૯. રચ્યો રાસ પિયા ઘનશ્યામરી...

એકવાર ગઢપુરમાં શ્રીજીમહારાજ પાસે પોતાનું બેનમૂન સંગીત સંભળાવીને મોટો શિરપાવ મેળવવાની મહેચ્છાએ ભાવનગરથી ભારતભરના ખ્યાતનામ ગવૈયાઓ આવ્યા હતા. એમનું સંગીત સાંભળી એમની મનમાની મોજ આપ્યા પછી મહારાજે સંતોને કીર્તનઆરાધના આરંભવાની આજ્ઞા આપી.

શ્રીહરિની આજ્ઞા થતાં જ સંતોએ પોતાના વિવિધ વાજિંત્રોને હસ્તગત કર્યા. વૃદ્ધ સુખાનંદ સ્વામીએ બંસરીમાં પ્રાણ પૂર્યા, જ્ઞાનાનંદે સિતારના તાર છેડ્યા. બ્રહ્માનંદ સ્વામીએ મૃદંગને થાપ મારી અને પ્રેમસખી પ્રેમાનંદે પોતાની સારંગી હાથમાં લીધી. વાદ્ય સંગીતની મીઠી ગત બજવા લાગી ત્યારે મુક્તાનંદ સ્વામી પોતાના પગમાં નૂપુર બાંધી હાથમાં કરતાલ લઈને મધુર સ્વરે ગાન કરતા નૃત્ય કરવા લાગ્યા. સંગીત અને નૃત્યનું અદ્‌ભુત સમ્મિલન માણીને ગુણાનુરાગી ગવૈયાઓ દિગ્મૂઢ થઈ ગયા. એમના આશ્ચર્યની પરાકાષ્ઠા તો ત્યારે આવી જ્યારે એમણે જોયું કે એ નયનરમ્ય નૃત્યને અંતે તે ભૂમિ ઉપર મુક્તમુનિના નૃત્ય દરમ્યાન થિરકતા પગના વિવિધ હલનચલન દ્વારા હાથીનું આબેહૂબ ચિત્ર અંકાઈ ગયું હતું. આ પ્રસંગે શ્રીહરિએ પ્રસન્ન થઈ મુક્તાનંદ સ્વામીને પોતાનો સોનેરી રેંટો આપી એમનું બહુમાન કર્યું.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ તો સુવિદિત છે કે સદ્‌ગુરુ મુક્તાનંદ સ્વામી એક મર્મજ્ઞ કવિ અને સંગીતકાર હોવા ઉપરાંત એક કુશળ નૃત્યકાર હતા. પરંતુ બહુ ઓછા સત્સંગીજનોને એ જાણ હશે કે પ્રેમાનંદ સ્વામી પણ એક સંગીતજ્ઞ કવિ હોવા ઉપરાંત ભરતનાટ્યમ્‌ શૈલીના એક સમર્થ નૃત્યકાર હતા. આ વાતનું લેખિત સમર્થન મુક્તાનંદ સ્વામીના એક પ્રસિદ્ધ કીર્તનમાંથી સાંપડે છેઃ

‘નિરત્ય સુરત્ય પકરે પિયાકું,

પ્રેમસખી તહાં નાચ નચીરી,

લાડીલે લાલ કી ધૂમ મચીરી.’

શ્રીહરિચરિત્રામૃત સાગરમાં (પુ. ૧૫, તરંગ-૬૪) સદ્‌ગુરુ આધારાનંદ સ્વામી નોંધે છે : એક સમયે વડતાલમાં અન્નકૂટોત્સવ પ્રસંગે શ્રીહરિએ સંતોને નૃત્યગાન કરવાનું કહ્યું ત્યારે પ્રથમ પ્રેમાનંદ સ્વામીએ પગે ઘૂઘરા બાંધીને નૃત્યસહ સંગીતગાન કર્યું, ત્યારબાદ મુક્તમુનિએ પણ નૃત્યગાન કર્યું હતું.

