૬ - ભગવાનનાં મહાત્મ્યનાં
ગઢડા પ્રથમ પ્રકરણમ્ (૨૭)
જે શ્રીજીમહારાજને સર્વ કર્તા-હર્તા જાણે અને માન-અપમાન તથા સર્વ પદાર્થને વિશે સમભાવ થાય એના હૃદયમાં શ્રીજીમહારાજ નિવાસ કરે છે. પછી તે ભક્ત શ્રીજીમહારાજને પ્રતાપે કરીને અનંત ઐશ્વર્યને પામે છે, ને અનંત જીવોના ઉદ્ધારને કરે એવો સમર્થ થાય છે. (૨૭)
સારંગપુર પ્રકરણમ્ (૧, ૧૭)
શ્રીજીમહારાજ વૈકુંઠ, ગોલોક, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુરાદિક ધામ તથા અનંતકોટી બ્રહ્માંડના પતિઓના સ્વામી છે ને તેમના એક રોમના સુખ આગળ અનંત જીવ, પુરુષ, બ્રહ્મ, અક્ષર તેમની કોટીઓનાં સુખ અતિશે તુચ્છ છે. આવો મહિમા સમજાય તેને સર્વે વિષય સુખની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે.(૧)
શ્રીજીમહારાજનો ભક્ત પોતાને દેહરૂપ માને ત્યારે શ્રીજીમહારાજને પ્રધાનપુરુષ જેવા જાણે ને પોતાને પ્રધાનપુરુષ માને ત્યારે શ્રીજીમહારાજને મૂળપુરુષ જેવા જાણે, પછી સૂક્ષ્મદ્રષ્ટિ થાવા માંડે તે જેમ-જેમ સૂક્ષ્મદ્રષ્ટિ થાતી જાય, તેમ તેમ શ્રીજીમહારાજને પોતાથી પર જાણતો જાય અને શ્રીજીમહારાજનો મહિમા વધુ ને વધુ સમજાતો જાય ને મહારાજની ઉપાસના વધુ દ્રઢ થાતી જાય ને મહારાજની અતિ અપાર મોટપ જણાતી જાય ને મહારાજને વિશે દાસપણું અતિ દ્રઢ થાતું જાય. (૧૭)
કારિયાણી પ્રકરણમ્ (૮, ૯)
શ્રીજીમહારાજનું તેજ નિર્ગુણ સ્વરૂપે અક્ષરાદિક સર્વેમાં વ્યાપક છે ને અક્ષરાદિક સર્વેનું આત્મા છે ને અક્ષરાદિક કોઈ શ્રીજીમહારાજ જેવા થવાને સમર્થ નથી. ને અક્ષરાદિક સર્વેના આધાર હોવા રૂપ જે મોટાઈ તે શ્રીજીમહારાજના તેજનું સગુણપણું છે. આ જે નિર્ગુણપણું ને સગુણપણું એ શ્રીજીમહારાજનું કોઈ અલૌકિક આશ્ચર્ય છે ને એ બેય સ્વરૂપને ધરનારું જે મૂળસ્વરૂપ તે તો જે પ્રગટ પ્રમાણ મનુષ્યાકારે દેખાય છે તે છે ને શ્રીજીમહારાજ મનુષ્ય જેવા જણાતા હોય પણ તેમના મહિમાનો પાર કોઈ પામી શક્તું નથી. (૮)
શ્રીજીમહારાજ ને એમના ભક્તનો મહિમા સમજે તો તે ભક્તના હૈયામાં કોઈ કાળે હરિજન સંગાથે વૈર બંધાય નહિ. (૯)
લોયા પ્રકરણમ્ (૧૦, ૧૪, ૧૭)
