10. યોગ્ય-અયોગ્ય વ્યવહાર
- વ્યક્તિએ વિવેકદૃષ્ટિ રાખી જે વસ્તુ જેટલી લાભદાયી હોય તેને એટલું જ મહત્ત્વ આપવું જોઈએ. પરમાત્માનું સ્વરૂપ તો સર્વથી અધિક લાભપ્રદ છે, માટે તેને જીવનમાં સર્વોચ્ચ મહત્ત્વ આપવું જોઈએ અને તેની પ્રાપ્તિ માટે વિશેષ પુરુષાર્થ કરવો જોઈએ, આ યથાયોગ્ય વ્યવહાર કહેવાય.
- પરમાત્મા સાથે સમુચિત સંબંધ બાંધવા માટે તેમણે આપણા માટે નિર્માણ કરેલાં કર્તવ્યો નિષ્ઠાપૂર્વક કરવાં ને બીજાં અકર્તવ્યોને વિવેકપૂર્વક ત્યજવાં આવશ્યક છે.
- જે વ્યક્તિ નીતિ તથા ન્યાયબુદ્ધિ છોડી દે છે તે મનુષ્યત્વથી પણ દૂર થઈ જાય છે. પરમાત્મા તથા મુક્તપુરુષો બીજા બધાં કરતાં આપણું સર્વોચ્ચ હિત ઇચ્છે છે. એમના વચનનો અનાદર કરવો કે તેમણે બાંધેલ નિયમોનો ભંગ કરવો તે અન્યાયબુદ્ધિ, અધર્મપૂર્ણ, અયોગ્ય વ્યવહાર છે.
- પરમાત્મા તથા સત્પુરુષો સાથેનો ઉચિત વ્યવહાર મનુષ્યને માટે પરમ ધ્યેય પરિપૂર્ણ કરવાનો સચોટ ને નિશ્ચિત ઉપાય છે. યોગ્ય વ્યવહારથી સફળતા અને અયોગ્ય વ્યવહારથી નિષ્ફળતા નિશ્ચિતરૂપે મળે છે. પરમાત્મા સાથેનો સંબંધ સ્વામી-સેવકનો, ઉપાસ્ય-ઉપાસકનો કે પિતા-પુત્રનો રાખવો સાધક માટે અતિ ઉપયોગી તેમ જ આવશ્યક પણ છે.
- આગળ કહ્યું તેવો સંબંધ પરમાત્મા સાથે કેવો ને કેટલો રહે છે તે આત્મનિરીક્ષણ દ્વારા સાધક જાણી શકે છે. જો સાધક તેવો સંબંધ પરમાત્મા સાથે રાખવામાં ઉણો ઊતરે તો તેનો પ્રભુ સાથેનો વ્યવહાર અયોગ્ય છે.
- પ્રભુની ઉપાસના, ધ્યાન, ભક્તિ વગેરે કરતાં કરતાં કંઈક ઉચ્ચગુણોની પ્રાપ્તિ થાય અને તેનું માન-સન્માન થાય, ત્યારે તે પ્રભુને ને સત્પુરુષને ગૌણ રાખી પોતાને મુખ્ય માને તો પ્રભુ પ્રત્યે અયોગ્ય વ્યવહાર ગણાય અને તેને પ્રભુપ્રાપ્તિ અલભ્ય બને.
- પરમાત્મા તથા સત્પુરુષનું કોઈ અજ્ઞાની કે દ્વેષી વ્યક્તિ અપમાન કરે, નિંદા કરે, ઘસાતું બોલે કે અવગુણ લે તેને દબાઈ જઈને નિર્માલ્યપણે સાંભળી રહે ને તેનો વિરોધ ન કરે તો પણ તે પ્રભુ સાથે ને સત્પુરુષ સાથે અયોગ્ય વ્યવહાર ગણાય. તેવા નિર્બળ ને ભીતિવાળા સાધકને માટે પ્રભુપ્રાપ્તિનો માર્ગ દુષ્કર છે.
- પ્રભુ તેમ જ સત્પુરુષની જેમાં પ્રસન્નતા અને રુચિ ન હોય તેવું કૃત્ય કદાચ વ્યાવહારિક કે દુન્યવી દૃષ્ટિએ ઉચિત હોય, તો પણ તેવું કૃત્ય કરવું તે અયોગ્ય વ્યવહાર છે, માટે જેમાં પ્રભુ તથા મુક્તપુરુષની પ્રસન્નતા હોય તેવું જ કૃત્ય કરવું.
- પ્રભુના સ્વરૂપમાં અંતર્વૃત્તિએ જોડાવાનો અભ્યાસ કરનાર સાધકનો દુન્યવી સંબંધો પરત્વેનો વ્યવહાર પણ યોગ્ય રીતે થશે. કારણ કે, પ્રભુકૃપાથી એવા સાધકની વાણી ને વર્તનમાં સચ્ચાઈ, નિખાલસતા ને માધુર્ય પ્રગટે છે.