પ્રાર્થના

0:000:00

પ્રાર્થના એ અમોઘ શક્તિ ધરાવતું પ્રભુપ્રસન્નતાનું અતિ અગત્યનું સાધન છે, એમ મહાનપુરુષોનું વિધાન છે. આ કથન બિલકુલ સત્ય છે. પ્રાર્થના એટલે અમુક પ્રકારની સુંદર ભાષાવાળી વાક્યરચના એવો અર્થ નથી, પરંતુ એ પ્રાર્થના કરનારના હૃદયની ઉત્કટ ભાવોર્મિઓની પોતાના ઇષ્ટદેવ પ્રત્યેની અભિવ્યક્તિ છે. કેવળ સારા શબ્દોની ગોખણપટ્ટી કરીને કરવામાં આવતી પ્રાર્થના શુષ્ક અને યંત્રવત્ બની રહે છે. તેનાથી કોઈ અર્થ સરતો નથી. જેમ પોપટ ગોખેલું ને સમજ્યા વગરનું બોલે છે, તેમ તે નિરર્થક વાણીવિલાસ છે.

પ્રાર્થનામાં પોતાના ઇષ્ટદેવ પ્રત્યેનો વિશુદ્ધ પ્રેમભાવ, અચલ શ્રદ્ધા, અનન્ય નિષ્ઠા ને શરણાગતિનો ભાવ હોવો આવશ્યક છે. વાણીમાં કોમળતા, મધુરતા, વિનમ્રતા ને પ્રભુ પ્રત્યેનો અતૂટ સ્નેહ જરૂરી છે. તે પણ દંભ, ડોળ, કપટ સાથેના ઉપર ઉપરના બૂમબરાડા કે મિથ્યા બકવાટ નહિ, પરંતુ હૃદયના અંતઃસ્તલમાંથી ઉદભવતી સ્તુતિ, જે નિર્દંભ ને નિઃસ્વાર્થ હોય તેવી પ્રાર્થના ફળદાયી બને છે. પ્રાર્થના નિર્દંભ ને નિઃસ્વાર્થ હોવી ઘટે. કોઈ ભૌતિક સ્વાર્થમય ને દંભપૂર્ણ કરાતી પ્રાર્થના વ્યક્તિના હૃદયને પણ સ્પર્શતી નથી, તો પરમાત્મા સુધી તે ક્યાંથી પહોંચી શકે?

પ્રાર્થના કરવા પાછળ બે પ્રકારના ભાવો રહેલા છે. સકામભાવ ને નિષ્કામભાવ. જે પ્રાર્થના વ્યાવહારિક, સાંસારિક કે લૌકિક હેતુથી કરવામાં આવે તે સકામ પ્રાર્થના છે. તેમાં પોતાને અર્થે તથા બીજાને માટે પણ પ્રાર્થના કરવામાં આવે છે. દા.ત. પોતાના તથા અન્યના આરોગ્ય કે સ્વાસ્થ્ય માટે કરાતી પ્રાર્થના. પોતાને માટે કે અન્યને માટે વ્યાવહારિક કે સાંસારિક વિઘ્નો, મુશ્કેલીઓ દૂર થાય તે અંગેની પ્રાર્થના. પોતાને કે અન્યને ધન, યશ, પદ, પ્રતિષ્ઠા, સંપત્તિ, ભૌતિક સુખ-સગવડો વગેરેની પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના. પોતાનો કે અન્યનો સ્વાર્થ સધાય એવા હેતુથી કરવામાં આવતી પ્રાર્થનાઓ. આ પ્રકારની સકામ પ્રાર્થનાઓ ગણાય છે. જે પ્રાર્થના સર્વે જીવોના કલ્યાણ ને અભ્યુદય માટે હોય, કેવળ પ્રભુપ્રસન્નતા માટે હોય, આધ્યાત્મિક ઉન્નતિ અર્થે ને પ્રભુપ્રાપ્તિ માટેના પરમાર્થ હેતુથી કરવામાં આવે તે નિષ્કામ પ્રાર્થના છે. તેવી પ્રાર્થનામાં પણ ઐશ્વર્યનો રાગ તથા સિદ્ધિઓ પામવાનો રાગ હોય તો તે નિષ્કામ ન રહેતાં સકામ પ્રાર્થના બની જાય છે. કોઈકને દુઃખ કે તકલીફ પહોંચે એવા ભાવથી કરાતી પ્રાર્થના તમોગુણી પ્રાર્થના છે. તેનાથી વ્યક્તિને પોતાને હાનિ પહોંચે છે. માટે વ્યક્તિને બીજા તરફથી પોતાને કષ્ટ પડતું હોય તો પણ તેને માટે તેનું ભલું ઇચ્છવું, પણ તેનું ભૂંડું થાય તેવો સંકલ્પ ન કરવો તેમ શ્રીહરિની આજ્ઞા છે. એવી તમોગુણી પ્રાર્થનાથી સાધકને સાધનામાં વિઘ્ન આવે છે, માટે તેવી પ્રાર્થનાઓ વર્જવી.

