૨૧. મારી અવિચળ ચુંકને રાખજો
શ્રીજીમહારાજના અંતેવાસી દાસાનુદાસ ભક્તવર્ય દાદાખાચરના પ્રથમ લગ્ન સંવત ૧૮૬૧ની સાલમાં કુમુદાબા સાથે થયાં હતાં. કુમુદાબાને કોઈ સંતાન ન થતાં માનસિક રીતે તેઓ સહેજ વ્યગ્ર રહેતાં હતાં. એમાં વળી તેમના નજીકના કોઈ સગાએ મ્હેણું માર્યું કે દાદાની વાંસે તેનું ધન કોણ ખાનાર છે? શ્રીજીમહારાજે જ્યારે આ વાત સાંભળી, ત્યારે તેમણે કુમુદાબાને બોલાવીને કહ્યું : ‘કુમુદા, શાસ્ત્રમાં કહ્યું છે કે કોઈ સ્ત્રીને આધેડવય સુધીમાં સંતાન ન થાય તો એ કુળવાન સ્ત્રીએ પોતાના પતિને રાજીખુશીથી બીજા લગ્ન કરવા માટેની સંમતિ આપી દેવી જોઈએ.’ કુમુદાબાએ કહ્યું : ‘મહારાજ, આ બાબતમાં મારી સંપૂર્ણ સંમતિ છે.’
બીજે દિવસે દાદાખાચર જ્યારે અક્ષરઓરડીમાં આવીને શ્રીજીમહારાજ પાસે બેઠા, ત્યારે મહારાજે કહ્યું : ‘દાદા, કુમુદાબાને હજી સુધી કોઈ સંતાન થયું નથી. વળી હવે તો તેમને દમનો અસાધ્ય વ્યાધિ પણ લાગુ પડ્યો છે. કાલે તમારા સગા-સંબંધીના મ્હેણાં-ટોણાં સાંભળી અમને ખૂબ દુઃખ થયું છે. માટે અમારી એવી ઇચ્છા છે કે તમે બીજા લગ્ન માટે જરૂર વિચારો.’
દાદાખાચરે આ સાંભળી અત્યંત ગમગીન ચહેરે મહારાજના પગ પકડીને યાચના કરતા કહ્યું : ‘મહારાજ, મારા ઉપર મહેર કરો. મારે હવે ફરીથી આ વિષમ સંસારમાં નથી બૂડવું. દયાળુ, કૃપા કરીને મને ફરી લગ્ન માટે આગ્રહ ન કરો.’
મહારાજે હસીને કહ્યું : ‘દાદા, અમે તમને દુઃખી કરવા માટે ફરી નથી પરણાવતા. પરંતુ અમારી તો એવી ભાવના છે કે તમે જેમ સંતોની સેવા કરો છો, તેમ વંશપરંપરા સુધી તમારી પ્રજા પણ તમારી માફક સંતોની અને સત્સંગની સેવા રીતિ ચાલુ રાખે.’ આ સાંભળી દાદાખાચર કંઈક કુણાં પડ્યા. તેમણે મહારાજની ઇચ્છાને શિરોમાન્ય કરતા કહ્યું : ‘મહારાજ, આપની આ ભાવના એ આપનો મારા પ્રત્યેનો નિર્વ્યાજ પ્રેમ છે. આપની ઇચ્છાને હું આપની આજ્ઞા માનીને શિરોમાન્ય રાખું છું. પરંતુ મારી એક અરજ છે પ્રભુ, આપ સ્વયં મને પરણાવવા જાન જોડીને સાથે પધારો તો મને લગ્ન કરવા કબૂલ છે.’
મહારાજે હસીને તરત જ પોતાની અનુમતિ આપતા કહ્યુંઃ ‘ભલે દાદા, અમે પણ જાનમાં તમારી સાથે આવી તમારા રથના સારથી બનીશું.’ સં. ૧૮૮૧માં દાદાખાચરના લગ્ન ભટવદરના નાગપાલ વરુની દીકરી જશુબા સાથે થયાં.
લગ્ન બાદ મીંઢળ છોડ્યા પછી જશુબા શ્રીજીમહારાજના દર્શને આવ્યાં. મહારાજને ચરણવંદના કરીને જશુબાએ પ્રાર્થનાપૂર્વક કહ્યું : ‘મહારાજ, આપની અપરંપાર કૃપાથી જ મને આવો ઉત્તમ પરિવાર અને પ્રભુપરાયણ પતિ પ્રાપ્ત થયા છે. અમારા આ ગઢ-દરબાર, ગામ-ગરાસ, જમીન-જાગીર, ખેતર-ખળું સઘળું ય આપનું છે ! પ્રભુ, અમારા આ ઘર આંગણે જ આપ મોટું મંદિર કરો જેથી સાધુ-સંતો અને આપનો સદાયનો સહવાસ અમને મળી રહે. દયાળુ ! દુરિજનનું મ્હેણું ટાળવા મારે ખોળે બે દીકરા રમે એવા રૂડાં આશિષ મને આપો.’
આ સાંભળી શ્રીજીમહારાજે રાજી થઈને તથાસ્તુ કહી પોતાનો વરદ્ હસ્ત જશુબાને મસ્તકે મૂક્યો. ત્યાં તો વળી જશુબા આગળ બોલ્યાં : ‘મહારાજ, પ્રત્યેક સ્ત્રી માટે એના જીવનનું સૌથી મહત્ત્વનું સુખ એનું સૌભાગ્ય છે. દયાળુ, કૃપા કરીને મને એવા આશીર્વાદ આપો કે મારી ચુડી અને ચાંદલો અખંડ રહે!’ આ સાંભળીને મહારાજે જશુબાના માથેથી પોતાનો હાથ પાછો ખેંચી લીધો. મહારાજે મૌન રહીને માત્ર સહજ સ્મિત કરીને જશુબાને વિદાય કર્યા.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની તવારીખ કહે છે કે દાદાખાચર સંવત ૧૯૦૯માં ધામમાં પધાર્યા હતા. જ્યારે જશુબા સંવત ૧૯૨૨ની સાલમાં અક્ષરવાસી થયાં હતાં.
