૪ - સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી
સદાય જેઓ બ્રહ્મમાં કિલ્લોલ કરતા અને માટે જ મહારાજે જેમનું નામ બ્રહ્માનંદ પાડ્યું, એવા બ્રહ્માનંદ સ્વામીને અગણિત સિધ્ધિઓ હાથ જોડી સેવામાં ઊભી રહેતી. કાવ્યશક્તિ, તર્કશક્તિ, યાદશક્તિ, હાજર જવાબીપણું, સુકંઠી વક્તાપણું, સંગીત ક્ષેત્રની દરેક કળા, હસ્ત લાધવ, પાકશાસ્ત્ર, પહેલીકા જેવી અનેક સિદ્ધિઓ જેમને હાંસલ હતી. જેઓ શક્તિઓનો અખૂટ ભંડાર હતા. જેમનામાંથી દિવ્યશક્તિનો શાંત પ્રવાહ વહ્યા જ કરતો. આમ સિધ્ધિઓનો સમન્વય એટલે બ્રહ્માનંદ સ્વામી!
મુક્તોની દિવ્યતા તેમના પ્રાગટ્ય સાથે જ પરખાઈ જાય છે, પરંતુ જેઓ દરેક રીતે અનોખા હતા. તેઓએ મુક્તપણાના એંધાણ પણ અનોખી રીતે જ આપ્યા. આબુની તળેટીમાં આવેલ ખાણ ગામમાં રહેતા માતા લાલુબાદેવી અને પિતા શંભુદાન થકી જ્યારે તેઓ માતાના ગર્ભમાં હતા, ત્યારે ઉધ્ધવાવતાર રામાનંદસ્વામી તેમને ત્યાં કૃષ્ણનાં ગુણાનુવાદ કહેતા હતા. ત્યારે આ મુક્તરાજ માતાના ગર્ભમાં રહી મધુરસ્વરે બોલ્યા "પ્રભો! આપ પ્રગટ પ્રભુ જે શ્રીહરિ તેમના મહિમાની વાત કરો." ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે રામાનંદસ્વામીએ કહ્યું 'પ્રગટ પ્રભુના ગુણાનુવાદ તો આપ જ વર્ણવશો, હું તો દિશમાત્ર વર્ણન કરું છું.' આમ સહુને પોતાના મુક્તપણાના એંધાણ પ્રાગટ્ય પહેલાં જ અનોખી રીતે કરાવી આપ્યા.
હીરા પર સૂર્યની કિરણનો પ્રકાશ પડતાં તેજ - તેજ છવાઈ જાય છે, તેવી જ રીતે સં. ૧૮૩૭ના મહાસુદ પંચમીના દિને મુક્તરાજ પ્રગટ થતાં સર્વત્ર તેજ - તેજ છાઈ રહ્યું. પછી તે તેજ તેમનામાં લીન થતાં સહુ કોઈ જોઈ રહ્યા. આમ, આબુની તળેટીમાં જાણે નાનકડાં ઝરણાનો ઉદય થયો. સમયાંતરે યોગ્ય સંસ્કાર વિધિ દ્વારા મુક્તરાજનું લાડુદાન નામ પાડવામાં આવ્યું. રૂપ ત્યાં ગુણ નહિ અને ગુણ ત્યાં રૂપ નહિ એ કહેવત લાડુદાનજીએ ખોટી ઠેરવી. તેઓ ઘણા જ રૂપાળા, હસમુખા અને ઐશ્વર્યવાન હતા. તેમના આવા રૂપથી આકર્ષાઈ દેવી - દેવતાઓ પણ દર્શને આવતા.
