મુકામ ચૌદમો: મન અને સ્વાસ્થ્ય

0:000:00

સ્વાસ્થ્ય શબ્દનો સામાન્ય અર્થ એવો થાય કે સ્વ એટલે આત્મા. તેમાં સ્થિત થવું અર્થાત્ આત્મારૂપે પોતાના સ્વસ્વરૂપના અસ્તિત્વનો આનંદ લેવો. આત્મા પરમાત્માનો અંશ હોવાથી રોગ, મોહ, દૈન્ય, લોભ, કોપ, તાપ આદિ વિકારોથી મુક્ત છે - નિર્લેપ છે, તેથી જ્યારે મન આત્મા-પરમાત્મામાં સ્થિત થાય છે ત્યારે તે શારીરિક નિર્બળતાઓ અને વ્યાધિવિકારોથી મુક્ત બનીને આનંદમય ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરે છે, જેને સ્વાસ્થ્ય કહે છે.

સ્વાસ્થ્ય એ જ સાચી સંપત્તિ છે અને સ્વાસ્થ્ય એ જ પરમ સુખ છે. સ્વાસ્થ્ય વિનાનું સૌંદર્ય અલ્પકાલીન અને નિરર્થક છે. સર્વાંગ સંપૂર્ણ સ્વાસ્થ્ય જ માનવજીવનની સ્વાભાવિક અને સહજ અવસ્થા છે. 'ધમ્મપદ' નામના બૌદ્ધધર્મના વિખ્યાત ગ્રંથમાં ભગવાન બુદ્ધે પણ સ્વાસ્થ્યને જ 'પરમ લાભ' કહીને आरोग्य परमा लाभा:। વચન ઉચ્ચાર્યા છે. આયુર્વેદમાં લખ્યું છે: धर्मार्थकाममोक्षाणामारोग्यं मूलमुत्तमम् । અર્થાત્ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચતુર્વિધ પુરુષાર્થને પ્રાપ્ત કરવાનું સર્વશ્રેષ્ઠ ને મુખ્ય સાધન તો સ્વાસ્થ્ય જ છે. તંદુરસ્તી એ મનુષ્ય માત્રનો જન્મસિદ્ધ અધિકાર છે. સ્વાસ્થ્યની ઉપેક્ષા એ હકીકતમાં તો પોતાના અસ્તિત્વની જ ઉપેક્ષા છે - જીવનની સાર્થકતાની ઉપેક્ષા છે.

'મહાભારત'માં એક શ્લોક છે:

सत्वम् रजस्तम इति मानसा: स्यु: त्रयो गुणा: ।

तेषां गुणानां साम्यं यत् तदाहु: स्वास्थ्यलक्षणम् ॥

સત્ત્વ, રજસ અને તમસ આ ત્રણ મનના ગુણો છે. આ ગુણોની સામ્યાવસ્થાને જ સ્વાસ્થ્ય કહે છે. આમ સાચું સ્વાસ્થ્ય શરીર અને મન બંનેના સામ્ય ઉપર અવલંબે છે. જ્યારે આ સામ્ય ખોરવાય છે, ત્યારે કુદરતે શરીરને આપેલી નૈસર્ગિક પ્રતિકારક શક્તિ ક્ષીણ થવા માંડે છે અને શરીર રોગોનું ઘર બને છે. યોગ્ય આહાર-વિહાર, સાત્ત્વિક વિચાર-સદાચાર, સત્ય, પ્રેમ જેવી નિસ્વાર્થ ભાવનાઓ તેમજ કામક્રોધાદિ રજોગુણી દોષોથી મનને મલિન થતું બચાવવું- આ બધા વિના નૈસર્ગિક સ્વાસ્થ્ય શક્ય જ નથી. આજે આપણે મનની ઉપેક્ષા કરીને શરીરને જિમ્નેશિયમમાં ફક્ત શારીરિક કસરતો દ્વારા સ્વસ્થ રાખવાનો જ નિરર્થક પ્રયાસ કરીએ છીએ તેના મૂળમાં સ્વાસ્થ્ય અંગેની સાચી સમજણનો અભાવ છે.

