૨૨. આજ સો સો વર્ષોના વાણાં વાઈ ગયાં...

રાજકવિ માવદાનજી સદ્‌ગુરુ બ્રહ્માનંદ સ્વામીની મારૂ ચારણ જ્ઞાતિમાં અને સદ્‌ગુરુ દેવાનંદ સ્વામીના રત્નું કુળમાં જન્મ્યા હતા. તેમનો જન્મ સં. ૧૯૪૮ના ભાદરવા સુદ બીજના દિવસે જામનગર જિલ્લાના કાલાવડ ગામે થયો હતો. તેમના દાદા ગઢવી બનાભાઈ રત્નું ઝાલાવાડ પ્રદેશના મૂળી ગામના વતની હતા. તેમને શ્રીજીમહારાજે ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં ભરસભામાં પોતે ચૂસેલી કેરીની પ્રસાદી સ્વહસ્તે આપી હતી. બનાભાઈને સદ્‌ગુરુ બ્રહ્માનંદ સ્વામીએ સત્સંગના વર્તમાન ધરાવ્યા હતા. માવદાનજીના પિતા ભીમજીભાઈ પોતાના મોસાળના ગામ કાલાવડ જઈને વસેલા. જામનગરના રાજા જામશ્રી વિભાજીએ તેમને જામનગરના રાજકવિ બનાવી કાલાવડ નજીકના રાજવડ ગામની જાગીર આપી હતી. રાજકવિ ભીમજીભાઈએ સદ્‌ગુરુ દેવાનંદ સ્વામી પાસે વર્તમાન ધરાવી સંપ્રદાયની દીક્ષા લીધી હતી. તેમણે સદ્‌ગુરુ તદ્રૂપાનંદ સ્વામી પાસે ગુજરાતી ભાષાનો તથા સદ્‌ગુરુ વૈષ્ણવાનંદ સ્વામી પાસે પિંગળનો અભ્યાસ કર્યો હતો.

એમ કહેવાય છે કે માવદાનજીનો જન્મ જૂનાગઢના જોગી સદ્‌ગુરુ મહાપુરુષદાસજીના આશીર્વાદથી થયો હતો. તેમણે ગુજરાતી સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ કાલાવડના વિદ્વાન કવિ ગૌરીશંકર ગોવિંદજી પાસે પિંગળનો પદ્ધતિસરનો અભ્યાસ કર્યો. તે સિવાય તેમણે પ્રાચીન ચારણી કાવ્યશાસ્ત્રનો વિશદ્‌ અભ્યાસ કરી કાવ્ય રચવાનો પ્રારંભ કર્યો હતો.

તેઓ અર્થોપાર્જન માટે વડિલોપાર્જિત રાજવડની જાગીરનો વહીવટ સંભાળતા. તદુપરાંત તેઓએ જામનગર રાજ્યમાં ફોરેસ્ટ ઈન્સ્પેક્ટર તરીકે પંદર વરસ સુધી પોતાની સેવા આપી હતી. ત્યારબાદ જામશ્રી રણજીતસિંહના ફરમાનથી તેઓએ ‘જામનગર રાજ્યનો બૃહદ્‌ ઇતિહાસ’ નામના દળદાર ગ્રંથની રચના કરી. તેમની આ સેવાની કદરરૂપે તે સમયના વિદ્યમાન જામશ્રી દિગ્વિજયસિંહજીએ તેમને જામનગરના રાજકવિની પદવી આપી મોટી રકમનું વર્ષાસન બાંધી આપ્યું હતું.

માવદાનજી સ્વામિનારાયણ સંપ્રદાયના ગણમાન્ય કવિ તો હતા જ, પરંતુ રાજસ્થાનના મોટા મોટા રાજા મહારાજાઓ દ્વારા પણ તેઓ સન્માનિત રાજકવિ હતા. કચ્છ, લુણાવાડા, ધ્રોળ, ગોંડલ તથા લોધીકાના રાજાઓ તરફથી પણ માવદાનજીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. માવદાનજીએ ‘શ્રી યદુવંશપ્રકાશ’ નામનો એક બૃહદ્‌ ઇતિહાસ ગ્રંથ રચ્યો છે. તેમણે ચારણી સાહિત્યમાં ખૂબ ખેડાણ કર્યું છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેમની સાહિત્ય સેવા નોંધપાત્ર છે. તેમના કાવ્યો અને કીર્તનોનો સંગ્રહ ‘કવિ કીર્તનાવલિ’ નામે પ્રકાશિત થયો હતો.