જશુબાએ મહારાજ પાસે જે જે માગ્યું હતું તે એક પતિવ્રતા ભારતીય નારીના સાચા હૃદયની યાચના હતી. સત્સંગમાં બહેનોને એમાંથી પ્રેરણા મળે માટે સદ્ગુરુ યુગલદાસજીએ એ યાચનાને કીર્તનના સ્વરૂપમાં ઉતારી છે ‘મારી અવિચળ ચુંકને રાખજો, મારી ચુડીનો ભંગ ન થાય, માગું વર નાથજી.’ સંપ્રદાયના સાહિત્યમાં યુગલદાસના નામે ફક્ત આ એક જ કીર્તન ઉપલબ્ધ છે. એમના જીવન અને કવન્ વિષે વિશેષ માહિતી પ્રાપ્ત નથી.
કાવ્યકૃતિ :
મારી અવિચળ ચુંકને રાખજો,
મારી ચુડીનો ભંગ ન થાય;
માગું વર નાથજી... ટેક.
રહે કેસર પીર લલાટમાં,
રહે સેંથો ચાંદલો સદાય. માગું. ૧
મારે ઘરે રહે સંત સામટા,
નિત્ય ગુણ તમારા ગાય. માગું. ૨
સત્સંગી મળી દેશો દેશના,
આવે ઉત્સવ કરવાને આંય. માગું. ૩
મારે ઘરે રહો ઘનશ્યામજી,
મારી સંપત્તિ તમ અર્થે થાય. માગું. ૪
રાજપાટ ગામને ગીરાસ છે,
ભવન સહિત તમારાં કહેવાય. માગું. ૫
જયા લલિતા રમા ને પંચાળી,
તેને સમજું છું મુક્ત સમાન. માગું. ૬
અમો સૌ મળી તમને સેવીયે,
ધરીએ અખંડ તમારું ધ્યાન. માગું. ૭
કરો મંદિર મોટું મારે આંગણે,
રહો પ્રેમથી પ્રાણ આધાર. માગું. ૮
તેમાં મૂર્તિ પધરાવો વાસુદેવની,
તમો પાડોશી થાઓ કરી પ્યાર. માગું. ૯
વળી આ લોકની સુખ સંપત્તિ,
શ્રીજી આપી પુરા કરો કોડ. માગું. ૧૦
દુરિજનનું મ્હેણું ઉતારજો,
પ્રભુ આપો પુત્રની જોડ. માગું. ૧૧
અભય સુતને સુખી રાખજો,
રહે અખંડ અભય પરિવાર. માગું. ૧૨
આશ્રય વંશ સદાતવ ઉપાસી,
એ માગું છું ધર્મકુમાર. માગું. ૧૩
વળી અભયસુત પહેલાં મુજને,
શ્રીજી આપજો અક્ષરવાસ. માગું. ૧૪
એવી વાણી સુણી જસુબાઈની,
વર આપો કહે યુગલદાસ. માગું. ૧૫
આસ્વાદ :
કવિ યુગલદાસે પ્રસ્તુત પદમાં જશુબાના હૈયાની અભિલાષાઓને સરળ શબ્દોમાં મુખરિત કરી છે.પદ અત્યંત સરળ હોવાથી, આસ્વાદમાં વિશેષ ટિપ્પણી કે વિવરણની આવશ્યકતા નથી. પરંતુ અહીં આ કાવ્યપ્રસંગ અને કીર્તનનું ચયન વિશેષ પ્રયોજનથી કરવામાં આવ્યું છે.
આ કાવ્ય પ્રસંગ વાંચીને અનેક હરિભક્તોના અંતરમાં એક ખાસ સવાલ ઉદ્ભવે એવી શક્યતા છે. દાદાખાચરને બીજા લગ્ન કરવાની પ્રેરણા શ્રીજીમહારાજે સ્વયં આપી હતી. જશુબાએ મહારાજ પાસે મુખ્ય જે માંગણી મૂકી - ‘મારી અવિચળ ચુંકને રાખજો, મારી ચુડીનો ભંગ ન થાય...’ એ માંગણી મહારાજે માન્ય કેમ ન રાખી?
જશુબાના પ્રારબ્ધમાં વૈધવ્ય લખાયેલું હતું તો વીધિના લેખમાં મેખ મારવી એ તો શ્રીજીમહારાજ માટે કાંઈ મુશ્કેલ નહોતું! કાળ, કર્મ અને માયાનો હુકમ મહારાજ અને મુક્તો ઉપર ચાલતો નથી. ભગવાન પોતાના આશ્રિત ભક્તોના યોગ અને ક્ષેમનું વહન કરે છે. ભક્તના જીવનમાં જે કાંઈ દુઃખ કે આપત્તિઓ આવે છે તે પ્રારબ્ધવશ નહીં, પરંતુ ભગવાનની ઇચ્છાથી ભક્તના કલ્યાણઅર્થે જ આવે છે. મહારાજે જશુબાના જીવનમાં વૈધવ્યના દુઃખ દ્વારા એમના અનંત જન્મોના કર્મો કાપી નાંખી તેમને પરમપદના અધિકારી બનાવી દીધાં હતાં.