૧૧. શ્રીહરિ કો સદન મદન કહું કોટિ લજાવે

મૂળ વઢવાણ પાસેના મેમકા ગામના વતની પણ પાછળથી શ્રીહરિના આદેશ અનુસાર મેમકા છોડી ખોલડિયાદ જઈ વસેલા હંસરાજ સુતાર શ્રીજીમહારાજના અનન્ય આશ્રિત ભક્ત હતા. એમના જ્યેષ્ઠ પુત્ર વીરજીને બાળપણથી જ સત્સંગનું તાન ચડેલું. બાપ-બેટા બંનેને વૈરાગ્યની એવી ચટકી લાગી કે બેઉએ એકી સાથે ગઢપુર જઈ શ્રીહરિને પ્રાર્થના કરી : ‘મહારાજ, અમારે બંનેએ સાધુ થવું છે.’ મહારાજ એ બંનેનો વિતરાગ જોઈ રાજી થયા. મહારાજે વિતરાગી બાપ - દીકરાને મુક્તાનંદ સ્વામી પાસે મોકલ્યા. મુક્તમુનિ ભારે વ્યવહારકુશળ હતા. એમણે વાતચીત દ્વારા એમની વિરક્તિ ને વ્યવહાર સંબંધી સઘળી હકીકત જાણી હતી. પછી એમણે હંસરાજભાઈને કહ્યું : ‘તમે ઘરે જઈ વ્યવહાર સંભાળી પ્રભુ ભજો ને આ તમારા સેવક વીરજી અહીં રહી સત્સંગ સેવા કરશે.’

હંસરાજભાઈએ સ્વામીની આજ્ઞા શિરોમાન્ય ગણી. મુક્તાનંદ સ્વામી વીરજીને શ્રીહરિ પાસે લઈ ગયા, મહારાજે તેને દીક્ષા દઈ આધારાનંદ નામ આપ્યું. આધારાનંદ એક કુશળ કસબી હતા. મહારાજની મૂર્તિ સૌથી પહેલી એમણે દોરી. આધારાનંદે સંપ્રદાયમાં ચિત્ર પરંપરા ચાલુ કરી. કાષ્ઠ કળામાં પણ તેઓ કુશળ હતા. તેમણે શ્રીજીમહારાજની પ્રત્યક્ષ પ્રેરણાથી નરનારાયણ, લક્ષ્મીનારાયણ, સહજાનંદ સ્વામી ઇત્યાદિની કાષ્ઠ પર છાપો બનાવી તેને કાગળ ઉપર છાપી નિત્યપૂજામાં રાખવા માટેની અસંખ્ય મૂર્તિઓ તૈયાર કરી હતી. ચિત્રકારની સાથે સાથે તેઓ એક સિદ્ધહસ્ત શીઘ્રકવિ પણ હતા. જો કે તેમણે પોતાની કાવ્યકૃતિઓમાં પોતાનું તખલ્લુસ ‘સિધ્ધાનંદ’ રાખ્યું હતું. એમની અજોડ કાવ્યસિધ્ધિએ એમને સંપ્રદાયના સંતકવિઓમાં અનોખું સ્થાન અપાવ્યું છે.

