મુકામ સોળમો: મનનું ઊર્ધ્વીકરણ

0:000:00

શાસ્ત્રમાં એમ કહ્યું છે કે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર અને મહતત્ત્વ એ સપ્ત આવરણને જે ભેદી શકે તે જ બ્રહ્મરૂપ થઈને પરમાત્માનો કૃપાપાત્ર બને છે, તો આ સપ્ત આવરણ ભેદાય શી રીતે? આ પ્રશ્નનો યથાર્થ જવાબ સમજવા માટે ઘણી લાંબી પૂર્વભૂમિકા બાંધવી પડે તેમ છે.

આપણું શરીર અખિલ બ્રહ્માંડની એક નાનકડી આવૃત્તિ સમાન છે. તેથી જ કહ્યું છે કે યા પિંડે સા બ્રહ્માંડે. ભગવાન શ્રી સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે: 'આ બ્રહ્માંડમાં જેટલું કારખાનું છે તેટલું જ આ પિંડમાં પણ છે. તે પિંડમાં અલ્પ છે ને બ્રહ્માંડમાં મહત્ છે. જેવો આ પિંડનો આકાર છે તેવો જ બ્રહ્માંડનો આકાર છે. જેમ બ્રહ્માંડમાં નદીઓ છે તેમ પિંડમાં નાડીઓ છે ને જેમ બ્રહ્માંડમાં સમુદ્ર છે તેમ પિંડમાં કુક્ષિમાં જળ છે. જેમ ત્યાં ચંદ્ર-સૂર્ય છે તેમ પિંડમાં ઇડા-પિંગળા નાડીને વિષે ચંદ્ર-સૂર્ય છે, ઇત્યાદિક સામગ્રી જેમ બ્રહ્માંડમાં છે તેમ પિંડમાં છે અને આ પિંડમાં જે ઇંદ્રિયોની નાડીઓ છે તેની બ્રહ્માંડ સાથે એકતા છે.' (ગ. પ્ર. 65) જેવી રીતે ચૌદ લોકનું બ્રહ્માંડ સપ્ત આવરણોથી ઘેરાયેલું છે તે રીતે આપણો આત્મા પણ અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય કોષ જેવા પાંચ આવરણોથી આવૃત્ત છે. આ આવરણો કે કોષો એ આત્મા નથી, તેના પરનાં પડ છે. પરંતુ જીવ અજ્ઞાનવશ આ આવરણોને જ પોતાનો આત્મા માની તે પ્રમાણે વર્તે છે.

અન્નમય કોષ એટલે આપણું સ્થૂળ શરીર. તેનો આધાર અન્ન છે. તેથી તેને અન્નમય કોષ કહે છે. સ્થૂળ શરીરના જેવા જ આકારનું પ્રાણમય શરીર છે. તેને અંગ્રેજીમાં Etheric double અથવા Aura કહે છે. રશિયાના ડૉ. કિરલિયને આપણા ઑરા યાને આભામંડળના ફોટા પાડવાની તકનિક વિકસાવી છે. ડૉ. કિરલિયને પ્રાણમય કોષને જોવા માટે ઑરોસ્પૅક નામના ચશ્મા બનાવ્યા છે. આ ચશ્મા પહેરીને આપણે કોઈ પણના પ્રાણ શરીર કે ઑરાને સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. પ્રાણમય કોષ આપણી ઇંદ્રિયોનો આધાર છે, જે વ્યક્તિની ચેતના પ્રાણશરીરમાં રહેતી હોય તેને ઇંદ્રિયોના વિષયોમાં વિશેષ અભિરુચિ રહે છે.

પ્રાણમય કોષથી સૂક્ષ્મ મનોમય કોષ છે. તેનું મુખ્ય અંગ મન છે. મનોમય કોષમાં જીવનાર વ્યક્તિને સ્થૂળ ભોગો કરતા માનસ ભોગો વધુ પ્રિય લાગે છે. મનોમયથી સૂક્ષ્મતર વિજ્ઞાનમય કોષમાં શ્રદ્ધા, સત્ય અને એકાગ્રતા જેવા સત્ત્વગુણો પ્રાધાન્ય ધરાવે છે. મનોમય અને વિજ્ઞાનમય સાથે મળીને અંતઃકરણ બનાવે છે. પાંચમું આવરણ આનંદમય કોષ એ શુદ્ધ સત્ત્વની આત્માની સૌથી નિકટની અવસ્થા છે.