શ્રીજીમહારાજ સર્વાત્મા એવા જે બ્રહ્મ તથા અક્ષર તથા અનંતકોટી મુક્ત તે સર્વેના આત્મા છે ને હું તેમનો બ્રહ્મરૂપ એવો દાસ છું. એમ મહિમા સમજે તો ગમે તેવા સુંદર વિષયને વિશે પણ તેનું મન વિકારને પામે નહિ ને એને સોનું, કૂચો, લોઢું, પાષાણ એ સર્વેને વિશે તથા માન-અપમાનને વિશે, સમબુદ્ધિ વર્તે છે ને તેને કોઈ પદાર્થ બંધન કરવા સમર્થ નથી ને અંતઃકરણરૂપ માયા તેને દુઃખ દેતી નથી. (૧૦)
શ્રીજીમહારાજને વિશે અવતાર અવતારી ભેદ નથી ને સર્વેના ઉપરી છે ને સર્વેથી પર પરિમાણે રહિત ને અનંત એવા તેજના સમૂહના મધ્યમાં દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન છે અને ચારેકોરે અનંતકોટી મુક્ત એમનાં દર્શન કરે છે, ને શંકરસ્વામી જે અદ્વૈતબ્રહ્મનું પ્રતિપાદન કરે છે તે મૂળપુરુષનું તેજ છે ને તેથી પર ઉત્તરોત્તર વાસુદેવબ્રહ્મનું તેજ, મૂળઅક્ષરનું તેજ અને સર્વેનું આધાર, સર્વેનું કારણ ને અદ્વૈત એવું જે શ્રીજીમહારાજનું તેજ છે. (૧૪)
જે સર્વેના સુખથી શ્રીજીમહારાજના સુખને અધિક જાણીને તેમને વિશે જોડાય તે મહારાજનો પાડ્યો પણ પડે નહિ ને તેમના સંતનું મહાત્મ્ય બહુ સમજે ને તેને માન રહે નહિ. ને જેને શ્રીજીમહારાજનું ને સંતનું માહાત્મ્ય નથી સમજાણું તેને સંતની આગળ માન આવે ને તેનો વિશ્વાસ નહિ. (૧૭)
પંચાળા પ્રકરણમ્ (૧, ૬)
શશ્રીજીમહારાજનો પ્રકાશ તે જ અક્ષરબ્રહ્મ છે તથા તેમને રહ્યાનું ધામ છે ને શ્રીજીમહારાજને સર્વકર્તા સદા સાકાર દિવ્ય મૂર્તિમાન જાણે ને તેમના સુખને સર્વના સુખથી અતિશે અધિક જાણે ને સર્વના સુખના દાતા જાણે તો શ્રીજીમહારાજના સુખ વિના બીજાં સુખ અતિશે તુચ્છ થઈ જાય ને એવો મહિમા ન જાણે ને ધર્મમાં નિષ્ઠા હોય તો પણ રમણીક વિષયમાંથી વૃત્તિ માંડમાંડ ઊખડે. (૧)
વૈકુંઠનાથ જે રામચંદ્રજી તથા સહસ્ત્રશીર્ષા જે અનિરુદ્ધ તથા શેષશાયી જે વૈરાજનારાયણ તથા ભૂમાપુરુષ તેમના કારણ, અવતારી ને પુરુષોત્તમ તે શ્રીકૃષ્ણ છે ને શ્વેતદ્વીપપતિ વાસુદેવબ્રહ્મ તે શ્રીકૃષ્ણના અવતારી છે ને શ્રીજીમહારાજ વાસુદેવાદિક સર્વે અવતારોના કારણ છે ને સર્વોપરી છે. (૬)
ગઢડા મધ્ય પ્રકરણમ્ (૪, ૧૭, ૪૨, ૬૪, ૬૭)
