૧૪ - વધવા - ઘટવાના
ગઢડા પ્રથમ પ્રકરણમ્ (૬, ૨૮, ૩૧, ૩૫, ૫૩)
જે પોતાના ગુણના માનનો ત્યાગ કરીને શ્રીજીમહારાજ ને સંતનો વિશ્વાસ રાખે તે મોટપ પામે છે. અને અવિવેકીને એના દોષ ટાળવાની શ્રીજીમહારાજ તથા સંત વાર્તા કરે તેને માને કરીને અવળી લે ને શ્રીજીમહારાજ ને સંતનો અવગુણ લે તે પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. (૬)
જે સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદવાસના વૃદ્ધિ પામે ને સત્સંગી માત્રનો અવગુણ આવે ને પાછો પડી જાય. અને સત્સંગમાં વધારો થવાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે, ને સત્સંગીનો ગુણ આવે, ને સત્સંગમાં મોટપ પામે. (૨૮)
અક્ષરાતીત પ્રત્યક્ષ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમનો નિશ્ચય હોય ને તેમની આજ્ઞામાં વર્તતો હોય તે મોટો છે. (૩૧)
જેની બુદ્ધિમાં શ્રીજીમહારાજ તથા તેમના મુક્તનો અવગુણરૂપ દોષ હોય તે તથા તેની વાત સાંભળનારો એ બે કલ્યાણના માર્ગથી પડી જાય છે. અને જેની બુદ્ધિ એવી દૂષિત ન હોય ને તે થોડી હોય તો પણ તે કલ્યાણને માર્ગે ચાલે છે. (૩૫)
પંચવર્તમાને યુક્ત એવા જે શ્રીજીમહારાજના મોટા સાધુની સ્વાભાવિક પ્રકૃતિ દેખીને તેમનો અવગુણ લે તેના ભક્તિ - જ્ઞાનાદિક શુભગુણ ઘટી જાય છે અને એવા સાધુનો ગુણ લે તો તેના શુભગુણ વૃદ્ધિ પામે છે. (૫૩)
કારિયાણી પ્રકરણમ્ (૨)
સંત, ગરીબ ને મા-બાપ તેને દુઃખાવે તેની બુદ્ધિ શાપિત થાય છે. તેથી શ્રીજીમહારાજ ને સંતનો અવગુણ આવે છે ને જો બીજા કરતાં વિશેષે નિયમ પાળે તો શાપિત બુદ્ધિ ટળે છે. (૨)
લોયા પ્રકરણમ્ (૧)
શ્રીજીમહારાજનો નિશ્ચય હોય પણ કામાદિક વિકાર ન ટળ્યા હોય તો કૃતાર્થપણું મનાય નહિ. ને ઇંદ્રિયોને તપે કરીને દમે અને અંતઃકરણને વિચારે કરીને દમે તો વિકાર નાશ પામે ને કૃતાર્થપણું મનાય; દેહાભિમાનીથી સંતની શીખામણ ગ્રહણ ન થાય ને સામો અવગુણ લે ને વિમુખ થાય. ને અતિ દીન થઈને તે સંતને પ્રસન્ન કરે તો અવગુણ આવ્યો હોય તે ટળી જાય છે. (૧)
ગઢડા મધ્ય પ્રકરણમ્ (૨૬, ૨૭, ૨૮)
શ્રીજીમહારાજના ભક્તે સર્વે સત્સંગીના ગુણ લેવા અને પોતાનો અવગુણ લેવો તો સત્સંગ વૃદ્ધિ પામે અને જો સત્સંગીના અવગુણ લે તો વિમુખ થાય છે. (૨૬)
શ્રીજીમહારાજના મુક્તને કોપાયમાન કરે તો દેશ-કાળાદિક શુભ હોય તો પણ કલ્યાણના માર્ગથી પડી જાય છે અને તેમને રાજી કરે તો દેશ-કાળાદિક અશુભ હોય તો પણ નડી શકે નહિ. (૨૭)
જેના ઉપર શ્રીજીમહારાજનો રાજીપો હોય તે મહારાજથી દૂર હોય તો પણ શ્રીજીમહારાજના ધામમાં જ છે અને જેના ઉપર શ્રીજીમહારાજનો રાજીપો ન હોય તે શ્રીજીમહારાજની સદાય ભેળો રહેતો હોય તો પણ પડી જાય છે. (૨૮)
વરતાલ પ્રકરણમ્ (૭)
આસુરી જીવ જો સત્સંગમાં આવે તો તે અનંતવાર ભગવાનના ભક્તને ઘેર જન્મ ધરે ત્યારે દૈવી થાય. (૭)