સામાન્ય રીતે કરવામાં આવેલી પ્રાર્થનાઓ પ્રભુ સુધી પહોંચી શકતી નથી. હા, એવી પ્રાર્થના કરનારને માનસિક રીતે થોડો આત્મસંતોષ અનુભવાય છે, પણ તેનું યથાર્થ ફળ મળતું નથી. આધુનિક વૈજ્ઞાનિકોના મતે સંશોધન દ્વારા એવું તારણ કાઢવામાં આવ્યું છે કે પ્રાર્થના, ધ્યાન, જપ કે ઉપાસના દ્વારા મનુષ્યના શરીરમાં રહેલી અંતઃસ્રાવી ગ્રંથિઓમાંથી નીકળતા હૉર્મોન્સ - રસાયણના સ્રાવો સંતુલિત રીતે સ્રવે છે. જેને લઈને શરીર અને મનની પ્રસન્નતા આવે છે. તેનાથી બ્લડપ્રેશર, હૃદયરોગ, મગજના રોગો મટે છે અથવા તેમાં રાહત થાય છે. શરીરમાં રુધિરાભિસરણ સારી રીતે થવાથી સ્વાસ્થ્ય સુધરે છે. આધુનિક મનોવિજ્ઞાનના નિષ્ણાતો થાઉલેસ, ક્લાર્ક, યુંગ વગેરે મનોવૈજ્ઞાનિકો પણ માને છે કે પ્રાર્થના દ્વારા મનના તાણ-તણાવ દૂર થઈ જાય છે. કોર્ટેસોલ જેવા સ્ટ્રેસ હૉર્મોન્સ ઘટે છે ને મનમાં આનંદ ને શાંતિ ઉત્પન્ન કરતાં સેરોટીનીન જેવાં રસાયણો ઉત્પન્ન થાય છે. તેથી માનસિક રોગો તથા મનોદૈહિક રોગો ઝડપથી દૂર થાય છે. પશ્ચાત્તાપ કે Confession રૂપે કરાતી પ્રાર્થના દ્વારા મન ઉપરનું ભારણ દૂર થવાથી મનોવિકારો શાંત થાય છે, તેથી વ્યક્તિમાં પાપમુક્તિની ભાવના દૃઢ થાય છે. એટલે તેને સુખ-શાંતિની અનુભૂતિ થાય છે. મનોવિજ્ઞાન પ્રાર્થનાનો ઉપયોગ એક ચિકિત્સા Psychotherapy રૂપે પણ કરે છે.

પ્રાર્થનાથી સુખ-દુઃખ, માન-અપમાન, નિંદા-સ્તુતિ, પ્રિય-અપ્રિય વગેરે દ્વંદ્વાત્મક પરિસ્થિતિમાં સ્થિરતા આવે છે. મનોબળ વૃદ્ધિ પામે છે. તેથી ગમે તેવી પરિસ્થિતિમાં અડગ રહેવાની શક્તિ આવે છે. આ રીતે પ્રાર્થનાના મનોદૈહિક લાભો પણ ઘણા છે.

પ્રાર્થનાનું મહત્ત્વ વૈજ્ઞાનિકો સમજે છે તેના કરતાં પણ ઘણું અધિક છે. કૃપાળુ પરમાત્મા તો સારીય સૃષ્ટિમાં અણુ-અણુમાં સર્વત્ર વ્યાપક છે, તો પણ સ્વાર્થી હેતુથી કરેલી કે દંભ-કપટયુક્ત પ્રાર્થનાનો તેઓ સ્વીકાર કરતા નથી. હૃદયના ઊંડાણમાંથી નિઃસ્વાર્થ ને નિર્દંભભાવે કરાતી પ્રાર્થના, આર્તનાદે કરાતી પ્રાર્થના, પ્રભુમાં સંપૂર્ણ શ્રદ્ધા, આસ્તિકતા, મહિમા તથા શરણાગતિના ભાવ સાથે સમજણપૂર્વક કરેલી પ્રાર્થનાનો પ્રભુ સ્વીકાર કરે છે. તે પ્રાર્થનાનો સ્વીકાર કર્યા પછી પણ પ્રાર્થના કરનારનું હિત હોય તે પ્રમાણે ફળ આપે છે.

