૧૫. હરજી મારે હૈડે રહેજો, સહજાનંદ છો રૂડા વહાલા...

સં. ૧૮૮૫માં આસો સુદ અગિયારસની જાગરણની રાતે શ્રીજીમહારાજે ગઢપુરમાં જે નવા કવિઓને તેમની રચનાઓ સાંભળીને પ્રમાણિત કર્યા તેમાં માધવાનંદ નામના એક નવોદિત સંતકવિ પણ સામેલ હતા.

સદ્‌ગુરુ કૃષ્ણાનંદ સ્વામીએ ‘શ્રીહરિચરિત્રામૃત’ (અધ્યાય-૫૮)માં નોંધ્યું છે :

‘દેવાનંદ, ભૂમાનંદ દેખો, ધ્યાનાનંદ દયાનંદ લેખો.

માધવાનંદ આદી કહેવાય, કીધાં પ્રમાણ તે કવિમાંય.’

જોકે માધવાનંદ નામે બે સંતો સંપ્રદાયની તવારીખમાં નોંધાયેલા છે. આ અંગે ‘નંદમાળા’માં સદ્‌ગુરુ મંજુકેશાનંદ સ્વામી લખે છે :

‘માધવાનંદ મુનિવર બેઉ, ત્યાગી ભજનરત તેઉ.’

આ બંને માધવાનંદ પૈકીના જે કવિ અને ભજની માધવાનંદ હતા તેમના કેટલાક કીર્તનો સત્સંગમાં પ્રચલિત છે.

કવિ માધવાનંદ પરમ વૈરાગ્યવાન તપસ્વી સંત હતા. તેઓ ઘણું ખરું અમદાવાદમાં જ રહેતા હતા.

એકવાર શ્રીજીમહારાજ જેતલપુરમાં બિરાજતા હતા ત્યારે માધવાનંદ સ્વામી કપૂરનો શણગાર લઈને શ્રીહરિની પૂજા કરવા માટે આવ્યા હતા. તેમણે મહારાજને ચરણવંદના કરીને તેમની ચંદનપુષ્પથી પૂજા કરી કપૂરના હાર કંઠમાં પહેરાવી, હાથે કપૂરના બાજુબંધ, પાઘમાં કપૂરના તોરા અને કાનમાં કપૂરના કુંડળ ધરાવ્યાં. શ્રીજીમહારાજે તેમની આ વિશિષ્ટ પૂજાથી અત્યંત પ્રસન્ન થઈ તેમને મોજ આપી હતી.

ગઢપુરમાં આસો સુદ અગિયારસની રાત્રિ સભામાં માધવાનંદે પોતાનું નવલ કાવ્ય રજુ કરતા ગાયું હતું :

‘હરજી મારે હૈડે રહેજો, સહજાનંદ છો રૂડા વહાલા;

સાચું નાણું શામળિયાનું, સર્વે વ્રતે પુરા વહાલા.’

કાવ્યકૃતિ :

હરજી મારે હૈડે રહેજો, સહજાનંદ છો રૂડા વહાલા;

સાચું નાણું શામળિયાનું, સર્વે વ્રતે પુરા વહાલા. ૧.

પુરુષોત્તમજી પોતે પ્રગટ્યા, લીલાને વિસ્તારી વહાલા;

જ્ઞાનના પ્રકાશ દ્વારા, બુધ્ધિ કીધી સારી વહાલા. ૨.

નારાયણ રણ છોડી નાખ્યું, મોટા છો મહારાજ વહાલા;

રાંકને રડવડતાં રાખી, રીતે આપ્યું રાજ વહાલા. ૩.

ચારે ખાણ્યું છોડી નાખી, શંકામાંથી તાર્યા વહાલા;

વિષયપણું વહેતું મુકાવી, પતિવ્રતા ધર્મ પળાવ્યો વહાલા. ૪.

સર્વે દુઃખને ટાળી નાંખી, સહેજમાં સુખ આપ્યું વહાલા;

મન મારું કહ્યામાં નહોતું, સ્થિર કરીને સ્થાપ્યું વહાલા. ૫.

