મુકામ તેરમો: મન અને મસ્તિષ્ક

0:000:00

એક વાર કારણ સત્સંગની સભામાં કેટલાક મિત્રો આધ્યાત્મિક ચર્ચા કરી રહ્યા હતા ત્યારે એક મિત્રે સવાલ કર્યો: 'જો શરીરની ઉત્પત્તિનું મૂળ મન હોય તો એક પ્રશ્ન ઉદભવે છે કે ગર્ભાવસ્થામાં જે ક્રમમાં ગર્ભનો વિકાસ થાય છે તેમાં તો એવું જોવા મળે છે કે મગજનો વિકાસ તો સાતમા-આઠમા મહિનામાં એટલે કે છેલ્લા ક્રમમાં થાય છે. આવું કેમ?' આવો પ્રશ્ન ઘણાને થાય છે, કારણ કે આ પ્રશ્નના મૂળમાં એવી ગેરસમજ છે કે મન એ જ મગજ છે! હકીકતમાં મન (Mind) અને મગજ (Brain) એ બંને અલગ છે. સ્થૂળ વ્યવહાર માટે મગજ એ મનનું ઉપકરણ છે - સાધન છે, એથી વિશેષ કાંઈ જ નહિ. શરીરનું મૃત્યુ થતાં મગજ અસ્તિત્વ ધરાવતું બંધ થાય છે, પણ મન તો સક્રિય જ રહે છે.

મનની સરખામણીમાં મગજ પ્રમાણમાં ઘણું ધીમું સાધન છે. મન સ્થૂળ ભૂમિકા પર આકૃતિઓ મોકલે છે ને એ આકૃતિઓ પ્રમાણે કામ કરવાની મગજને સૂચના અપાય છે. મન ચિત્ર કે છાયાઓ ઉપસાવે છે અને મગજ એ પ્રમાણે કામ કરે છે. એ છાયાઓ (Images) મનના સ્મૃતિભંડારમાંથી આવેલી હોય છે. મનના સ્મૃતિભંડારમાં અનંત જન્મોના સંસ્કારો ભંડારાયેલા પડ્યા છે. જ્યારે સ્થૂળ મગજના કેન્દ્રમાં પણ આ જન્મની સ્મૃતિ જળવાયેલી હોય છે. એવું કહેવાય છે કે મૃત્યુ સમયે મગજમાં સંગ્રહાયેલી આખા જીવનની સ્મૃતિના આધારે મરનાર વ્યક્તિ પોતાના વીતી ગયેલા જીવનની તમામ ઘટનાઓને એક ફિલ્મની જેમ તાદૃશ્ય જુએ છે. આ ફિલ્મનું ઉપાદાન મગજ છે. એક પળમાં મગજ જીવનમાં જે કાંઈ બન્યું તે બધું મરનારની આગળ પ્રગટ કરી દે છે. પછી મગજનો તો નાશ થઈ જાય છે. પરંતુ મૃત્યુ પહેલાં તે સ્મૃતિ અંતરમનના આકાશમાં અંકિત થઈ જાય છે. જીવ જ્યાં સુધી આ સ્થૂળ દેહમાં રહે છે ત્યાં સુધી મનની સ્મૃતિ ઝાંખી હોય છે. કેમ કે એ વખતે ઇંદ્રિયો સતત ક્રિયાશીલ રહેતી હોવાથી આખો વખત મગજ ઉપર પોતાની પ્રતિક્રિયા દ્વારા પ્રતિકૃતિઓ પાડ્યા જ કરતી હોય છે. મૃત્યુ બાદ, મગજનો નાશ થતાં મન ખૂબ સક્રિય બની જતાં તેની અંદર ધરબાયેલી અનંત જન્મોની સ્મૃતિઓ તાજી થાય છે.

આધુનિક મેડિકલ જાણકારી મુજબ માનવીના મગજની ઉપલી સપાટીમાં દસ લાખ વિવિધ જ્ઞાનતંતુઓની વચ્ચે થતી માહિતીની આપ-લેના આધારે માનવી જબરદસ્ત કામગીરીઓ બજાવી શકે છે. આ કામગીરીમાં નાકના ટેરવા ઉપર બેઠેલી માખી ઉડાડવાની સામાન્ય સૂઝથી માંડીને સુપર કમ્પ્યુટર બનાવવાની જટિલ પ્રક્રિયા સુધીનો સમાવેશ થઈ જાય છે. આપણું મગજ પણ એક અદભુત કમ્પ્યુટર કરતાં સહેજે કમ નથી. કુદરતે બનાવેલ આ બેમિશાલ યંત્રનો જગતમાં જોટો જડે તેમ નથી. આ યંત્રની આંતરિક જાળોની આંટીઘૂંટીમાં વીશ લાખ વરસો જૂની જૈવિક ઉત્ક્રાંતિની ઝીણવટભરી માહિતિઓ સંગ્રહાયેલી પડી છે. એટલું જ નહિ, તેમાં 50,000 વરસો જૂની સંસ્કૃતિના ઉત્થાનનાં બીજ પણ સચવાયેલાં પડ્યાં છે. પ્રત્યેક માણસના મગજમાં તેના જીવન દરમ્યાન થતી તેની વ્યક્તિગત ઉત્ક્રાંતિનો આખો નકશો તૈયાર પડ્યો હોય છે.

