3. વૈરાગ્ય-વિવેક

  • જ્યાં સુધી સમજણપૂર્વકનો યથાર્થ વૈરાગ્ય ઉત્પન્ન નથી થતો ત્યાં સુધી પ્રભુના સ્વરૂપમાં ચિત્તની વૃત્તિનો નિરોધ પણ શક્ય નથી બનતો.
  • અનેક પ્રકારની સાંસારિક-વ્યાવહારિક વિટંબણા ને પ્રતિકૂળતાઓમાં વખતો વખત હતાશા કે ખિન્નતા થયા કરે તો તેવો ભાવ નકારાત્મક હોવાથી વૈરાગ્ય સિદ્ધ થવામાં બાધક બને છે.
  • વૈરાગ્યની સિદ્ધિ અર્થે આત્મા-અનાત્માના જ્ઞાનરૂપ એવું સાંખ્યજ્ઞાન તથા પ્રભુના સ્વરૂપનો જ એક તીવ્ર આલોચ અત્યંત આવશ્યક છે.
  • પરમાત્માના સ્વરૂપ સિવાય બીજે અણુમાત્ર પણ આસક્તિ ન રહે એ વૈરાગ્યનો અવધિ છે.
  • સઘળા સંસારનો ત્યાગ કર્યો હોય, પરંતુ અંતરમાં તીવ્ર વૈરાગ્યની દૃઢતા ન હોય તો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના કથન 'ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના' અનુસાર એવો ત્યાગી જ્યાં પણ જશે ત્યાં સંસારની રચના ઊભી કરશે અને તેમાં બંધાઈ જશે.
  • વારંવાર વ્યંગાત્મક વાણીનો પ્રયોગ અને ઠઠ્ઠામશ્કરી સાધકને વૈરાગ્યની સિદ્ધિ માટે હાનિકારક છે.
  • પરમાત્મા સંબંધી રહસ્યજ્ઞાનમાં નિરંતર ગંભીર ચિંતન-મનન અને નિદિધ્યાસ વૈરાગ્ય ઉત્પન્ન થવાનો હેતુ છે.
  • સત્-અસત્નો વિવેક અને પ્રભુ સિવાયની બીજે ક્યાંય પણ રહેલી આસક્તિ દૂર કરવાનો અમોઘ ઉપાય પૂર્ણ મુક્તસ્થિતિવાળા સત્પુરુષનો જોગ-સમાગમ ને સેવા છે.
  • સત્પુરુષના જોગ-સમાગમ ને સેવા દ્વારા જ આત્મનિરિક્ષણ, અંર્તદૃષ્ટિ ને પરમાત્માના સ્વરૂપ સંબંધી ગહન ચિંતન-મનન અને નિદિધ્યાસ કરવાની યોગ્યતા આવે છે.
  • સત્પુરુષના સેવા-સમાગમ દ્વારા તેમની કૃપા ઉતરે છે. તે કૃપા દ્વારા જ અધ્યાત્મજ્ઞાનના ગહન રહસ્યોનો તાગ મેળવવાની સૂક્ષ્મ બુદ્ધિનો ઉદય થાય છે.
  • ચિત્તવૃત્તિરૂપ ઊજાર્ રાગ-દ્વેષ તથા અહંકારના સહયોગથી ભૌતિક પંચવિષયના રાગમાં ચોંટેલી રહે છે અથવા તો પરલોક સંબંધી ઐશ્વર્યો ને સુખોના રાગમાં રોકાયેલી રહે છે. તેમાંથી તે છૂટીને જ્યારે પરમાત્માના સ્વરૂપમાં ચોંટે છે તે જ સાચો વૈરાગ્ય છે.
  • ચિત્તની ઊજાર્ને દમન દ્વારા નહિ, પરંતુ જાગૃતિપૂર્વકની ભીતરની સમજ ને સંયમ દ્વારા ભૌતિક વિષયોમાંથી પાછી વાળી પરમાત્મામાં જોડવી તે વૈરાગ્ય છે. અણસમજથી અજ્ઞાનપૂર્વક કઠોર તપ દ્વારા ઇંદ્રિય કે અંત:કરણનું દમન કરવું તે વૈરાગ્ય નથી. તેવા અજ્ઞાનપૂર્વકના દમનથી તો શારીરિક ને માનસિક શક્તિઓ ક્ષીણ થાય છે ને ચિત્તવૃત્તિઓ બમણા વેગથી વિષયોમાં જોડાય છે.
  • પરમાત્માના સમ્યક્ જ્ઞાન દ્વારા બુદ્ધિ નિર્મળ બને છે. એવી બુદ્ધિમાં આત્મા-પરમાત્માનો પ્રકાશ ઉતરે છે ત્યારે એ બુદ્ધિ પ્રકાશિત બને છે. તેને વિવેકશક્તિ (Analytical Power) કહેવામાં આવે છે. આવો વિવેક સાધક માટે જે કંઈ બાધક છે તેને દૂર કરવામાં સહાયરૂપ નિવડે છે.