1. જીવનનું ધ્યેય

  • માનવજીવનનું એકમાત્ર પરમ અને ચરમ ધ્યેય પરમાત્માનો સાક્ષાત્કાર કરી, તેની સાથે પરમઐક્ય સાધી, તે રૂપ થવું એ છે. એમ અનેક સત્શાસ્ત્રોમાં કહેલું છે. કારણ કે જીવમાત્ર પૂર્ણ, સ્થાયી ને શાશ્વત સુખ-શાંતિ-આનંદ ઇચ્છે છે અને સર્વ દુઃખોથી યથાર્થ રીતે મુક્ત થવા માંગે છે. આ સ્થિતિ કેવળ પરમાત્માના દિવ્ય સ્વરૂપની પ્રાપ્તિ દ્વારા જ સંભવે છે, આ સિવાયના બીજા કોઈ પણ લક્ષ્યને સિદ્ધ કરવાથી થઈ શકતી નથી.
  • મનુષ્યજીવન સત્ય-અસત્યનો વિવેક કરી અસત્યને ત્યજીને સત્યનું ગ્રહણ કરવા માટે છે, પરંતુ તેનો મૂળ હેતુ સર્વ પ્રકારના દુઃખો ને પીડાઓમાંથી મુક્તિ મેળવી શુદ્ધ, સ્થાયી ને શાશ્વત સુખની પ્રાપ્તિ જ છે.
  • દીર્ઘકાળ પર્યંત આપણા ચિંતનનો વિષય એ હોવો ઘટે કે મનુષ્યજીવનની સાર્થકતા શેમાં છે, એનો પૂર્ણ નિર્ણય-નિશ્ચય કરી મનમાં સંશય રહિત સ્થિતિ નિષ્પન્ન કરવી અને આ સ્થિતપ્રજ્ઞ સ્થિતિને પ્રતિપળ દૃઢ બનાવતા જવી. ત્યારે જ આપણે આત્યંતિક મૂક્તિરૂપ લક્ષ્યપ્રાપ્તિ તરફ પ્રગતિ સાધી શકીએ.
  • જીવનના બે માર્ગો છે - પ્રેયમાર્ગ અને શ્રેયમાર્ગ. પ્રેયમાર્ગ સંસારના ભૌતિક ભોગોની પ્રાપ્તિનો માર્ગ છે, જ્યારે શ્રેયમાર્ગ પરમાત્માના અવિચળ દિવ્યસુખની પ્રાપ્તિનો માર્ગ છે. પ્રેયમાર્ગમાં અનંત પ્રકારના દુઃખો ને મનુષ્યજીવનની અસાર્થકતા રહેલી છે, જ્યારે શ્રેયમાર્ગમાં શાશ્વત સુખ-શાંતિ ને પરમાનંદની ઉપલબ્ધિ તથા જીવનની સાર્થકતા સમાયેલી છે. સાધકે શ્રેયમાર્ગે આત્યંતિક મોક્ષ પ્રાપ્તિનું લક્ષ્ય બનાવી તેમાં એકાગ્ર ને સ્થિર થવા પ્રયત્ન કરવો જોઈએ.
  • પ્રભુપ્રાપ્તિનું લક્ષ્ય અહીંતહીંથી એકઠું કરેલું અધકચરું જ્ઞાન અને તેને લગતું ડું ચિંતન-મનન કરવાથી સિદ્ધ થતું નથી. તેને માટે વર્ષો સુધી સંપૂર્ણ ગૃતિ (total awareness) સાથે આત્મનિરીક્ષણ દ્વારા પોતાની જાતને કસતા રહી અસ્ખલિત પુરુષાર્થ કરવો પડે છે.
  • ઘણી વ્યક્તિ કેવળ ભાવુકતાથી દોરવાઈ જઈ મુક્તદશા પ્રાપ્ત કરવાનું ધ્યેય બનાવી લે છે, પરંતુ તે લક્ષ્યને અનુભૂતિ દ્વારા કસ્યા વગર, શું બાધક છે ને શું સાધક છે તેનો નિર્ણય કર્યા વગર, પોતાની મર્યાદાઓને ને સાર્મથ્યને જાણ્યા વગર નિર્ણય કરે છે. એવો નિર્ણય દીર્ઘકાળ પર્યંત ટકી શકતો નથી. 'ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના' સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની એ ઉક્તિ અનુસાર ગમે તે ક્ષણે સાંસારિક પ્રલોભનોમાં તે તણાઈ જાય છે.
