મુકામ સત્તરમો: ધ્યાન

0:000:00

'ધ્યાન' શબ્દનો સામાન્ય અર્થ થાય છે ચિંતન કરવું, મનન કરવું કે નિહાળવું. ધ્યાન એ કોઈ એવી ક્રિયા નથી જે જીવનમાં થોડો સમય ફાળવીને આટોપી શકાય. સજાગતા સાથે જાગૃત જીવન જીવવું એ જ ધ્યાન છે. સ્વામી વિવેકાનંદ ધ્યાનની સર્વસામાન્ય વ્યાખ્યા આપતા 'રાજયોગ'માં લખે છે : 'મન જ્યારે અમુક આંતરિક કે બાહ્ય સ્થાન પર ચોંટી રહેવાને કેળવાઈ જાય ત્યારે તેનામાં એ સ્થાન તરફ જાણે કે એક અખંડ પ્રવાહરૂપે વહેવાની શક્તિ આવે છે. આ સ્થિતિને ધ્યાન કહેવામાં આવે છે. આ ધ્યાન-અવસ્થા એ આપણા અસ્તિત્વની સર્વોચ્ચ સ્થિતિ છે.'

પતંજલિનાં યોગસૂત્રો મુજબ અષ્ટાંગયોગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને ધારણા પછી સાતમી ભૂમિકાએ ધ્યાન આવે છે. એનો અર્થ એ થાય છે કે ઉપરોક્ત છયે ભૂમિકાઓમાં મન જ્યારે કેળવાય છે ત્યારે એ સહજભાવે જ સાતમી ધ્યાનાવસ્થામાં સ્થિત થાય છે. ધ્યાન એ નિદ્રા જેટલું જ સરળ અને સહજ છે. બંનેમાં ફરક માત્ર એટલો જ છે કે મન નિદ્રામાંથી કંઈ પણ મેળવ્યા વિના જાગૃત અવસ્થામાં આવે છે. જ્યારે ધ્યાનમાંથી કંઈક અનુભૂતિ લઈને આવે છે. મનની પાર જવા માટે ધ્યાનની પૂર્વ ભૂમિકારૂપે કેટલીક પ્રક્રિયાઓ જરૂરી છે. જ્યાં સુધી વિચારો છે, ઘાટ-સંકલ્પ છે, દેહભાવ છે ત્યાં સુધી ધ્યાન સુલભ નથી. આ અંગે ભગવાન શ્રી સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે : 'જ્યારે અંતઃકરણ સામે દૃષ્ટા એવો જે જીવાત્મા તે જોઈ રહે ત્યારે બહાર જે સ્થૂળ શરીર અને તે સંબંધી જે વિષય તે સર્વે વીસરી જાય છે, અને અંતઃકરણ ને દૃષ્ટા એ બેના વચમાં જે વિચાર ઠરે છે તે વિચારે કરીને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ સર્વેના રૂપને જાણવા. પછી વિચારની દૃષ્ટિએ એ અંતઃકરણના ઘાટ સામે જોતાં જોતાં જ્યારે ઘાટ બંધ થઈ જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. જ્યાં સુધી ઘાટ-સંકલ્પનું બળ હોય ત્યાં સુધી તો સંકલ્પ સામે જોઈ રહેવું પણ ધ્યાન ન કરવું.' (સા. 12)

સામાન્યતઃ આપણી ચેતના વિચારોના વાઘા પહેરીને વિહાર કરે છે. તે પ્રત્યેક વિચાર- પછી તે સુખનો હોય કે દુઃખનો- એની સાથે એટલું તાદાત્મ્ય સાધે છે કે વિચારના ગુણ પ્રમાણે તત્કાળ સુખ કે દુઃખ અનુભવે છે. આ સુખ-દુઃખથી પર જવા માટે આપણી ચેતનાને વિચારોની જંજાળમાંથી મુક્ત કરાવવાની છે. એનો એક જ સરળ રાજમાર્ગ છે વિચારોને તટસ્થભાવે નિહાળવા. વિચારોને સજાગતાપૂર્વક જોવાથી આપણી એષણાઓ - તૃષ્ણાઓ - ઇચ્છાઓ ઓળખાય છે. જ્યારે આપણે જાગૃત બનીને વિચારોને - વૃત્તિઓને નિહાળીએ છીએ ત્યારે કોઈ વૃત્તિની તાકાત નથી કે તે આપણને તેની સાથે ઘસડી જાય. આપણી સભાનતા જ દીવાદાંડી બનીને વિચારોના મહાસાગરમાંથી આપણી ચેતનાને બહાર કાઢીને મન પારની પ્રશાંત અ-મન અવસ્થામાં લઈ જાય છે, અને ત્યાંથી જ પ્રારંભ થાય છે આપણી ધ્યાન-સાધના.

ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃતમાં આપણા મનની વૃત્તિ ધ્યાન દ્વારા પરમાત્માના સ્વરૂપમાં કેવી રીતે સ્થિત થાય છે તેનું ખૂબ સૂક્ષ્મ તત્ત્વજ્ઞાન સમ્યક્પણે સમજાવ્યું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના મતે આપણા નેત્રની વૃત્તિ અરૂપ હોવા છતાં સ્થૂળ તેમજ પૃથ્વીતત્ત્વ પ્રધાન છે. પરિણામે તે વૃત્તિ જ્યારે પરમેશ્વરના સ્વરૂપમાં રાખવામાં આવે છે ત્યારે પ્રથમ તે વૃત્તિ પાતળી દોરીની જેમ પીળી ભાસે છે. કરોળિયો જેમ બે થાંભલા વચ્ચે પોતાની જાળ ગૂંથે છે તેમ વૃત્તિ અંતઃકરણ અને ભગવાનના સ્વરૂપ એમ બંને વચ્ચે કરોળિયાની જેમ સંલગ્ન થતાં પૃથ્વીતત્ત્વયુક્ત વૃત્તિ પરિવર્તન પામી જળતત્ત્વમય શ્વેત બને છે. ધ્યાન-સાધના આગળ વધતાં આ શ્વેત વૃત્તિ અગ્નિતત્ત્વરૂપ રક્ત થાય છે, પછી વૃત્તિ જ્યારે વાયુતત્ત્વ પ્રધાન થાય ત્યારે નીલી જણાય છે અને અંતે આકાશતત્ત્વ પ્રધાન થાય ત્યારે શ્યામ દેખાય છે. પછી પંચતત્ત્વનું પ્રધાનપણું મટીને વૃત્તિ નિર્ગુણ થાય છે ત્યારે અતિશય પ્રકાશમાન જણાય છે ને ભગવાનના સ્વરૂપને આકારે થાય છે. (વ.8)

આમ ધ્યાન દ્વારા વૃત્તિ નિર્ગુણ થવાથી જીવસત્તાએ ભગવાનનું સ્વરૂપ દેખાય છે. પછી મનનું અસ્તિત્વ જ રહેતું નથી. જેમ ભમરીના ધ્યાને ઇયળ મટીને ભમરી બને છે, તેમ પરમાત્માના ધ્યાનથી આત્મા પરમાત્મારૂપ થાય છે, પરંતુ તે સ્વયં પરમાત્મા નથી બની જતો. આના અનુસંધાનમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે (છે. 37મા) વચનામૃતમાં સ્પષ્ટપણે કહ્યું છે : 'ભગવાન જેવા તો એક ભગવાન જ છે, પણ બીજો કોઈ નથી અને ભગવાનના સાર્ધમ્યપણાને પામ્યા એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે તેનો આકાર પણ ભગવાન જેવો જ છે. તો પણ તે પુરુષ છે અને ભગવાન પુરુષોત્તમ છે ને તે સર્વેમાં શ્રેષ્ઠ છે ને એમને ઉપાસ્ય છે ને એ સર્વેના સ્વામી છે ને એ ભગવાનના મહિમાનો કોઈ પાર પામતા નથી. એવા દિવ્ય મૂર્તિ જે ભગવાન તે નિર્ગુણ છે ને ધ્યેય છે ને એનું જે ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે એવું ભગવાનનું સ્વરૂપ છે.'

