13. મનોનિગ્રહ

  • મનનો નિગ્રહ, તેની ઉપરનું નિયંત્રણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ ધનચતુષ્ટય તથા સત્ય, અહિંસા, સંયમ, નિર્મળતા, નિર્ભયતા વગેરે પ્રભુના કલ્યાણકારી ગુણોની સિદ્ધિ માટે અતિ આવશ્યક છે.
  • મનનો નિગ્રહ થતાં જ વિષયો તરફ દોડતી ઇંદ્રિયોની વૃત્તિઓ પોતપોતાના વિષયોમાંથી પાછી વળી, પ્રત્યાહાર પામી આત્મા-પરમાત્માના સ્વરૂપમાં સ્થિર થઈ શકે છે.
  • એકાંતમાં મનોનિગ્રહ કરવા માટેની પૂર્વભૂમિકા એવી વૃત્તિઓની એકાગ્રતા સરળતાથી સિદ્ધ થઈ શકે છે, કારણ કે અન્ય પદાર્થોના આલંબનનો અભાવ હોય છે. તેમ છતાં સતત જાગૃતિ એકાંતમાં પણ આવશ્યક છે, અન્યથા એકાંતમાં પણ દોષો ઉદભવે છે.
  • જેને સાંસારિક ભોગોમાં ને સંબંધોમાં વધુ આસક્તિ છે તેને મનોનિગ્રહ કરવામાં અત્યંત સંઘર્ષ કરવો પડે છે. એને પરિણામે તેને થાક વઘુ લાગે છે, તાણ પણ અનુભવાય છે તેથી મોટા ભાગે તે સાધના અધવચ્ચેથી જ છોડી દે છે, પરંતુ હિંમત હાર્યા સિવાય તે પ્રયત્ન ચાલુ રાખે તો પ્રભુ અને સત્પુરુષની પ્રસન્નતા થયે મનનું નિયંત્રણ-નિગ્રહ નિશ્ચિતરૂપે કરી શકે છે.
  • મનોનિગ્રહ વગર આત્મશુદ્ધિ, એકાગ્રતા, સ્વતંત્રતા, નિર્ભયતા, નિશ્ચિંતતા, ચિત્તની પ્રસન્નતા, આનંદ, શાંતિ વગેરે સંભવી શકતું નથી.
  • મનને ચૈતન્ય ન માની જડ માનવાથી અને પોતાના સ્વરૂપને ચૈતન્ય - આત્મારૂપ માનવાથી, મન વગેરે જડ પદાર્થોથી અત્યંત વિલક્ષણ માનવાથી મનની વૃત્તિઓ નિયંત્રણમાં આવતી જાય છે. આને માટે અંર્તદૃષ્ટિનો અસ્ખલિત અભ્યાસ અતિ આવશ્યક છે.
  • આધ્યાત્મિક સાધનામાં ત્વરિત ગતિથી વિકાસ સાધવો હશે તો સાધકે સાધનાની શરૂઆતથી જ મન, બુદ્ધિ, ચિત્ત વગેરે અંતઃકરણો તથા ઇંદ્રિયો ઉપરનું નિયંત્રણ લાદવાનું સત્પુરુષ પાસેથી યુક્તિ શીખી શરૂ કરી દેવું પડશે.
  • ‘जीतं जगत केनः मनोही येनः’ જેણે મનનો નિગ્રહ કરી મનને પરિપૂર્ણરૂપે જીતી લીધું છે તેને માટે આખું જગત જિતાયેલું છે. સમગ્ર વિશ્વ તથા પ્રકૃતિ તેના નિયંત્રણ હેઠળ આવી જાય છે.