12. સત્ય-અસત્ય
- મનથી માનેલી, મનસ્વી વાત જ ગ્રહણ કરવી તે માનવધર્મ નથી. સત્પુરુષના ને સત્શાસ્ત્રોના પ્રમાણરૂપ વચનો માની જીવનમાં ઉતારવાં એ સાચા અર્થમાં માનવધર્મ છે; એ જ સત્ય ને અસત્યના વિવેકનો અર્થ છે.
- મનની ચંચળતા બંધ થઈ સ્થિરતા આવે ત્યારે જ સત્ય-અસત્ય, કર્તવ્ય-અકર્તવ્ય, ન્યાય-અન્યાય, નીતિ-અનીતિ, સાર-અસાર વગેરેનું ઠીક ઠીક ભાન થાય છે.
- સાધકે પોતાના મનમાં એક ભાવના મક્કમપણે દૃઢ કરી રાખવી કે 'હું સત્યને જ ગ્રહણ કરીશ; અસત્યનો માર્ગ કદીયે અખત્યાર નહિ કરું.' આવી ભાવનાની દૃઢતાથી વ્યક્તિ ક્યારેય સત્યથી વિચલિત થતી નથી. જે વ્યક્તિ સત્યને ન ઇચ્છીને સ્વાર્થમય ભૌતિક સુખો અને સત્તાને વાંછે છે ને પોતાને જે સારું લાગે તે અધર્મપૂર્ણ, અન્યાયયુક્ત ને અસત્યપૂર્ણ હોય તો પણ તેને ગ્રહણ કરે છે તેની સાધના નિષ્ફળ નિવડે છે.
- જે વ્યક્તિને કોઈ પણ પ્રકારનો ભય સતાવતો હશે તે વ્યક્તિ સંપૂર્ણપણે સત્યનિષ્ઠ નહિ બની શકે.
- મૃત્યુના ભયથી પ્રાયઃ વ્યક્તિ સત્યને છોડી દઈ અસત્ય ગ્રહણ કરી પોતાનો લૂલો બચાવ કરવા પ્રયત્ન કરે છે, પરંતુ એવા પ્રાણાન્તના ભય વખતે પણ નિર્ભય રહી કેવળ સત્યને જ ગ્રહણ કરે છે તે વિરલ છે અને પ્રભુકૃપાનું પાત્ર છે.
- માન-અપમાન, લાભ-હાનિ, પ્રિય-અપ્રિય, અનુકૂળ- પ્રતિકૂળ, સુખ-દુઃખ, હર્ષ-શોક વગેરે દ્વંદ્વોથી પ્રભાવિત થનાર વ્યક્તિ કેવળ સત્યને જ વળગી રહેવા સમર્થ નહિ બની શકે.
- સત્યનિષ્ઠ વ્યક્તિ મૃત્યુને હસતા હસતા સ્વીકારી લેશે, પરંતુ પ્રભુની ઉપાસના, નિષ્ઠા ને આજ્ઞાથી કદી વિચલિત નહિ થાય.
- સત્યનિષ્ઠ સાધક બીજાને જ્ઞાનોપદેશ કરતો રહે અને પોતાના જીવનમાં તે ઉપદેશને ચરિતાર્થ ન કરે તેવી સ્થિતિ તે હરગીઝ સહન નહિ કરે. તે પોતાના આચરણમાં ઉતારવાનો સતત પ્રયત્ન કરતો જ રહેશે, દંભ-દેખાવને જીવનમાં ક્યારેય સ્થાન નહિ આપે.
- જાગૃત વ્યક્તિ જ સત્યનું પાલન કરી શકે છે. અન્યથા મોહવશ વ્યક્તિ જ્ઞાનપૂર્વક ઘણું ઘણું અસત્ય આચરે છે.
- જ્ઞાનપૂર્વક અસત્યનું આચરણ કર્યા પછી જે વ્યક્તિ પોતાનો દોષ સ્વીકારતી નથી અને તે દોષને છાવરવાનો મિથ્યા પ્રયત્ન કરે છે, વળી તે દોષને દૂર કરવામાં વિલંબ કરે છે તો તેમાં અસત્યના કુસંસ્કારોની વધુ ને વધુ દૃઢતા થાય છે, જે તેને વધુ બંધનમાં નાંખે છે.
- વ્યક્તિમાં સત્ય આપમેળે ટકી રહેતું નથી, તેણે તેને પ્રયત્નપૂર્વક ટકાવી રાખવું પડે છે. પ્રભુમાં ને સત્પુરુષમાં અચલ શ્રદ્ધા સત્યને ટકાવવાનું પ્રેરક બળ પૂરું પાડે છે.
- પરમાત્મા દ્વારા નિર્મિત વ્યવસ્થામાં કેવળ સત્યની જ જીત થાય છે - 'સત્યમેવ જયતે', જ્યારે માનવ નિર્મિત વ્યવસ્થામાં અસત્ય અને અન્યાય સમાયેલાં છે તેમાં ક્યારેક તેની જીત થતી હોય તેવું પણ પ્રતિત થાય છે, પરંતુ અંતિમ હાર-જીતનો ફેંસલો પ્રભુના દરબારમાં થાય છે. અહીં જીતનો વિશદ્ અર્થ આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ છે અને હારનો અર્થ છે સાંસારિક અને જન્મ-મૃત્યુરૂપ સંસૃતિનું બંધન.
