દંડવત્ પ્રણામ

0:000:00

દંડવત્ અર્થાત્ દંડ (લાકડી) જેમ જમીન ઉપર સીધો પડ્યો હોય, એ રીતે શરીરના લલાટ, નાસિકા, છાતી, હાથ, પગ, દૃષ્ટિ, વાણી અને મન એમ આઠ અંગોએ સહિત જમીન ઉપર સૂઈને પ્રભુને તથા સત્પુરુષને પ્રણામ કરવા, તેને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કહેવામાં આવે છે. પ્રભુ અને મુક્તપુરુષ પ્રત્યે મન-વચન-કર્મથી સંપૂર્ણપણે આત્મ સમર્પણની વિશાળ ભાવનાના પ્રતીકરૂપે પ્રણામ-વંદન કરવા, એવો ઉદાત્ત હેતુ તેની પાછળ રહેલો છે.

દંડવત્ પ્રણામ કરવાથી ભક્તમાં વિનમ્રતા, દાસત્વભાવ, દીનભાવ, સજ્જનતા ને શરણભાવની દૃઢતા થાય છે. દંડવત્ પ્રણામમાં ઉપયોગમાં લેવાતાં આઠ અંગો પણ વિવિધ ભાવોનું સૂચન કરે છે. જેમ કે, લલાટ એ ભાગ્ય-નસીબનું પ્રતીક છે. હે પ્રભુ! મારું પ્રારબ્ધ, મારું ભાગ્ય તો તું જ છે. કારણ કે મારે તો કેવળ તારું જ શરણ છે. મારા કર્મની રેખ માથે મેખ મારનાર, મારો તારણહાર તો પ્રભુ તું જ છે. નાસિકા એટલે આબરૂ-શીલ-લાજ તેની રક્ષા પ્રભુ તારે જ કરવાની છે. તું જ મારું શીલ ને આબરૂ છે. છાતી એટલે હૃદય એ પ્રભુ તારે રહેવાનું સ્થાન છે. માટે તેને નિર્મળ ને પવિત્ર બનાવ, જેથી હું ત્યાં તારી ભક્તિ-આરાધના કરી શકું. હાથ તથા પગનો તારી તથા તારા સંતોની, ભક્તોની સેવા કરવા માટે સદુપયોગ કરી શકું. મારી દૃષ્ટિને નિર્મળ અને એકાગ્ર બનાવ, જેથી હું તારા સ્વરૂપનું દર્શન કરી, તેને મનન ને નિદિધ્યાસ દ્વારા મારા ચૈતન્યમાં પધરાવી, નિજમંદિરનું નિર્માણ કરી મારા જીવનને ધન્ય બનાવી શકું. વાણી દ્વારા તારા અહોનિશ ગુણગાન, સ્તુતિ-પ્રાર્થના ને કીર્તનભક્તિ કરી શકું. એ માટે મારી વાણીને મધુર, કોમળ, સત્યપૂર્ણ ને કલ્યાણકારી બનાવજે અને મારું મન હંમેશાં તારા સ્વરૂપનું જ મનન-ચિંતન કરીને તારા સ્વરૂપમાં જ નિમગ્ન રહે. જેથી મારા ચૈતન્યને વિશે તારા સ્વરૂપનો સાક્ષાત્કાર કરી હું પૂર્ણ મુક્તદશાને પામી શકું. એવી મારી ઉપર કૃપાવર્ષા કરજે પ્રભુ! આવા ઉત્કૃષ્ટ ભાવો સાષ્ટાંગ દંડવત્ પ્રણામ પાછળ રહેલા છે.

