૩. આત્મનિવેદી એકાંતિક ભક્તનાં લક્ષણ
ये त्वम्बरीषवद्भक्ताः स्युरिहात्मनिवेदिनः ।
तैश्य मानसपूजान्तं कार्यमुक्त-क्रमेण वै ।। शि. श्लो. ५५ ।।
અમારા સત્સંગીમાં જે અંબરીષ રાજાની પેઠે આત્મનિવેદી એવા એકાંતિક ઉત્તમ ભક્ત હોય તેમણે પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યંત સર્વે ક્રિયા કરવી. (૫૫).
હવે આત્મનિવેદી એકાંતિક ભક્ત તે કેવા હોય તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્ય સહિત ભક્તિ એ ચારેય જે ભક્તજનોએ સિદ્ધ કર્યાં હોય ને પંચવિષયભોગની તથા ઐશ્વર્યની વાસનાનું જીવાત્મામાંથી સમૂળગું ઉન્મૂલન કર્યું હોય ને જેમની મનોવૃત્તિ શ્રીજીસ્વરૂપમાં જ અખંડ રહેતી હોય ને પોતાને અક્ષરધામરૂપ અથવા પુરુષોત્તમરૂપ માનીને પુરુષોત્તમ શ્રીજીમહારાજનું ધ્યાન - ભજન - ભક્તિ કરતા હોય તે એકાંતિક ભક્ત કહેવાય છે. એવા એકાંતિક ભક્ત અંબરીષ રાજાનું વર્તન શ્રીમદ્ ભાગવત સ્કંધ ૯, અ. ૪માં કહ્યું છે :-
अम्बरीषो महाभागः सप्तद्वीपवतीं महीम् ।
अव्ययां च श्रियं लब्धा विभवं चातुलं भुवि ! ।। १५ ।।
मेनेऽति दुर्लभं पुंसां सर्वं तत्स्वप्न-संस्तुतम् ।
विद्वान् विभवनिर्वाणं तमो विशति यत्पुमान् ।। १६ ।।
वासुदेवे भगवति तद्भक्तेषु च साधुषु ।
प्राप्तो भावं परं विश्वं येनेदं लोष्टवत् स्मृतम् ।। १७ ।।
આ પૃથ્વીમાં મહા ભાગ્યશાળી અંબરીષ રાજા તે સપ્તદ્વીપવાળી પૃથ્વીને તથા અન્ય પુરુષોને દુર્લભ ને અતુલ કહેતાં અમાપ એવા વૈભવને પ્રાપ્ત કરીને તે સર્વે માયિક સુખનો સ્વપ્ન સમાન માનતા હતા અને વળી વૈભવનું નાશવંતપણું ને જે વૈભવ શાસ્ત્રવિધિ વિના ભોગવવાથી પુરુષ નરકચોરાસીને પામે છે, એમ જાણતા હતા અને વાસુદેવ ભગવાન ને તેમના એકાંતિક ભક્ત એવા સાધુ પુરુષમાં પરમભાવ પ્રાપ્ત કરતા હતા ને આ જગતને લોષ્ટ માફક (કચરા જેવું) માનતા હતા (૧૫-૧૬-૧૭). તે જ અધ્યાયમાં કહ્યું છે જે :-
स वै मनः कृष्णपदारविन्दयो-र्वचांसि वैकुंठ-गुणानुवर्णने ।
करौ हरे-र्मन्दिरमार्जनादिषु श्रुतिं चकाराच्युतसत्कथोदये ।। १८ ।।
मुकुंदलिंगालय-दर्शने द्दशौ तद्भृत्यगात्र-स्पर्शेऽङ्ग-संगम् ।
घ्राणं च तत्पादसरोज-सौरभे श्रीमत्तुलस्या रसनां तदर्पिते ।। १९ ।।
पादौ हरेः क्षेत्रपदानुसर्पणे शिरो हृषीकेश-पदाभिवंदने ।
कामं च दास्येन तु कामकाम्यया यथोत्तमश्लोक-जनाश्रया रतिः ।। २० ।।
