4. જ્ઞાન-અજ્ઞાન

  • શુભ-અશુભ, સારા-ખરાબ કાર્યોની પાછળ આપણું જ્ઞાન કે અજ્ઞાન ભાગ ભજવે છે. કર્મોની પ્રવૃત્તિ થવામાં જ્ઞાન-અજ્ઞાન કારણરૂપ છે. જ્ઞાનમાં ત્રુટિ કે દોષ આવે તો કર્મમાં પણ ત્રુટિ આવે છે, એટલું જ નહિ, પણ જ્ઞાનમાં ત્રુટિ-ક્ષતિ આવે તો નવું જ્ઞાન પ્રાપ્ત કરવામાં પણ ત્રુટિ આવી જાય છે. સાચો વૈરાગ્ય અને પ્રભુના સ્વરૂપની શુદ્ધ ઉપાસના પ્રાપ્ત ન થવાનું મુખ્ય કારણ છે - જ્ઞાનમાં ત્રુટિ હોવી. આમ હોવાથી બુદ્ધિનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી, તેથી આત્માની પ્રગતિ અવરોધાય છે.
  • સાચી દિશામાં વિચારવામાં દોષ હોવાથી વ્યક્તિ જીવનને સુખી બનાવવા ઇચ્છે, તો પણ તે જીવનને સુખી બનાવી શકતી નથી.
  • પોતાને અનુમાનથી થયેલા અથવા પ્રત્યક્ષ થયેલા જ્ઞાનની સત્પુરુષે આપેલા જ્ઞાન સાથે તુલના કરી ક્ષતિને સુધારતા રહેવાથી જ્ઞાનનો વિકાસ થાય છે ને તેમાં દૃઢતા આવે છે.
  • જ્યારે પોતાનો અનુભવ તથા જ્ઞાન અપૂરતા હોવાથી કામ આવે તેમ ન હોય અને સ્થિતિ ડામાડોળ થઈ રહી હોય, ત્યારે સાધકને સત્પુરુષના અમૂલ્ય શબ્દપ્રમાણો જ સહાયક અને ઉપકારક નિવડે છે અને તે દ્વારા તે પોતાની જાતને વિપરિત પરિસ્થિતિમાં પણ બચાવી રાખી શકે છે.
  • આત્મા-પરમાત્મા સંબંધી સત્યજ્ઞાનનો નિશ્ચય થઈ ગયો હોય તેમ લાગવા છતાં જાગૃત રહી તેની સતત રક્ષા કરતાં રહેવું જોઈએ. નહિતર પ્રતિકૂળ સંજોગોમાં તેમાં સંશય, શંકા કે મિથ્યાજ્ઞાન ઉદભવી શકે છે.
  • અજ્ઞાન-અવિદ્યા અને તેનું ઉપાદાન એવા ચિત્તમાં રહેલા સંસ્કારોને પૂર્ણરૂપે નિર્મૂળ કરવાથી જવ્યક્તિ પરમાત્માનું પૂર્ણ સુખ ને શાશ્વત શાંતિનો અનુભવ કરી શકે છે. આવી સ્થિતિ પ્રભુના સ્વરૂપમાં નિર્વિકલ્પ સમાધિ થઈ સાક્ષાત્કાર થવાથી જ સંભવે છે.
  • સાધક પોતાના આત્માનું પરમાત્માના સ્વરૂપ સાથે એકત્વના, સાર્ધમ્યના દિવ્યભાવનું અખંડ સાતત્ય જાળવવાનો પ્રયત્ન ન કરે ને પ્રમાદ રાખે તો એ વાત સ્પષ્ટ છે કે તેમાં અજ્ઞાન હજુ બાકી છે. એવી અજ્ઞાનતાનો આત્યંતિક મોક્ષની પ્રાપ્તિમાં વિલંબરૂપ દંડ ભોગવવો પડે છે, માટે સાધકે તે બાબત સાવધ રહેવાની અત્યંત આવશ્યકતા છે.
  • વાચ્યાર્થજ્ઞાન અનુભવજ્ઞાનરૂપી લક્ષ્યાર્થમાં ન પરિણમે ત્યાં સુધી તે અજ્ઞાન જ છે, કારણ કે તેવું જ્ઞાન સાક્ષાત્કાર અનુભવના અભાવે કેવળ થોડી માહિતી જ છે.
  • ‘ऋते ज्ञानान मुक्ति: જ્ઞાન વગર મુક્તિ નથી આ ઉક્તિમાં જ્ઞાનનો અર્થ અનુભવજ્ઞાન જ છે, વાચ્યાર્થજ્ઞાન નથી.