૧૯. મને તમારો નેડો લાગ્યો, સ્વામી સહજાનંદ રે...
એકવાર શ્રીજીમહારાજ અમદાવાદમાં સભા ભરીને બેઠા હતા. એ સમય દરમ્યાન સત્સંગમાં સમાધિ પ્રકરણ ચાલી રહ્યું હતું. મહારાજની સામે જોનારને સહજમાં સમાધિ લાગી જતી. એટલું જ નહીં, મહારાજની ચાખડીનો ચટ ચટઅવાજ સાંભળનારને પણ સમાધિ થતી. કુસંગીઓને આ બધું કૌતુક લાગતું. જગતમાં વાતો થતી : સ્વામિનારાયણ તો જાદુગરા છે. નહીં તો આવા હડહડતા કળિયુગમાં સમાધિ થતી હશે?
અમદાવાદના કેટલાક વિદ્વાન પંડિતો શ્રીજીમહારાજની એ સભામાં આવ્યા. તેમાં કેશવરામ શાસ્ત્રી મુખ્ય હતા. તેમણે મહારાજને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું : ‘સહજાનંદ સ્વામી ! તમારા આ બધા તૂત અમારી પાસે નહીં ચાલે. તમારા કોઈ સાધુને સમાધિ કરાવો એટલે અમે બધા જોઈએ કે આની પાછળ તમારી કઈ કરામત કામ કરે છે?’
ત્યારે સભામાં આગળની હરોળમાં સાધુ ગોપાળદાસજી બેઠા હતા. મહારાજે તેમની સામે જોયું ત્યાં તો ગોપાળદાસજી સમાધિમાં ઊંડા ગરકી ગયા. શ્રીહરિએ પંડિતોને એ સાધુની સમાધિની યર્થાથતા તપાસવા કહ્યું. કેશવરામે ગોપાળદાસની નાડી જોઈ, પરંતુ તેમના શરીરમાં તો પ્રાણનો સંચાર ક્યાંય વર્તાતો નહોતો. એમનું શરીર તો જાણે પથ્થર જેવું શબવત્ થઈ ગયું હતું. શાસ્ત્રીએ સાધુના હાથ પર ચપ્પુથી છેદ કર્યો, અંગારાનો ડામ દીધો અને થાય એટલા વાના કર્યા તો પણ ગોપાળદાસ જાગ્યા નહીં. છેવટે પંડિતો થાક્યા. એમણે મહારાજને વિનંતી કરી : ‘સ્વામીજી, તમે જ આ સાધુને સમાધિમાંથી જાગૃત કરો.’ આ સાંભળીને મહારાજ મર્મમાં હસ્યા. તેમણે ચપટી વગાડી ત્યાં તો ગોપાળદાસ આળસ મરડીને બેઠા થયા. તેમણે ભરી સભામાં પોતાના સમાધિના અનુભવો કહેવા માંડ્યા. શાસ્ત્રી કેશવરામ અને અન્ય પંડિતો તો સાવ અવાચક બની ગયા. છતાં પણ હજી એમના દિલમાં દીવો થયો નહોતો. અનેક પ્રશ્નો એમના મનને મૂંઝવી રહ્યા હતા.
સભામાં શાસ્ત્રી કેશવરામે શ્રીજીમહારાજને પ્રશ્નો પૂછી એમની પરીક્ષા લેવા માંડી.
‘શું તમે ભગવાન છો?’
જવાબમાં મહારાજે ના પાડી.
‘તો ભગવાન બની કેમ ફરો છો?’
‘લોકો મને ભગવાન કહે તેમાં હું શું કરું?’ મહારાજે વ્યંગમાં હસીને કહ્યું.
કેશવરામ કહે, ‘તમે ભગવાન થઈને ફરો છો તો વેદમાંથી હું પ્રશ્નો પૂછું તેના જવાબ આપો.’
મહારાજે મર્મમાં કહ્યું : ‘હું વેદ ભણ્યો નથી, તેથી મને વેદ આવડતા નથી. પણ અહીં સભામાં આગળ આ નાનો છોકરો બેઠો છે તે વેદ ભણેલો છે તેને પૂછો. તે તમારા સર્વે પ્રશ્નોના જવાબ આપશે.’