ભગવાનના કયા સ્વરૂપનું ધ્યાન કરવું એ અંગે સ્પષ્ટતા કરતાં ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના સર્વોપરી ઉપાસ્ય સ્વરૂપનું જ ધ્યાન કરવાની ભલામણ કરતાં જણાવ્યું છે : 'પુરુષોત્તમ નારાયણ કોઈક કાર્યને અર્થે પુરુષપણે થાય છે ત્યારે એ પુરુષ... પુરુષોત્તમના પ્રકાશમાં લીન થઈ જાય છે ને પુરુષોત્તમ જ રહે છે. તેમજ માયારૂપે થાય છે ત્યારે માયાપણું પણ પુરુષોત્તમના તેજમાં લીન થઈ જાય છે ને તે રૂપે ભગવાન જ રહે છે... એવી રીતે અનેક પ્રકારના કાર્યને અર્થે જેને જેને વિશે એ પુરુષોત્તમનો પ્રવેશ થાય છે તેને તેને પોતાના પ્રકાશે કરીને લીન કરી નાખીને પોતે જ તે રૂપે કરીને સર્વોત્કર્ષપણે વિરાજમાન થકા રહે છે અને જેને વિશે પોતે વિરાજમાન રહે છે તેના પ્રકાશને પોતે ઢાંકીને પોતાનો પ્રકાશ પ્રગટ કરે છે, જેમ અગ્નિ લોઢાને વિશે આવે છે ત્યારે લોઢાનો જે શીતળ ગુણ ને કાળો વર્ણ તેને ટાળીને પોતે પોતાના ગુણને પ્રકાશ કરે છે તથા જેમ સૂર્ય ઉદય થાય છે ત્યારે તેના પ્રકાશમાં સર્વે તારા- ચંદ્રમાદિકના તેજમાં તે લીન થઈ જાય છે ને એક સૂર્યનો જ પ્રકાશ રહે છે તેમ એ ભગવાન જેને જેને વિશે આવે છે ત્યારે તેના તેજનો પરાભવ કરીને પોતાના પ્રકાશને અધિકપણે જણાવે છે, અને જે કાર્યને અર્થે પોતે જેમાં પ્રવેશ કર્યો હતો તે કાર્ય કરી રહ્યા કેડે તેમાંથી પોતે નોખા નીસરી જાય છે ત્યારે તો તે પંડે જેવો હોય તેવો રહે છે ને તેમાં જે અધિક દૈવત જણાતું હતું તે તો પુરુષોત્તમ ભગવાનનું હતું એમ જાણવું. એવી રીતે સર્વના કારણ ને સદા દિવ્ય સાકાર એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ તેમની મૂર્તિને વિશે સાકરના નારિયેળની પેઠે ત્યાગ-ભાગ સમજવો નહિ ને જેવી મૂર્તિ દીઠી હોય તેનું જ ધ્યાન - ઉપાસના - ભક્તિ કરવી.' (પં.7) શ્રીહરિની આ વાણીમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો એકેશ્વરવાદ સ્પષ્ટપણે પડઘાય છે. અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાન તો એક જ છે અને તે પોતાના મૂળ સ્વરૂપે ભગવાન શ્રી સ્વામિનારાયણ નામે પૃથ્વી પર પ્રગટ્યા. અનંતકાળથી જગતમાં જે જે વિશિષ્ટ ઈશ્વરીય કાર્યો થયાં એ બધાં જ એ ભગવાન દ્વારા જ - એમના જે તે માધ્યમમાં પ્રવેશ દ્વારા જ થયાં છે. માટે ધ્યાન તો પરાત્પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણનું જ કરવું.

