9. આત્મનિરીક્ષણ

  • અતિશય મંદબુદ્ધિવાળા અને પશુતુલ્ય પ્રકૃતિના મનુષ્યને છોડીને બાકીના બધા મનુષ્યો જો સત્પુરુષોએ અને સત્શાસ્ત્રોએ કહેલા ઉપદેશોને સમજવાનો પ્રયત્ન કરે તો તેઓ આત્મનિરીક્ષણ દ્વારા સત્-અસત્ બધું જાણીને પોતાનો ઉત્કર્ષ સાધી શકે છે.
  • સાંસારિક વિષયભોગો સુખાભાસી હોવા છતાં પણ દુઃખરૂપ ને નાશવંત જ છે અને કેવળ પરમાત્માનું સ્વરૂપ જ શાશ્વત સુખ ને અવિચળ શાંતિનું કારણ છે, તેવું જ્ઞાન સાધકને આત્મનિરીક્ષણ દ્વારા થાય છે.
  • આત્મનિરિક્ષણ દ્વારા સાધક પોતાનું ધ્યેય નક્કી કરી તે પ્રત્યે સંપૂર્ણ જાગૃત રહી, આળસ-પ્રમાદમાં ન લેવાતાં સર્વશ્રેષ્ઠ લક્ષ્ય એવી પ્રભુપ્રાપ્તિને સિદ્ધ કરી શકે છે.
  • નિષ્ફળતા, ક્લેશ, પતન જેટલાં થાય છે તેનાં મૂળમાં કેવળ પોતાના અજ્ઞાન અને અવિદ્યા રહેલાં છે અને જેટલાં સુખ, શાંતિ, સફળતા, પ્રગતિ થાય છે તેનાં મૂળમાં જ્ઞાન રહેલું છે. આત્મનિરીક્ષણ દ્વારા વ્યક્તિ પોતે કઈ સ્થિતિમાં છે તે જાણી શકે છે ને અજ્ઞાન-અવિદ્યા દૂર કરી ઉચ્ચત્તર સ્થિતિમાં પ્રવેશી શકે છે.
  • સાધકે આત્મનિરીક્ષણ દ્વારા જાણવું જોઇએ કે તે દોષો ને ક્ષતિઓની સાથે સમજૂતી-સમાધાન (compromise) તો નથી કરતોને? દોષો પ્રત્યે તો સાવધ રહી જરૂર પડે તો કડક વલણ અપનાવીને પણ તેને દૂર કરવાનો જ પ્રયત્ન કરવો જોઇએ. સાચો સાધક પોતાનામાં દોષો કે અવિદ્યાને બિલકુલ સહન કરી શકતો નથી.
  • સાધકે આત્મનિરીક્ષણ દ્વારા જોતા રહેવું જોઈએ કે તે ધ્યાન-ભજન, સ્વાધ્યાય વગેરે પ્રભુપ્રસન્નતાના સાધનો પ્રસિદ્ધિની લાલસાથી કે કોઈ આડંબર કે લોકોને દેખાડવા માટે તો નથી કરતો ને ? એવી જાગૃતિની સાધકમાં જો ઊણપ હશે તો તે દંભને પોષશે ને ઉન્નતિને બદલે અવનતિ તરફ દોરવાઈ જશે.
  • કેટલેક અંશે આધ્યાત્મિક અનુભૂતિઓ થવા છતાં સાધકે આત્મનિરીક્ષણ દ્વારા સતત એ જાગૃતિ રાખવી આવશ્યક છે કે એ પૂર્ણ થઈ ગયાની મિથ્યા ભ્રમણામાં કે માન્યતામાં તો નથી રાચતો ને?
  • આત્મનિરિક્ષન દ્વારા સાધકે તપાસતાં રહેવું જોઈએ કે પ્રભુના કલ્યાણકારી ગુણોને પોતે જીવનમાં કેટલા આત્મસાત્ કર્યા છે ને કેટલા દોષ કાઢવાના હજી બાકી છે. એમ તપાસતાં રહી ગુણોને આત્મસાત્ કરવા ને દોષોને દૂર કરવા સતત નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કરવો જોઈએ.