૭. સબ ઋતુરાજ વસંત હૈ...

મનુષ્યજીવનમાં વસંતનો વિલાસ પ્રગટતા જ યૌવનનો અનેરો થનગનાટ ક્ષણે ક્ષણને આનંદ અને ઉલ્લાસથી ભરી દે છે! યા પિંડે સા બ્રહ્માંડે એ ન્યાયે પ્રકૃતિમાં પણ જ્યારે વાસંતી વાયરા વાય છે ત્યારે સકળ સૃષ્ટિ સમુલ્લાસભેર વસંતના વધામણાં ગાય છે.

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કવિઓએ વસંતને મન મૂકીને ગાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના નંદ સંતકવિઓએ પણ વસંતગાનને એક ભક્તિભાવન ઉદ્દીપક તરીકે સ્વીકારીને એનો યથોચિત ઉપયોગ પોતાની ભક્તિઆરાધનામાં પ્રગલ્ભપણે કર્યો છે.

વસંતનો ઉત્સવ એ તો આનંદનો ઉત્સવ છે! પ્રત્યેક મુમુક્ષુ શાશ્વત આનંદનો ઉપાસક છે, તેથી જ ભગવાન શ્રી સ્વામિનારાયણ વસંતને વધાવવા વસંતપંચમીનો મહોત્સવ હંમેશાં ભારે ભવ્યતાથી રંગેચંગે ઉજવતા હતા.

આ. સં. ૧૮૬૨માં શ્રીજીમહારાજ લોયાના દરબાર સુરાખાચરના આગ્રહભર્યા આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરીને વસંતોત્સવ ઉજ્વવા માટે સર્વે સંત હરિભક્તો સાથે લોયા પધાર્યા હતા. મહારાજની સાથે આ ટાણે સંતમંડળમાં મોવડી તરીકે સદ્‌ગુરુ મુક્તાનંદ સ્વામી હતા. ગઢપુરથી હરિભક્તોનો બહુ મોટો કાફલો વસંતોત્સવ ઉજવવા માટે લોથા આવ્યો હતો.

લોયા દરબાર સુરા ખાચર ભારે ઉત્સાહી ભાવુક ભક્ત હતા. તેમણે આ મહોત્સવ માટે દિલથી તૈયારીઓ કરી હતી. આખું લોયા ગામ આ પ્રસંગે ધજા-પતાકા તથા આસોપાલવના તોરણોથી શણગારવામાં આવ્યું હતું. ધૂળિયા રસ્તાઓને વાળી ઝૂડીને સ્વચ્છ કરી પાણીનો છંટકાવ કરી નંદનવન સમું રમણિય વાતાવરણ સર્જવામાં કોઈ કસર રાખવામાં નહોતી આવી. જાણે દિવાળીનું દેદિપ્યમાન પર્વ હોય તેમ ગામના પ્રત્યેક ઘર રંગોળી, સાથિયા અને તોરણોથી શોભતા હતા.

સુરાખાચરનો શ્રીજીમહારાજ પ્રત્યેનો અનન્ય સખાભાવ અર્જુનના શ્રીકૃષ્ણ સાથેનો સખાભાવથી સહેજ પણ ન્યૂન નહોતો. એટલું જ નહીં, એમનો સ્વભાવ એટલો બધો રમૂજી હતો કે સત્સંગમાં સુરાખાચર અને હાસ્ય બંને એકબીજાના પર્યાય બની ગયા હતા. સુરા ખાચરની રમૂજવૃત્તિ અદ્‌ભુત હતી. એમનો દેખાવ પણ એટલો જ રમૂજ પ્રેરક હતો. મહારાજ એમને જોઈને જ અનાયાસે હસી પડતા, એમની વાત સાંભળીને મોંઢે આડો રૂમાલ રાખીને ખડખડાટ હસતા, તેમના માથે બાંધેલા મોટા પ્રચંડ પાઘડાને જોઈને હસતા અને એમની મોટી માટલા જેવી ફાંદને બંને હાથે હલાવીને હસતા! સુરાખાચર ઘણીવાર મહારાજને કહેતા : ‘પ્રભુ, અમને જ્યારે અંતરમાં અજંપો થાય છે, ત્યારે આપને સંભારીએ છીએ એટલે અંતરમાં એકદમ ટાઢું થઈ જાય છે! તેમ તમે જ્યારે ઉદાસ થાઓ ત્યારે મને સંભારજો, મારા મોટા પાઘડાને યાદ કરજો અથવા છેવટે મારી આ ગોળી જેવી ફાંદને! પછી જો જો તમારી ઉદાસિનતા કેવી ભાગી જાય છે!!’ મહારાજ આ સાંભળીને ખૂબ હસતા.