દંડવત્ પ્રણામ નિયમિતપણે મહિમાપૂર્વક કરવાથી ધીમે ધીમે દેહાત્મબુદ્ધિ, દેહભાવ દૂર થતો જાય છે અને નિરહંકારીપણું, નિર્માનીપણું, વાણી-વર્તનમાં ઋજુતા ને કોમળતા આવે છે. માનસિક જડતા, જિદ્દીપણું, સંકુચિતતા ને અહંભાવ ધીરે ધીરે ઘટતાં જાય છે. નિયમિતપણે થતા દંડવત્ પ્રણામથી જાણે-અજાણે હાથ-પગ, પેટ, કમર વગેરે અંગોને વ્યાયામ મળી રહે છે. તેથી સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે ને મન શુદ્ધ ને સાત્ત્વિક બને છે.

સ્ત્રીભક્તોએ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવાનો નિષેધ છે. તેમણે નીચે નમીને, બેસીને પંચાંગ પ્રણામ કરવાના હોય છે. તેની પાછળનો આશય અમુક મર્યાદા જળવાઈ રહે તે છે ને તે આવશ્યક પણ છે. સાષ્ટાંગ તથા પંચાંગ એમ બંને પ્રકારના પ્રણામનું ફળ તથા હેતુ અને ગૌરવ સરખા છે. બે હાથ જોડી, મસ્તક નમાવી ભાવપૂર્વક વંદન કરવામાં પણ એ જ હેતુ ને ભાવ તથા ફળ સમાયેલાં છે.

શ્રીહરિ ગઢડા મધ્ય 40મા વચનામૃતમાં જણાવે છે કે નિયમના જેટલા દંડવત્ પ્રણામ કરતા હોઈએ, તેથી એક દંડવત્ પ્રણામ અધિક કરવો. એ એટલા માટે કરવો કે દૈનિક જીવન-વ્યવહારમાં જાણે-અજાણે કોઈ ભક્તનો અવગુણ કે અભાવ આવી ગયો હોય, કે તેનો અપરાધ કે દ્રોહ થઈ ગયો હોય, તો તેના નિવારણ માટે પ્રાયશ્ચિત્તરૂપે એક દંડવત્ પ્રણામ અધિક કરવો. પ્રભુ પાસે ક્ષમાયાચનાના વિશુદ્ધ ભાવ સાથે પ્રણામ કરવા, જેથી પ્રભુની પ્રસન્નતા થાય અને જાણે-અજાણે થયેલા અપરાધની માફી થાય, તેથી ચિત્ત નિર્મળ બને.

આ રીતે સમજણપૂર્વક ને મહિમાપૂર્વક નિયમિત રીતે દંડવત્ પ્રણામ કરવાથી સાધકને એવી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થાય છે કે પછી તેને ક્યારેય પણ કોઈનો અવગુણ કે અભાવ આવતો જ નથી. અવગુણ અભાવ લઈને તે દોષની માફી માટે દંડવત્ પ્રણામ કર્યા કરવા, એવું ન થવું જોઈએ. કારણ કે પ્રાયશ્ચિત્ત એક કે બે વાર ભૂલ થઈ હોય તેનું હોય, પરંતુ વારંવાર ભૂલો કર્યા કરવી ને તેના પ્રાયશ્ચિત્તરૂપે દંડવત્ પ્રણામ કર્યા કરવા, એમ યંત્રવત્ ક્રિયાથી અપરાધો માફ નથી થતાં. માટે એ અંગે પણ વિવેક રાખવો આવશ્યક છે. આ રીતે દંડવત્ પ્રણામનું હાર્દ સમજી નિયમિતપણે દંડવત્ પ્રણામ કરવાથી તેનું અક્ષય ફળ મળે છે.

શ્રીહરિએ શિક્ષાપત્રીમાં કહેલાં આઠ નિયમો જે ચાતુર્માસમાં વિશેષપણે કરવાના છે તેમાંનો એક વિશેષ નિયમ દંડવત્ પ્રણામ પણ છે. તેથી પણ તેનું માહાત્મ્ય અનેકગણું વધી જાય છે. કારણ કે તેમાં પ્રભુની પ્રસન્નતા સમાવિષ્ટ છે.