મગજ અર્ધઘન (Semi-solid) પોચા પદાર્થનું બનેલું એક અંગ છે. તેનું વજન સરેરાશ 1300 ગ્રામ જેટલું હોય છે. મગજના ઊંડાણમાં હિપ્પોકેમ્પસ નામનું બીજના ચાંદ આકારનું એક ક્ષેત્ર છુપાયેલું છે. અહીં કેટલાક વિશિષ્ટ ચેતાકોષો (Neurons) એકઠા થયેલા છે. આ કોષો દ્વારા સ્મૃતિ સંકલન જેવી પ્રક્રિયા થતી હોય છે. વળી બદામ આકારના એમિગડાલાની અંદર ખાસ ચેતાકોષોનો જથ્થો છે જે ભયની લાગણીનો સંચય કરે છે. મગજમાંનો બેઈઝલ ગેંગલિયા નામનો ભૂખરા રંગનો પદાર્થ આપણી વિવિધ ટેવો અને શારીરિક આવડતોને યાદ રાખવામાં મદદ કરે છે. આપણે રોજિંદા જીવનમાં અલગ અલગ પરિસ્થિતિમાં વિવિધ લાગણીઓ પ્રદર્શિત કરતા રહીએ છીએ તેમજ ક્યારેક સંજોગવશાત્ ક્ષણભરમાં પણ અનેક બાબતોનું પૃથક્કરણ કરી નાખીએ છીએ. એ બધા ચમત્કારો કુદરતની અજીબોગરીબ કરામત જેવું આ મગજ કરે છે. માણસે બનાવેલી ન્યુરલ સિલિકોન ચિપ્સ ક્યારેય આવા કરિશ્મા કરી શકશે?

આધુનિક વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે જેમ માણસનો આઈ-ક્યુ એટલે બુદ્ધિઆંક ઊંચો તેમ મગજની અંદર ઓછી પ્રવૃત્તિ થતી હોય છે. મસ્તિષ્ક વિજ્ઞાનમાં Intelligence (મેઘા)ને ન્યુરલ એફિશ્યન્સી (જ્ઞાનતંતુઓની ઉચ્ચ ક્ષમતા) ગણવામાં આવે છે. સ્માર્ટ બ્રેઇન ગધ્ધાવૈતરું કરતું નથી. તે ઓછી શક્તિ વાપરીને વધુ સારી રીતે કામગીરી બજાવે છે. આમ જોઈએ તો બુદ્ધિ જહેમત કરતાં કૌશલ્યનું પરિણામ છે. હવે તો M.R.I. અને P.T.I. સ્કેનની મદદથી વૈજ્ઞાનિકો મોનિટરના સ્ક્રિન ઉપર મગજની ક્રિયાઓ જોઈ શકે છે. ડેલ ગાડો નામના એક ફિઝિયોલોજિસ્ટે એક નવતર પ્રયોગ કર્યો. તેણે એક જબ્બર ખૂંખાર સ્પેનિશ આખલાના મગજમાં ઇલૅક્ટ્રોડ્ઝ બેસાડીને તેને મેદાનમાં ઉતાર્યો. આ આખલો આક્રમણખોર હતો. મેદાનમાં ઊભેલા માણસોને મારી નાખવા તે ધસી રહ્યો હતો, પરંતુ વૈજ્ઞાનિકોએ વીજસંવેદનો દ્વારા તેના મગજની અંદર આવેલા આક્રમણ કેન્દ્રને બંધ કરી દેતાં તે એકાએક થોભી ગયો અને મિયાંની મિંદડી બનીને ઊભો રહી ગયો. તેના એમિગડાલા ક્ષેત્રમાં રેડિયો તરંગો પેસતાં જ તે શાંત બની ગયો હતો. આધુનિક વિજ્ઞાને એ સાબિત કરી દીધું છે કે ખૂંખાર આતંકવાદીઓને હવે જેલની સલાખો પાછળ ગોંધી રાખવાની જરૂર નથી. તેમને પેરોલ ઉપર છોડતી વખતે તેમના મગજની સાથે રેડિયો ટ્રાન્સમીટર્સ જોડી દેવામાં આવશે જે તેમની મગજની ક્રિયાઓનું જીવંત પ્રસારણ કર્યા કરશે. પોલીસ કંટ્રોલરૂમ તેની ચોક્કસ માનસિક સ્થિતિની નોંધ કર્યા કરશે. જેવો તેના મગજમાં કોઈ અસામાજિક વિચારનો અણસાર પણ દેખાશે તરત જ તેને દૂરસંવેદકોની મદદથી દબાવી દેવામાં આવશે. આ રીતે ગુનાઓ તો થતાં ઘણા અટકશે, પરંતુ એવું નથી લાગતું કે વૈજ્ઞાનિકો આ રીતે મગજની સાથે ચેડાં કરીને તેની રહસ્યમયતા અને સર્વોપરિતાને પડકારી રહ્યા છે?

આ દુનિયાનો સૌથી મૂર્ખ માણસ એટલી મોટી સંખ્યામાં પ્રશ્ન પૂછતો ફરે છે કે ડાહ્યામાં ડાહ્યો માણસ પણ તેના જવાબ આપી શકતો નથી. સ્વાભાવિક છે કે આપણું મગજ અને મન એટલું તો કુશળ નથી જ કે તે પોતાની સક્ષમતાને પૂરેપૂરી સમજાવી શકે!