શાસ્ત્રી આ સાંભળીને ખંધુ હસીને બોલ્યો : ‘આ ગમાર જેવો છોકરો શું જવાબ આપશે? તેના માટે તો કાળો અક્ષર ભેંશ બરાબર લાગે છે.’
એ સાંભળી છોકરો બોલ્યો : ‘શાસ્ત્રી મહારાજ, જે પૂછવું હોય તે જલદી પૂછો.’
પછી તો એ અબૂધ બાળક શાસ્ત્રીના મનના સંકલ્પો ફટાફટ કહેવા લાગ્યો. શાસ્ત્રીએ વેદ વિષે જે કાંઈ પૂછ્યું તેના એ કિશોરે અત્યંત વિગતવાર જવાબો આપ્યા. કેશવરામ આ સાંભળીને દિગ્મૂઢ થઈ ગયો. શ્રીહરિને ચરણવંદના કરીને એ બોલ્યો : ‘મહારાજ, હું જાણું છું કે આ છોકરો તો મૂઢ, ગમાર અને નિરક્ષર છે. એમાં રહીને આપે જ સઘળા જવાબો આપ્યા છે. હવે મને જરાય સંશય નથી કે આપ સ્વયં પરાત્પર પરબ્રહ્મ પરમાત્મા જ છો. પરંતુ...’ આટલું કહીને એ અટકી ગયો. ‘પરંતુ શું શાસ્ત્રીબાવા... જે પૂછવું હોય તે નિઃસંકોચ પૂછો.’ મહારાજે હૈયાધારણ આપતા કહ્યું. ‘પ્રભુ, શરૂઆતમાં મેં આપને પૂછેલું કે આપ ભગવાન છો ત્યારે આપે ના કેમ પાડી હતી?’
મહારાજે હસીને કહ્યું : ‘હું મારે મોંઢે કેવી રીતે કહું કે હું ભગવાન છું. એ તો આત્મશ્લાઘા કહેવાય અને ત્યારે કદાચ મેં હા પાડી હોત તો શું તમે મારી વાત માની લેત?’
શ્રીજીમહારાજનો આવો પ્રગલ્ભ પ્રતાપ જોઈને સભામાં હાજર રહેલા સઘળા પંડિતો વર્તમાન ધરાવીને શ્રીહરિના આશ્રિત થયા.
આ સભામાં જે સાધુ ગોપાળદાસને સમાધિ થઈ હતી તે ગોપાળદાસ સ્વામી વિદ્વાન અને કવિ હતા. તેમણે ‘દાસ ગોપાળ’ના નામે સેંકડો કીર્તનો રચ્યાં છે જે સત્સંગમાંસુપ્રસિદ્ધ છે.
સ્વામી ગોપાળદાસે ‘સૃષ્ટિ વર્ણન’ શિર્ષક હેઠળ પંદર પદમાં અક્ષરધામથી માંડીને જંબુદ્વીપ સુધીની અલગ અલગ આધ્યાત્મિક ભૂમિકાઓનું ખૂબ જ રસપ્રદ વર્ણન કર્યું છે. તે સિવાય તેમણે લગ્નના ધોળ રાગની શૈલીમાં લક્ષ્મીવિવાહના અઢાર પદો પણ રચ્યાં છે.
કાવ્યકૃતિ :
મને તમારો નેડો લાગ્યો, સ્વામી સહજાનંદ રે;
સ્વામી સહજાનંદ રે, છોગાળા ઘનશ્યામ રે. મને. ૧
અધમ ઉધ્ધારણ નામ તમારું, માહાત્મ્ય સૌથી મોટું રે;
હરતાં ફરતાં તમને સમરૂં, બીજું સર્વે ખોટું રે. મને. ૨
કાશી જોયું દ્વારકા જોયું, જોયાં તીરથ ઝાઝાં રે;
એમ કરતાં સત્સંગમાં આવ્યો, મનડે મેલી માયા રે. મને. ૩
શરણાગતને શરણે લેજો, બિરદ તમારું પાળી રે;
વિપદ વખતે વહેલા આવો, શ્રીજી લ્યો સંભાળી રે. મને. ૪
ગઢપુર ગામની કુંજગલીમાં, નિત નિત દર્શન આપે રે;
મોર મુકુટ ને કાને કુંડળ, મોરલી લીધી હાથે રે. મને. ૫
ભવસાગરમાં ભુલો પડ્યો, ત્યારે સગાં સંબંધી લૂંટે રે;
દાસ ગોપાળ કહે દયા કરો તો, ભવનાં બંધન છુટે રે. મને. ૬
આસ્વાદ :
દાસ ગોપાળના ઉપનામે કાવ્ય રચતા કવિ ગોપાળદાસજીના પ્રસ્તુત પદમાં પ્રિયતમ પરમાત્મા પ્રત્યેનો પ્રેમ અને મહિમા પ્રબોધક રીતે પ્રગટ થયા છે.