કવિ બનાવાતા નથી; કવિ જન્મે છે. તે અનુસાર નાનપણથી જ બાળમિત્રોને જોડકણાં, સાખીઓ, ગૂઢાર્થ પ્રશ્નો - અર્થો વગેરે સંભળાવી તેમનું મનોરંજન કરતા. નાનપણથી જ દિવ્ય શક્તિઓના ચમત્કાર દાખવતા. તેમના ઘરમાં ફક્ત પંદર - વીસ વ્યક્તિની રસોઈ હોય, તો પણ કેટલાય લોકો જમી જતાં અને છતાંય તેમાંથી રસોઈ ખૂટતી નહિ. આથી ગામમાં લોકો પ્રસંગે લાડુદાનજીને પોતાને ત્યાં લઈ જઈ બેસાડતા અને બીજા ગામના લોકો પણ ખાતરી કરવા લાડુદાનજીને ત્યાં યજમાન થઈ જમી જતા. આમ આખા ખાણ ગામમાં તો તેઓ પ્રસિદ્ધ થઈ ગયા હતા. આબુ તળેટીનું ઝરણું ધીરે - ધીરે ખળ - ખળ વહેવા લાગ્યું હતું અને શિરોહીનાં મહારાવને પણ પોતાની કાવ્ય શક્તિનો પરિચય આપી આંજી દીધા. જેથી મહારાવે લાડુદાનને પોતાને ખર્ચે ભુજ ભણવા મોકલવા તેમના પિતાને જણાવ્યું, પરંતુ ક્યાં રાજસ્થાન અને ક્યાં કચ્છ? આથી ચિંતામાં હતા કે પુત્રને કેમ મોકલીશું? પણ જેનો હાથ શ્રીહરિએ પકડ્યો છે અને જે શ્રીહરિને શરણે થયો છે, તેની પણ શ્રીજી સંભાળ રાખે છે, તો લાડુદાનજી તો શ્રીજીના સંકલ્પ દ્વારા પૃથ્વી પર પધાર્યા હતા. અને શ્રીહરિનો મહિમા ગાવા જ જેમનું આગમન હતું. પછી પ્રભુ તેમની સંભાળ રાખે જ. તેથી માતા - પિતા બંનેને પ્રભુએ સ્વપ્ન કરાવ્યું કે આજથી પાંચમે દિવસે જે બ્રાહ્મણ આવે તેની સાથે લાડુદાનને ભુજ મોકલજો. પાંચમે દિવસે શ્રીજીમહારાજ પોતે બ્રાહ્મણ વેશે ભોમિયા બની આવ્યા અને અઢાર વર્ષના લાડુદાનને ભુજ સુધી દોરી ગયા.
ભુજમાં દસ વર્ષ રહી લાડુદાનજીએ અભ્યાસ પૂર્ણ કર્યો. વિદ્યાગુરુ જે પાઠ આપે તે લાડુદાનજી બીજે જ દિવસે જીહવાગ્રે કરી બીજો પાઠ લેતા. પછી તો બીજા કરતાં બમણો પાઠ લે અને તે પણ પોતાની યાદશક્તિ અને સમજશક્તિ દ્વારા બીજે જ દિવસે યાદ કરી ગુરુને આપી દે. આમ દસ વર્ષમાં તો પિંગળશાસ્ત્રને જાણે ઘોળીને પી ગયા. કવિત્રિયા, જગતવિનોદ જેવા અનેક ગ્રંથો જીહવાગ્રે કર્યા. સાક્ષાત્ સરસ્વતી દેવી ઉતર્યા હોય તેમ દરેક - દરેક ક્ષેત્રમાં અગ્રસ્થાને જ રહ્યા અને છેલ્લે યાદશક્તિ ખૂબ જ કેળવીને અષ્ટવિધાન, ષોડષવિધાન, ચોસઠવિધાન, શતવિધાન, અષ્ટોત્તરવિધાન, સહસ્ત્રવિધાનની રચના કરી અને શિઘ્ર કવિ બન્યા. શતાવધાન પ્રયોગો તો બાળ રમતની જેમ કરતા.
વિદ્યાગુરુ જ્યારથી ભુજ શાળામાં હતા, ત્યારથી આજ દિન સુધી તેમને આવા તેજસ્વી શિષ્ય મળ્યા ન હતા. તેથી તેમણે લાડુદાનને યોગ્ય શિષ્ય માની પોતાનું સમગ્ર જ્ઞાન તેમને અર્પણ કર્યું. અને મહારાવ પાસે આવા તેજસ્વી, ગુણીયલ શિષ્યના વખાણ કર્યાં. મહારાવે જ્યારે લાડુદાનની કવિત્વ શક્તિને નિહાળી, ત્યારે તેમને ગુરુ અભયદાનજીના વાક્યોમાં ક્યાંય અતિશયોક્તિ ન લાગી. આથી તેમણે લાડુદાનજીને દોવળી તાજીમ સરદારનો ખિતાબ એનાયત કર્યો. પગમાં સોનાનો તોડો પહેરાવ્યો અને રાજ્ય કવિરત્ન, પિંગળવિદ્યાચાર્ય, સહસ્ત્રશતાવધાની, મહામહોપાધ્યાય, મહાશિઘ્ર કવિશ્વર. આવી મહાન પદવીથી નવાજ્યા.
