મુકામ ચોથો: મનનો આધાર

0:000:00

છાંદોગ્ય ઉપનિષદમાં એક સુંદર આખ્યાયિકા આવે છે. મહર્ષિ ઉદ્દાલકનો પુત્ર શ્વેતકેતુ બાર વર્ષનો થાય છે ત્યારે મહર્ષિ તેને વિદ્યાપ્રાપ્તિ માટે ગુરુગૃહે મોકલે છે. શ્વેતકેતુ બાર વર્ષ સુધી ગુરુગૃહે રહી વેદાદિ સર્વશાસ્ત્રોમાં પારંગત થઈ પિતાની પાસે પાછો આવે છે. વેદશાસ્ત્રોમાં પારંગત બનવાથી શ્વેતકેતુને વિદ્યાનો ગર્વ થાય છે. અહંકારને લીધે તે અક્કડ બને છે. પિતાની પાસે આવી તે કહે છે, 'પિતાશ્રી, હું સર્વ વેદોમાં પારંગત થઈને આવ્યો છું. આપ કહો તે બોલી બતાવું.' મહાજ્ઞાની ઉદ્દાલક પળમાં જ પામી જાય છે કે પુત્રને હજી પૂર્ણજ્ઞાન પ્રાપ્ત થયું નથી, અધૂરો છે તેથી બહુ ગાજે છે. થોડી સમજણની ખામી છે, તે પૂરી તો કરવી જ જોઈશે. મહર્ષિ કહે, 'બેટા, તું પંદર દિવસ કંઈ જ ખાઈશ નહિ, તરસ લાગે તો પાણી પીજે. પંદર દિવસ પછી મારી પાસે આવજે, ત્યારે હું તને વેદો વિશે પૂછીશ.' શ્વેતકેતુ કહે, 'ભલે પિતાશ્રી...'

શ્વેતકેતુએ ઉપવાસ શરૂ કર્યા. એક દિવસ... બે દિવસ... એમ કરતાં અઠવાડિયું પસાર થઈ ગયું. હવે તેને શરીરે નબળાઈ વર્તાવા લાગી. મન સુસ્ત રહેવા માંડ્યું. ભૂખ્યા પેટે શાંતિથી ઊંઘ પણ ન આવે. સ્મૃતિ ઝાંખી થતી ગઈ. ચિંતન વિલીન થવા લાગ્યું. વદ પક્ષના ચંદ્રની જેમ ધીરે ધીરે મનની શક્તિ ક્ષીણ થતી ગઈ. સોળમા દિવસે પિતાની પાસે જઈને તેણે પૂછ્યું, 'તાત, શું બોલી બતાવું?' મહર્ષિએ પુત્રના મુખ સામે જોઈ કહ્યું: 'વત્સ, ઋક્, યજુર અને સામવેદની ઋચાઓ બોલી બતાવ.' શ્વેતકેતુએ સ્મરણશક્તિને ખૂબ ઢંઢોળી, પણ અફસોસ... કાંઈ જ યાદ ના આવ્યું. અથાક પ્રયત્નો કર્યા પરંતુ બધું મિથ્યા! તેનો અહંકાર બરફની જેમ ઓગળી ગયો, પશ્ચાત્તાપનાં આંસુઓથી આંખો ઊભરાઈ ગઈ. ઋષિના ખોળામાં માથું મૂકી તે રડી પડ્યો. 'પ્રભુ, મને કાંઈ જ યાદ આવતું નથી, ક્યાં ગયું મારું જ્ઞાન?' મહર્ષિની તેજસ્વી આંખો પણ હર્ષાશ્રુથી ભીંજાઈ ગઈ. પુત્રને સમજાવતા ઉદ્દાલક બોલ્યા: 'હે સોમ્ય! ઉપવાસ કરવાથી અન્ન વિના મનની શક્તિ ક્ષીણ થઈ જાય છે. બેટા, એક વાત સમજ, મહાભયંકર અગ્નિ ઓલવાઈ ગયો હોય અને તેનો એકાદ તણખો બાકી રહ્યો હોય તો તે તણખો મોટી વસ્તુઓને બાળી શકતો નથી. તે જ રીતે ઉપવાસ કરવાથી તારા મનની સ્મરણશક્તિ ક્ષીણ થઈને નામમાત્ર બચી છે. તેનાથી તું વેદની ઋચાઓ જેવી મુશ્કેલ બાબતો યાદ નથી કરી શકતો. વત્સ! હવે પહેલાં તું જમી લે, પછી જ તું મારી વાત સમજી શકીશ.' શ્વેતકેતુ સોળ દિવસે પારણાં કરે છે. ઉદરમાં અન્ન જતાં મન પ્રફુલ્લિત થાય છે.