પ્રસાદાનંદ સ્વામીની વાતોમાં એક પ્રેરણાદાયી પ્રસંગ આવે છે. ભાવનગરના રાજા વજેસિંહ બાપુની પ્રશસ્તિનું કવિત રચવા માટે એક ગઢવીને બાપુ તરફથી ઘોડાનું ઈનામ મળ્યું. એ પછી એ કવિ શ્રીજીમહારાજ પાસે ગઢપુર આવ્યો. ગઢવીને એવો ગર્વ હતો કે મારા જેવી કવિત્વશક્તિ તો આ સાધુબાવાઓમાં ક્યાંથી હોય! ગઢવીએ મહારાજ પાસે કેટલાક શીઘ્ર કવિત રચીને સંભળાવ્યા, મહારાજે પ્રસન્ન થઈ કવિને શિરપાવ આપ્યો. પછી મહારાજે કરીમભાઈને કહ્યું : ‘અત્યારે આપણાં કોઈ સંતકવિઓ હાજર છે?’ કરીમભાઈ કહે, ‘મહારાજ, એકલા આધારાનંદ સ્વામી એમના આસને છે.’ મહારાજે એમને બોલાવી લાવવાની આજ્ઞા આપી. આધારાનંદ સ્વામી આવીને શ્રીહરિને દંડવત્‌ કરી પાસે બેઠા ત્યારે મહારાજે કહ્યુંઃ ‘સ્વામી, જુઓ આ ગઢવીએ અમારા વિષે શીઘ્ર કવિત રચ્યું છે.’ સ્વામીએ કવિની રચના વાંચી એના ઉત્તરમાં તત્કાળ શ્રીજીમહારાજના નિવાસસ્થાન અક્ષરઓરડીના સંદર્ભમાં એક કવિત રચી મહારાજને ધર્યું. મહારાજે એ કવિત ગઢવીને વંચાવ્યું. એ વાંચી ગઢવી દિગ્મૂઢ થઈ ગયો. એનો ગર્વ પળવારમાં ઓસરી ગયો. એ કવિતના શબ્દો હતા*-(કાવ્ય પ્રસંગ સંદર્ભ: પ્રસાદાનંદ સ્વામીની વાતો)

‘શ્રીહરિ કો સદન મદન કહું કોટિ લજાવે,

શારદ નારદ શેષ મહેશ કોઉ પાર ન પાવે.

આધારાનંદ સ્વામીએ એકવાર શ્રીજીમહારાજને એકાંતમાં પૂછ્યુંઃ ‘મહારાજ, અક્ષરધામમાં કોટાનુકોટિ સૂર્ય ચંદ્રને પણ ઝાંખા પાડે એવું દેદિપ્યમાન જે આપનું વ્યતિરેક સ્વરૂપ છે તેના દર્શન આપ આપના ભક્તોને કેમ નથી કરાવતા?’ શ્રીજીમહારાજ કહે : ‘જો એવા દર્શન કરાવીએ તો એ સર્વેને સુખકારી ન થાય. તમારે જો એ દર્શનની અભિલાષા હોય તો તમને કરાવીએ.’ આધારાનંદ સ્વામીએ તરત જ હા પાડી. શ્રીજીમહારાજનું દિવ્ય તેજસ્વી સ્વરૂપ નીરખીને સ્વામી તો દિગ્મૂઢ થઈ ગયા. બે મહિના સુધી તો તેઓ રાતદિવસ એ દર્શનના કેફમાં ‘અહો... અહો... આહાહાહા...’ એમ બોલ્યા કરતા.

આધારાનંદ બહુમુખી પ્રતિભાસંપન્ન સંત હતા. તેઓ માત્ર એક શીઘ્ર કવિ જ નહોતા, બહુ સારા લહિયા પણ હતા. મહારાજ સ્વધામ સિધાવ્યા પછી આધારાનંદે પોતાના ગુરુ મુક્તાનંદ સ્વામીની સંમતિ લઈ શ્રીજીમહારાજના લીલા ચરિત્રોનું બહુ જ સૂક્ષ્મ ને માર્મિક વર્ણન કરતો હિન્દી ભાષામાં એક મહાગ્રંથ : ‘શ્રીહરિચરિત્રામૃતસાગર’ રચ્યો. મહાગ્રંથ સતત બાર વરસ સુધી ભારે જહેમત લઈને સ્વામીએ ૯૭૩૮૯ કડીઓની રચના કરી પણ છતાં ય ગ્રંથ અપૂર્ણ રહ્યો. શ્રીહરિના જન્મથી માંડીને અંતર્ધ્યાન સુધીની સમગ્ર લીલાનું સવિસ્તર વર્ણન સ્વામીને એમાં કરવું હતું, પરંતુ સ્વામીના શરીરે સાથ ન આપ્યો એટલે સં. ૧૮૮૨થી સં. ૧૮૮૬ સુધીના પ્રસંગો લખવાના બાકી રહી ગયા. છતાં પણ આ ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાયનો એક મહામૂલો અભ્યાસગ્રંથ છે.

કાવ્યકૃતિ :

શ્રીહરિ કો સદન મદન કહું કોટિ લજાવે,

શારદ નારદ શેષ મહેશ કોઉ પાર ન પાવે.