સ્વામીનારાયણ નામ એકવાર લીધું હોય તો સર્વ પાપ બળીને ભસ્મ થઈ જાય એવું અતિશે માહાત્મ્ય જાણે. તે એમ જાણે જે હું કામાદિકમાં પ્રવર્તીશ તો મારે શ્રીજીમહારાજના ચિંતવનમાં વિક્ષેપ થશે ને તેથી એકાંતિક નહિ થવાય એમ ડરતો રહે તો તે ધર્મમાંથી પડે નહિ ને મોક્ષને પામે. ને શ્રીજીમહારાજનું માહાત્મ્ય ને શ્રદ્ધા એ બે હોય તો તેમનું અખંડ ચિંતવન થાય ને વિષયમાં લેવાય નહિ ને જેટલો શ્રીજીમહારાજનો મહિમા જણાય તેટલો જ નિશ્ચય થાય છે. (૪)
શ્રીજીમહારાજ સર્વેને વિશે આકાશની પેઠે નિર્લેપ છે ને એમની મૂર્તિને વિશે ભાગ-ત્યાગ નથી; સદાય દિવ્યમૂર્તિ છે ને અનંત બ્રહ્માંડના આત્મા છે ને મૂળ અક્ષરાદિક સર્વે ક્ષેત્રજ્ઞના ક્ષેત્રજ્ઞ છે તો પણ નિર્વિકાર છે ને તેમના સ્વરૂપને વિશે ઉત્થાને રહિત ભક્ત નિર્વિકલ્પ સમાધિવાળો ને સ્થિતપ્રજ્ઞ છે ને એને શ્રીજીમહારાજ સર્વે પાપથી મુકાવે છે ને જેને શ્રીજીમહારાજનો અચળ આશ્રય હોય તેની મતિ ભ્રમે નહિ ને શ્રીજીમહારાજના દ્રઢ ભક્તને ઓળખે ને પરસ્પર માહાત્મ્ય જાણે. (૧૭)
મૂળ અક્ષરાદિકને વિશે વ્યાપકપણું તે શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામનું નિર્ગુણપણું છે અને એ અક્ષરકોટિ આદિકને ધારવાપણું તે અક્ષરધામનું સગુણપણું છે. ને એ અક્ષરધામને અડખે-પડખે, હેઠે-ઉપર સર્વે દિશુંમાં બ્રહ્માંડની કોટિઓ રહી છે, અને એ અક્ષરધામને વિશે શ્રીજીમહારાજ સદાય રહ્યા થકા જ્યાં જેવું રૂપ દેખાડ્યું જોઈએ, ત્યાં તેવા રૂપને દેખાડે છે ને શ્રીજીમહારાજની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે. (૪૨)
જેમ મચ્છ-કચ્છાદિક અવતારોના અવતારી શ્રીકૃષ્ણ છે, તેમ શ્રીજીમહારાજ સર્વ અવતારના અવતારી સર્વોપરી સાક્ષાત્ ભગવાન છે. માટે તેમના ગ્રંથને વિશેષ માનવા ને શ્રીજીમહારાજ તો રાજાધિરાજ છે ને સદાય અક્ષરધામને વિશે વિરાજમાન છે અને તે અક્ષરધામને આશરીને અનંતકોટી બ્રહ્માંડ રહ્યા છે. ને શ્રીજીમહારાજ એ અક્ષરધામમાં રહ્યા થકા યોગકળાએ કરીને અનેક ઠેકાણે દર્શન આપે છે ને અજન્મા છે. (૬૪)
શ્રીજીમહારાજનો નિષ્કામ ભક્ત શ્રીજીમહારાજનો જેટલો મહિમા જાણે તેવો થાય છે. તો પણ, શ્રીજીમહારાજનોમહિમા, સામર્થી, પ્રતાપ, ઐશ્વર્ય તે અતિશે અપાર દેખાય છે. તેથી શ્રીજીમહારાજને વિશે સ્વામિ-સેવકપણું અતિ દ્રઢ થાય છે. (૬૭)
વરતાલ પ્રકરણમ્ (૧૩, ૧૪)