વિલિયમ હાર્વે નામના તબીબે 300 વર્ષ પહેલાં કહેલું કે હૃદય (Heart)ને માનવીના મન સાથે સીધો સંબંધ છે. સુખ-દુઃખ, પીડા-શાંતિ, આશા કે ભય એ તમામની સીધી અસર હૃદય ઉપર થાય છે. ઉગ્ર સ્વભાવના, ખૂબ જ મહત્ત્વકાંક્ષી, ઉતાવળિયા અને ગમે તે ભોગે કામ પાર પાડનારા ચીડિયા સ્વભાવના લોકો હૃદયરોગનો ભોગ જલદી બને છે. જેને જીવનમાં સ્વાસ્થ્ય અને શાંતિ જોઈતા હોય તેમણે અંગ્રેજીમાં એક સૂત્ર યાદ કરવા જેવું છે: If you want to take rest, forget the rest. ફિકરની ફાકીનો ફાકડો કરી ગળી જાઓ. એલેક્સીલ કેરલ કહે છે: 'મોટી વાત તમારા જીવનમાં વરસો ઉમેરવાની નહિ, પણ તમારાં વરસોમાં જીવન ઉમેરવાની છે.' ઢસરડા કરીને વરસો વીતાવવામાં જીવનની સાર્થકતા નથી, પરંતુ જીવનની અંતિમ પળ સુધી પળેપળને જીવંતપણે જીવવાથી જ જીવન સાર્થક બને છે.

ડૉ. ફ્રીડમેન અને ડૉ. રૉઝેન પોતાના સંશોધનને અંતે કહે છે: 'માણસનો નબળો સ્વભાવ, સતત ટેન્શન, બિનજવાબદાર રહેણીકરણી, સતતપણે થતું ધૂમ્રપાન તથા શરાબનું સેવન આ બધી બાબતો જ હૃદયરોગ અને ડાયાબિટીસ જેવાં દર્દો માટે જવાબદાર છે. એનાથી ઊલટું આનંદી સ્વભાવવાળા, સંતોષી અને નિર્વ્યસની લોકોને આવા રાજરોગો જલદી થતા નથી.' હાર્વર્ડ મેડિકલ જૂથના પ્રોફેસર ડૉ. હર્બર્ટ બેન્સન પોતાના "The relaxation response & the mind body effect' પુસ્તકમાં લખે છે: 'માનસિક તાણ અને દબાણ માનવીના મહત્ત્વનાં અંગો ઉપર ઘણી ખરાબ અસર કરે છે. જીવનમાં આવતા વિપરીત સંજોગોમાં પણ જો ભય અને ટેન્શનને બદલે હિંમત, આશા અને ધીરજ જેવા હકારાત્મક વલણને અપનાવવામાં આવે તો સ્વાસ્થ્ય બાબતમાં ઘણાં સારાં પરિણામો જોવા મળે છે.'

માત્ર હૃદયરોગ માટે જ નહિ, કોઈ પણ ગંભીર દર્દ માટે માનસિક શક્તિ બહુ જ મહત્ત્વની બની રહે છે. એલોપથીમાં અત્યાર સુધી જંતુઓ (Germs) દ્વારા જ મોટા ભાગના રોગો થાય છે તેમ મનાતું હતું, પરંતુ હવે રોગ થવામાં અને સાજા થવામાં માનસિક કારણોને જ મહત્ત્વનાં ગણવામાં આવે છે. યુનિવર્સિટી ઑફ રોચેસ્ટરની મેડિકલ કૉલેજના પ્રોફેસર ડૉ. લગ્નાર્ડ ફોક્સ 'સાયકૉન્યુરો ઇમ્યુનોલોજી' પુસ્તકમાં લખે છે: 'કોઈ વ્યક્તિને કેન્સર થાય કે રૂમેટોઈડ આર્થરાઇટિસ થાય ત્યારે તે રોગના મૂળમાં દર્દીનું માનસિક વલણ જ જવાબદાર હોય છે. માણસની રોગપ્રતિકારક શક્તિ તેની માનસિક શક્તિ મુજબની હોય છે. મનને એકાગ્ર કરવાથી શરીર અને મગજમાં નોંધપાત્ર બાયોકેમિકલ ફેરફારો થાય છે. જે શરીરની પ્રતિકારક શક્તિને બેહિસાબ વધારી દે છે.'