રાજકવિ માવદાનજીને મહાકવિ ન્હાનાલાલ, કવિ લલિત, રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણી તથા સદ્‌વિદ્યાના પ્રવર્તક કવિ ત્રિભુવન વ્યાસ સાથે ખૂબ સારો ઘરોબો હતો.

સં. ૧૯૮૪ના ચૈત્ર મહિનામાં અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રીએ બળદિયામાં છેલ્લો યજ્ઞ કર્યો હતો ત્યારે સમસ્ત સંપ્રદાયમાંથી સંત-હરિભક્તોના ધાડેધાડા આ યજ્ઞના દર્શને બળદિયા ઉમટી પડ્યા હતા. કાલાવડથી રાજકવિ માવદાનજીએ પણ આ પ્રસંગે બળદિયા આવી ચૈત્ર વદ છઠ્ઠના દિવસે યજ્ઞની પૂર્ણાહૂતિ બાદ ભરાયેલી ભવ્ય સભામાં બાપાશ્રીની પ્રશસ્તિમાં સ્વરચિત કવિત - ‘કળિયુગમાં કલ્યાણકારી આજ અબજીભાઈ છે.’ રજૂ કરી બાપાશ્રીની અપ્રતિમ પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.

સં. ૧૯૮૪ના આસો સુદી બારસને દિવસે ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજના શતવાર્ષિક પાટોત્સવના મહોત્સવમાં રાજકવિ માવદાનજી દર્શનાર્થે આવ્યા હતા. ગઢડું ગામ એ પ્રસંગે દેશ-પરદેશના એકાદ લાખ સંત-હરિભક્તોથી ઉભરાઈ ગયું હતું. આ ઐતિહાસિક પાટોત્સવ પ્રસંગે બંને દેશના ધર્મધુરંધર આચાર્યો પણ પધાર્યા હતા. મંદિરના ચોકમાં સંધ્યા કાળે ભરાયેલી વિરાટ સભામાં ધ.ધુ.આચાર્યશ્રી શ્રીપતિપ્રસાદજી મહારાજ અને ધ.ધુ.આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજના સાંનિધ્યમાં રાજકવિ માવદાનજીએ, એમનું સ્વરચિત કાવ્ય ‘આજ સો સો વર્ષોના વાણાં વાઈ ગયાં.’ પ્રગલ્ભ સ્વરે ગાઈને રજુ કર્યું હતું. કીર્તનના શબ્દે શબ્દે કવિની વિરહ વેદના એવી તો નિખરી કે સાંભળનાર સર્વેની આંખો આંસુઓથી ઉભરાઈ ગઈ. શ્રીજીમહારાજની યાદમાં આખોય માહોલ કરુણાત્મક વિયોગશૃંગારની મીઠી વિરહવિભાવનામાં ક્યારે સરી પડ્યો તેની કોઈને ય ખબર ન પડી !

કાવ્યકૃતિ :

આજ સો સો વરસોના વાણાં વાઈ ગયાં;

તોય જાણે હજુ કાલ સવારની વાત રે, સહજાનંદ સ્વામી!

ગઢપુર જોતાં જ શ્રીજી સાંભરે. ટેક.

એનો એ દરબાર એના એ ઓરડા;

એના એ તોરણ ચાકળા હીંડોળા ખાટ રે, સહજાનંદ સ્વામી!

ગઢપુર જોતાં જ શ્રીજી સાંભરે. આજ. ૧

એનો એ લીમડોને અક્ષરઓરડી;

એના એ ગાદી તકીયા રંગત પાટ રે, સહજાનંદ સ્વામી!

ગઢપુર જોતાં જ શ્રીજી સાંભરે. આજ. ૨

સાધુ બ્રહ્મચારી પાળાની સાથમાં;

ખાંતીલો આહીં ખેલતા રંગ ખેલ રે, સહજાનંદ સ્વામી!

ગઢપુર જોતાં જ શ્રીજી સાંભરે. આજ. ૩

આજ સુનો દરબાર સુના એ ઓરડા;

સુના દીસે આજ ઘેલા નદીના ઘાટ રે, સહજાનંદ સ્વામી!

