મુકામ અઢારમો: સમાધિ

0:000:00

ગુરુ રામાનંદ સ્વામીના અંર્તધ્યાન થયા પછી તેમના ચૌદમાના દિવસે સૌરાષ્ટ્રના ફણેણી ગામે ભદ્રા નદીના કાંઠે સભા કરીને ભગવાન શ્રી સ્વામિનારાયણે શીતળદાસ નામના એક સંન્યાસીને સમાધિ કરાવી સ્વામિનારાયણ સંપ્રદાયની તવારીખ મુજબ સમાધિ પ્રકરણનો પ્રારંભ કર્યો હતો. પછી તો સમાધિની ઘટના શ્રીજીમહારાજના સાંનિધ્યનો એક ભાગ બની ગઈ. મહારાજનાં દર્શનથી, સ્પર્શથી, સંકલ્પથી... અરે એમની ચાખડીના ચટ ચટ અવાજથી પણ સમાધિ થવા માંડી. એક વાર શ્રીજીમહારાજે ગઢપુરમાં લાડકીબાઈ ભાટ નામનાં એક સત્સંગી બહેનને સમાધિ કરાવી. સમાધિમાં અતિશય તેજ જોઈને એ બહેન તો ચીસો પાડવા માંડ્યાં. મહારાજે તેમને સમાધિમાંથી બહાર લાવી સમજાવ્યા: 'તારું સ્વરૂપ તો આત્મા છે, દેહ નથી. આ લાડકીબાઈ નામ ને ભાટનો દેહ તે તું નથી, અછેદ્ય, અભેદ્ય એવો જે આત્મા છે તે તારું સ્વરૂપ છે.' પછી તેને ફરી સમાધિ કરાવીને કહ્યું કે મૂલાધાર ચક્ર કે જે ગણપતિનું સ્થાનક છે ત્યાં ચાર પાંખડીનું કમળ છે ત્યાં જઈને તારું સ્વરૂપ જો. બહેને આત્મભાવે સમાધિમાં મૂલાધારમાં પ્રવેશ કરી દિવ્યપ્રકાશ જોયો ને પ્રણવનાદ સાંભળ્યો. પછી સ્વાધિષ્ઠાન ચક્ર કે જે બ્રહ્માનું સ્થાનક છે ત્યાં એથી પણ વધુ પ્રકાશ જોયો ને ભયાનક નાદ સાંભળ્યો. એથી ઉપર મણિપુર ચક્ર યાને વિષ્ણુના સ્થાનકે અતિશય તેજ અને મહાભીષણ નાદ થતો જોયો. એવી રીતે સમાધિમાં સાધક જેમ જેમ ઊંચી ને ઊંચી ભૂમિકાઓમાં જાય છે તેમ તેમ વધુ ને વધુ નાદ સંભળાય છે ને વધુ ને વધુ તેજના અંબાર દેખાય છે, ત્યારે ગમે તેવો ધીરજવાન પણ ભયભીત થઈ જાય છે. પરંતુ લાડકીબાઈ આત્મનિષ્ઠા અને ભગવદ્નિષ્ઠાને બળે આ અનુભવ પછી સમાધિનિષ્ઠ બની ગયાં.

આટલી પૂર્વભૂમિકા પછી હવે આપણે વિચારીએ કે આ સમાધિ એ ખરેખર છે શું? મનના પરિપ્રેક્ષ્યમાં આ વિષયને સમજીએ. આપણી પાસે સામાન્યતઃ બે ભૂમિકાઓ છે જેની અંદર માનવમન કાર્ય કરે છે. પહેલી ભૂમિકા છે સચેત ભૂમિકા. જેમાં બધું કાર્ય 'હું કરું છું' એવી ભાવનાથી જોડાયેલું હોય છે. જેમ કે જાગૃત અવસ્થા. બીજી ભૂમિકા છે અચેત અવસ્થા જેમાં બધું કામ 'હું કરું છું' એ અહંભાવ વિના થતું હોય છે. દા.ત. નિદ્રા દરમ્યાન શરીરની બધી જ ક્રિયાઓ અહંભાવ વિના થાય છે. આ બંને ભૂમિકા કરતાંય એક ઉચ્ચતર ભૂમિકા છે, જેમાં મન 'હું કરું છું' એવા અહંભાવ વિના સક્રિયપણે કાર્ય કરે છે. આ ભૂમિકાને અતિચેતન અવસ્થા અથવા સમાધિ કહે છે.

