૧૬ - વૈરાગ્ય

ગઢડા પ્રથમ પ્રકરણમ્ (૨, ૧૨)

જે શ્રીજીમહારાજની આજ્ઞાએ કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે, પણ તેમાં લોભાય નહિ ને ઉત્તમ પંચવિષય પણ આસક્તિ રહિત ઉદાસ થકો ભોગવે ને વિષયને શત્રુ જેવા જાણે ને ગમે તેવા કઠણ દેશ, કાળ, સંગમાં પણ એવી સમજણ મોળી પડે નહિ તે ઉત્તમ વૈરાગ્યવાળો કહેવાય; જે ઉત્તમ પંચવિષય તો આસક્તિએ રહિત ભોગવે, પણ કઠણ દેશ, કાળ, સંગ પ્રાપ્ત થાય તો વિષયને વિષે બંધાઈ જાય તે મધ્યમ વૈરાગ્યવાળો કહેવાય; જે સામાન્ય પંચવિષય ભોગવે તો તેમાં ન બંધાય પણ સારા પંચવિષય પ્રાપ્ત થાય ને તેને ભોગવે તો તેમાં બંધાય તે કનિષ્ઠ વૈરાગ્યવાળો કહીએ. (૨)

વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલય તેને જો યથાર્થ જાણે તો જીવને સંસારને વિશે વૈરાગ્ય થાય ને ભગવાનને વિશે ભક્તિ થાય છે. (૧૨)

કારિયાણી પ્રકરણમ્ (૭)

સદગ્રંથ ને સત્પુરુષના વચન સાંભળીને જે ચટકી લાગે તે જ વૈરાગ્યનો હેતુ છે; તે ચટકીનો વૈરાગ્ય ટળી જાય તો ખુવાર થઈ જાય ને એ વૈરાગ્ય દૃઢ રહે તો પરમપદને પામે છે. (૭)

ગઢડા મધ્ય પ્રકરણમ્ (૧૦)

શ્રીજીમહારાજના સુખને સર્વેથી અધિક જાણે તે વૈરાગ્યનું સ્વરૂપ છે. (૧૦)

ગઢડા છેલ્લું પ્રકરણમ્ (૩૦)

તપ - વૈરાગ્યાદિક સાધન શ્રીજીમહારાજની પ્રસન્નતાને અર્થે નિર્દંભપણે કરે તે શ્રીજીમહારાજને ગમે છે ને એવાને દેખીને શ્રીજીમહારાજ રાજી થાય છે. (૩૦)