શ્રીજીમહારાજ મનુષ્ય જેવા દેખાય છે પણ અલૌકિક મૂર્તિ છે. અને જે એમનું દર્શન શ્રદ્ધાએ સહિત કરે તેને સમાધિ થાય છે ને ઘણાં જીવોને પોતાને સન્મુખ કરવા હોય ત્યારે અભક્તને તથા પશુઓને પણ સમાધિ કરાવે છે. ને પોતાના આશ્રિતને પોતાના સરખી દ્રષ્ટિ આપે છે ને અનંત બ્રહ્માંડમાં મૂર્તિમાન દર્શન આપે છે. (૧૩)
જેને વર્ણાશ્રમના ધર્મ લોપ્યાનું પાપ લાગ્યું હોય તેને જો ભગવાન કે તેમના સંતનો હૈયામાં ગુણ આવે તો એને મોટું પુણ્ય થાય છે ને તે અતિશે પવિત્ર થાય છે ને એનું ચિત્ત ભગવાનના સ્વરૂપમાં ચોટે છે ને તેને સમાધિ થાય છે અને જે વર્ણાશ્રમના ધર્મ પાળતો હોય પણ ભગવાન કે તેમના સંતનો દ્રોહ કરે તો મહાપાપી થાય છે. એવો શ્રીજીમહારાજ ને તેમના સંતનો મહિમા છે. (૧૪)
ગઢડા છેલ્લું પ્રકરણમ્ (૫, ૩૨, ૩૭, ૩૯)
માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ હોય તેમાં કોઈ જાતનું વિઘ્ન આવે નહિ ને ભગવાનના મોટા સંતની સેવા ને પ્રસંગથી માહાત્મ્યે સહ ભક્તિ તે જીવના હૃદયમાં ઉદય થાય છે. (૫)
શ્રીજીમહારાજ પોતાના તેજરૂપ અક્ષરધામમાં સદા સાકાર મૂર્તિ વિરાજમાન છે ને સર્વના કારણ ને સર્વના નિયંતા ને સર્વના અંતર્યામી ને દિવ્ય સુખમયમૂર્તિ છે. એવો શ્રીજીમહારાજનો મહિમા સમજીને તેમને વિશે પ્રીતિ કરે ને નવધા ભક્તિ કરે ને એમની આજ્ઞામાં વર્તે તે શ્રીજીમહારાજનો સાચો ભક્ત છે ને જે શ્રીજીમહારાજના મહિમાની ઓથ લઈને શ્રીજીમહારાજની બાંધેલી મર્યાદાનો ભંગ કરે તે પાપી ને દુષ્ટ છે. (૩૨)
શ્રીજીમહારાજ જેવો આકાર બીજા કોઈનો નથી ને તેમના વિના બીજા સર્વેને કાળ ભક્ષણ કરે છે ને તેમના જેવો બીજો કોઈ નથી ને તેમના ધામમાં તેમના ભક્ત છે તેનો આકાર તેમના જેવો જ છે તો પણ તે મુક્તો પુરુષ છે ને શ્રીજીમહારાજ પુરુષોત્તમ છે ને એ મુક્તોથી શ્રેષ્ઠ છે ને એ મુક્તોને ઉપાસ્યને સ્વામી છે ને એ મુક્તો શ્રીજીમહારાજના મહિમાનો પાર પામતા નથી. (૩૭)
શ્રીજીમહારાજ અનંત બ્રહ્માંડના રાજા છે ને અતિશે સુખમય છે ને સર્વેને સુખના દાતા છે ને સર્વેના કર્તા છે ને અતિશે સમર્થ છે. એવું માહાત્મ્ય જાણે તો શ્રીજીમહારાજ વિના બીજેથી વૈરાગ્ય થાય. ને શ્રીજીમહારાજ એક જ ભગવાન છે પણ એમના જેવો કોઈ થતો નથી. એમ સમજાય તેને કાંઈ કરવું બાકી રહેતું નથી. ને આત્મા તથા શ્રીજીમહારાજના માહાત્મ્ય સામી દ્રષ્ટિ રાખે તે કોઈ ઠેકાણે બંધાય નહિ. (૩૯)