ગઢપુર જોતાં જ શ્રીજી સાંભરે. આજ. ૪

લક્ષ્મીવાડી લાડીલા લાલની,

પોઢ્યા જીયાં પાતળિયો મુજ પ્રાણ રે, સહજાનંદ સ્વામી!

ગઢપુર જોતાં જ શ્રીજી સાંભરે. આજ. ૫

ગંગાજળીયે હરિને ગોતિયા;

જળ સૈયામાં જોયા જીવનપ્રાણ રે, સહજાનંદ સ્વામી!

ગઢપુર જોતાં જ શ્રીજી સાંભરે. આજ. ૬

ગુણિયલ મૂર્તિ રે ગોપીનાથની;

દર્શન કર્યે શાંત દિલ થાય રે, સહજાનંદ સ્વામી!

ગઢપુર જોતાં જ શ્રીજી સાંભરે. આજ. ૭

માગે કરજોડી માવદાનજી;

શ્રીજી સદાય રહેજો મારી સહાય રે, સહજાનંદ સ્વામી!

ગઢપુર જોતાં જ શ્રીજી સાંભરે. આજ. ૮

આસ્વાદ :

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની તવારીખમાં ગઢપુરનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન સંસ્મરણો ગઢપુર સાથે એટલી હદે જોડાયેલા છે કે ગઢપુર અને શ્રીજીમહારાજ જાણે એકબીજાના પર્યાય ન બની ગયા હોય એમ લાગે છે! તેથી જ કવિ માવદાનને ગઢપુર જોતાં જ શ્રીજીમહારાજની અનાયાસે યાદ આવી જાય છે અને પછી એ યાદોની લાંબી વણઝાર શ્રીહરિના સંબંધના પુનિત સ્પર્શથી ધન્ય બનેલા દાદાખાચરના દરબાર, લીમડો, ગાદી તકીયા, લક્ષ્મીવાડી, ઘેલા નદી - એ સર્વેને આંબીને અક્ષરઓરડી સુધી પહોંચી શ્રીજીમહારાજની મૂર્તિમાં વિરામ પામે છે.

આત્મદર્શી સ્વરૂપાનંદ સ્વામીને જ્યારે દેહમાં અસહ્ય દાહ થતો હતો ત્યારે દાદાખાચરના દરબારના નળિયાના સંસ્મરણથી એ પીડા શમી હતી. આનું તાત્ત્વિક રહસ્ય એટલું જ છે કે ભગવાનના પ્રત્યક્ષ સંબંધને પામેલી પ્રત્યેક ચીજ નિર્ગુણ અને દિવ્ય બની જાય છે. ભગવાનના પ્રત્યક્ષ સંબંધને પ્રાપ્ત કરીને પ્રત્યેક સ્થળ દિવ્ય તીર્થનું ગૌરવ પ્રાપ્ત કરે છે. પરિણામે એ સ્થળ અને વસ્તુની યાદ મનને સીધું ભગવાનના સ્વરૂપમાં ખેંચી જઈ આધિ, વ્યાધિ અને ઉપાધિથી રહિત કરી અનોખી શાતા પ્રદાન કરે છે.

ભગવાનનો સંબંધ તો સર્વ પ્રકારે જીવને સુખકારી છે જ, પરંતુ ભગવાનનો પ્રત્યક્ષ સંબંધ પામેલી વસ્તુઓ તથા સ્થળનું સંસ્મરણમાત્ર પણ જીવને અનેક પ્રકારે સુખકારી નીવડે છે. તેથી જ શ્રીજીમહારાજે (ગ.પ્ર.૩.) વચનામૃતમાં કહ્યું છે : ‘જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી, ને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેને સાથે હેત રાખવું ને એ સર્વેને સંભારી રાખવા. તે શા સારુ જે કદાપિ દેહ મૂક્યા સમે ભગવાનની મૂર્તિને ભૂલી જવાય તો પણ ભગવાને જે જે સ્થાનકને વિષે લીલા કરી હોય તે જો સાંભરી આવે અથવા સત્સંગી સાંભરી આવે અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભરી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભરી આવે ને તે જીવ મોટી પદવીને પામે ને તેનું ઘણું રૂડું થાય.’

પ્રસ્તુત પદ અત્યંત પ્રાસાદિક અને સુગેય છે.