જ્યારે માણસ ગાઢ નિદ્રામાં જાય છે ત્યારે તે સચેત ભૂમિકાથી નીચેની અચેત અવસ્થામાં પ્રવેશે છે. એ સ્થિતિમાં તે શ્વાસ લેવાની સાથે પડખું ફરવા જેવી શારીરિક ક્રિયાઓ પણ કરતો હોય છે, પરંતુ આ બધું કરતી વખતે તેને 'હું કરું છું' એવું કર્તૃત્વનું અભિમાન નથી હોતું. જ્યારે તે ઊંઘમાંથી જાગે છે ત્યારે તે એનો એ જ વ્યક્તિ રહે છે. પરંતુ જ્યારે માણસ સમાધિમાં જાય છે ત્યારે સમાધિમાં જતાં પહેલાં જો તે મૂર્ખ હોય, જડ હોય, અજ્ઞાની હોય, પાપી હોય, નિષ્ઠુર હોય તો પણ સમાધિમાંથી તે પૂર્ણ જ્ઞાની, પુણ્યવાન અને સહૃદયી બનીને બહાર આવે છે.

આવું કેમ થાય છે? એનો ખુલાસો ભગવાન શ્રી સ્વામિનારાયણે ગ.મ. 20મા વચનામૃતમાં કર્યો છે. જીવ જ્યાં સુધી દેહમાં છે ત્યાં સુધી તે ઇંદ્રિયો-અંતઃકરણનો દૃષ્ટામાત્ર જ છે. તે જ્યારે સમાધિમાં જાય છે ત્યારે ઇંદ્રિયો-અંતઃકરણના દૃષ્ટાપણાનો ત્યાગ કરીને માયાથી પર જે બ્રહ્મ તે સરખો ચૈતન્યસ્વરૂપ થાય છે. સમાધિમાં જીવ બ્રહ્મસંગાથે તુલ્યભાવ પામતો હોવાથી તેના જ્ઞાનની વૃદ્ધિ થાય છે. જે સાધકોની ઇંદ્રિયોની શક્તિ તપ, નિવૃત્તિધર્મ ને વૈરાગ્યેયુક્ત હોય છે તેઓ સમાધિ દ્વારા નારદ-સનકાદિક તથા શુકજીના જેવી સિદ્ધદશા પ્રાપ્ત કરે છે. આવા સિદ્ધો શ્વેતદ્વીપ, બદરીકાશ્રમ ઇત્યાદિ ભગવાનનાં ધામોમાં એ જ શરીરે જાય-આવે છે તથા લોક-અલોક સર્વે ઠેકાણે એમની ગતિ હોય છે.

અષ્ટાંગયોગ અનુસાર સમાધિના બે પ્રકાર છે. (1) સંપ્રજ્ઞાત સમાધિ, (2) અસંપ્રજ્ઞાત સમાધિ. સંપ્રજ્ઞાત સમાધિમાં પ્રકૃતિને કાબૂમાં રાખવાની સઘળી શક્તિઓ આવે છે, જ્યારે અસંપ્રજ્ઞાત સમાધિ સઘળી માનસિક ક્રિયાના વિરામના નિરંતર અભ્યાસ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ વચનામૃતમાં બે પ્રકારની સમાધિનો ઉલ્લેખ કરે છે. (1) સવિકલ્પ સમાધિ અને (2) નિર્વિકલ્પ સમાધિ. જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય પણ શુભ વાસના હોય કે હું નારદ, સનકાદિક કે શુકજી જેવો થાઉં... એવી રીતનો જે વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિવાળો કહેવાય. જેને એવી રીતેનો વિકલ્પ ન હોય ને જે અક્ષરબ્રહ્મના સાર્ધમ્યપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિમાં જ નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહે છે. (ગ. પ્ર. 40)