અક્ષરરૂપ અનૂપ ઓરડી અજબ અનોખી;

પાવે દર્શન દાસ હરિજન સંત સંતોષી.

સિધ્ધાનંદ સત્ય કહત હૈ જ્યાં નહિ માયા આડ હૈ,

શ્રીહરિ કે સદન પર ઝૂક્યો જાંબુકો ઝાડ હૈ.

આસ્વાદ :

સદ્‌ગુરુ આધારાનંદ સ્વામીએ પ્રસ્તુત હિન્દી કવિતમાં ગઢપુરમાં શ્રીજીમહારાજ જ્યાં રહેતા હતા તે અક્ષરઓરડીનો મહિમા પ્રગલ્ભસ્વરે ગાયો છે.

પરાત્પર પરબ્રહ્મ આ લોકમાં મનુષ્ય સ્વરૂપે પ્રગટ થઈને જે સ્થાનમાં વસતા હોય તેનો પણ મહિમા અક્ષરધામ તુલ્ય મનાય છે. તેથી જ કવિ કહે છે કે આ અક્ષરઓરડીની ચૈતસિક ભૂમિકા પર જે શોભા છે તેની સામે કરોડો કામદેવના રૂપ પણ ફીક્કા લાગે છે, અને એના મહિમાને તો શેષ, શારદા, નારદ, મહેશ ઇત્યાદિ મોટા મોટા દેવ-દેવીઓ પણ પાર પામી શકે તેમ નથી.

પરભાવમાં શ્રીજીમહારાજની મૂર્તિના તેજને અક્ષર કહેવામાં આવે છે. અવરભાવમાં જ્યાં શ્રીહરિ લગભગ કાયમી ધોરણે રહેતા હતા તે ઓરડીને કવિ અક્ષરરૂપમાને છે. તે અજબ અને અનોખી કવિને એટલે લાગે છે કે અનંતકોટિ બ્રહ્માંડોના અધિપતિ રાજાધિરાજ પૂર્ણ પુરુષોત્તમનારાયણ મોટા મહેલોમાં રહેવાને બદલે આવી નાનકડી પર્ણકૂટિમાં રહે છે, તેથી નક્કી આ ભૂમિ ભારે પુણ્યશાળી હોવી જોઈએ. સર્વે સંતો અને હરિભક્તો અક્ષરઓરડીમાં મહારાજના દર્શન કરીને પોતાને કૃતાર્થ માનતા હતા.

હવે કવિ અક્ષરઓરડી અને અક્ષરધામ એ બંનેને અભેદ કલ્પીને એક ઐતિહાસિક તથ્યને રૂપક બનાવીને ખૂબ જ માર્મિક વાત કરે છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે અક્ષરઓરડી પાસે એક મોટું જાંબુડાનું ઝાડ હતું અને એની મોટી મોટી ડાળીઓ અક્ષરઓરડી ઉપર ઝૂકેલી રહેતી હતી. આ ઝાડ ક્યારે અને કેવી રીતે ઊગ્યું એનો રસપ્રદ ઇતિહાસ શ્રી સહજાનંદસ્વામી ચરિત્ર (પ્રકાશકઃ વૈદ્ય શાસ્ત્રી કૃષ્ણપ્રસાદ દવે) વાર્તાઃ૨૪૧માં વિગતવાર આપવામાં આવ્યો છે.

આધારાનંદ સ્વામી આ જાંબુના ઝાડને રૂપક બનાવી સ્પષ્ટતા કરે છે કે જાંબુ એ માયાનું પ્રતિક છે. અક્ષરઓરડી ઉપર જાંબુડાની છાયા છે પરંતુ અક્ષરધામ એ માયાથી પર છે. આધ્યાત્મિક જગતમાં માયાથી પરની જે ભૂમિકાઓ છે તેમાં અક્ષરધામ સર્વોચ્ચ સ્થિતિએ આવેલું છે.

લઘુતમ અર્થસભર આ કવિતમાં કવિ આધારાનંદેપોતાની કાવ્યકલાનો કસબ કુશળતાપૂર્વક ઉતારી કમાલ કરી નાંખી છે.