8. કુસંસ્કારો

  • પૂર્વકર્મના સંસ્કાર વશાત્ કે સંજોગવશાત્ દોષમાં લેવાઈ જઈને જે કુસંસ્કાર ઘડાય છે તે અલ્પ અને નબળા બને છે, પરંતુ જાગૃત રહી, જાણી જોઈને ભોગોમાં સુખ ને આનંદ માનીને જે ભોગો ભોગવાય અને તેના કુસંસ્કારો બને છે તે અતિ દૃઢ બને છે ને તેને દૂર કરવામાં ઘણો પરિશ્રમ ને દીર્ઘકાળ લાગે છે.
  • કોઈ પણ ઉત્પન્ન થવાવાળી વસ્તુનો નાશ નિશ્ચિત છે. જે વસ્તુ બનાવી શકાય છે, તેનો નાશ પણ કરી શકાય છે. આ સિદ્ધાંત અનુસાર આપણે ઘડેલા કુસંસ્કારો આપણા પુરુષપ્રયત્નથી રોકી શકાય છે, દુર્બળ કરી શકાય છે તેમ જ નષ્ટ પણ કરી શકાય છે.
  • જેવી રીતે વ્યક્તિ પોતાને આવેલ સાંસારિક-વ્યાવહારિક મુશ્કેલીઓ, દુઃખો, વિઘ્નો વગેરેને અનેક પ્રકારના ઉપાયે કરીને, પોતે કષ્ટ વેઠીને પણ તેને દૂર કરે છે તેવી રીતે સાધકે પણ કુસંસ્કારો સામે સંઘર્ષ કરીને પ્રયત્નપૂર્વક તેને દૂર કરવા પડે છે.
  • બાહ્ય દોષો કરતાં આંતરદોષોની ને કુસંસ્કારોની માત્રા અનેકગણી વધુ હોય છે. અનંત જન્મોના સૂક્ષ્મ સંસ્કારોને સમાધિ વગર જાણી પણ શકાતા નથી તો તેને દૂર કરવાની તો વાત જ દૂર રહી. પ્રભુના સ્વરૂપમાં ચિત્તવૃત્તિની એકાગ્રતા દીર્ઘકાળ પર્યંત રહે ત્યારે સમાધિ થાય છે ને એવી સમાધિ વખતે અનંત જન્મોના સંસ્કારોનું ભાન થાય છે. એ સંસ્કારોને દૂર કરવા માટે પણ પ્રભુની ઉપાસના તથા ધ્યાનનો જ સહારો લેવો પડે છે. બીજો ઉપાય સત્પુરુષની કૃપા છે. સેવા દ્વારા સત્પુરુષ પ્રસન્ન થાય છે ને કૃપા ઉતારે છે તેથી અનેક જન્મના કુસંસ્કારો નષ્ટ થઈ સાધકનો ચૈતન્ય શુદ્ધ બને છે.
  • અંતર્દૃષ્ટિ, તપસ્યા, સંયમ ને પ્રભુના સ્વરૂપનું તથા મુક્તપુરુષના વચનોનું બળ હોય તેવો સાધક કુસંસ્કારોના ઉભરાથી તેની સામે લડાઈ લઈ તેને પરાસ્ત કરી શકે છે, જ્યારે તે રહિત વ્યક્તિ કુસંસ્કારોના ઉભરાવાની સાથે ભોગ તરફ આકર્ષાઈ જાય છે.
  • પ્રભુના સ્વરૂપ સાથે અખંડ સાતત્ય રાખી જોડાઈ રહેવાથી અનંત જન્મોના કુસંસ્કારો ક્ષીણ થતાં થતાં અંતે નાશ પામે છે.
  • યથાર્થ જ્ઞાન અને પ્રભુના બાંધેલ નિયમ-ધર્મો તથા સત્પુરુષોના સંગ ને વચનનું બળ કુસંસ્કારોને હટાવે છે અન્યથા પાપકર્મથી બચવું અતિ દુષ્કર છે.
  • જે સાધક એમ વિચારે કે અનંત જન્મોના કુસંસ્કારો શી રીતે દૂર થાય? એ કાર્ય તો ઘણું જ અઘરું છે, એ તો ધીમે ધીમે કાળે કરીને જશે ત્યારે જશે! તો આવું નકારાત્મક વલણ ધરાવનાર સાધક પ્રયત્નમાં શિથિલ બની જઈ અંતે હતાશ અને નાસીપાસ થઈ મન સાથેની લડાઈમાં નિષ્ફળ જાય છે.