  • પ્રભુપ્રાપ્તિનો ધ્યેય નક્કી કર્યો, તે સંબંધી પર્યાપ્ત વિચાર કરી અમુક નિર્ણયો પણ લઈ લીધા, તેમ છતાં પણ વ્યક્તિને સ્વનિરીક્ષણ કરતાં પોતાનામાં કંઈક છીદ્રો જોવા મળશે. સુક્ષ્મ રીતે નિરીક્ષણ કરતા રહેવાથી વધુ ને વધુ છીદ્રો - દોષોનું ભાન થશે. તે દોષો પ્રત્યે સભાન થવાથી તે ઉપર વિજય મેળવવાની તીવ્ર ઉત્કંઠા જાગશે. એમ ને એમ આંતરિક સંઘર્ષ કરતા રહેવાથી પ્રભુપ્રાપ્તિનું ધ્યેય જ પ્રિય લાગશે અને તેમાં જ શાશ્વત સુખ-શાંતિ રહેલાં છે એવું પ્રતિત થશે. એ ધ્યેય સિવાયની બીજી બધી વાતો કષ્ટદાયી, દુઃખદાયી ને ગૌણ જણાશે ત્યારે જ વિવેકની દૃઢતા થઈ ગણાશે.
  • જે વ્યક્તિ સત્પુરુષોનું લક્ષ્ય અને આજના ભૌતિકવાદી લૌકિક વ્યક્તિના પરભાવની દૃષ્ટિએ તુચ્છ એવા લક્ષ્ય વચ્ચેનો ભેદ નથી જાણતી તે દીર્ઘકાળ પર્યંત સંસૃતિમાં (જન્મ-મરણરૂપ ફેરામાં) ભટક્યા કરે છે.
  • પ્રભુપ્રાપ્તિને મુખ્ય ધ્યેય બનાવવાથી પંચવર્તમાનના યથાર્થ પાલનમાં અને યમ-નિયમમાં અતિદૃઢ શ્રદ્ધા અને પ્રભુના સ્વરૂપમાં પરાપ્રેમનો, અનન્ય ભક્તિનો ઉદય થાય છે.
  • પ્રભુને જ મુખ્ય ધ્યેય બનાવી તેની પ્રાપ્તિને માર્ગે તે જ ચાલી શકે છે કે જે નિત્ય ત્રિકાલાબાધિત (ત્રણેય કાળમાં ફરે નહિ તેવું) સત્યનું જ અનુસરણ કરવા તત્પર રહે છે.
  • પ્રભુપ્રાપ્તિને મુખ્ય ધ્યેય બનાવનાર સાધકની પ્રભુ દરેક પ્રકારે સહાય કરે છે, રક્ષા કરે છે તેમ જ તેના યોગક્ષેમનું વહન પણ કરે છે.
  • પ્રભુપ્રાપ્તિ એ જ જીવનનું ધ્યેય છે એમ નિશ્ચિત થયા પછી સાધકની સામે અનેક મત-મતાંતરો, ધર્મ-સંપ્રદાયો, ગુરુઓ, ઉપદેશકો, શાસ્ત્રો વગેરે આવે છે. ધર્મગુરુઓમાં પણ મોટાભાગના અધ્યાત્મની અનુભૂતિ વગરના, ડતાયુક્ત, સ્વાર્થપરાયણ, દંભી અને સ્થાપિત હિતવાળા હોય છે. સાધક માટે ક્યો ધર્મ, કયો મત, કઈ ઉપાસના ગ્રહણ કરવી, કોને ગુરુ કરવા વગેરે એક મોટા પડકારરૂપ છે. આવે વખતે પોતાના અંતરમાં સર્વોપરી, સર્વવ્યાપી, સર્વજ્ઞ, સર્વશક્તિમાન એવા પરમાત્માને શ્રદ્ધાપૂર્વક, હૃદયથી પ્રાર્થના કર્યા કરતા રહેવાથી ઉપરની બધી બાબત માટે સાચું માર્ગદર્શન મળે છે ને પ્રભુ તેને સાચા ગુરુ પણ મેળવી આપે છે. ગુરુની શોધમાં પણ અંધશ્રદ્ધા ન રાખતાં પોતાની વિવેકશક્તિનો ઉપયોગ કરી તપાસતાં રહેવું કે ગુરુમાં પ્રભુના કલ્યાણકારી ગુણો છે? તેમને સાક્ષાત્કારની અનુભૂતિ છે? કે કેવળ દંભ જ છે? આવું તપાસતાં રહેવાથી સાચા ગુરુની પરખ થાય છે, સાચા ગુરુ મળ્યા પછી જ પરમાત્માનું જ્ઞાન, ઉપાસના, ધર્મ વગેરે સ્પષ્ટ થાય છે, પછી સાધનાપથ મોકળો બને છે.