વસંતપંચમીના આગળના દિવસે મહારાજે સુરાખાચરને બોલાવીને કહ્યુંઃ ‘દરબાર, આવતી કાલે વસંતપંચમી છે માટે કેસૂડાનો રંગ બનાવડાવો. દેશદેશાંતરથી આવેલા હરિભક્તો પોતાની સાથે અબિલ-ગુલાલ લાવ્યા છે. સુરાખાચર કહે, ‘મહારાજ, બધી તૈયારી થઈ ગઈ છે. વસંતનું પૂજન કરવા શી સામગ્રી જોઈશે તે કહો.’ શ્રીહરિએ સૂચન આપતા કહ્યું : ‘તમારા દરબાર ગઢમાં મંડપ બંધાવી તેની વચ્ચે વેદિકા બનાવો. તેમાં રંગોળી રચી અષ્ટદળ કમળ ચીતરાવી તેની ઉપર જળ ભરેલો સુવર્ણ કળશ તેમાં આંબાનો મોર, દુર્વાના પાન વગેરે નાંખી ઉપર શ્રીફળ ગોઠવી પધરાવજો. તે કળશનું પૂજન કરી આપણે વસંતોત્સવનો પ્રારંભ કરીશું.’

શ્રીજીમહારાજની સૂચના અનુસાર વસંતપંચમીના શુભપર્વે સઘળી તૈયારીઓ થઈ ગઈ. શ્રીહરિ સંતો સાથે મંડપમાં પધાર્યા અને કળશનું પૂજન કર્યું. ત્યાં તો સદ્‌ગુરુ મુક્તાનંદ સ્વામીએ વસંતને વધાવતા દોહા લલકાર્યા : ‘સબ ઋતુરાજ વસંત હૈ, મોર્યો શ્રીહરિ અંબઃ બિરહી કોકિલ સ્વર કરે, ફૂલે સંત કદંબ.’ આ પ્રસંગે હાજર રહેલા સૌના અંતર વસંતના આગમને પ્રફૂલ્લિત થઈને પૂર્ણપણે પાંગરી ઊઠ્યા. શ્રીહરિએ સુવર્ણ પિચકારી લઈ કેસૂડાના રંગ છાંટી સર્વેેને કેસરભીના કર્યા. ફગવા અને ગુલાલથી આખું ય વાતાવરણ રંગભીનું અને ઉલ્લાસમય બની ગયું. સંતોએ રાસની રમઝટ બોલાવી. મુક્ત મુનિ નૃત્ય સાથે વસંત રાગમાં ગાઈ રહ્યા હતાઃ ‘આજ અનુપમ દિવસ સખી રી, વસંતપંચમી આઈ...’

આનંદ, ઉલ્લાસ અને નૃત્યસંગીત એ ત્રણેયનો જ્યાં સંગમ થાય છે, ત્યાં વસંતનો વિલાસ એની સોળે કળાએ ખીલી ઊઠે છે. ભક્તોના અંતરતમ ભક્તિભાવને મુક્તમને મુખરિત કરતું વસંતગાન વાજિંત્રોના સૂર તાલ સાથે વાતાવરણને અનેરા આહ્‌લાદથી ભરી દેતું હતું !

કાવ્યકૃતિ : (દોહા)

સબ ઋતુરાજ વસંત હૈ, મોર્યો શ્રીહરિ અંબ;

બિરહી કોકિલ સ્વર કરે, ફૂલે સંત કદંબ. ૧.

