મુકામ બીજો: મન શું છે?

0:000:00

ગહન ચિંતન કરતાં એમ જણાય છે કે, મનનું ઘનીભૂત સ્વરૂપ (Solidified form) એટલે આપણું સ્થૂળ શરીર. મનનું ક્રિયાત્મક સ્વરૂપ એટલે કર્મ અને મનનું વાયુમય સ્વરૂપ એટલે પ્રાણ. સ્વામી વિવેકાનંદ પણ આ વાતને સમર્થન આપતા 'રાજયોગ'માં લખે છે: 'આ શરીર તો મનનું માત્ર બહારનું પડ છે. એ બે જુદી જુદી વસ્તુઓ નથી, એ તો જેમ કાલુ માછલી અને તેની છીપ હોય તેમ મન અને તેની ઉપર શરીર છે, એ બેય એક જ વસ્તુનાં બે પાસાંઓ છે. કાલુ માછલીનો અંદરનો પદાર્થ બહારથી જડ તત્ત્વને લે છે અને છીપ બનાવે છે, તે જ પ્રમાણે અંદરનાં સૂક્ષ્મબળો કે જેને 'મન' કહેવામાં આવે છે તે બહારથી સ્થૂળ દ્રવ્યને લે છે અને તેમાંથી આ બાહ્ય શરીરરૂપી છીપ તૈયાર કરે છે.

મન પોતાના પ્રાણમય સ્વરૂપ દ્વારા આપણા સ્થૂળ શરીરમાં વાયુને ગતિ આપે છે, ફેફસાંને ક્રિયાશીલ રાખે છે, આંખને ઉઘાડ-મીંચ કરાવે છે, અન્નને પચાવે છે, લોહીને ગતિમાં રાખે છે, કોષોને નવજીવન આપે છે અને એવાં ઘણાં કાર્યો કરે છે. શરીરના પાચક રસો, લોહી, શુક્ર, પરસેવો, પિત્ત, કફ આદિ મનનાં જ જલમય સ્વરૂપો છે. મન ભય પામે ત્યારે પરસેવો થાય છે અને મન આનંદમાં હોય ત્યારે શરીરમાં રસ બને છે. મન વાસનાના આવેગમાં આવે ત્યારે શુક્ર કે રજ બને છે. ક્રોધ વખતે મન કફ વધારે છે તો ઉદ્વેગમાં મન પિત્ત વધારે છે. આમ શરીરના સર્વ વ્યાપારો મનને આધિન છે.

તમે સજાગપણે જોશો તો સમજાશે કે આપણી પ્રત્યેક ઇંદ્રિય તેમજ પ્રત્યેક સંવેદન પાછળ મન રહેલું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાના અધ્યાત્મશાસ્ત્ર વચનામૃતમાં કહે છે : 'પંદર તત્ત્વનું (પંચમહાભૂત, પંચજ્ઞાનેન્દ્રિય તથા પંચકર્મેન્દ્રિયો) સ્થૂળ શરીર છે પણ તેમાં જ્યારે નવ તત્ત્વનું (મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર તથા પંચવિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ) સૂક્ષ્મદેહે વર્તે ત્યારે વિષયનું જ્ઞાન યથાર્થ થાય, પણ તે વિના થાય નહિ... ને તે સ્થૂળ દેહને શ્રોત્ર ઇંદ્રિય હોય ને તેણે કરીને વાત સાંભળતો હોય ને જો મન બીજે ઠેકાણે જાય તો તે વાત સમજાય નહિ. એવી રીતે દશે ઇંદ્રિયોને વિશે જો મન વર્તે તો જ તે ઇંદ્રિયો પોતપોતાના વિષયને ગ્રહણ કરવા સમર્થ થાય, પરંતુ જો મન ન વર્તતું હોય તો કોઈ ઇંદ્રિયો પોતાના વિષયને ગ્રહણ કરવામાં સમર્થ થાય નહિ.' (સાળંગપુર - 14મું વચનામૃત)

