પ્રદક્ષિણા

0:000:00

મંદિરમાં પધરાવેલ પરમાત્માના સ્વરૂપને ફરતી પરિક્રમા કરવામાં આવે છે અથવા પૂજા કરતી વખતે ભગવાનની ચલ પ્રતિમા પધરાવેલી હોય છે, તેને ફરતી ડાબી બાજુથી જમણી દિશા તરફ ગોળ ફરતી પરિક્રમા કરવામાં આવે છે. પરિક્રમા અથવા પ્રદક્ષિણા એ પ્રભુના સ્વરૂપને ફરતા આંટા મારવાની ક્રિયા માત્ર જ નથી. તેની પાછળ ગહન રહસ્ય સમાયેલું છે. પ્રભુના સ્વરૂપનાં એકાગ્ર દૃષ્ટિએ, સ્થિર ચિત્તવૃત્તિથી દર્શન કરી તે સ્વરૂપને પ્રદક્ષિણા દરમ્યાન અંતર્વૃત્તિએ હૃદયમાં ધારવાનો અભ્યાસ કરવાનો હેતુ છે. એક પ્રદક્ષિણા પૂરી થાય પછી પ્રભુના સ્વરૂપને ફરીથી દૃષ્ટિ દ્વારા નિહાળી, તે રમણીય સ્વરૂપને ફરીથી અંતરમાં ઉતારવાનો પ્રયત્ન પ્રદક્ષિણા દરમ્યાન કરવો જોઈએ.

આ રીતે પ્રથમ બાહ્ય દૃષ્ટિએ એકાગ્ર વૃત્તિએ પ્રભુના સ્વરૂપનાં દર્શન કરી, ભક્તિભાવ સાથે વારંવાર અંતરદૃષ્ટિ દ્વારા તે સ્વરૂપને અંતરમાં ધારવાનો અભ્યાસ કર્યા કરવો અને એ સ્વરૂપને આત્માને વિશે દૃઢ કરવાનો પુરુષપ્રયત્ન કરવો, એ પ્રદક્ષિણા કરવા પાછળનો હેતુ છે. પ્રદક્ષિણામાં ઇંદ્રિયો અંતઃકરણની વિષયો તરફ દોડી જતી વૃત્તિઓનો નિગ્રહ કરી, પ્રભુના સ્વરૂપમાં તપની ભાવના સાથે જોડીને પ્રભુના સ્વરૂપને ચૈતન્યમાં દૃઢ કરવાની સૂક્ષ્મ સાધના સમાયેલી છે.

દઘણા લોકો યાંત્રિક રીતે પ્રદક્ષિણા ફરતા હોય છે. તેઓ પ્રદક્ષિણા દરમ્યાન નેત્રોની ચંચળ વૃત્તિ દ્વારા આજુબાજુનું બધું જોયા કરતા, ગામગપાટા ને વાતો કરતાં કરતાં પ્રદક્ષિણા ફરે છે. આવી પ્રદક્ષિણા નિરર્થક નીવડે છે. હા, ફક્ત ખાધેલું પચાવવા માટે ચાલવાની કસરત મળી રહે છે, એટલો લાભ થાય છે.

પરમાત્મા સારાય વિશ્વનું મધ્યસ્થ કેન્દ્ર છે. આપણા જીવનની દરેકે દરેક ક્રિયામાં પ્રભુ સદાય કેન્દ્રસ્થાને રહેવા જોઈએ. એવા ઉદાત્ત ભાવની સ્મૃતિ ને દૃઢતા સમજણપૂર્વકની પ્રદક્ષિણા દ્વારા થાય છે. પૃથ્વીનો છેડો ઘર, એમ અનેક પ્રકારની આધ્યાત્મિક સાધનાઓનું મુખ્ય લક્ષ્ય, મુખ્ય કેન્દ્ર એ પ્રભુનું દિવ્ય સ્વરૂપ છે. અનંત દિવ્ય કલ્યાણકારી ગુણો, અનંત દિવ્ય જ્ઞાન, પ્રકાશ, સુખ, શાંતિ, આનંદ, ઐશ્વર્ય, પ્રતાપ, દિવ્ય શક્તિઓ, અવતારો, દિવ્ય વિભૂતિઓ વગેરે પરમાત્મારૂપ એક જ કેન્દ્રમાંથી ઉદભવે છે ને પાછા તેમાં જ લીન થાય છે. એવા પ્રકારનું સૂક્ષ્મ જ્ઞાન ને માહાત્મ્ય સમજીને જો પ્રદક્ષિણા કરવામાં આવે, તો સાધકની આધ્યાત્મિક ચેતનાના જાગરણમાં તથા વિકાસમાં તે સહાયરૂપ નીવડે છે. તેવી સમજણપૂર્વકની પ્રદક્ષિણાનું ફળ અકલ્પ્ય છે, તેમ શાસ્ત્રો ને સત્પુરુષો કહે છે.