અને તે અંબરીષ રાજા પોતાનું મન કૃષ્ણના ચરણારવિંદમાં જ રાખતા હતા અને વાણીનો ઉપયોગ શ્રીહરિના ગુણ ગાવામાં જ કરતા હતા ને પ્રતિમા સ્વરૂપ ભગવાનને સ્નાન કરાવવું, શણગાર કરવા, નૈવેદ્ય કરવું, મંદિર સાફ કરવું વગેરે સેવામાં હાથને રાખતા હતા, અર્થાત્ પોતાના હાથે જ કરતા હતા (૧૮). અને નેત્રને ‘મુકુંદલિંગાલય - દર્શને’ કહેતાં ભગવાનને નિવાસસ્થાનરૂપ એવા સત્પુરુષનાં દર્શનમાં જ જોડતા હતા. ‘અંગસંગમ’ કહેતાં સ્પર્શને કરનારી ત્વચાઇંદ્રિયનો ઉપયોગ ભગવાનના ભક્તના ગાત્રના સ્પર્શમાં કરતા હતા. ઘ્રાણ ઇંદ્રિયથી શ્રીહરિજીના ચરણનો, તુલસીનો ને પ્રસાદીના અત્તર, ચંદન, પુષ્પ તેનો જ સુગંધ લેતા હતા અને રસના ઇંદ્રિયથી ભગવાનને અર્પણ કરેલ ભોજનને જ લેતા હતા (૧૯). અને પગને કૃષ્ણના મંદિર પ્રત્યે ગતિમાન કરતા હતા, અર્થાત્ ચાલીને જતા હતા. મસ્તકને ભગવાનને અભિવંદનમાં અર્પણ કરતા હતા ને ‘કામં ચ દાસ્યેન’ કામ જે અતિશય ઉત્તમ વસ્ત્ર, આભૂષણ ને ભોજનાદિક ભોગને મારા સ્વામીની (પ્રભુની) પ્રસાદી છે એમ જાણીને ભોગવતા હતા અને પોતાની ધર્મપત્ની સાથે વિષયવ્યવહાર પણ ભગવાનની આજ્ઞાનુસાર જ કરતા હતા પણ તેમને વિષયની આસક્તિ હતી નહિ અને જેમ ભગવાનમાં ને સંતમાં પ્રીતિ થાય તેમ જ વર્તતા હતા (૨૦). વળી તે જ અધ્યાયમાં :-
स इत्थं भक्तियोगेन तपोयुक्तेन पार्थिवः ।
स्वधर्मेण हरिं प्रीणन् संगान् सर्वाञ्छनै-र्जहौ ।। २६ ।।
गृहेषु दारेषु सुतेषु बंधुषु द्विजोत्तम-स्यंदन-वाजि-पत्तिषु ।
अक्षय्य-रत्नाभरणायुधादिष्वनंतकोशेष्वकरोद सन्मतिं ।। २७ ।।
હે પાર્થિવ ! શુકદેવજી પરીક્ષિત રાજાને કહે છે : હે રાજન્ ! તે અંબરીષ રાજા ભગવાનને વિષે ભક્તિયોગથી, તપથી ને સ્વધર્મથી શ્રીહરિને પ્રસન્ન કરતા થકા ધીમે ધીમે સર્વ દેહાદિક માયિક પદાર્થમાંથી રાગ તેને ત્યાગ કરી દેતા હતા, અર્થાત્ રાગ રહિત નિર્વાસનિક થયા (૨૬). અને તે રાજા પોતાનું ઘર જે ભવ્ય રાજભવન ને પોતાની રાણીઓ, કુંવરો ને બંધુજનો તે સર્વ ‘અસત્’ કહેતાં એ નાશવંત છે ને તુચ્છ છે; એ મારા નથી; હું તેનો નથી; હું તો એથી પૃથક્ બ્રહ્મરૂપ પરબ્રહ્મનો દાસ છું એમ સમજતા હતા. તેમ જ મોટા હસ્તિ, ઉત્તમ રથ, વિમાન, અશ્વ ને મહા શૂરવીર વિજયકારી એવા પુરુષોની સેના, અપાર રત્નના આભૂષણ ને (અનેકનો સંહાર કરે એવા યંત્રવાળા) આયુધ તેમાં તથા સુવર્ણાદિક દ્રવ્યથી ભરપૂર ખજીના એ સર્વમાં અસત્ મતિ કરતા હતા (૨૭). આવા હોય તે આત્મનિવેદી તથા એકાંતિક ભક્ત કહેવાય.
