૧૩ - માન તથા ઈર્ષ્યા
ગઢડા પ્રથમ પ્રકરણમ્ (૪, ૭૬)
નિર્માની થઈને ગુણવાન પાસેથી તેના ગુણ શીખવા પણ તેનો દ્રોહ થાય તેવી ઈર્ષ્યા ન કરવી. (૪)
ક્રોધ, માન, ઈર્ષ્યા ને કપટ રાખે તે શ્રીજીમહારાજને ગમતો નથી ને ક્રોધ ને ઈર્ષ્યા એ બેય માનને આશરે રહે છે. (૭૬)
સારંગપુર પ્રકરણમ્ (૮)
ઈર્ષ્યા, ક્રોધ, મત્સર ને અસૂયા તે સર્વે માનથી પ્રવર્તે છે ને યથાર્થ ઈર્ષ્યાવાળો કોઈની મોટાઈને દેખી શકે જ નહિ. (૮)
કારિયાણી પ્રકરણમ્ (૬)
કામ, ક્રોધ, લોભ, કપટ, માન, ઈર્ષ્યા ને મત્સરે રહિત થઈને શ્રીજીમહારાજની ભક્તિ કરે તેના ઉપર શ્રીજીમહારાજ રાજી થાય છે. અને સર્વે વિકારથી મત્સર ઝીણો વિકાર છે ને ટળવો કઠણ છે ને સંતને માર્ગે ચાલે તેનો મત્સર ટળે ને સ્ત્રી, દ્રવ્ય, સારું ભોજન ને માન એ ચાર મત્સર ઊપજ્યાના હેતુ છે. (૬)
પંચાળા પ્રકરણમ્ (૫)
શ્રીજીમહારાજ તથા શ્રીજીમહારાજના ભક્તની આગળ નિર્માની રહેવું અને વિમુખ જે સત્સંગનો દ્રોહી હોય અને શ્રીજીમહારાજ તથા તેમની મૂર્તિમાં નિમગ્ન એવા સંતનું ઘસાતું બોલતો હોય તેના આગળ તો માન રાખવું. (૫)
ગઢડા મધ્ય પ્રકરણમ્ (૨૬, ૨૮, ૪૦)
સર્વે સત્સંગીના ગુણ લે અને પોતાનો અવગુણ લે તો સત્સંગ વૃદ્ધિ પામે અને અવગુણ લે તે વિમુખ થાય. અને મહારાજ તથા મુક્ત શીખામણની વાત કહે તે સવળી લે તેના ઉપર મહારાજને હેત થાય છે ને જે અવળું લે તેના ઉપર નથી થતું. (૨૬)
જે ભગવાનનો ભક્ત હોય તે તો એમ સમજે જે હું તો ભગવાનના ભક્તનો પણ ભક્ત છું અને ભગવાનના ભક્તની ભક્તિ કરું છું, એ જ મારે વિશે મોટો ગુણ છે અને એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઈ જાતની મોટપ શોભે નહિ, ને જેમને ભગવાનના ભક્તનો અભાવ આવે તે અતિશે મોટા હોય તો પણ પોતાની પદવી થકી પડી જાય છે. (૨૮)
લોભ, માન, ઈર્ષ્યા ને ક્રોધ એ ચારે કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય છે ને એ ચાર ન હોય તો ભગવાનના ભક્તનું સન્માન થાય છે. ને ભગવાનના ભક્તના દ્રોહ જેવું બીજું કોઈ પાપ નથી ને ભગવાનના ભક્તની સેવા જેવું બીજું રૂડું નથી. (૪૦)
ગઢડા છેલ્લું પ્રકરણમ્ (૧૨)
જેને કલ્યાણને ઇચ્છવું હોય તેને માન રાખવું નહિ, ને દાસ થઈને રહેવું. ને શ્રીજીમહારાજ કે એમના ભક્તનો અવગુણ લેનાર ને તેની વાત સાંભળનાર બેય વિમુખ થાય છે, ને એ પાપથી છૂટ્યાનો કોઈ ઉપાય નથી. (૧૨)