ભુજથી લાડુદાન અનેક રાજ્યોમાં માન-સન્માન, ખિતાબો, માનપત્રકો, વસ્ત્રો, અલંકારો વગેરે જણસો મેળવતા - મેળવતા ધમડકા પધાર્યા. અહીં પણ બે વર્ષ રહી વિદ્યા પ્રાપ્ત કરી અને બીજી અનેક નીતિઓમાં નિપૂણતા મેળવી. ધમડકાના ભાગ્ય તો લાડુદાનજી જેવા મુક્તરાજ પધાર્યા તેમાં જ થયા, પરંતુ લાડુદાન માટે અહીં જીવનનું અનેરું સંભારણું થયું. મનુષ્યતનુ ધરી જેને મેળવવાના છે તે પ્રગટ પ્રભુના નીલકંઠરૂપે લાડુદાનજીને આ ધમડકામાં જ દર્શન થયાં. લાડુદાનજી તથા ધમડકા ગામ બંનેના અહોભાગ્ય! લાડુદાનજી જેમ - જેમ ગામોમાં ફરતા વસ્ત્ર-અલંકારો, ભેટ-સોગાદો વધતી જતી અને ખ્યાતિ દૂરસુદૂર ફેલાતી જતી. કેટલાક રાજ્યોમાં તો તેમણે શતાવધાન પ્રયોગો પણ કરી બતાવ્યા. ફરતા - ફરતા તેઓ ધ્રાંગધ્રા પહોંચ્યા. આબુનું ઝરણું જાણે મહાસાગરની વધુ નજીક પહોંચી ગયું. ધ્રાંગધ્રામાં પણ તેમને ખૂબ માન-સન્માન પ્રાપ્ત થયું. ત્યાંના રાજા લાડુદાનથી ખૂબ પ્રભાવિત થયા અને ખુશ થઈ પોતાના ખાસ સોની નાગદાનભાઈને લાડુદાનજી માટે દાગીના ઘડવા બોલાવ્યા. જ્યારે સોનીભાઈ લાડુદાનજીનાં અંગોનું માપ લઈ રહ્યા હતા ત્યાં લાડુદાનજીની નજર તેમના કપાળ પર કરેલા તિલક ચાંદલા પર પડી અને સોનીભાઈ પાસેથી શ્રી સહજાનંદ ભગવાન છે એમ સાંભળતાં એ બધા ધતીંગ છે માટે શ્રીજીમહારાજનું ભગવાનપણું ખૂંચવી લેવાના કોડ જાગે છે. અને તુરત જ પોતે ગઢડાની વાટ પકડી. ત્યારે આ સોની ભક્તે લાડુદાનજીને ફક્ત એટલું જ કહ્યું 'મીઠાની કોથળી સમુદ્રનો તાગ લેવા જાય તો પાછી ફરે ખરી? આ બુઢ્ઢો સોની પીળું એટલું સોનું નથી જાણતો તેને સોનાની પરખ છે ખરી. જાઓ! જો સહજમાં આનંદ આપે તો માનજો કે એ સહજાનંદ છે, આમ મહારાજ અને મુક્તનું મિલન કરાવવા આ સોનીભક્ત નિમિત્ત બન્યા.
પહાડમાંથી નીકળેલી નદી જોશભેર જતી હોય જાણે હમણાં સમુદ્રને પોતાનામાં સમાવી લેવાની હોય. પણ, નજીક જતાં તેને થાય છે મારા જેવી તો કેટલીય નદીઓ આમાં સમાઈ ગઈ હું પણ સમાઈ જવાની. કાંઈક આવી જ મનઃસ્થિતિ લાડુદાનજીની પણ થઈ. ગઢડાનાં સીમાડે પહોંચતાં મનની ચંચળતા થંભી ગઈ, મનને શાતા વળી ક્યારેય ન અનુભવેલી શાંતિનો અનુભવ થયો. અને મહારાજના દર્શન થતાં તો જાણે પૂર્વભવની પ્રીત જાગી, મનનો મોરલો નાચી ઉઠ્યો અને ધીરે-ધીરે પોતે કરેલા સંકલ્પો એક પછી એક સિદ્ધ થતાં શ્રીજીમહારાજને ભગવાન જાણી ત્યાં જ રહી ગયા.