ઘણી વાર આંખો ખુલ્લી હોવા છતાં આપણને આંખ સામેના દૃશ્યનું ઝાઝું જ્ઞાન નથી હોતું, કારણ કે એ વખતે આપણું મન કોઈક બીજી જ કલ્પના કે વિચારમાં રાચતું હોય છે. આંખોથી જોવા માટે આંખના ગોલકોમાં મનની સક્રિયતા ખાસ જરૂરી છે. આપણી આંખો સામે જ્યારે કોઈ દૃશ્ય કે વસ્તુ કે વ્યક્તિ આવે છે, ત્યારે નેત્રપટલ (Retina) પર તેનું પ્રતિબિંબ પડતાં જ જ્ઞાનતંતુઓ દ્વારા મગજના દર્શન કેન્દ્રમાં તેનાં સંવેદનો પહોંચે છે, ત્યાંથી એ સંવેદનો મન પાસે મોકલવામાં આવે છે. મન એ સંવેદનોને નિશ્ચયાત્મિકા વૃત્તિરૂપી બુદ્ધિ સામે રજૂ કરે છે. બુદ્ધિ તેની પ્રતિક્રિયા કરે છે. આ પ્રતિક્રિયાની સાથોસાથો 'હું' એ ભાવનાનું સ્ફૂરણ થાય છે. ત્યાર પછી આ ક્રિયા અને પ્રતિક્રિયાનું મિશ્રણ આત્મા પાસે રજૂ થાય છે. આત્મા જ્યારે આ મિશ્રણને દૃશ્યરૂપે અનુભવે છે ત્યારે આપણે તેને દર્શનાનુભૂતિ કહીએ છીએ. આ સમગ્ર ઘટના ક્ષણોમાં બને છે અને આપણે સાક્ષીભાવ ભૂલીને મન સાથે એકરૂપતા અનુભવતા હોવાથી મનની પ્રતિક્રિયાત્મક વૃત્તિથી નીપજતાં દર્શનને સમજી શકતા નથી.

અજ્ઞાનવેષ્ટિત આત્માને ધર્મશાસ્ત્રોમાં જીવ તરીકે ઓળખવામાં આવે છે. મન અને જીવ બંને પરસ્પર મિત્ર છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ આ મિત્રતાને દૂધ અને પાણીની મિત્રતા સાથે સરખાવે છે. દૂધ અને પાણીને ભેગા કરી ગરમ કરવામાં આવે ત્યારે પાણી તપેલીના તળિયે બેસી દૂધને બળતું બચાવે છે. તે જ રીતે વધુ ગરમ થતાં દૂધ ઊભરાઈને અગ્નિને ઓલવી નાંખી પાણીને બળતું બચાવે છે. (ગ. અં. 6ઠ્ઠું વચનામૃત) જે વાત જીવને ન ગમતી હોય તેનો મનમાં ક્યારેય સંકલ્પ પણ થતો નથી. આ રીતે મન અને જીવનું એકાત્મપણું સુપેરે સિદ્ધ કરતા શ્રીજીમહારાજ (ગ. મ. 23મા) વચનામૃતમાં કહે છે: 'આજ તો અમે મનનું રૂપ વિચારી જોયું તો મન જીવ થકી જુદું ન દેખાણું, મન તો જીવની જ કોઈક કિરણ છે પણ જીવ થકી જુદું નથી.'

મન દ્વારા આત્મા જ અભિવ્યક્ત થતો હોઈ શ્રીજીમહારાજે મનને જીવની કોઈક કિરણ કહ્યું છે, અને એ દ્વારા મનનું જીવ સાથેનું તાદાત્મ્ય બતાવ્યું છે. તેથી જ ઉપનિષદો કહે છે કે, 'મન એક મહાન દૈવ છે એમ સમજી એની પૂજા કરો.' કારણ કે વૃત્તિ વિનાનું મન આત્મા સાથે એક રસ બની જાય છે.

શ્વેતાશ્વતર ઉપનિષદમાં એક બહુ જ સુંદર શ્લોક આવે છે. તેમાં કહ્યું છે: 'બે સુંદર પાંખવાળાં જોડિયાં પક્ષીઓ વૃક્ષની એક જ ડાળ પર બેઠેલાં છે, તેમાંનું એક પક્ષી મીઠું ફળ ખાય છે અને બીજું એ ન ખાતાં, જોયા કરે છે.' બહુ સુંદર રૂપક છે. કોણ છે આ પક્ષીઓ? જે ફળ ખાય છે તે મન સહિત અહંકાર છે યા ને તમે પોતે જ છો, અને જે ખાતા જોયા કરે છે તે તમારી સહજ આત્મસ્થિતિ છે. મનને જે આ રીતે ઓળખે છે તે સહજ બની શકે છે અને તે જ પરમાત્માને પામી શકે છે!!