નામનો જયઘોષ
પમંદિરમાં પ્રભુના સ્વરૂપનાં દર્શન કરતી વખતે, આરતી કે સ્તુતિ-પ્રાર્થના બાદ, કથા પ્રસંગે, પૂજા પ્રસંગે કે ઉદબોધન વખતે, એમ ઘણા પ્રસંગોએ પ્રભુના નામની ઊંચે સ્વરે કરીને 'જય' બોલાવવામાં આવે છે. જેમ કે સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય, પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય! વગેરે નામોચ્ચાર સાથે જયઘોષ કરવામાં આવે છે. એની પાછળ સર્વશક્તિમાન એવા પ્રભુના અનંત ઐશ્વર્ય પ્રતાપનું મહિમાગાન કરવાની ભાવના રહેલી છે. જે પ્રભુ સર્વોપરી, સર્વજ્ઞ, સર્વવ્યાપી, સર્વ ઐશ્વર્યવાન, સર્વ સાર્મથ્યવાન છે. જેઓ જીવકોટીથી લઈને મૂળઅક્ષર પર્યંત તથા તેથી પર મુક્ત-નિત્યમુક્તના સ્વામી છે. સર્વેના નિયામક, આધાર, કર્તા-હર્તા-ભર્તા, પોષક, પ્રેરક છે. અનંતકોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયરૂપ લીલા જેના એક સંકલ્પમાત્રનું પરિણામ છે. અનંત વિભૂતિ અવતારો ને મુક્તાવતારો જેમાંથી પ્રગટ થાય છે ને પાછા લીન થાય છે. અનેક બ્રહ્માંડાભિમાની દેવતાઓ, અધિકારીઓ, વિભૂતિઓનું નિયમન કરનાર. અનાદિમુક્તો પર્યંત સર્વેને સુખ, સાર્મથ્ય, ઐશ્વર્ય, શક્તિ, પ્રકાશ ને કલ્યાણકારી ગુણોના દાતા એવા મહાપ્રભુજી સદાય જયકારી પ્રવર્તે છે. એવા ઉદાત્ત ભાવનો પ્રભુનામના જયઘોષમાં આવિષ્કાર થાય છે. એ નામના જયઘોષમાં પ્રભુના અનંત કલ્યાણકારી ગુણોની સ્તુતિ-પ્રાર્થનાનો સૂક્ષ્મભાવ સમાયેલો છે.
પ્રભુના સ્વરૂપનો મહિમા અપાર છે. તેઓ પોતે પણ પોતાના મહિમાનો પાર પામતા નથી તેમ કહે છે. એવા શ્રીહરિના વિધાન પાછળનું હાર્દ એ જ છે કે પ્રભુનો મહિમા અપરંપાર છે. પ્રભુના જયઘોષ પાછળ પ્રભુનો અપાર મહિમા કહેવાનો ભાવ પણ સમાવિષ્ટ છે. એ દિવ્ય નામની જયથી એ મહાપ્રતાપી પ્રભુના સ્વરૂપની તત્કાળ સ્મૃતિ ઉદય થાય છે. મનમાં અનેરી ઊજાર્નો સંચાર થાય છે ને મનના ઘાટ સંકલ્પોનું તત્કાળ શમન થતાં મન શાંત ને પવિત્ર બને છે. એ નામનો એવો અદભુત પ્રતાપ છે. આગળ ધૂન વિશેના પ્રકરણમાં ધૂનનું જે ફળ વર્ણવેલું છે તે ફળ પ્રભુના નામના મહિમાપૂર્વક ને શ્રદ્ધાપૂર્વક કરેલા જયઘોષથી મળે છે.
પ્રભુના સ્વરૂપની સ્મૃતિસહ યથાર્થ મહિમા ને શ્રદ્ધાપૂર્વક નામની જય બોલાવવામાં આવે, તો પ્રભુનું તેમના અનંતમુક્તોએ સહિત પ્રગટપણું અનુભવાય છે. તેથી ભક્તની ચેતનાશક્તિ જાગૃત થાય છે ને મનમાં નિર્ભયતા નિષ્પન્ન થાય છે. પ્રભુ તથા મુક્તોની પ્રસન્નતા થવાથી ભક્તમાં અંતરશત્રુઓનું બળ ઘટી જાય છે. વિકારોનું શમન થાય છે. બહારના શત્રુઓ તથા સૂક્ષ્મ સૃષ્ટિમાં રહેલાં અનિષ્ટ તત્ત્વો પણ ભય પામી દૂર નાસી જાય છે. એવા શ્રદ્ધા ને મહિમાપૂર્વકના નામઘોષથી ભક્તમાં દૃઢ મનોબળ અને સંકલ્પબળ ઉદભવે છે. તેનાથી ભક્તને દુઃખો, મુશ્કેલીઓ ને આપત્તિમાં સહનશક્તિ ને સ્થિરતા જળવાઈ રહે છે. ભક્તની પ્રભુ પ્રત્યેની નિષ્ઠામાં તથા શ્રદ્ધામાં દૃઢતા વૃદ્ધિ પામે છે. આ રીતે પ્રભુના નામના જયઘોષનો મહિમા અતિ અપાર છે.