શ્રીહરિ પાસે જેમને સદાય રહેવાનું હોય તેમનામાં કોઈ ત્રુટિ રહી જાય તે પ્રભુ કેમ ચલાવી લે? તેથી મહારાજે લાડુદાનજીનો મદ, અભિમાન, રાજસી ઠાઠ-માઠ વગેરે ઉતારવા તેમને એભલ ખાચરના પુત્રીઓ બાશ્રીજીવુબા અને બાશ્રીલાડુબા. આ બંને પરણીને ગૃહસ્થાશ્રમમાં રહે તેવું સમજાવવા તેમની પાસે મોકલ્યા. લાડુદાનજીએ તેમની સમક્ષ પોતાની કવિત્વ શક્તિથી શૃંગાર રસ ખડો કરી દીધો. કલ્પનાનો ચિતાર તાદ્રશ્ય કર્યો. અને અંતે બોલ્યા ભગવાને રૂપ, ગુણ આપ્યા છે તો ગૃહસ્થાશ્રમમાં રહી ભગવાન ભજો. આટલું કહી બોલવાનું બંધ કર્યું. અને હવે બાશ્રીજીવુબાએ બોલવાનું શરુ કર્યું. લાડુદાનજીએ શૃંગાર રસ કહી દેખાડ્યો તો તેમણે દેહને નાશવંત, લોહી-માંસ, પરુ વગેરેનો બનેલો અને નકામો કહી બતાવ્યો. ક્યાંય સુધી તેમની વાકધારા ચાલતી રહી અને મોહ પર મજબૂત ફટકા મારતી રહી. અને અંતે કહ્યું હવે ક્યાં સુધી આ દુઃખરૂપ દેહને શણગારશો? હવે મહાપ્રભુજીના મુક્ત થઈ તેમની ગાથા ગાઈ આ વ્યામોહ દૂર કરો. આટલું બોલી તેમણે પડદો ઊંચો કરી લાડુદાનજી પર એક દ્રષ્ટિપાત કર્યો, ત્યારે લાડુદાનજીને તેમનાં સાક્ષાત્ લક્ષ્મીરૂપે દર્શન થયા. રાખના ઢગલામાં ઢંકાયેલા અંગારાને હવા મળતાં જેમ ભભૂકી ઊઠે છે, તેમ સાચી વસ્તુનું જ્ઞાન થતાં લાડુદાનજીનો વૈરાગ્ય ભભૂકી ઉઠ્યો! જેઓ આટ-આટલું માન-સન્માન પામેલા, જેઓમાં અનેક ગુણો હતા. પણ જ્યારે સાચી વસ્તુ સમજાઈ, ત્યારે જરા પણ અહંકાર રાખ્યા વગર આ બહેનોને નતમસ્તકે નમસ્કાર કરી રહ્યા. અને પછી શ્રીહરિ પાસે આવી દીક્ષા લઈ શ્રીરંગદાસજી બની ગયા. સદાય બ્રહ્મમાં આનંદ કરનારા માટે બ્રહ્માનંદ એવું પાછળથી પ્રભુએ તેમનું નામ પાડ્યું.
પ્રગટ પ્રભુ મળતાં અને વૈરાગ્ય ઉદય થતાં માતા-પિતા, સગા-સંબંધી કોઈનામાં તેમને આસક્તિ રહી નહિ. દરેક પ્રકારના પ્રલોભનો કંચન અને કામિની બંનેનો ત્યાગ કરી સત્સંગમાં દાખલો બેસાડ્યો. અને પછી તો સદાય શ્રીહરિની સાથે જ રહેવા લાગ્યા. અને શ્રીજીનાં કીર્તનો રચી તેમને રાજી કરી પ્રસાદીરૂપે કેટલીય વખત તેમના વસ્ત્રો, અલંકારો પ્રાપ્ત કરતા પોતાના રમૂજી સ્વભાવને કારણે પ્રભુજીને ખૂબ જ હસાવતા. મહારાજ પણ ઘણી વખત મનુષ્ય લીલા કરી રિસાઈ જાય ત્યારે બ્રહ્માનંદ સ્વામી રમૂજો કરી પ્રભુને રીઝવતા. મહારાજ સાથે તેઓ સખાભાવે રહેતા. જેઓને આટ-આટલું સન્માન પ્રાપ્ત હતું. તેઓને મહારાજ જ્યારે તાટ પહેરાવતા તે રાજી થકા પહેરતા અને કાચા લોટના ગોળા પણ સહર્ષ ગ્રહણ કરતા.