બ્રહ્માંડની એક શક્તિ સૂર્ય છે તો બીજી ચંદ્ર છે. માનવ શરીરમાં પણ સૂર્ય અને ચંદ્ર - પિંગળા અને ઇડા નાડી દ્વારા શ્વાસોચ્છ્વાસ લેવાય છે. આપણું યોગવિજ્ઞાન કહે છે કે મગજમાંથી મુખ્ય ત્રણ નાડીઓ નીકળે છે. ઇડા, પિંગળા અને સુષુમ્ણા. તબીબી ભાષામાં ડાબા અનુકંપી જ્ઞાનતંતુ (Left sympathetic nerves) ઇડા, જમણા અનુકંપી જ્ઞાનતંતુ (Right sympathetic nerves) પિંગળા અને પરાનુકંપી (Para sympathetic nerves) જ્ઞાનતંતુ સુષુમ્ણા નાડી સાથે સંબંધિત છે. આ નાડીઓ મસ્તકમાંથી નીચે ઊતરે છે ત્યારે એકબીજામાં વાળના ચોટલાની જેમ ગૂંથાતી આવે છે. કરોડરજ્જુમાં આ નાડીઓની સાત જગ્યાએ ગૂંથણી થાય છે. જે જગ્યાએ ગૂંથણી જેવું થાય છે ત્યાં ગાંઠ જેવું પડે છે. આ ગાંઠની સાથે આપણા સૂક્ષ્મ શરીરમાં આવેલાં સાત ચક્રો યા ને શક્તિકેન્દ્રો સંબંધ ધરાવે છે. આ ચેતનાકેન્દ્રો દ્વારા પ્રાણશક્તિ સૂક્ષ્મશરીરમાંથી સ્થૂળશરીરમાં અવરજવર કરે છે. આ ચક્રોના નામ છે: (1) મૂળાધર ચક્ર, (2) સ્વાધિષ્ઠાન ચક્ર, (3) મણિપુર ચક્ર, (4) અનાહત ચક્ર, (5) વિશુદ્ધ ચક્ર, (6) આજ્ઞા ચક્ર અને (7) સહસ્ત્રાર ચક્ર. સૂક્ષ્મ શરીરમાં જ્યાં જ્યાં આ ચક્રો આવેલાં છે ત્યાં ત્યાં મૂળ શરીરમાં અંતઃસ્રાવી ગ્રંથિઓ આવેલી છે.

મૂળાધાર ચક્રનું સ્થાન સીવની આગળ ગુદા પાસે આવેલું છે. તેની બાજુમાં કામના કેન્દ્ર છે. મૂળાધારમાં પૃથ્વીતત્ત્વનું પ્રભુત્વ છે. મૂળાધારથી ઉપર પેડુના ભાગમાં સ્વાધિષ્ઠાન ચક્ર જળતત્ત્વ પ્રધાન છે. નાભિ પાસે આવેલું મણિપુર ચક્રમાં અગ્નિતત્ત્વ સમાયેલું છે. તેમાં ગતિ અવરોધ થવાથી શરીરમાં અગ્નિ તત્ત્વ વધી જતાં અતિસાર તથા દાહની તકલીફ થાય છે. ચોથું અનાહત ચક્ર છાતીમાં હૃદય પાસે આવેલું છે, તેમાં વાયુતત્ત્વનું પ્રાધાન્ય છે. અનાહત ચક્ર જેનામાં નિષ્ક્રિય હોય તે માણસો ક્રૂર અને નિર્દય હોય છે અને અંતે તેઓ ડિપ્રેશનનો ભોગ બને છે. ગળામાં કંઠસ્થાને આવેલું વિશુદ્ધ ચક્રમાં આકાશતત્ત્વ પ્રધાન છે. આપણી બંને ભ્રુકુટીની મધ્યમાં જ્યાં તિલક કરવામાં આવે છે ત્યાં આજ્ઞાચક્ર છે. અહંકાર તેનું મુખ્ય તત્ત્વ છે. સાતમું સહસ્ત્રાર ચક્ર મસ્તકમાં તાળવા પાસે આવેલું છે. તે ચિત્તનું સ્થાન છે. યોગશાસ્ત્ર મુજબ મૂળાધાર પાસે કંદ નામનું સ્થાન છે. તેમાં સાડા ત્રણ આંટા લઈને સર્પ આકારની કુંડલિની શક્તિ બિરાજમાન છે. યોગાભ્યાસ અને ધ્યાન દ્વારા આ કુંડલિની જાગૃત થઈ ઉપરોક્ત સાતેય ચક્રોનું ભેદન કરી જ્યારે સહસ્ત્રારમાં પહોંચે છે ત્યારે મનનું ઊર્ધ્વીકરણ થવાથી આત્માનુભૂતિ થાય છે.

આટલી સંક્ષિપ્ત ભૂમિકા પછી હવે આપણે મુખ્ય પ્રશ્ન પર આવીએ. સપ્ત આવરણ શી રીતે ભેદાય છે તે પહેલાં તાત્ત્વિક દૃષ્ટિએ જોઈએ. પહેલું આવરણ પૃથ્વી તેની તન્માત્રા ગંધ જિતાય તો ભેદાય. સારી ખોટી ગંધમાંથી વૃત્તિને પાછી વાળવી એ કપરું કામ છે. પરંતુ મૂળાધાર ચક્ર જેનું જાગૃત થઈ જાય છે. તેનાથી પૃથ્વીનું આવરણ સહેજે ભેદાઈ જાય છે. જળનું સૂક્ષ્મરૂપ (તન્માત્રા) રસ છે. ધ્યાન દ્વારા સ્વાધિષ્ઠાન જાગૃત થાય ત્યારે રસાસક્તિ સહેજે જિતાય છે. તેજની તન્માત્રા રૂપ છે. જેનું મણિપુર ચક્ર સક્રિય હોય તેનાથી તેજનું આવરણ પળમાત્રમાં ઉલ્લંઘાય છે. ચોથું આવરણ વાયુનું છે. અનાહત ચક્ર જ્યારે ખૂલે છે ત્યારે સ્પર્શના વિષયમાંથી વૃત્તિ આત્મતત્ત્વ તરફ પાછી વળે છે. એ જ રીતે વિશુદ્ધ ચક્રનું ભેદન થતાં આકાશનું આવરણ જિતાય છે. આજ્ઞા ચક્ર પર ધ્યાન કરવાથી તેનું ભેદન થતાં સાધક ગુણાતિત સ્થિતિને પામે છે. ત્રિગુણાત્મક અહંકારનું આવરણ એ રીતે ટળે છે. સાતમું અને અંતિમ આવરણ મહતત્ત્વનું છે. ધર્મ, ભક્તિ તથા ધ્યાનના પરિપાકરૂપે જ્યારે કુંડલિની જાગૃત થઈને સહસ્રારમાં પહોંચે છે ત્યારે ચિત્ત જિતાય છે. જેના ચિત્તમાં ભગવાન વિના કોઈ આકાર ન રહે, ત્યારે મહતત્ત્વનું આવરણ ભેદાઈ ગયું જાણવું. માયા યા ને પ્રકૃતિ એટલે સ્વભાવ. જેણે પોતાનો સ્વભાવ જીત્યો તેણે જગત જીત્યુ જાણવું. સાધન કરીને અષ્ટ આવરણ ભેદવા એ તો આકાશકુસુમ મેળવવા જેટલું દુષ્કર છે.

અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રીએ આનો સરળ અને સહજ ઉપાય બતાવ્યો છે. પરમાત્માના પરમ સાર્ધમ્યને પામેલા અનાદિમુક્તની અનુવૃત્તિમાં જો તન અને મનથી રહેવામાં આવે તો ગમે તેવો અધમ જીવ પણ માયાનાં આવરણોને ભેદીને આત્યંતિક કલ્યાણને પામે છે!