મુકામ પંદરમો: ચિંતા છોડો ને સ્વસ્થ રહો

0:000:00

આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણને અચાનક છીંકો કેમ આવે છે? એકાએક હેડકી કેમ ઊપડે છે? ક્યારેક તો સવાર સવારમાં જ બગાસાં કેમ આવવા માંડે છે? જો ખૂબ ઊંડાણથી આ બાબતમાં વિચારીશું તો સમજાશે કે કોઈક અણગમતી લાગણી કે ચિંતા આવી ચેષ્ટાઓના મૂળમાં હલચલ મચાવતી હોય છે. આવી ચેષ્ટાઓ દેખાય છે શારીરિક પણ હોય છે મનોવૈજ્ઞાનિક! આપણું શરીર આપણા મન પરત્વે એટલું બધું સંવેદનશીલ છે કે આપણા પ્રત્યેક વિચાર, લાગણી, ચિંતા અને તાણની સીધી અસર શરીર પર પડે જ છે.

કેનેડાના નોબેલ પારિતોષિક વિજેતા ડૉ. હન્સ સેલ્યેએ માનસિક તાણની શરીરનાં જુદાં જુદાં અંગો ઉપર કેવી રીતે અસર થાય છે તેનું અતિ તલસ્પર્શી સંશોધન કર્યું છે. આપણા મગજના ચેતાતંત્રમાં અનુકંપી (Sympathetic) અને પરાનુકંપી (Para sympathetic) એમ બે પ્રકારના જ્ઞાનતંતુઓ છે તે માનસિક તાણવાળી પરિસ્થિતિમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સામાન્યતઃ પરાનુકંપી જ્ઞાનતંતુઓ આપણા શરીરના આંતરિક અવયવોનાં કાર્યોનું નિયંત્રણ કરે છે, પરંતુ જ્યારે ટેન્શન થાય છે ત્યારે અનુકંપી જ્ઞાનતંતુઓ સક્રિય થઈને એડ્રેનાલિન નામનું રાસાયણિક દ્રવ્ય છોડે છે. આ એડ્રેનાલિન ભય અને સંકટ સામે શરીરને ટકવાની ક્ષમતા આપે છે. હવે આપણે આ જ ઘટનાને વધુ વિગતવાર સમજીએ.

જ્યારે આપણા જીવનમાં શારીરિક કે માનસિક સ્તરે કોઈ સંકટ આવે છે, ત્યારે આપણા મનમાં ભય અને ચિંતાની લાગણી પેદા થાય છે. જોકે વ્યક્તિએ વ્યક્તિએ સંકટોનો સામનો કરવાની માનસિક ક્ષમતા અલગ અલગ હોય છે. અત્યંત લાગણીશીલ ને નરમ દિલના લોકો નાની અમથી તકલીફમાં પણ જલદી ભયભીત થઈ જાય છે, જ્યારે કેટલાક જાડી ચામડીના ઢીડ માણસો આભ ફાટી પડે તેવા સંજોગોમાં પણ અડીખમ ઊભા રહે છે. આ બાબતમાં તો જીવન પ્રત્યેનું તમારું દૃષ્ટિબિંદુ અને વલણ જ મુખ્ય ભાગ ભજવે છે. તકલીફ નાની હોય કે મોટી, પરંતુ એ જ્યારે તમારા મનને વિચલિત કરે ત્યારે તેના પ્રત્યાઘાતો આપણા શરીર ઉપર કેવા અને કેવી રીતે પડે છે તે હવે શરીરવિજ્ઞાનની પરિભાષામાં જોઈએ.

