોહીમાં ટૉક્સીન્સ (ઝેર)નું પ્રમાણ ઘટે છે. મગજના ડૉપામાઇન, સેરોટીનીન વગેરે રસાયણો સંતુલિત થાય છે. તેથી મગજ શાંત થાય છે. શરીરમાં ઑક્સીજનનો વપરાશ ઘટે છે, એટલે ઓછા ઑક્સીજનની જરૂર પડે છે. લોહીમાંનું બ્લડલેક્ટેટનું પ્રમાણ પણ ઘટે છે. આ બધાને કારણે તાણ-તણાવ, હૃદય ને મગજ ઉપરનું ભારણ વગેરે ઘટે છે. તેથી તન-મન સ્વસ્થ ને નીરોગી બને છે. સ્ફૂર્તિ ને તાજગીનો તથા આનંદ ને શાંતિનો અનુભવ થાય છે. હતાશા, ક્રોધ, ભય, આવેગો, આવેશો, હાઈ બી.પી., ડાયાબિટીસ, હૃદયરોગ, અલ્સર, અપચો જેવા મનોદૈહિક રોગો મટી જાય છે અથવા કાબૂમાં આવી જાય છે. આમ વૈજ્ઞાનિકો જપ, ધ્યાન, પ્રાર્થના વગેરેનો ઉપયોગ રોગ ચિકિત્સા તરીકે કરે છે.

આ રીતે ધ્યાનનો શારીરિક, માનસિક કે આધ્યાત્મિક વિકાસ માટે સદુપયોગ કરવો જોઈએ. ધ્યાનનું યથાર્થ માહાત્મ્ય જાણી સાધકે શ્રેયને માર્ગે વિકાસ સાધવાનો પુરુષપ્રયત્ન કરી મનુષ્યજીવન સાર્થક બનાવવું જોઈએ.