નિવેદન

'શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન' સંસ્થાના સદાકાળના પ્રમુખ અ.મુ.પૂ. શ્રી નારાયણભાઈ સિદ્ધ મુક્તપુરુષ હોવાથી ચૈતન્યનું સર્વપ્રકારે હિત તેમ જ ઊર્ધ્વીકરણ કરવાનું જ લક્ષ્ય તેમની નજર સમક્ષ હંમેશાં રહેતું. તેમાં પણ સત્સંગની ભાવિપેઢીના જીવનઘડતર અને વિકાસ માટે તેઓશ્રી સતત પ્રયત્નશીલ રહેતા. તેઓશ્રીનું મંતવ્ય એવું હતું કે યુવાવર્ગને ધર્મ અને આધ્યાત્મની બાબત આધુનિક વિજ્ઞાનના સંદર્ભમાં સમજાવવામાં આવે તો જ તેઓ તેનો સ્વીકાર કરીને તેનું યથાર્થ આચરણ કરવા પ્રોત્સાહિત થઈ શકે. યોગ્ય માર્ગદર્શનના અભાવે તેઓ ધર્મની જડતા ને અંધશ્રદ્ધામાં દોરવાઈ જાય તો તે એક ગંભીર નૈતિક અને સામાજિક અપરાધ ગણાય. યુવાશક્તિ ગેરમાર્ગે દોરવાઈ ન જાય અને તેમની શક્તિઓનો ઉત્કૃષ્ટ ને રચનાત્મક હેતુ માટે સદુપયોગ થાય તેવું યોગ્ય માર્ગદર્શન આપવું અતિ આવશ્યક છે.

આવા ઉદાત્ત હેતુને ધ્યાનમાં લઈ અ. મુ. પૂ. શ્રી નારાયણભાઈના ઉપદેશામૃતની વિચારધારાને આધારે 'ધર્મનો મર્મ' એ નામક પ્રસ્તુત પુસ્તક તૈયાર કરી શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલું. આ પુસ્તકને વાચકવૃંદે સહર્ષ વધાવી તેની ઉપયોગીતાના આધારે તે વધુ પ્રચાર પામીને અનેકને લાભાન્વિત કરી શકાય એવો સૂર વહેતો કર્યો એટલે આ પુસ્તકની દ્વિતીય આવૃત્તિ પ્રસિદ્ધ કરવાનો અવસર સાંપડ્યો છે. યુવાપેઢીને સાચી દિશા અને સાચો પથ મળી રહે એવો કાળજીપૂર્વકનો અમારો નમ્ર પ્રયાસ છે. અમને શ્રદ્ધા છે કે વાચકવૃંદ આ પુસ્તકનો મહદ્ લાભ ઉઠાવી ઉન્નતજીવન તરફ ડગ માંડવા પ્રોત્સાહિત થશે.

સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ કૃપાળુ બાપાશ્રી, મહાન સદગુરુશ્રીઓ તથા સંસ્થાની દરેક સદ્પ્રવૃત્તિઓના પ્રણેતા અ. મુ. પ. પૂ. શ્રી નારાયણભાઈની પ્રસન્નતા પ્રકાશન કાર્યમાં મદદરૂપ થનાર તેમ જ તેનો સદુપયોગ કરનાર સૌ કોઈ ઉપર વરસતી રહો એવી અંતરની પ્રાર્થના.

સં. 2069, મહા સુદ છઠ

ઈ.સ. 2013, 16 ફેબ્રુઆરી

પ્રકાશન સમિતિ

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન