નિવેદન

એકવાર સભા પ્રસંગે શ્રીજીમહારાજે શુકમુનિને એક અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રશ્ન પૂછતા કહ્યું : ‘થોડાં સાધન કરવાથી સત્ત્વરે કલ્યાણ થાય એવો ક્યો ઉપાય છે?’

સદ્‌ગુરુ શુકાનંદ સ્વામીએ એ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યુંઃ ‘મહારાજ, આપણાં શાસ્ત્રોના મત પ્રમાણે તો કળિયુગમાં કીર્તનભક્તિ કરવાથી જ સત્ત્વરે કલ્યાણ થાય છે.’

આના અનુસંધાનમાં શ્રીહરિએ બીજો પ્રશ્ન કર્યોઃ ‘કીર્તનભક્તિનાં શા લક્ષણ છે?’ શુકમુનિએ એનો સવિસ્તાર જવાબ આપતા કહ્યું : ‘કીર્તનભક્તિના ચાર લક્ષણ છે. અર્થાત્‌ ચાર પ્રકારે કીર્તનભક્તિ થાય છે.

(૧) ભગવાનના લીલાચરિત્રોની કથા કરવી અને સાંભળવી.

(૨) ભગવાનના માહાત્મ્યની ગાથા ગાવી ને સાંભળવી.

(૩) ભગવાનનું નામીએ સહિત નામ-સ્મરણ કરવું.

(૪) ભગવાનના લીલાચરિત્રો તેમ જ ગુણાનુવાદ ગાતા કીર્તનો ગાવા ને સાંભળવા.

આ ચાર પ્રકારની કીર્તનભક્તિ પૈકી ભગવાનના લીલાચરિત્રો તથા માહાત્મ્યની કથા સાંભળનારને આળસ પ્રમાદથી કથા દરમ્યાન નિદ્રા આવે અથવા કથા વખતે મનની વૃત્તિ અન્યત્ર જવાથી ઉપદેશના શબ્દો અંતઃકરણમાં ઉતરતા નથી. ભગવાનનું નામીએ સહિત નામ-સ્મરણ એ સૌથી કઠણ સાધન છે. તેથી આ ચારેયમાં ભગવાનના લીલાચરિત્રોનું પ્રગલ્ભ ગાન કરતા કીર્તન ગાવા – સાંભળવા એ જ સૌથી શ્રેષ્ઠ કીર્તનભક્તિ છે.’

આ વાતના સમર્થનમાં શ્રીજીમહારાજે વચનામૃતમાં (ગ.મ.પ્ર.૩૫) શ્રીમુખે કહ્યું છેઃ ‘તમે સર્વે મને ભગવાન જાણો છો ને અમે જ્યાં જ્યાં ઉત્સવ સમૈયા કર્યા હોય તથા પરમહંસ, બ્રહ્મચારી, હરિભક્ત સત્સંગી બાઈ ભાઈ સર્વે ભેળા થયા હોય ને અમે કીર્તન ગવરાવ્યાં હોય, વાર્તા કરી હોય ને અમારી પૂજા થઈ હોય એ આદિક અમારાં ચરિત્ર – લીલા તેને કહેવાં ને સાંભળવાં, ને તેનું મનમાં ચિંતવન કરવું. જેને એવું ચિંતવન અંતકાળે જો થઈ આવ્યું તો તેનો જીવ ભગવાનના ધામને જરૂર પામે, માટે એવાં જે અમારાં સર્વે ચરિત્ર-ક્રિયા તથા નામ-સ્મરણ કલ્યાણકારી છે.’

શ્રીજીમહારાજની ઉપરોક્ત આજ્ઞા અનુસાર મુમુક્ષુઓ જે તે સમયે અને સ્થળે શ્રીહરિએ કરેલા લીલા-ચરિત્રોનું કીર્તનગાન એના કાવ્યપ્રસંગ અને આસ્વાદ સાથે કરી શકે તેવા શુભાશયથી આજથી ૨૨ વરસ પહેલાં ‘કીર્તનમાધુરી’નો પ્રથમ ભાગ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પણ આ પ્રકારનું લેખન-પ્રકાશન સૌ પ્રથમવાર હાથ ધરવામાં આવ્યું હોવાથી સત્સંગ તેમ જ સાહિત્ય જગતમાં તેને જબરદસ્ત આવકાર મળ્યો હતો. લોક માંગણીને માન આપીને ૨૦૦૭માં કીર્તનમાધુરીના દ્વિતીય ભાગનું પ્રકાશન કરવામાં આવ્યું. એને પણ સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી અજોડ આવકાર સાંપડ્યો હતો.

આજે શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશનના સંસ્થાપક અ.મુ.પ.પૂ. ગુરુવર્ય શ્રી નારાયણમામાના પ્રાગટ્યદિને એમની દિવ્ય સ્મૃતિમાં કીર્તનમાધુરીના તૃતિય ભાગનું પ્રકાશન કરતાં અમે અત્યંત કૃતજ્ઞતાની લાગણી અનુભવીએ છીએ.

સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ, અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રી, સદ્‌ગુરુઓ તથા વાત્સલ્યમૂર્તિ ગુરુવર્ય અ.મુ.પ.પૂ. નારાયણમામાની અપ્રતિમ કૃપાવર્ષા આ પુણ્યકાર્યમાં સહભાગી થનાર સૌ કોઈ ઉપર સદાય વરસતી રહે એ જ આ અણમોલ અવસરે અભ્યર્થના છે.

સં. ૨૦૬૬, ફાગણ સુદ બીજ

ઈ. સ. ૨૦૧૦, ૧૬ ફેબ્રુઆરી

પ્રકાશન સમિતિ

શ્રી સ્વામિનારાયણ ડિવાઈન મિશન