એક વાર એક હરિભક્તે પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી નારાયણભાઈને પૂછેલું : 'ગુરુજી, અક્ષરધામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય તેજોમય વ્યતિરેક મૂર્તિ છે તે કેવી છે?' ગુરુવર્યે મંદ મંદ હસતા કહેલું : 'અક્ષરધામની એ દિવ્ય મૂર્તિ અતિ... અતિ મનોહર છે. તેના જેટલી સુંદરતા મેં પૃથ્વી પર તો ઠીક, અખિલ બ્રહ્માંડમાં પણ ક્યાંય દીઠી નથી. અહીં મંદિરમાં જે ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે તે અને અક્ષરધામની મૂર્તિ બંનેમાં મહિમાની દૃષ્ટિએ અણુમાત્રનો ફેર નથી, પરંતુ સ્વરૂપ-સૌંદર્ય અને દર્શન-માધુર્યમાં એ બંને વચ્ચે ઘણો ભેદ છે. એ મૂર્તિનું તેજ અલૌકિક છે, નથી સૂર્યકિરણ સરખું કે નથી ચાંદની જેવું. પૃથ્વી ઉપર એક પણ રંગ એવો નથી જેની સાથે એ તેજના રંગને સરખાવી શકાય. એ મૂર્તિએ નથી વસ્ત્રો સજ્યાં કે નથી આભૂષણો ધાર્યાં, છતાં પણ અતિ રમણીય લાગે છે. આ લોકનું કોઈ સ્વરૂપ કે કોઈ દૃશ્ય એ મનમોહક મૂર્તિ જેટલું રમ્ય ક્યારેય ભાસતું નથી. એ મૂર્તિને હું અત્યારે પણ જોઉં છું, પરંતુ તેનું સૌંદર્ય થોડું પણ શબ્દોમાં ઉતારવું શક્ય નથી લાગતું.'

પછી હરિભક્તે પૂછ્યું: 'એમ કહેવાય છે કે અક્ષરધામમાં શ્રીજીમહારાજની મૂર્તિમાં અસંખ્ય અનાદિમુક્તો રસલીન થઈને રહ્યા છે, ભક્તિની પરાકાષ્ઠા જેવી પ્રગાઢ તાદાત્મ્યની આ અવસ્થામાં મુક્તનું અલગ અસ્તિત્વ રહે છે ખરું?' ગુરુદેવ ખૂબ પ્રસન્નતાપૂર્વક બોલ્યા: 'તમે ખૂબ માર્મિક પ્રશ્ન કર્યો છે. Anadi Muktas have identified themselves with His divine form of the God almighty, that is why they are absolutely absorbed in the divine form of God enjoying His supreme bliss all the time. અનાદિમુક્તો મૂર્તિરૂપ થઈને મૂર્તિમાં રહી મૂર્તિનું સુખ લે છે, ભગવાન સુખદાતા છે ને મુક્ત સુખભોક્તા છે - બસ, આટલો જ ભેદ છે!'

ધ્યાનના અનંત પ્રકાર છે, પરંતુ જે ધ્યાન દ્વારા આત્માનું આત્યંતિક કલ્યાણ થાય એ જ ધ્યાન મુમુક્ષુએ કરવું જોઈએ. આ અંગે મૂર્તિના ખરા મરમી અબજીબાપાશ્રી કહે છે: 'દેહાત્મ બુદ્ધિ સહિત ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિને સન્મુખ ધારીને સામાન્યતઃ બધાં જે ધ્યાન કરે છે તેને અવરભાવનું ધ્યાન કહે છે. જ્યારે સદા દિવ્યાકાર મૂર્તિમાન સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિના તેજ સાથે પોતાના આત્માને એકાકાર કરી તેમાં મૂર્તિ ધારવી તે પરભાવનું ધ્યાન છે. આ ધ્યાન સિદ્ધ થતાં મુમુક્ષુ પરમ એકાંતિક મુક્તની સ્થિતિ પામે છે. શ્રીજીમહારાજની મૂર્તિમાં રહીને મૂર્તિના તદાકારભાવને પામીને પ્રતિલોમપણે મૂર્તિનું અખંડ ધ્યાન કરવું એ પરભાવનું ઉત્તમોત્તમ ધ્યાન છે.'

મુમુક્ષુ જ્યારે આ પ્રકારના ધ્યાનમાં જોડાય ત્યારે અનેક વિઘ્નો આવે છે, માટે જ્યારે ધ્યાન કરીએ ત્યારે મોટા અનાદિમુક્તને સાથે રાખવા ને તેમની સહાય માગવી. ધ્યાનમાં હંમેશાં શ્રીજીમહારાજની સાથે અનાદિમુક્તને ધારવાથી હેત વધારે થાય છે અને મોટા કૃપા કરીને સાધનની સમાપ્તિ કરી ચૈતન્યને મૂર્તિરૂપ કરી દે છે. અનાદિમુક્તની સ્થિતિ એ દાસભાવની ચરમસીમા છે, મુક્ત ભાવની પરાકાષ્ઠા અને પ્રેમલક્ષણા ભક્તિની સર્વોત્કૃષ્ટ સ્થિતિ છે!