પ્રભુના નામના જયઘોષની જેમ પ્રભુના સ્વરૂપમાં પૂર્ણ સ્થિતિ પામેલા મુક્તના નામનો જયઘોષ પણ કરી શકાય છે. મુક્તોના નામના જયઘોષથી તેમના પ્રેરણાદાયી ને આદર્શરૂપ કલ્યાણકારી ગુણો ને ચરિત્રોની સ્મૃતિ થઈ આવે છે. તેથી એમ જણાય છે કે જેમના મુક્તો આવા મહાન, સમર્થ ને પ્રતાપી હોય, તો તેમના સ્વામી એવા જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તે કેવા મહાન, સમર્થ ને પ્રતાપી હશે? તેમનો મહિમા કેવો અપાર હશે? મુક્તો તો પ્રભુની દિવ્ય સમૃદ્ધિ છે. પ્રભુને પોતાના સ્વરૂપ કરતાં પણ પોતાના અનાદિમુક્તો અતિ અધિક વહાલા છે. માટે તેમના ગુણગાનમાં સ્વયં પ્રભુના ગુણગાન થતાં હોઈ પ્રભુ વિશેષરૂપે પ્રસન્નતા જણાવે છે, એ વાત નિશ્ચિત છે.
શ્રીહરિએ વચનામૃતમાં જણાવ્યા મુજબ જેમ પ્રભુની સાથે તેમના મુક્તની સેવા-પૂજા કરવાથી અનેક જન્મોની કસર એક જ જન્મમાં ટળી જાય છે, તેમ તેમના નામના જયઘોષ સાથે મુક્તના નામનો જયઘોષ કરવાથી પણ એ જન્મે જ કસરમાત્ર ટળી જાય છે. પરંતુ શરત એ છે કે તે નામની જય જેમ છે તેમ યથાર્થ મહિમાપૂર્વક બોલાવી જોઈએ. અંત વખતે પ્રભુનું નામ જેમ છે તેમ યથાર્થ માહાત્મ્ય સમજી એક જ વાર ઉચ્ચારવામાં આવે, તો જીવ પરમપદને અર્થાત્ મોક્ષને પામે તેવો નામનો મહિમા સ્વયં પ્રભુ શ્રીમુખે કહે છે. માટે તેમાં અશ્રદ્ધા કે સંશયને કોઈ અવકાશ જ નથી.
માટે પ્રભુના નામના જયઘોષ સાથે મુક્તોના નામનો જયઘોષ પણ કરવો જ જોઈએ. જેમ 'ભારતમાતાની જય'ના ઉદ્ઘોષ સાથે મહાત્મા ગાંધીજીની જય, સરદાર પટેલની જય બોલવાથી ભારતદેશનું ગૌરવ વધે છે. વ્યક્તિને ખ્યાલ આવે છે કે ભારતદેશની ધરતીની ખોળે આવાં મહાન રત્નો પાક્યાં છે. જેઓ દેશનું સાચું ધન છે, સાચી સંપત્તિ છે, સાચી અસ્મિતા છે. તેથી તેવી મહાન વ્યક્તિના જયનાદથી દેશનું ગૌરવ શતગણું વધે છે, પણ લેશમાત્ર ઘટતું નથી. તેવી રીતે પ્રભુના નામના જયનાદ સાથે મુક્તના નામની જય બોલવાથી પ્રભુનો મહિમા વધે છે, ગૌણ થતો નથી. એ સમજવું ઘટે. હા, જે મુક્ત સ્થિતિના નથી ને પોતાને ભગવાન અથવા મુક્ત કહેવડાવે છે, પોતાનું ધ્યાન તથા પૂજા વગેરે સામેથી કરાવે છે, એવા દંભી ગુરુઓથી સદાય ચેતતા રહેવું જોઈએ. તેવા દંભી ગુરુની જય બોલવાથી લાભ ને બદલે હાનિ થાય છે, મોક્ષમાં પણ વિઘ્ન આવે છે, કારણ કે તેમાં પ્રભુની પ્રસન્નતા લેશમાત્ર પણ થતી નથી. માટે મુમુક્ષુ ભક્તે પોતાની વિવેકશક્તિનો ઉપયોગ કરીને સાચા-ખોટાની પરખ કરતાં પણ શીખવું જોઈએ. નહિતર ગમે ત્યાં ફસાવાથી મનુષ્યજીવન વ્યર્થ જાય છે.
કષ્ટભંજન દેવ હનુમાનજીની જય, વિઘ્ન વિનાયક ગણપતિની જય, કૈલાસપતિ હરહર મહાદેવની જય. એમ દેવો તથા અવતારોની જય બોલવામાં ગૌરવ અનુભવતા ભક્તો અજ્ઞાનને લઈને, સંકુચિતતાને લઈને સર્વોપરી ભગવાન પૂર્ણ પુરુષોત્તમનારાયણના પૂર્ણસિદ્ધ મુક્તોની જય બોલવામાં નાનપ અનુભવે છે, સંકોચ અનુભવે છે, શરમ અનુભવે છે. તેમ મુક્તોની જય ન બોલાય તેમ માને છે. આ અજ્ઞાન ને જડતા નથી તો બીજું શું છે? પરમાત્માના પરમ સાર્ધમ્યને પામેલા મુક્તો તો પુરુષોત્તમરૂપ મુક્તાવતાર છે. જેઓ વિભૂતિ અવતારો ને દેવો કરતાં અનેકગણા અધિક છે. પ્રભુને તો પોતાના સ્વરૂપ કરતાં પણ પોતાના મુક્તો અધિક વહાલા છે. માટે તેમના નામનો જયઘોષ કરવાથી પ્રભુની વિશેષ પ્રસન્નતા થાય છે, એમાં કોઈ સંશય નથી.
માટે હરિભક્તે ઈર્ષા, દ્વેષ ને મત્સરવાળા અજ્ઞાની મનુષ્યની વાત માનવી નહિ અને પ્રભુના પૂર્ણમુક્ત એવા સત્પુરુષને ઓળખીને તેમનો જોગ-સમાગમ-સેવા કરીને પ્રભુનો હૃદગત અભિપ્રાય સમજવો તે તેના સર્વપ્રકારે હિતમાં છે.