- સાંભળેલી કે જોયેલી કોઈક ઘટના અંગે કે કોઈ વ્યક્તિ અંગે વધુ પડતું કહેવું કે ઓછું કહેવું, વાસ્તવિકતા હોય તેનાથી અતિશયોક્તિ કરવી કે અલ્પોકિત કરવી અથવા વ્યંગાત્મક રીતે કહેવું અથવા ગોળગોળ અસ્પષ્ટ કહેવું આ બધા અસત્યના જ જુદા જુદા પ્રકારો છે. વાણીમાં રાગ-દ્વેષ, અહંકાર કે અસત્ય ભળે તો તે વ્યક્તિની વાણીને નિર્બળ ને નિર્વીર્ય બનાવે છે. માટે સાધક માટે એ અતિ આવશ્યક છે કે તે અસત્યનો આશરો ન લેતાં સત્યને જ ગ્રહણ કરે.
- કોઈ પ્રતિજ્ઞા કે નિયમ કે વ્રતપાલન માટે સંકલ્પ ઉદભવે અથવા કોઈકને કોઈ પ્રકારનું વચન આપ્યું હોય અને તેનું આળસ-પ્રમાદને લઈને આચરણ દ્વારા પાલન ન કરે તો તે દૈહિક અસત્ય છે. આવું દૈહિક અસત્ય આચરણ શારીરિક શક્તિનો હ્રાસ કરે છે ને મન તથા શરીરની સંવાદિતામાં ખામી ઉત્પન્ન કરે છે તેથી મનોબળ પણ તૂટી જાય છે. માટે જેણે સત્યાચરણ કરવું હોય તેમણે પોતાના ઇષ્ટદેવ પાસે કે સત્પુરુષ પાસે સત્યાચરણનો દૃઢ સંકલ્પ કરવો જોઈએ અને તે પ્રમાણે તેના પાલનમાં અડગપણે વળગી રહેવું જોઈએ. ઇષ્ટદેવ અથવા સત્પુરુષ પાસે કરેલો દૃઢ સંકલ્પ સત્યના પાલનમાં મજબૂત ટેકારૂપ બને છે ને સાથે સાથે રક્ષા કવચ પણ પૂરું પાડે છે.
- અન્યાય, અધર્મ, અનીતિ ને અસત્યનો જરૂર પડે સંઘર્ષ કરીને પણ પ્રતિકાર કરવો કે અસ્વીકાર કરવો એ પણ સત્યના આચરણનું એક મહત્ત્વનું અંગ છે. અન્યાય, અધર્મ ને અસત્યનું આચરણ જેમ અપરાધ છે, તેમ અસત્ય ને અન્યાય સામે ઝૂકી જવું કે તેને તાબે થઈ જવું તે પણ કાયરતાપૂર્ણ અપરાધ છે. અસત્ય ને અન્યાયની સામે શૂરવીર થઈ પ્રતિકાર કરવો તે પણ સત્યનું જ આચરણ છે.
- શબ્દનું પ્રમાણ ભૌતિક વૈજ્ઞાનિક તેમ જ પ્રબુદ્ધ- પ્રજ્ઞાવાન સત્પુરુષ એ બંનેનું સ્વીકાર્ય ગણાય છે, પરંતુ સત્યની માત્રા પૂર્ણરૂપે સત્પુરુષના શબ્દોમાં હોય છે, જ્યારે ભૌતિક વૈજ્ઞાનિક પોતાના કોઈક સ્વાર્થની પૂર્તિ માટે કે પક્ષપાતે કરીને અસત્યનું અવલંબન પણ લઈ શકે છે!
- સત્ય એ ઈશ્વરનું જ રૂપ છે, પરંતુ જે વ્યક્તિ ઈશ્વરને પામવાના પ્રયત્નમાં પ્રમાદી છે, પણ સત્યમાં નિષ્ઠા ધરાવે છે ને સત્યપરાયણ જીવન જીવે છે તે અંતે જતાં નિશ્ચિતરૂપે ઈશ્વરને જ પામે છે.
- પ્રભુ અથવા સત્પુરુષ જેને પ્રમાણ કરે છે તે જ સત્ય છે ને જેને પ્રમાણ નથી કરતા તે જ અસત્ય છે. કારણ કે આપણને જે સત્ય લાગતું હોય એ ખરેખર અસત્ય પણ હોય ને જે અસત્ય લાગતું હોય તે જ ખરેખર સત્ય હોઈ શકે છે માટે સત્ય-અસત્યનો અંતિમ નિર્ણય પરમાત્માના હાથમાં છે, તેનું કારણ પરમાત્મા જ સર્વજ્ઞાતા ને સ્વયં પૂર્ણ સત્ય છે.