પ્રભુને પ્રાર્થના પહોંચાડવા માટે સાધકે ત્રણ દેહના ને માયાના ત્રણ ગુણના ને ત્રણ અવસ્થાના ભાવથી પર થઈ, પ્રભુની દિવ્ય ચેતનાશક્તિ સાથે, તેમની નિરાકાર બ્રહ્મરૂપ અન્વયશક્તિ સાથે અથવા સ્વયં પ્રભુ સાથે તાદાત્મ્ય સાધીને પ્રાર્થના કરવી પડે, ત્યારે જ તે પ્રાર્થના પ્રભુ સુધી પહોંચે છે. એ વાત સામાન્ય સાધક માટે શક્ય નથી. તે માટે એ પ્રાર્થના પ્રભુ સાથે જેણે અખંડ એકતા સાધી હોય તેવા મુક્તપુરુષ જે મનુષ્યરૂપે હોય તેમને પ્રાર્થના કરે, ત્યારે તે મુક્ત એ પ્રાર્થના પ્રભુ પાસે પહોંચાડે છે. મુક્ત તે પ્રાર્થનાના શબ્દોમાંથી પ્રાર્થના પાછળનો સૂક્ષ્મભાવ અલગ કરી તે ભાવને પ્રભુની ચેતનાશક્તિ સાથે જોડી તે પ્રાર્થના પ્રભુને પહોંચાડે છે. પછી પ્રભુ તે પ્રાર્થનાનો સ્વીકાર કરી તેનું યોગ્ય ફળ પ્રાર્થના કરનારને આપે છે. માટે ખરા અર્થમાં સાક્ષાત્કારવાળા મુક્તપુરુષ જ પ્રભુને પ્રાર્થના પહોંચાડી શકે છે. આ પ્રાર્થનાનું સૂક્ષ્મ હાર્દ છે. પ્રભુ સાથે પરમસાર્ધમ્ય પામેલા અનાદિમુક્ત દ્વારા તો સ્વયં પ્રભુ જ પ્રાર્થના ઝીલે છે. કારણ કે એવા પૂર્ણ મુક્ત દ્વારા કર્તાહર્તાપણું પ્રભુનું જ છે.

જેમને પ્રગટ મુક્તનો જોગ ન થયો હોય, તે પણ જો આગળ જણાવ્યું તેમ આર્તનાદે શ્રદ્ધાપૂર્વક પ્રભુને કે મુક્તપુરુષને પ્રાર્થના કરે, તો ક્યારેક એ પ્રાર્થનાના ઉત્કટ ભાવની પ્રભુની સર્વવ્યાપી, અંતર્યામી અન્વયશક્તિ સાથે એકતા થવાથી તેની પ્રાર્થનાની પરિપૂર્તિ થાય છે. પરંતુ એવો સુભગ અવસર ભક્તના જીવનમાં ક્વચિત જ આવે છે. તેમ છતાં નિરંતર પ્રાર્થના કરતાં રહેવાથી, પ્રાર્થનામાં ઉદભવતા ભાવતરંગોની દૃઢતા થવાથી અમોઘ શક્તિ નિષ્પન્ન થાય છે. તેથી ચિત્તની શુદ્ધિ થાય છે. ચિત્ત શુદ્ધ ને સાત્ત્વિક બનતાં પ્રભુમાં સરળતાથી એકાગ્ર થઈ શકે છે. પ્રભુના સ્વરૂપમાં ચિત્તની એકાગ્રતા સિદ્ધ થવાથી તે સાધક ઉપર પ્રભુ તથા મુક્તપુરુષનો અનુગ્રહ થાય છે. તે અનુગ્રહશક્તિ દ્વારા સાધકના ચિત્તનો નિરોધ થઈ પ્રાણનો નિરોધ થવાથી પ્રભુના સ્વરૂપમાં નિર્વિકલ્પ સમાધિની ઉપલબ્ધિ થાય છે. એ સ્થિતિના લાંબા કાળના અભ્યાસથી આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર થઈ પૂર્ણ મુક્તસ્થિતિ પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ પ્રભુ સાથે તદાકારપણું સિદ્ધ થવાથી પ્રભુ સંબંધી દિવ્ય, અલૌકિક, શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. તેથી ભક્ત સાધક મટી સિદ્ધમુક્ત બને છે, પૂર્ણકામ બને છે. એ સ્થિતિ મેળવ્યા પછી તેને પોતાને માટે પ્રાર્થનાની કોઈ આવશ્યકતા રહેતી નથી. એવા મુક્તની દરેક ક્રિયા બીજા જીવોના કલ્યાણ માટે બની રહે છે. તેઓ બીજા જીવોના સુખ-શાંતિ માટે પ્રાર્થના કરે છે. એ પ્રાર્થના નિઃસ્વાર્થ હોવાથી નિષ્કામ ગણાય છે. તેથી તે ચોક્કસ ફળદાયી નીવડે છે.