ચિંતા અને ઉદ્વિગ્નતાને લીધે મગજનો સેરેબ્રલ કોર્ટેક્ષ નામનો ભાગ વિશિષ્ટ પ્રકારની ઉત્તેજના અનુભવી મગજના બીજા મહત્ત્વપૂર્ણ ભાગ હાઈપોથેલેમસને આ સંદેશો મોકલી આપે છે. હાઈપોથેલેમસ આ SOS પિચ્યુટરી ગ્રંથિને મોકલે છે. પરિણામે પિચ્યુટરી ACTH (Adrenocortycotrophic Hormone) નામના હૉર્મોનનો સ્રાવ કરે છે. પિચ્યુટરીની જેમ બીજી મહત્ત્વની ગ્રંથિ છે એડ્રેનલ ગ્રંથિ. પેટના પોલાણમાં બંને મૂત્રપિંડ ઉપર એક એક એડ્રેનલ ગ્રંથિ આવેલી છે. પિચ્યુટરીનો ACTH એડ્રેનલ્સના કાર્ટેક્ષ ઉપર અસર કરતાં તેમાંથી મેડુલા એડ્રેનાલિન અને નોરએડ્રેનાલિન નામના હૉર્મોન્સ રક્તપ્રવાહમાં છૂટે છે. આ હૉર્મોન્સને કારણે શક્તિની ખાણ જેવા લીવરમાંથી ગ્લુકોઝ મુક્ત થાય છે. તેથી રક્તવાહિનીઓ પહોળી થાય છે અને લોહીનું દબાણ ઊંચું જાય છે. પરિણામે સ્નાયુઓ તથા આંતરિક અવયવોને લોહીનો પર્યાપ્ત જથ્થો ઝડપથી મળે છે. આ સંજોગોમાં લોહીનો જામી જવાનો ગુણ પણ પ્રબળ બને છે. તેથી અકસ્માતના સંજોગોમાં જો શરીરને ઈજા થઈ હોય તો મગજના ઉપરોક્ત પ્રોગ્રામિંગ દ્વારા લોહી તત્કાળ જામી જઈને શરીરની રક્ષા કરે છે. પરંતુ આપણું મન જો વારંવાર હતાશા, નિરાશા કે ચિંતાના વમળમાં અટવાતું હોય તો મગજની સતત ઉત્તેજના એડ્રેનાલિનનો વધુ પડતો સ્રાવ રક્તપ્રવાહમાં કર્યા કરે છે. જેને લીધે હૃદયના ધબકારા વધી જવા તથા લોહીના ઊંચા દબાણની તકલીફ શરૂ થાય છે. બીજું જ્યારે એડ્રેનાલિનની માત્રા લોહીમાં વધે છે, ત્યારે આપણું જઠર તેનું પાચનક્રિયાનું કામ બંધ કરી દે છે. તેથી ચિંતાતુર માણસ જે કાંઈ ખાય તે ખોરાક પેટમાં પચ્યા વિના પડ્યો રહે છે અને અંતે એ કાચો આમ લોહીમાં ભળી સાંધાના દુખાવાનું કારણ બને છે. પાચનક્રિયાની કામગીરી બંધ રહેતા હોજરીમાં સ્રવેલા પાચન ઉત્તેજકોની (Digestive enzymes) તીવ્રતાને લીધે તેની દીવાલમાં ચાંદા (Ulsers) પડી જાય છે. આ બધી પરિસ્થિતિમાં સૌથી વધુ ધક્કો (Strain) હૃદયને લાગે છે, માટે જો હૃદયને હેમખેમ રાખવું હોય તો હતાશાને હાંકી કાઢો - મનને શાંત રાખો અને નિયમિત ધ્યાન કરો. મગજની અંદર પિચ્યુટરીની બાજુમાં પીનીઅલ નામની નાની ગ્રંથિ હોય છે. મન શાંત હોય અને રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી નિશ્ચિંતપણે ઊંઘ લેવામાં આવે તો પીનીઅલ ગ્રંથિમાંથી મેલોટોનીન નામનો ખૂબ લાભદાયી હૉર્મોન સ્રવે છે. જેનાથી શરીરનાં બધાં જ અંગોની કાર્યદક્ષતા વધે છે. મેલોટોનીન હૃદયરોગના હુમલા પણ અટકાવે છે.

સ્ટેનફર્ડ યુનિવર્સિટીના ડૉક્ટર ફિલિપ ગોલ્ડીન પોતાના દર્દીઓને સોશિયલ એન્ગ્ઝાઇટી ડિસઑર્ડર (SAD)માંથી મુક્તિ મેળવવા માટે નિયમિત ધ્યાન કરાવે છે. કપાળના ભાગ પાસે ડાબી તરફ મગજનો 'લેફ્ટ પ્રિફ્રન્ટલ કોર્ટેક્ષ' હિસ્સો છે. જ્યાં માણસને સુખ-શાંતિનો અનુભવ થાય છે. નિયમિત ધ્યાન કરનારાના મગજમાં આ વિભાગમાં વધુ ચમકારા દેખાય છે. આજે તો અનેક રોગોમાં ધ્યાન દવા કરતાં પણ વધુ અસરકારક સાબિત થઈ રહ્યું છે. ધ્યાન જ આપણને જીવન જીવવાની કળા શીખવે છે. પરંતુ તે માટે જરૂર છે માત્ર માનસિક વલણની (Mental attitude), કારણ કે આપણું માનસિક વલણ જ આપણને તદ્દન મૌલિક રીતે વિચારવાની શક્તિ પૂરી પાડે છે!

જોકે એ પણ હકીકત છે કે ચિંતાતુર વ્યક્તિને સીધેસીધું ધ્યાન કરવાની સલાહ આપવી બિનવ્યવહારુ છે. ધ્યાનમાં ઉતરવા માટે એક પૂર્વભૂમિકા જરૂરી છે. મનને ચિંતા, હતાશા, ગમગીની જેવા નકારાત્મક આયામમાંથી ઉત્સાહ, આનંદ અને પ્રેમ જેવા સકારાત્મક આયામમાં સરળતાથી લઈ જવા માટે જો કોઈ સહજમાં સહજ વ્યાયામ હોય તો તે છે હાસ્ય! સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ડૉ. વિલિયમ ફ્રાય કહે છે: 'હાસ્ય એ ઊભા ઊભા દોડવાનો વ્યાયામ છે. બીજા વ્યાયામની જેમ હાસ્યના વ્યાયામની કાયમી અસર રહે છે. હાસ્યથી બ્લડપ્રેશર નૉર્મલ કરી શકાય છે, જૂનો માથાનો દુખાવો મટી શકે છે.' ધી સાયન્સીઝ નામના મેગેઝિનમાં ડૉ. જેફ્રી ગૉલ્ડસ્ટેને લખ્યું છે: 'હાસ્યથી માણસની આવરદા વધે છે. હાસ્યથી બેટા ઍન્ડોરફિન્સ નામનું કુદરતી સત્ત્વ મગજમાંથી ઝરે છે. જેનાથી આપણને પીડાશામક સ્થિતિનો અનુભવ થાય છે. પરિણામે હાસ્ય દ્વારા માનસિક તાણ ઘટે છે.' આપણા જમણા મગજમાં હાસ્યનું કેન્દ્ર આવેલું છે. મગજના જમણા ભાગને હાસ્ય દ્વારા ઉત્તેજિત કરાય તો મગજ ઘણા લાભદાયી રસાયણો પેદા કરે છે. જેનાથી હૃદયના મોટા ભાગના રોગો મટે છે. વળી શરીર ધ્યાનની પૂર્વભૂમિકારૂપ સ્વસ્થતા મેળવી ધ્યાન માટે સુસજ્જ બને છે.