પોતાના પ્રેમનો નિખાલસ એકરાર કરતા કવિ પોતાના ઇષ્ટદેવ સહજાનંદ સ્વામીને કહે છે : મને તમારી સાથે પ્રેમ થઈ ગયો છે, હે સહજાનંદ સ્વામી, હે ઘનશ્યામ! તમે પતિતપાવન છો, તમારો મહિમા અપરંપાર છે.
કવિએ શ્રીહરિનો મહિમા સાચા હૃદયથી આત્મસાત કર્યો છે તેથી જ તેમને અખંડ પ્રભુનું અનુસંધાન રહે છે, અને આ સઘળો સંસાર તુચ્છ, નાશવંત અને ખોટો જણાય છે.
પોતાના પૂર્વાશ્રમનું સ્મરણ થતાં કવિ કહે છે કે સત્સંગમાં આવ્યા પહેલાં હું પરમાત્માની શોધમાં કાશી, દ્વારકા ઇત્યાદિ તીર્થોમાં ખૂબ ભટક્યો હતો, પરંતુ જ્યારે ભગવાન સ્વામિનારાયણનો ભેટો થયો ત્યારે જ મારા મને સર્વે માયાનો ત્યાગ કરી શ્રીહરિના ચરણોનો દૃઢ આશ્રય કર્યો છે.
હવે દાસ ગોપાળ શ્રીજીમહારાજને આર્તસ્વરે પ્રાર્થતા કહે છે -
શરણાગતને શરણે લેજો, બિરદ તમારું પાળી રે;
વિપદ વખતે વહેલા આવો, શ્રીજી લ્યો સંભાળી રે.
હે નાથ! આપ તો અનંત કોટિ બ્રહ્માંડનાયક છો, રાજાધિરાજ છો! આપનું આવું બિરદ સંભાળીને અમ જેવા શરણાગતના ગુણદોષ જોયા વિના એને તમારા ચરણોમાં આશ્રય આપજો. આધિ, વ્યાધિ અને ઉપાધિ વેળા પ્રભુ! સમયસર આવીને અમારી રક્ષા કરજો.
શ્રીહરિએ ગઢપુરને પોતાનું ઘર માનીને ત્યાં ઘણી લીલાઓ કરી છે. સવાર સાંજ મહારાજ ઘેલા નદીમાં સ્નાન કરવા જવા માટે ગઢપુરની કુંજગલીઓમાંથી પસાર થતા ત્યારે આવતા જતા મુમુક્ષુઓને મહારાજના દુર્લભ દર્શનનો અનાયાસે લાભ મળતો. શ્રીજીમહારાજ સ્વભક્તોના સર્વ મનોરથો પૂર્ણ કરવા માટે ભાવપૂર્વક ભક્તો જે જે વસ્ત્ર આભૂષણો અર્પણ કરતાં તે સ્વીકારી, તે તત્કાળ ધારણ કરી, સર્વેને દર્શન દેતા. શ્રીહરિની આ પ્રકારની જે તે લીલાઓ પોતાના ભક્તોને લાડ લડાવવા અર્થે જ થતી હતી.
કવિ અંતમાં એટલી જ અરજ કરે છે કે હે મહારાજ! જ્યારે જ્યારે પણ હું આ ભવસાગરમાં ભુલો પડ્યો, ત્યારે ત્યારે મારી સાંસારિક વાસનાએ જ મારા કલ્યાણમાં વિઘ્ન ઊભા કર્યા છે. માટે હવે પ્રભુ! આ જન્મે આપ કૃપા કરીને મારું આત્યંતિક કલ્યાણ કરી મારા ભવબંધન સદાય માટે કાપી નાંખશો.
ધોળ રાગમાં દાસ ગોપાળની આ રચના પ્રાસાદિક અને સુગેય છે.