આ અનંત બ્રહ્માંડમાં પણ કશું જ સ્થિર નથી. બધું જ ગોળ ગોળ ફરે છે. અણુની નાભી-કેન્દ્ર (Nucleus)ની આજુબાજુ ઇલેક્ટ્રૉન્સ અને કેન્દ્રમાં પ્રોટૉન્સ અને ન્યૂટ્રૉન્સ આ બધું જ ગોળ ગોળ ફર્યા કરે છે. આપણી પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ફરે છે. પૃથ્વી, બુધ, મંગળ, શુક્ર, ગુરુ, શનિ વગેરે ગ્રહો સૂર્યની આજુબાજુ ફરે છે. સૂર્ય નિહારિકાની આજુબાજુ ફરે છે. એક આકાશગંગામાં સૂર્ય જેવા ને તેથી પણ મોટા અનેક તારાઓ છે. એવી એક આકાશગંગા બીજી આકાશગંગાને ફરતી ફરે છે. આ રીતે સારુંય વિશ્વ ગોળ ગોળ ફરે છે. જેમ ભમરડો કે કોઈ ચક્ર ગોળ ફરે છે ત્યારે તેની ગતિને લીધે ધ્વનિ ઉત્પન્ન થાય છે. તેમ આ વિશ્વમાં અનંત તારાઓ, ગ્રહો, નક્ષત્રો બધું પોતાની ધરીની આજુબાજુ ગોળ ગોળ તો ફરે જ છે, પરંતુ એક બીજાની આજુબાજુ પણ ગોળ ગોળ ફરે છે. તેથી પ્રણવ ધ્વનિ ઉદભવે છે. અનંત આકાશગંગાઓના ફરવાનો ધ્વનિ કેટલો બધો થાય તેની કલ્પના થઈ જ ન શકે! મન અને શરીરની બધી મર્યાદાઓથી મુક્ત થયેલા સિદ્ધમુક્તોને જ આ ધ્વનિ સંભળાય છે. આ રીતે ધ્વનિ અર્થાત્ સંગીત સાથે વિશ્વની નૃત્યલીલા (Cosmic dance) સતત ચાલ્યા જ કરે છે. આ પ્રકારની પ્રભુની લીલાનો વિચાર કરે તો પણ માનવીનો ક્ષુદ્ર અહંકાર ઓગળી જાય. પ્રકૃતિનો આ પ્રદક્ષિણાનો નિયમ આપણને પ્રભુના સ્વરૂપને કેન્દ્રમાં રાખી બધી ક્રિયાઓ કરવાની સતત પ્રેરણા આપે છે.

પ્રભુ તથા તેમના સ્વરૂપમાં અખંડ દિવ્યસ્થિતિ પામેલા પૂર્ણ મુક્તપુરુષોને તેઓ આપણા ચૈતન્યમાં દિવ્યરૂપે અખંડ બિરાજમાન છે, એવી ભક્તિસભર ઉત્કૃષ્ટ ભાવનાથી તેમને પ્રદક્ષિણા કરવામાં આવે, તો તેનું ફળ અનંત અશ્વમેઘ યજ્ઞનાં ફળ કરતાં પણ વિશેષ થાય છે.

પ્રભુને કેન્દ્રમાં રાખી હૃદયની પ્રેમભક્તિરૂપ ભાવોર્મિની દોરી દ્વારા, પ્રદક્ષિણા દરમ્યાન આપણે પ્રભુને બાંધીએ છીએ ને પ્રભુ આપણા વિશુદ્ધ પ્રેમની દોરીથી બંધાઈને આપણને વશ થઈ જાય છે. આવો ઉત્કૃષ્ટભાવ પણ પ્રદક્ષિણાની ક્રિયામાં સમાવિષ્ટ છે.

આ રીતે પ્રદક્ષિણાનું આધ્યાત્મિક રહસ્ય ને મહત્ત્વ સમજી પ્રદક્ષિણા કરવાથી વધુ લાભ મળશે ને પ્રભુની પ્રસન્નતા થશે એ નિશ્ચિત છે.