સત્સંગમાં રહી તેઓએ અનેકને સત્સંગી કર્યા. કેટલાયના મદ ભાંગ્યા, સુરતના મુનિ બાવા કે જેઓ મહા અહંકારી હતા તેમને તેમના હજાર શિષ્ય સહિત મહારાજના આશ્રિત કર્યા. કેટલીય સભાઓમાં દિગ્વિજય પ્રાપ્ત કર્યા. મહારાજની હયાતીમાં જ અમદાવાદ, જુનાગઢ અને વડતાલમાં સુંદર મંદિરો બાંધ્યા તે જોઈ તેમની ઈજનેરી કલામાં પણ નિપુણતાનો ખ્યાલ આવે છે. અત્યંત સુંદર કલા - કારીગરીથી સચોટ રીતે દરેક મંદિર બાંધેલા છે અને છેલ્લું મંદિર મૂળી મંદિર મહારાજની આજ્ઞાથી મહારાજના સ્વધામ પધાર્યા બાદ બાંધ્યું છે, જે પણ બેનમુન છે. આટલાં મોટાં મંદિરો બંધાવ્યા છતાં ય એકે ય મંદિરમાં પોતાનું કહેવાય એવું કોઈ જગ્યાએ કાંઈ પણ રાખ્યું નહિ તે કેટલી મહાનતા કહેવાય! બ્રહ્મમુનિએ સત્સંગમાં રહી કેટલાય ગ્રંથોની રચના કરી છે.
(૧) ઉપદેશ ચિંતામણી ચાંદ્રાયણ (૨) ઉપદેશરત્ન દીપક ઝૂલણા (૩) ધર્મવંશ પ્રકાશ (૪) શિક્ષાપત્રી (હિન્દી) (૫) શિક્ષાપત્રી ગુર્જર પદોમાં (૬) નીતિ પ્રકાશ - વિદુર નીતિ (૭) બ્રહ્મવિલાસ (૮) સંપ્રદાય પ્રદીપ (૯) શ્રી સુમતિ પ્રકાશ (૧૦) ધર્મ સિદ્ધાંત (૧૧) વર્તમાન વિવેક (૧૨) શ્રી નારાયણગીતા (૧૩) શ્રી વિવેક ચિંતામણી (૧૪) શ્રી સતી ગીતા (૧૫) બ્રહ્માનંદ કાવ્ય (૧૬) શ્રી છંદ રત્નાવલી (૧૭) દશાવતાર ચરિત્ર (૧૮) ધર્મ કુળ ધ્યાન.
આટલા ગ્રંથો રચી સંપ્રદાયને ગ્રંથોનો અમૂલ્ય ખજાનો આપ્યો. તેઓએ આઠ હજાર પદોની રચના કરી છે. શ્રીજીમહારાજે તેમને દરરોજ એક કીર્તન રચવાની આજ્ઞા કરી હતી. તે પ્રમાણે દરરોજ એક કીર્તનની રચના કરતા. અને મહારાજે પણ વર આપ્યો છે કે, 'બ્રહ્મમુનિ તમારાં રચેલાં કીર્તનનાં સો પદો જે દરરોજ ગાશે તેને અમે પ્રત્યક્ષ દર્શન આપીશું.' મહારાજના છેલ્લા મંદવાડની તેમને જાણ થઈ ગઈ હતી. અને મહારાજ પણ જાણતા હતા કે જ્યાં સુધી બ્રહ્મમુનિ અહીં હશે, ત્યાં સુધી મને જવા નહિ દે, માટે તેમને જુનાગઢ જવાની આજ્ઞા કરી. સ્વામી બધું જાણતા હતા. જુનાગઢ જવાની જરા પણ ઇચ્છા ન હોવા છતાં આજ્ઞા હોવાથી ગયા અને પાછળથી મહારાજે દેહોત્સર્ગ કર્યો. તે સમાચાર સ્વામીને મળતાં મૂર્છિત થઈ ગયા અને ગઢડા આવી અતિશય દિલગીરી સાથે કહેવા લાગ્યા, 'તમે મહારાજના દેહનો અગ્નિસંસ્કાર શા માટે કરી નાંખ્યો? જો તેમનો ભૌતિક દેહ હોત તો હું તેમને ધામમાંથી પણ પાછા લાવત, પણ હવે શું થાય.' એમ અતિશય દુઃખી થઈ ગયા.
પછી મહારાજની આજ્ઞા હોવાથી મૂળી મંદિર બંધાવ્યું અને મહારાજના સ્વધામ પધાર્યાના દિવસે જ બરાબર બે વર્ષ બાદ એટલે સં. ૧૮૮૮ના જેષ્ઠ શુકલ દશમીના દિવસે પોતે મહારાજની મૂર્તિમાં જોડાઈ ગયા. આબુ તળેટીનું નાનકડું ઝરણું મહાનદી બની મહાસાગારમાં સમાઈ ગયું. પણ, તે પહેલાં તે પોતાના મીઠા જળથી અનેકને પાવન અને તૃપ્ત કરી કૃતાર્થ કરતું ગયું.