જુદા જુદા રોગોનાં નામ આપણે જ પાડ્યાં છે. હકીકતમાં અમુક રોગ કે અમુક તકલીફ એવા વર્ગીકરણની કોઈ જરૂર જ નથી. જ્યારે શરીર અને મનની સંવાદિતા (Harmony) ખોરવાય છે ત્યારે જ તકલીફો કે રોગોની શરૂઆત થાય છે. અતિશય ટેન્શન પેટનું અલ્સર નોંતરે છે. વિચારોમાં વિરોધાભાસ ચામડીના રોગો માટે જવાબદાર છે. મનનું નકારાત્મક વલણ લૉ બી.પી.થી શરૂ કરીને હૃદયરોગ સુધીના રોગો માટે કારણભૂત માનવામાં આવે છે. ગેલન જેવા એલોપથીના પિતામહે કહેલું કે સ્ત્રીઓના સ્તનકેન્સરનું કારણ તેમનો ગમગીન સ્વભાવ છે. જોકે પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ આયુષ્ય ભોગવે છે, કારણ કે સ્ત્રીઓના હૉર્મોેન્સ એસ્ટ્રોજન તત્ત્વોથી વધુ સભર હોવાથી તેઓ પુરુષો કરતાં માનસિક રીતે વધુ સક્ષમ છે.

પશ્ચિમના ડૉક્ટરો પણ હવે આપણા આયુર્વેદમાં જે મૂળભૂત વાતો લખી છે તેને આડકતરી રીતે માનવા લાગ્યા છે. આયુર્વેદ સ્વાસ્થ્ય માટે બે પાયાનાં તત્ત્વોને મુખ્ય ગણે છે. તેમાં પ્રથમ જઠરાગ્નિ આવે છે. જઠરાગ્નિ એટલે ભગવાન વૈશ્વાનર સ્વરૂપ પરમાત્મા તત્ત્વ. ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને પ્રાણીમાત્રમાં વૈશ્વાનર અગ્નિરૂપે પોતે જ રહ્યા છે તેમ કહ્યું છે. આ અગ્નિને જે સાચવી જાણે- તેને મંદ ન પડવા દે તે જ સ્વાસ્થ્યને સાચવી જાણે! શરીરનો બીજો ભાગ્યવિધાતા વાયુ છે. वायु तंत्रयंत्रधर: । વાયુ જ જીવન છે - જીવનાધાર છે - પ્રાણ છે. આયુર્વેદ મુજબ મન એ વાયુ છે અને વાયુ એ મન છે. આપણી સકલ માનસિક ક્રિયાઓ કરનાર વાયુ છે. પ્રાણીમાત્રના પ્રાણનો ઈશ્વર અને દેહ ધારણ કરી રાખનાર વાયુ છે. જઠરાગ્નિ અને વાયુ આ બે જ શરીરની મહાન નિયામક શક્તિઓ છે, તેથી આપણા સ્વાસ્થ્યનો આધાર આ બે તત્ત્વો ઉપર જ છે.

આયુર્વેદના મહાન આચાર્ય વાગ્ભટ 'અષ્ટાંગ હૃદય'માં લખે છે: 'જેના શરીરની ચેષ્ટાઓ, વાણી અને મન ગાય જેવી સરળતાનું અનુસરણ કરનાર છે તથા જે જેમ બોલે કે વિચારે તેમજ કરે છે તેવા ગુણવાન મનુષ્યોના આયુષ્ય, ઇંદ્રિય, અગ્નિ અને શીલ સ્થિર હોય છે.' આયુર્વેદના મત મુજબ મન અને ઇંદ્રિયોમાં વિકૃતિ ન થાય તથા તે પોતાના સ્વાભાવિક રૂપમાં રહે એ માટે બુદ્ધિમાન વ્યક્તિઓએ સદા સંયોગનું પાલન કરી અતિયોગ, આયોગ, મિથ્યાયોગનો ત્યાગ કરી દેશ, કાળ અને પોતાની પ્રકૃતિ (તાસીર)થી વિપરીત વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. ઉદાહરણ સ્વરૂપે વાત પ્રકૃતિવાળા મનુષ્યને ગરમ પ્રદેશમાં ખસેડી અથવા ગરમ (ઊંચા ઉષ્ણતામાનવાળા) વાતાવરણમાં રાખી વાતલ આહાર-વિહારથી બચાવવો જોઈએ. મનુષ્યે પોતાની પ્રકૃતિ અનુસાર દિનચર્યા, ઋતુચર્યા તથા રાત્રિચર્યાનું આયોજન કરી પોતાને હિતકર - અહિતકર આહારનો યોગ્ય વિચાર કરી પોતાના મન અને ઇંદ્રિયોને સ્વસ્થાવસ્થામાં રાખવા જોઈએ. જે મનુષ્ય સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે છે તે જ પોતાની ઇંદ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરી શકે છે, અને તે જ મનુષ્ય મનોનિગ્રહ કરી ધ્યાન દ્વારા પરમાત્માની અસીમ કૃપાનો હકદાર બને છે!