મુકામ અગિયારમો: મન અને વિચાર

0:000:00

મન વિશે લાંબીલચ તાત્ત્વિક ચર્ચા તો કદાચ આપણે કરી નાખીએ, પણ શું આપણે ખરેખર મનને જાણીએ છીએ ખરા? શું મન ક્યારેય મન તરીકે આપણને પ્રત્યક્ષ થાય છે? આ અંગે રમણ મહર્ષિ કહે છે: 'આપણું કે અન્યનું મન એ ઇંદ્રિય પ્રત્યક્ષતાનો વિષય નથી. એક અર્થમાં તો એ અનુમાનનો વિષય છે, કારણ કે આપણે મનને તેની પ્રવૃત્તિઓ દ્વારા જ જાણીએ છીએ. આ પ્રવૃત્તિ એટલે ખાસ કરીને વિચારો. જો બધા વિચારોને હાંકી કાઢીને પછી મનને શોધવા નીકળીએ તો મન જેવી કોઈ વસ્તુ જોવા મળતી નથી. આમ વિચારો મનનું અભિવ્યક્ત સ્વરૂપ છે. વિચારોને જો જ્ઞેયને સ્થાને મૂકવામાં આવે તો તેનો વિચારક પણ હોવો જોઈએ. આ વિચારક તે અહમ્ છે. અહમ્ મૂળ વિચાર છે. જેનાથી મનરૂપી વિચારો ઉદભવે છે. સાંખ્યદર્શન પ્રમાણે ઉત્ક્રાંતિના ક્રમમાં મહતત્ત્વમાંથી અહમ્ અને અહમ્માંથી જ મનના ઉદભવનો ક્રમ દર્શાવાયો છે.

આ વિચારોના આધારરૂપ માનેલું મન તેના મૂળ સ્વરૂપમાં ચેતના કે સભાનતા જ છે. જ્યારે તેના પર અહમ્નું વર્ચસ્વ સ્થાપિત થાય છે ત્યારે તે તર્કબુદ્ધિ, વિચારણા તથા જ્ઞાનેન્દ્રિયની શક્તિરૂપે ક્રિયાશીલ બને છે. આમ અહમ્થી મન પરિમિત બને છે. તે પૂર્વે તે અપરિમિત ચેતના સાથે એકરૂપ હોય છે. તેથી જ રમણ મહર્ષિ કહે છે: 'મન એ આત્મસ્વરૂપમાં રહેલી અજોડ શક્તિ છે, કારણ કે તે સર્વ વૃત્તિઓને પેદા કરે છે.'

હવે આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિએ વિચાર કરીએ કે આ વિચાર ખરેખર છે શું? વિચાર એ ચિત્તમાં ઉત્પન્ન થતાં આંદોલનો છે. જ્યારે આપણા ચિત્તમાં સ્મૃતિ દ્વારા યોગ્ય ક્ષમતા આવે છે ત્યારે બહારના વાતાવરણની ઉત્તેજનાથી ચિત્તમાં વિચારનાં આંદોલનો આવે છે. જ્ઞાન, સ્મૃતિ, ખાસિયત અને સ્વભાવનો પડઘો એ વિચાર છે. વિચારની પાર ચેતના છે, જે કાંઈક કરી શકે છે. વિચારની પાર એ ચેતના પાસે પહોંચવાનો સૌથી સરળ માર્ગ છે વિચારને નીરખવાનો. આ માટે દૈનિક જીવનમાં પળેપળને તમારે નીરખવાની છે, સતત સ્વસ્મરણ રાખવાનું છે, ઘટના જેવી બને છે તેવી જ તેને સ્વીકારી લેવાની છે. તેમાં પ્રતિક્રિયા કે ગમો-અણગમો રાખવાના નથી. આ રીતે સતત નિરીક્ષણ કરતાં કરતાં અચાનક નિરીક્ષણની પાર જવાશે. એક સહજ સ્થિતિનું નિર્માણ થશે. જેમાં વિચારની નહિ, પણ ચેતનાની અનુભૂતિ હશે. આપણી આસપાસ જે ચેતનાનો સમુદ્ર લહેરાય છે તેને વૈજ્ઞાનિકો ઈથર કહે છે. આપણા વિચારના તરંગો આ ચેતનાને આવરી લઈ એક સ્વરૂપ ઊભું કરે છે. તેને વિચારનું સ્વરૂપ અથવા ઘાટની મૂર્તિ (Thought form) કહેવામાં આવે છે.