એક વાર વડતાલમાં ભાદરણના એક પાટીદારે શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો: 'હે મહારાજ, આ સમાધિ તે કેમ થાતી હશે?' શ્રીજીમહારાજે આ ગહન પ્રશ્નનો અતિ સરળ જવાબ આપ્યો હતો. તેમણે સમજાવ્યું હતું: આ પૃથ્વી ઉપર અનેક પ્રકારના પથ્થર છે, ચમકપાણ પણ એ પૈકીનો એક પથ્થર છે, પરંતુ તેનામાં નૈસર્ગિક લૌહચુંબકત્વનો ગુણ રહેલો છે. તેથી જ્યારે ચમકના પહાડ પાસે વહાણ આવે છે, ત્યારે ચમકના ચુંબકત્વને લીધે વહાણના ખીલા ખેંચાઈને પથ્થરને ચોટી જાય છે. એ જ રીતે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર મનુષ્યરૂપે અવતરે છે ત્યારે દેખાય છે તો અન્ય મનુષ્ય જેવા જ, પરંતુ એમની પ્રભુતાનું ચુંબકત્વ જીવને સહેજે એમના પ્રતિ આકર્ષે છે. તેથી જ્યારે કોઈ જીવ શ્રદ્ધાપૂર્વક ભગવાનનું દર્શન કરે છે, ત્યારે તેના ઇંદ્રિય-પ્રાણ ભગવાનના સ્વરૂપમાં ખેંચાઈ જતાં તેનું ચિત્ત સમાધિમાં સ્થિત થઈ જાય છે. (વ.13)

એક વાર સમાધિ થયા પછી બ્રહ્મના સ્વરૂપમાંથી ફરી દેહમાં પાછું સહેલાઈથી આવી શકાતું નથી. માત્ર ત્રણ સંજોગોમાં જ જીવ સમાધિમાંથી પાછો દેહમાં આવે છે. (1) સંસારમાં સુખની વાસના એટલી પ્રબળ છે કે તે જીવને સમાધિમાંથી પણ જગાડે છે. (2) અતિ સમર્થ મુક્ત પોતાની મેળે સમાધિમાં આવ-જા કરી શકે છે. (3) એવા અતિ સમર્થ મુક્તો બીજાને પણ સમાધિ કરાવે તથા પાછા દેહમાં લાવે છે. (ગ. પ્ર. 73)

સમાધિમાં પણ કામવાસના બળતી નથી. ભાદરાના રત્ના ભક્ત સમાધિનિષ્ઠ હતા, પરંતુ એમના અંતરમાંથી કામવિકાર ટળતો નહોતો. સદગુરુુ ગોપાળાનંદ સ્વામીએ તેમને પ્રતિલોમપણે ધ્યાન કરવાની લટક (Technique) શીખવાડી. રત્ના ભક્તે એ પ્રમાણે પોતાના આત્માની અક્ષરબ્રહ્મ સાથે એકતા કરી એમાં વારંવાર લોમ-પ્રતિલોમ વૃત્તિએ શ્રીહરિની મૂર્તિનું ધ્યાન કરવા માંડ્યું. પરિણામે એમના જીવ સાથે એકરસપણાને પામેલી કામવાસના બળીને ભસ્મ થઈ ગઈ. આ સમાધિ કરતાં પણ પ્રતિલોમ ધ્યાન શ્રેષ્ઠ છે! અબજીબાપાશ્રી કહેતા કે સમાધિ તો સકામ માર્ગ છે. જે અખંડ મહારાજની મૂર્તિને દેખે તે જ સાચો સિદ્ધ છે અને એવી સિદ્ધદશા એ જ અખંડ સમાધિ છે!