‘શ્રીહરિચરિત્ર’ (પૂર્વાર્ધ - પરિચ્છેદ-૨, અધ્યાય-૩૯)માં સદ્‌ગુરુ શ્રી અખંડાનંદવર્ણી આવા જ એક પ્રસંગનો ઉલ્લેખ કરતા લખે છે : એકવાર વડતાલમાં શ્રાવણ વદ અગિયારસના રાત્રિ જાગરણની સભા જોબનપગીના ઘરના પ્રાંગણમાં ભરાઈ હતી. ત્યારે શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને કહ્યું : ‘સ્વામી, આજે એકાદશીનો સપરમો દિવસ છે, તેથી તમે નૃત્ય સહિત સંગીતગાન કરીને ઓચ્છવ કરો.’ સ્વામીએ મહારાજની આજ્ઞા થતાં જ પગમાં પાયલ પહેરી તથા હાથમાં ઘૂઘરીઓવાળી કરતાલ ધારણ કરી નૃત્ય સાથે સંગીતગાન શરૂ કર્યું. એ નૃત્યસંગીતમાં તાલ પુરાવા માટે પ્રેમાનંદ સ્વામીએ વીણાવાદન આરંભ્યું. નૃત્ય કરતા કરતા મુક્તમુનિ જે રીતે શારીરિક અભિનય કરતા તે અભિનય અને સંગીતસ્વર અનુસાર પ્રેમસખી નૃત્યઅભિનયમાં સ્વરતાલ પૂરાવતા હતા. મુક્તમુનિ અને પ્રેમસખીનું આવું અદ્‌ભુત સંગીતનૃત્ય - પ્રાવિણ્ય માણીને મહારાજે અત્યંત પ્રસન્ન થઈને આ બંને સંતોનું સભા અંતે સન્માન કર્યું.

એકવાર શ્રીજીમહારાજે ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં કપિલા ષષ્ઠીનો મહોત્સવ રાખ્યો હતો. શ્રી વાસુદેવનારાયણની સંધ્યા આરતી પછી ત્યાં મળેલી સભામાં સદ્‌ગુરુ નિત્યાનંદ સ્વામીએ વ્યાસપીઠેથી શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા ભાષ્યની કથા વાંચી. કથાની સમાપ્તિ પછી શ્રીહરિએ સંત હરિભક્તોને અલૌકિક આનંદની અનુભૂતિ કરાવવા માટે સહુની સાથે રાસક્રીડાનો પ્રારંભ કર્યો. શ્રીજીમહારાજની સાથે સૌ સંતો ને અગ્રગણ્ય હરિભક્તો દીપમાળાથી ઝળહળી રહેલા નિંબવૃક્ષની ચારે બાજુ રાસમાં ફરવા લાગ્યા. શ્રીહરિએ સોનેરી પાઘ અને જરકસી જામો તથા ગળામાં મોતીના તોરા પહેર્યા હતા, તેમ જ પ્રત્યેક અંગમાં રત્નજડિત સુવર્ણ અલંકારો ધારણ કર્યા હતાં. સૌ સંત હરિભક્તો શ્રીહરિની રસિક રૂપમાધુરીને અનિમેષ નેત્રે નીરખી રહ્યા હતા. એ વખતે શ્રીહરિ અનેકરૂપ ધારણ કરીને પ્રત્યેક સંત હરિભક્ત સાથે રાસની રમઝટમાં રસલીન બન્યા હતા, ત્યાં તો પ્રેમાનંદ સ્વામીએ રાગ કલ્યાણના આલાપ સાથે ભરતનાટ્યમ્‌ નૃત્યશૈલીના બોલે તાર સ્વરે ગાઈને રાસના નૃત્યોત્સવને એકદમ જીવંત બનાવી દીધો.

‘રચ્યો રામ પિયા ઘનશ્યામરી

બાજત મૃદંગ દ્રગડદા દ્રગડદા દ્રગડદા થોંગ થોંગ દ્રૌંકટતક્‌’

આખું ય વાતાવરણ દિવ્યતા સભર રસમસ્તીમાં ગરકાવ થઈ ગયું હતું. મુક્તાનંદ સ્વામી પગે નૂપુર પહેરી નૃત્યાનંદમાં એવા તો ખોવાઈ ગયા હતા કે એમને અત્ર તત્ર સર્વત્ર શ્રીજીમહારાજની માધુરી મૂરત સિવાય કાંઈજ નજરે નહોતું પડતું. મૃદંગવાદનમાં પારંગત બ્રહ્મમુનિ પ્રેમસખીને આ નૃત્યગાનમાં મૃદંગ પર સંગત આપતા હતા. સૂર, શબ્દ અને નૃત્યનો અદ્‌ભુત સંગમ આજે આ રાસોત્સવમાં સૌને માણવા મળ્યો.(પ્રસંગ સંદર્ભ: શ્રીહરિચરિત્ર (પૂર્વાધ, પરિચ્છેદ-૨, અધ્યાય-૨૭))

કાવ્યકૃતિ :

રચ્યો રાસ પિયા ઘનશ્યામરી રચ્યો. ટેક.

બાજત મૃદંગ દ્રગડદા દ્રગડદા દ્રગડદા થોંગ થોંગ, દ્રૌંકટતક્‌

દ્રોમી દ્રોમી દ્રોમી વર પરન બાજેરી.

ધરત ચરન, ધરન કરન, હરન માન મનમથકર, છુમ છુમ

છુમ છનનન, નુપૂર ગાજેરી;

હાવ ભાવ, કર ઉછાવ, નેન સેન, કર બનાવ, અરસ પરસ

સરસ સુધર પૂરણકામરી. રચ્યો. ૧

દેત ગ્વાલ બાલ તાલ, બોલત તત થેઈ થેઈ, દેહી દેહી

નાથ, અધર પીક પાનકે;

ગાવત સારીગમ મગારી નિધપમ, ધમ મગરી સગરી

ઉઠત ઉલટ પુલટ કુલટ તરંગ તાનકે,

નાચત થનગન થનગન ઝાંઝરી બજે ઝનનન;

પ્રેમાનંદ પરત ચરન કર પ્રનામરી. રચ્યો.૨

આસ્વાદ :

પ્રેમસખી પ્રેમાનંદ મુખ્યત્વે આત્મલક્ષી ઉર્મિપ્રધાન કવિ છે. તેથી એમની કવિતામાં માહાત્મ્યજ્ઞાનેયુક્ત માધુરીસભર પ્રેમભક્તિની પ્રોજ્જવલતા સહેજે ઝિલાઈ છે!

પ્રસ્તુત રાસમાં રસરાજ શૃંગારનું નિરૂપણ રસેશ એવા પરમાત્મા પ્રત્યે થયેલું છે એ કેટલું સૂચિત છે! એમાં સંગીતના વિવિધ વાદ્યોના ધ્વનિ સાથે નૂપુર, ઝાંઝરી આદિ આભૂષણોના રણકારને લયાશ્રિત બનાવી રાસક્રિડાની ગતિ સાથે એને સમન્વિત કરી નૃત્ય સંગીત અને ઉત્કટ ભાવોની એકતાનતામાં કવિએ કમાલની સજીવતા આણી છે. પરિણામે પદ સાંભળતા એવું લાગે છે જાણે ઓગણીસમી સદીની ગોપી પ્રેમસખીરૂપે આપણી સમક્ષ નર્તન કરી રહી હોય! નાદ સૌંદર્ય સાધતી નર્તનક્ષમ ગરબીમાં ગતિશીલ બનતું આ ચિત્રાંકન કેટલું કમનીય અને કેવું મનોહારી લાગે છે! આમ થવાનું કારણ એ છે કે રાસમાં વ્યક્ત થયેલ અનુભૂતભાવ ચિત્રાંકનમાં નાદસૌંદર્યની છટા અને નૃત્યાત્મક અંગસંચાલન ગતિ એ ઉભય તત્ત્વો પરસ્પરનાં પૂરક બન્યાં છે. આથી જ એમ કહી શકાય કે શૃંગારરસ પણ વીરોચિત પદપ્રૌઢિમાં પ્રગટાવી ડિંગળનો નાદવૈભવ વૈખરીમાં વ્યક્ત કરતી પ્રૌઢિને સજીવ અને નર્તનક્ષમ બનાવે છે.

ગાવત સારીગમ મગારી નિધપમ ધમ મગરી સગરી,

ઊઠત ઊલટ પુલટ કુલટ તરંગ તાનકે,

નાચત થનગન થનગન ઝાંઝરી બજે ઝનનન,

પ્રેમાનંદ પરત ચરન કર પ્રનામરી.

આમાં ડિંગળના નાદવૈભવની પ્રોઢિના મરોડો ઓજસભર્યા, પ્રમત્ત અને જોશીલા બન્યા છે.

ભારતીય નૃત્યશૈલીઓમાંથી પ્રેમસખીએ બહુધા ભરતનાટ્યમ્‌ પદ્ધતિ અપનાવેલી હોવાથી એ શૈલીની અલ્લારિપું જતી સ્વરમ્‌ અને તિલ્લાના જેવા વિભાગો દ્વારા પ્રેરક ભાવોની અભિવ્યક્તિ કરી છે.

પ્રેમસખીની પ્રસ્તુત રચના શબ્દ, સંગીત અને સંસ્પંદિત મનોભાવોનો સમન્વય સાધીને ચારુ લયમાધુર્ય રેલાવે છે, અને ઘનીભૂત અભિવ્યંજક બની કાવ્ય સાગરમાં સ્વૈરવિહાર કરતાં રસસિધ્ધિ સાધે છે.