ક્યારેક કોઈ અણગમતી વ્યક્તિ તરફ ધિક્કારની લાગણી કે નિંદાનો ભાવ મનમાં ઉદભવે ત્યારે તેના વિચારસ્વરૂપો ક્ષણમાત્રમાં એ વ્યક્તિ પાસે પહોંચી જાય છે. એ વિચારસ્વરૂપો સામેની વ્યક્તિના મનમાં આપણા માટે એવા જ વિચારો ઉત્પન્ન કરે છે. ક્યારેક જો એ વ્યક્તિ કોઈ ઉચ્ચ વિચાર કે લાગણીના પ્રભાવમાં હોય તો આપણા ધિક્કારનાં વિચાર-સ્વરૂપો એને ર્સ્પશ્યા વિના જ બમણા વેગથી પાછા આવી આપણા મન ઉપર આઘાત કરે છે. પરિણામે આપણને એકદમ શારીરિક નિર્બળતા અનુભવાય છે. તેથી જ આપણા વેદો કહે છે કે સર્વનું ભલું ઇચ્છો, ક્યારેય કોઈનું બૂરું થાય તેવો સંકલ્પ ન કરવો. સર્વનું ભલું ઇચ્છનારનું હંમેશાં ભલું જ થાય છે. सर्वे सुखिनो सन्तु, सर्वे सन्तु निरामया:। આ પ્રાર્થનામાં સ્વકલ્યાણનો જ ગર્ભિત હેતુ છુપાયેલો છે.

ઘણી વાર આપણે કોઈને યાદ કરતાં હોઈએ ત્યાં તો તે આવી ચડે છે. આપણે તેને સહેજે જ કહીએ છીએ કે, 'તમારું આયુષ્ય બહુ લાંબુ છે, તમને યાદ કરતા હતા ત્યાં જ તમે આવી ચડ્યા!' હકીકતમાં તેના પ્રબળ વિચારતંત્રે અને વિચારસ્વરૂપોએ જ આપણને તેના માટે વિચારવા પ્રેર્યા હોય છે. જેની ચેતના જેટલી વધુ જીવંત તેનાં વિચારસ્વરૂપો પણ એટલાં જ પ્રાણવાન હોય છે અને એવી વ્યક્તિઓ ખરેખર લાંબુ જીવે છે. વિચારસ્વરૂપોની સંકલ્પશક્તિની અસર કેટલી પ્રબળ અને આશ્ચર્યકારક હોય છે તેનું જીવતું જાગતું દૃષ્ટાંત રાજકોટમાં ભૂપેન્દ્ર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આજે પણ જોઈ શકાય તેમ છે. આજથી લગભગ બસો વર્ષ પહેલાં પણ એ સ્થળે એક કાંટાળી બોરડીનું ઝાડ હતું. મુંબઈના ગવર્નર લૉર્ડ માલ્કમસાહેબને મળવા માટે ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢપુરથી રાજકોટ આવ્યા ત્યારે તે બોરડી નીચે પોતાના સંતમંડળની સભા ભરીને બેઠા હતા. રાજકોટથી વિદાય થતી વેળાએ સંત શિરોમણિ સ.ગુ. ગોપાળાનંદ સ્વામીનો ખેસ બોરડીના કાંટામાં ભરાઈ જતાં સ્વામી હસીને બોલ્યા: 'રે ગાંડી, ભગવાન પુરુષોત્તમનારાયણ તારી નીચે બિરાજ્યા છતાં તારો કાંટાળો સ્વભાવ ગયો નહિ?' આશ્ચર્યકારક ઘટના એ પછી એ બની કે એ બોરડીના બધા જ કાંટા ખરી પડ્યા! આજે પણ એ બોરડી રાજકોટના સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં ઊભી છે.

આપણા વિચાર અને વાણી ક્યારેય મરતા નથી. એ હંમેશને માટે અવકાશ સ્થિત ચેતના (ઈથર)માં અંકિત રહે છે. વિચાર કેવી પ્રબળ શક્તિ છે તેનું ભાન થયા પછી આપણે તેનો દુરુપયોગ નહિ કરી શકીએ. વિચાર એક એવી છરી છે જેના દ્વારા શાક સમારવા જેવું રચનાત્મક કામ પણ કરી શકાય છે અને કોઈનું ખૂન કરવા જેવું નિષેધાત્મક કૃત્ય પણ થઈ શકે છે. વિચારસ્વરૂપોની આ વિશાળ માયાજાળ આપણી જ બનાવેલી છે. તેનો કેવો ઉપયોગ કરવો તે આપણા હાથમાં છે. તેથી જ એક કવિએ લખ્યું છે કે,

'જિંદગી છે જામ, આ છલકાવ તારા હાથમાં,

તોડવી કે તારવી, આ નાવ તારા હાથમાં.'