પુરુષોત્તમ પ્રગટ જબે, તબ ઋતુરાજ વસંત;

જૂઈ ચમેલી માલતી, કેસુ ફૂલે સંત. ૨

શ્યામ સુંદરવર નિરખિકે, કિયો કુમતિ કો અંત;

પુરુષોત્તમ પદરત ભયો, તા ઘર સદા વસંત. ૩

આજ પંચમી સુભગ દિન, આજ લગ્યો ઋતુરાજ;

મુક્તાનંદ કે નાથસોં, ખેલન સજો સમાજ. ૪

તબ ઋતુરાજત વસંત હૈ, જબ ભઈ હરિસોં ભેટ;

પ્રેમ મગન ગુન ગાઈએ, લોકલાજ સબ મેટ. ૫

(રાગ - વસંત)

આજ અનુપમ દિવસ સખી રી, વસંતપંચમી આઈ;

પ્રેમમગન હોઈ પ્રભુસંગ ખેલે, બહુવિધ રંગ બનાઈ. આજ. ૧

ચુવા ચંદન અબીર અરગજા, કેસર ગાગર ઘોરી;

સબ હિ સંગ લેહુ વ્રજવનિતા, ભર ગુલાલકી ઝોરી. આજ. ૨

ભૂષન વસન સુરંગી પહિરો, પ્રેમસેં લયો પિચકારી;

શ્વેત વસ્ત્ર સબ ધરી શ્યામ રો, ખેલન હુ ભયે ત્યારી. આજ. ૩

રસિકરાય સંગ ફાગ ખેલિ કે, તન-મન અર્પણ કીજે;

મુક્તાનંદ કે નાથ કુ ઉર ધરી, જનમ સુફલ કરી લીજે. આજ. ૪

આસ્વાદ :

વસંતપંચમી એ ભગવાન સ્વામિનારાયણના ઉપાસક મુમુક્ષુઓ માટે અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. આ પર્વાધિરાજે પરાત્પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમનારાયણે વડતાલમાં પોતાની વાણીસ્વરૂપા ‘શિક્ષાપત્રી’નું સર્જન કર્યું હતું.

વનમાં, જનમાં અને તન-મનમાં વસંતની ખુમારી નવું જોમ પ્રગટાવે છે. તેથી જ એ વિકાસની સૂચક માનવામાં આવે છે. એટલું જ નહીં, એ ઉલ્લાસ અને ઉમંગની દ્યોતક બની રહે છે. જીવનમાં અને ભક્તિમાં વસંતની મહત્તા બેશક સ્વીકારાઈ છે.

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આદિ કવિ સદ્‌ગુરુ મુક્તાનંદ સ્વામી આ ઐતિહાસિક વસંતગાનનો આરંભ ‘સબ ઋતુરાજ વસંત હૈ...’ એ દોહા દ્વારા કરે છે.

દોહાબંધ આ કાવ્યની પંક્તિએ પંક્તિએ સંત કવિ મુક્તાનંદ મન મૂકીને મહોરે છે. એમ કહેવાય છે કે જ્યારે વિરહાકુળ કોકિલ પોતાની પ્રિયતમાના વિયોગમાં કેલી કૂજન કરે છે ત્યારે એના આર્તનાદના પડઘારૂપે વન ઉપવનમાં વસંતનું આગમન થાય છે. પરિણામે આંબા ઉપર મહોર આવે છે અને જૂઈ, ચમેલી, અને માલતીની લતાઓ સુંદર સુવાસિત પુષ્પોથી પલ્લવિત થઈ જાય છે.

પ્રકૃતિના આ વસંતવિલાસને કવિ તાત્ત્વિક દૃષ્ટિએ મૂલવતા કહે છે : આ બ્રહ્માંડના વૈરાજ નારાયણે દીર્ઘકાળ પર્યંત કઠોર તપશ્ચર્યા કરી ત્યારે પ્રગટ પુરુષોત્તમ નારાયણ આ લોકમાં પ્રગટ થયા અને એમના પ્રાગટ્યના પગલે જ આ સકલ સૃષ્ટિમાં કલ્યાણની વસંતનું આગમન થઈ ચૂક્યું છે. જે જીવાત્માઓએ શ્રીહરિના શ્યામ સુંદર સ્વરૂપને ઓળખીને પોતાની અજ્ઞાનવશ અશ્રદ્ધાનો ત્યાગ કરી એમને પોતાના અંતરમાં પધરાવ્યા તેના હૃદય મંદિરમાં સદાકાળ માટે વસંતે વાસ કર્યો છે.