પ્રાર્થના શા માટે?

અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય જેમના એક સંકલ્પ માત્રથી જ થાય છે, એવા સર્વોપરી પરમાત્મા સર્વના સ્વામી, નિયામક, આધાર ને સર્વ કર્તાહર્તા છે. આપણે તેના નિત્ય દાસ છીએ, સેવક છીએ એવા ભાવની હંમેશાં દૃઢતા થાય અને કદીયે પોતાનામાં 'હું કર્તા છું' એવી કર્તાપણાની અહંભાવયુક્ત ભાવના ઉદય ન થાય, એવો ઉદાત્ત હેતુ પ્રાર્થના પાછળ સમાયેલો છે. સાધના દ્વારા સાધકને અનેક પ્રકારનાં ઐશ્વર્યો - સિદ્ધિઓ મળે છે. એ વખતે જો સદ્વિવેક ન હોય તો પોતાને વિશે કર્તાપણાનો અહંભાવ ઉત્પન્ન થાય છે. તેવા અહંભાવની પુષ્ટિ થતાં તે ઉદ્ધત બને છે. પરિણામે તે પૂર્ણ મુક્તદશા ન પામતાં ઐશ્વર્યાર્થી બની પોતાની જ પ્રગતિમાં અવરોધરૂપ બને છે. માટે સંપૂર્ણ દાસભાવની દૃઢતા માટે સાધકે હંમેશાં પ્રાર્થના કર્યા કરવી જોઈએ.

પ્રાર્થના દ્વારા કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માન, ઈર્ષા, દંભ, કપટ, સ્વાર્થ, નિંદા વગેરે આંતરિક દોષોનો ક્ષય થાય છે. પાપકર્મોનું પ્રક્ષાલન થાય છે. સાધકમાં દાસભાવ, શરણભાવ, વિનમ્રતા, સૌજન્ય તથા વિવેકશક્તિની જાગૃતિ થાય છે. પ્રભુના સ્વરૂપમાં નિશ્ચય, નિષ્ઠા ને શ્રદ્ધાની દૃઢતા પરિપક્વ થાય છે. સંસારમાં રહેલ અનેક પ્રકારની વિટંબણાઓ તથા મુશ્કેલીઓમાંથી માર્ગ મળી રહે છે. દુઃખો ને આપત્તિઓને સહન કરવાનું બળ મળી રહે છે. માન-અપમાન, સુખ-દુઃખ, પ્રિય-અપ્રિય, હાણ-વૃદ્ધિ, નિંદા-સ્તુતિ, શીત-ઉષ્ણ, અનુકૂળ-પ્રતિકૂળ વગેરે દ્વંદ્વોમાં સ્થિરતા ને સ્થિતપ્રજ્ઞ રહેવા માટે તથા સંપૂર્ણ નિર્ભય બનવા માટે પણ પ્રાર્થના અનિવાર્ય છે.

જીવાત્માના આત્યંતિક મોક્ષ માટે પરમાત્માએ મનુષ્ય દેહમાં ઇંદ્રિયો-અંતઃકરણરૂપ ઉત્તમ ઉપકરણો આપ્યાં છે. આ સુંદર વિશ્વમાં અનેક પ્રકારની સુખ-સગવડતાઓ કરી આપી છે. એમ પ્રભુના આપણી ઉપર અનંત ઉપકારો છે. તેનું ઋણ તો આપણે કદી ચૂકવી શકીએ તેમ છીએ જ નહિ, તો પણ તેમનો ઉપકાર માનવાની આપણી પવિત્ર ફરજરૂપે પણ પ્રાર્થના કરવી આવશ્યક છે અને તેનાથી લાભ પણ આપણને જ છે. આંતરિક આધ્યાત્મિક ચેતનાશક્તિની જાગૃતિ ને તેની ઊર્ધ્વગતિ માટે પ્રાર્થના અમોઘ શક્તિ ધરાવતું અમૂલ્ય સાધન છે. પ્રાર્થના દ્વારા મનની અનેક સુષુપ્ત શક્તિઓ જાગૃત થઈ અનેક પ્રકારની સંભાવનાઓનો વિકાસ થાય છે. પ્રાર્થના દ્વારા અંતઃકરણની નિર્મળતા થવાથી અંતઃકરણની શક્તિઓને દરેક કાર્યમાં સારી રીતે એકાગ્ર કરી, અનેક ભગીરથ કાર્યો સરળતાથી સફળ બનાવી શકાય છે.

આ રીતે પ્રાર્થનાની મહત્તા જેને યથાર્થ સમજાણી છે, તેને માટે જાણે ચિંતામણિ હસ્તગત થઈ હોય ને શું? એવો પ્રાર્થનાનો અદભુત મહિમા છે.