ભલે પધાર્યા ભવ ઉતારણ, આવી લીધો અવતાર વહાલા;

પાપી ઉપર પ્રસન્ન થઈને, ટાળ્યો જમનો માર વહાલા. ૬

હરિએ જ્યારે કૃપા કીધિ, સંતોનો સંગ આપ્યો વહાલા;

સંતો સાથે શામળિયાને, અંતરમાં આનંદ વહાલા. ૭.

છેલ્લો ફેરો સફળ ફળિયો, કહે છે માધવાનંદ વહાલા;

હરજી મારે હૈડે રહેજો, સહજાનંદ છો રૂડા વહાલા. ૮

આસ્વાદ :

કવિ માધવાનંદ સ્વામીએ પ્રસ્તુત પદમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો અપરંપાર મહિમા મન મૂકીને ગાયો છે.

કાવ્યની ટેક અત્યંત આકર્ષક છે. કવિ શ્રીહરિને માટે ‘હરજી’ શબ્દ પ્રયોજે છે. ભક્ત કવિની ભગવાન પ્રત્યેની આર્ત પ્રાર્થનાથી પદનો પ્રારંભ થાય છે. કાવ્યના ઉપાડની પંક્તિમાં જ કવિએ કમાલ કરી છે.

‘હરજી મારે હૈડે રહેજો, સહજાનંદ છો રૂડા વહાલા’

અહીં કવિએ ‘સહજાનંદ’ શબ્દનો પ્રયોગ ભાવવાચક શબ્દ તરીકે કર્યો છે. કવિ પ્રભુને પ્રાર્થે છે : હે વહાલા ! આપ તો સહજ આનંદના પ્રવર્તક એવા સુંદર શ્રીહરિ છો. આપ મારા હૈયામાં હંમેશાં નિવાસ કરીને રહેજો. સંસારમાં ધનનો મહિમા અપરંપાર છે. પરંતુ કવિને મન તો શ્રીજીમહારાજ. એજ સાચું નાણું છે - સાચી સંપત્તિ છે.

આ બ્રહ્માંડમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા ત્યારે એમના પ્રાગટ્યના પગલે જ મુમુક્ષુ જીવોના અંતરમાં જ્ઞાનનો પ્રકાશ પ્રગટતા સદ્‌બુદ્ધિ અને સદ્‌વિદ્યાનું પ્રવર્તન થયું. આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ત્યારથી પરમાત્માના અનેક અવતારો, તીર્થંકરો અને પેગંબરો આ લોકમાં અવતર્યા છતાં પણ ભાગવત ધર્મનું સ્થાપન થઈ શક્યું નહોતું. શ્રીજીમહારાજે આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ આત્યંતિક ધર્મનું સ્થાપન કરી અનેક જીવોને આત્યંતિક કલ્યાણના અધિકારી બનાવ્યા. તેથી જ મુક્તાનંદ સ્વામીને મસ્ત બનીને ગાયું છે-

‘જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ...’

શ્રીજીમહારાજ અને એમના અનાદિમુક્તોએ આત્યંતિક કલ્યાણનું સદાવ્રત ખોલ્યું છે, જે પણ આવે એ બધાંને અહીં મોક્ષનું મહાદાન મળે છે. પછી ભલેને પેલી જેતલપુરની ગણિકા જ કેમ ન હોય? તેથી જ કવિ માધવાનંદ ગાય છે :

‘પાપી ઉપર પ્રસન્ન થઈને, ટાળ્યો જમનો માર વહાલા.’

કવિ કહે છે કે શ્રીહરિ જેના ઉપર અઢળક કૃપા કરે છે તેને સાચા સંતોનો નિત્ય સહવાસ આપે છે. તેનું ખૂબ સુંદર કારણ રજુ કરતા માધવાનંદ લખે છે -

‘સંતો સાથે શામળિયાને, અંતરમાં આનંદ વહાલા.’

સંત એ શ્રીહરિનું હૃદય છે. સંતો ઉપર શ્રીજીમહારાજ હંમેશાં અહૈતુકી કૃપા વરસાવતા જ રહે છે. માટે સંતો સાથે અનન્ય આત્મબુદ્ધિ એ જ આત્યંતિક કલ્યાણનો રાજમાર્ગ છે.

કાવ્ય અર્થગંભીર અને પ્રાસાદિક છે.