જમ્યા પછી હવે મહર્ષિ તેને જે પૂછે છે તે બધું જ બોલી બતાવે છે. શ્વેતકેતુને પણ નવાઈ લાગે છે. ઉદ્દાલક તેને સમજાવતા કહે છે: 'વત્સ! હમણાં મેં તને કહ્યું તેમ મહાભયંકર અગ્નિ ઓલવાઈ ગયા પછી બાકી બચેલા એકાદ તણખા ઉપર સૂકું ઘાસ નાખતાં તે તરત જ ભડભડ સળગી ઊઠે છે અને ધીમે ધીમે મોટી આગનું રૂપ લઈ લે છે. તેવી રીતે તારા મનની શક્તિના સોળ ભાગમાંથી બચેલો એક ભાગ અન્નરૂપી સૂકું ઘાસ મળતાં પ્રજ્વલી ઊઠ્યો, તેનાથી તું હવે વેદોની ઋચાઓ યાદ કરી શકે છે. હે સોમ્ય! अन्नमयं हि मन: । મન અન્નમય છે.' વળી થોડું અટકીને મહર્ષિ કહે છે: 'પુત્ર જમ્યા પછી જઠરાગ્નિ દ્વારા પચાવવામાં આવેલા અન્નના ત્રણ ભાગ થઈ જાય છે. ત્રણ ભાગોમાં વિભક્ત થતા અન્નનો જે અત્યંત સ્થૂળ અંશ હોય છે તે મળરૂપે મોટા આંતરડામાં ચાલ્યો જાય છે, જે મધ્યમ અંશ હોય છે તે રસાદિ ક્રમથી આગળ વધીને અંતે માંસમાં રૂપાંતર પામે છે અને જે અત્યંત સૂક્ષ્મ અંશ હોય છે તે ઊર્ધ્વ દિશામાં ગતિ કરીને હૃદયમાં પહોંચી હિતા નામની સૂક્ષ્મ નાડીમાં પ્રવેશી મન સ્વરૂપે પરિણમે છે.' આમ આ આખ્યાયિકા દ્વારા સહેજે સમજાય છે કે મન અન્નમય છે, મનનો મુખ્ય આધાર આહાર છે. તેથી જ કહેવત પડી છે કે 'જેવું અન્ન તેવું મન.' બહુ ગહન ચિંતન કરતાં એ વાત સુપેરે સમજાય છે કે આપણી પ્રત્યેક ઇંદ્રિયોના આહારની સૂક્ષ્મ અસર આપણા મન ઉપર અવશ્ય થાય જ છે.

આપણે જે અન્ન જમીએ છીએ તે કેવા પ્રકારની ખાદ્યસામગ્રીમાંથી કોના હાથે કેટલી શુચિતાથી રાંધવામાં આવ્યું છે તે ખૂબ મહત્ત્વનું છે. તમે ભોજન જમો તે પહેલાં તેના પર કેટકેટલાની દૃષ્ટિ પડી છે એ પણ અન્નની મનોગામી અસર પર અસર કરે છે. એટલે જ ભોજન જમતા પહેલાં તેનો ભગવાનને ભોગ ધરાવી પ્રભુના પ્રસાદ તરીકે ગ્રહણ કરવાથી અન્ન ઉપરની સંભવિત નકારાત્મક અસરોને ટાળી શકાય છે. સ્વામી વિવેકાનંદ 'રાજયોગ'માં લખે છે: 'આહારની બાબતમાં અમુક નિયમો આવશ્યક છે; મનને શુદ્ધમાં શુદ્ધ બનાવે તેવો આહાર લેવો જોઈએ. જો તમે પ્રાણીસંગ્રહાલયમાં જાઓ તો આનું ઉદાહરણ તરત જોવા મળશે. હાથી ઘણું મોટું પ્રાણી છે. પરંતુ તે શુદ્ધ શાકાહારી હોવાથી શાંત અને નરમ સ્વભાવનો છે, જ્યારે વાઘ-સિંહ માંસાહારી હોવાથી ક્રૂર અને અશાંત (Restless) જણાય છે.

બે વ્યક્તિઓ એક સાથે એક જ સમયે એક સરખું ભોજન કરે છે છતાં એ ભોજનની તે બંનેના મન ઉપર અલગ અલગ પ્રકારની અસર થાય છે, કારણ કે ભોજન કરતી વખતે મનની જે સ્થિતિ અને ભાવ છે તે પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. મીરાંબાઈએ રાણાએ મોકલેલા ઝેરને પ્રભુનું ચરણામૃત માનીને પ્રેમથી પીધું તો એ ઝેર પણ અમૃત સમાન જીવનદાયી બની ગયું હતું.

એક વાર ભગવાન બુદ્ધ લુંબિવનમાં એક વૃક્ષ નીચે બેઠા હતા. પાસેના નગરમાંથી તથાગતનાં દર્શને આવેલા એક શ્રેષ્ઠીએ પ્રભુને પ્રશ્ન પૂછ્યો: 'ભગવન્, સત્ય શું છે?' ભગવાને પ્રસન્નતાથી કહ્યું: 'તમારું મન જ સત્ છે, ચિત્ત છે ને આનંદ છે. જો તમે તેને સમજો તો!!' ભગવાને પાછળના વિધાન ઉપર ખાસ ભાર મૂક્યો - 'જો તમે તેને સમજો તો!' મનને જો આપણે સમજી શકીએ તો જ તેની પેલે પાર આવેલ સચ્ચિદાનંદરૂપ આત્માની અનુભૂતિ સહજ બની રહે છે.