વસંતપંચમીના સુભગ દિનથી ઋતુરાજ વસંતનો પ્રારંભ થાય છે. એ દિવસે સકળ સૃષ્ટિ સમુલ્લાસથી આનંદ મંગલના ગીતો ગાય છે. પરંતુ કવિને મતે તો જીવને જ્યારે પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણમાં પરાત્પર પરબ્રહ્મની પ્રતીતિ થાય છે એ દિવસે જ એના જીવનમાં વસંતનું પદાર્પણ થાય છે. માટે પ્રેમમગ્ન થઈને લોકલાજ છોડી નિરંતર હરિગુણ ગાવા જોઈએ.

હવે કવિનું વસંતગાન રાગ વસંતની સ્વર રચના દ્વારા સંગીતની સુરમ્ય સૂરાવલિ અને ભાવમનોહર શબ્દ રંગોથી વાતાવરણને રસતરબોળ કરી દે છે.

આજ અનુપમ દિવસ સખી રી વસંતપંચમી આઈ,

પ્રેમમગન હોઈ પ્રભુસંગ ખેલે, બહુવિધ રંગ બનાઈ.

જીવ જ્યારે અજ્ઞાનનો અંચળો છોડીને શિવત્વને પામે છે, ભક્ત જ્યારે પરમાત્માનું પરમ સાધર્મ્ય પામીને પરમાત્મરૂપ થાય છે ત્યારે એના જીવનમાં આનંદના આવિષ્કારરૂપ વસંતનું આગમન થાય છે. ચુવા, ચંદન, અબીલ, અરગજા, કેસર, ગુલાલ આ બધાં સુગંધયુક્ત વિવિધ રંગો એ પરમાત્માના દિવ્ય સ્વરૂપદર્શન દ્વારા અનુભવાતા વિવિધ ભાવસંવેદનોના પ્રતિકો છે.

મહામુક્તરાજ અબજીબાપાશ્રી હંમેશાં કહેતા કે મહારાજની મૂર્તિમાંથી આનંદના ઓઘ ઊતરે છે, ખુશ્બુની છોળો ઉડે છે, વિવિધ સુખાનુભવોની લ્હાણી થાય છે. અક્ષરધામમાં સદાય વસંતોત્સવ ઉમંગભેર મહારાજ અને મુક્તો વચ્ચે ઉજવાયા કરે છે!

અંતિમ ચરણમાં મુક્ત મુનિ મુમુક્ષુને મહામૂલી શિખામણ આપતા કહે છે -

રસિકરાય સંગ ફાગ ખેલિ કે, તન-મન અર્પણ કીજે;

મુક્તાનંદ કે નાથ કુ ઉર ધરી, જનમ સુફલ કરી લીજે.

તન અને મનથી સંપૂર્ણપણે સમર્પિત થયા વિના કેવળ બાહ્ય આડંબર દ્વારા પ્રભુ ભક્તિ કરવાથી જીવનમાં ક્યારેય વસંત નથી પાંગતી. માટે જો પરમાત્માના રસાત્મક સ્વરૂપનો રંગ લાગ્યો હોય તો તન અને મનથી એ સ્વરૂપને સમર્પિત થવું અત્યંત આવશ્યક છે.

‘પરથમ પહેલાં મસ્તક મૂકી, વળતું લેવું નામ જો’ આ કાવ્યપંક્તિમાં સમર્પણને જ ભક્તિમાર્ગનું પ્રથમ પગથિયું બતાવ્યું છે.

બીજી શિખામણ કવિ એ આપે છે કે મુમુક્ષુને ભક્તિનો રંગ લાગ્યા પછી સંપૂર્ણતઃ સમર્પિત થયા બાદ પ્રગટ પુરુષોત્તમના સાકાર સ્વરૂપનું અંતરમાં ધ્યાન ધરીને આત્યંતિક કલ્યાણના અધિકારી બની પોતાનો જન્મ સફળ કરી લેવો જોઈએ.

સદ્‌ગુરુ મુક્તાનંદ સ્વામીની પ્રસ્તુત વ્રજભાષા કવિતા પ્રાસાદિકતા, શબ્દસૌષ્ઠવ, અર્થવૈભવ તેમ જ પદલાલિત્યથી ભરપૂર છે.