શ્રીહરિની સાથે આવેલા અનાદિકમુક્ત તથા પરમ એકાંતિક મુક્ત તેઓ બીજા ભક્તની શિક્ષાને અર્થે એકાંતિક ભક્તની માફક વર્તન રાખતા; એવા ઉત્તમરાજા આદિ મુક્તના ગુણ તથા વર્તન તે સત્સંગિભૂષણ-અંશ ૨ માં વર્ણવ્યા છે તેનું દિક્ દર્શન કરીએ :
मृदुवाग् निपुणः शान्तः सुशीलश्चानसूयकः ।
उत्तमश्लोक-पादाब्जैकाश्रयः सततं बुधः ।। १ ।।
हरिभक्तमाहात्म्यज्ञः पुण्यकीर्तिः सदर्चकः ।
श्रीकृष्णे सर्वदा सोऽभूत् प्रह्लाद इव भक्तिमान् ।। २ ।।
ઉત્તમરાજા કેવા ગુણવાળા હતા તો મધુરવાણીવાળા, (પરાવાણીનું જ ઉચ્ચારણ કરનારા) સર્વદેશી, જ્ઞાની, અસૂયાદિ દોષે રહિત ને ઉત્તમ સ્વભાવવાળા હતા. શ્રીહરિના દિવ્ય સુખના અનુભવી હતા; માટે શાંત અને શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુના ચરણકમલના જ દૃઢ આશ્રયવાળા હતા ને શ્રીહરિને સર્વોપરી જાણતા હતા (૧). અને શ્રીજીના ભક્તના માહાત્મ્યને જાણતા હતા. પુણ્ય કીર્તિવાળા એવા અને ‘શ્રીકૃષ્ણ’ કહેતાં અનાદિ શ્રીકૃષ્ણનામક સ્વેષ્ટદેવ શ્રી હરિકૃષ્ણમાં પ્રહ્લાદજીની માફક ભક્તિવાળા અને સર્વ ભક્તને વિષે દાસભાવવાળા, એવા ગુણે કરીને સંપૂર્ણ એ ઉત્તમરાજા હતા. (૨)
उत्तमस्तूत्तमो नूनं पितुरप्यधिको गुणैः ।
राजानुपम एवास्ति भक्त आत्मनिवेदिनी ।। ३ ।।
उत्तमोऽपि स्वयं तस्य निर्मानो दासवत् सदा ।
यथावकाशं सकला-मपि सेवां चकार च ।। ४ ।।
શ્રીજીમહારાજે કહ્યું છે જે, ‘આ ઉત્તમરાજા તો સકલ ભક્તમાં ઉત્તમ જ છે અને ગુણે કરીને તો તેમના પિતા થકી પણ અધિક છે. રાજા છે તો પણ આત્મનિવેદી ને અનુપમેય અમારા ભક્ત છે’ (૩). અને ઉત્તમરાજા પણ પોતે દાસની પેઠે માન મેલીને અવકાશ પ્રમાણે શ્રીજીની સર્વ સેવા સદાય કરતા હતા (૪). તેમ જ સત્સંગિજીવન - પ્ર. ૩, અ. ૧માં :-
नृपासनस्थोऽपि स दास्यमेव स्वयं हरेश्चास्य सतां मुदैव ।
प्रीत्या चकारानुदिनं बिनीतः कृष्णाङ्ध्रीसात् कल्पितराज्यभारः ।। ४ ।।
ઉત્તમરાજા રાજ્યાસને અભિષેક પામ્યા છે તો પણ રાજ્યકાર્યનો ભાર શ્રીહરિને જ જેમણે આધિન કર્યો છે એવા, ને વિનયે યુક્ત એવા તે રાજા નિત્યે પ્રેમથી શ્રીજીમહારાજ ને તેમના સંતનું દાસપણું જ કરતા હતા (૪). તેમ જ તે જ અધ્યાયમાં :-
स्नेहोऽभवद्भूरितरो हरेश्च तस्मिन्नृपे भक्तिमति क्षितीश ! ।
गेहं तदीयं तु स मन्यते स्म स्वकीयमेवेति च भक्तिवश्यः ।। ३० ।।
સુવ્રતઋષિ કહે છે : હે ક્ષિતીશ ! અનાદિમુક્ત ને એકાંતિક ભક્તના વર્તનવાળા ને શ્રીહરિમાં માહાત્મ્યે સહિત ભક્તિવાળા એવા ઉત્તમરાજાને વિષે શ્રી સહજાનંદ સ્વામીને પણ નિરતિશય પ્રેમ પ્રગટતો હતો અને તે રાજાની પ્રેમભક્તિને વશ એવા શ્રીહરિ પણ એ ઉત્તમ રાજાના મહેલને પોતાનો જ મહેલ માનતા હતા (૩૦).
અને તેવી જ રીતે ભૂજના રાજાના હજૂરી ને માન્ય એવા જેઠી ગંગારામભાઈ તથા તે રાજાના અમાત્ય ગજ્જર સુંદરજીભાઈ ને હીરજીભાઈ પણ શ્રી સ્વામિનારાયણના પરમ એકાંતિક મુક્ત હતા તો પણ તેમનું વર્તન આત્મનિવેદી ને એકાંતિક ભક્તના જેવું જ સત્સંગિભૂષણ - અં. ૧માં કહ્યું છે :-
यदात्माऽयं च मे पुत्रो वित्तं स्त्री वाहनं गृहम् ।
ए तदाद्यस्ति यत्तन्मे प्रेष्टं किमर्पितं तव ।। १ ।।
ततोऽन्यत् किं शिरोऽपीदं कृतो मे यद्दिने मया ।
सत्संगोऽस्ति तदारभ्य तवार्थमेव कल्पितम् ।। २ ।।
જેઠી ગંગારામભાઈ શ્રીજીમહારાજ પ્રત્યે કહે છે : હે સ્વામિન ! જે દિવસથી મેં તમારો સત્સંગ કર્યો તે દિવસથી આરંભીને મેં આ મારો આત્મા (દેહ) પુત્ર, સ્ત્રી, દ્રવ્ય, વાહન ને ઘર એ આદિ જે કાંઈ પ્રિય છે તે સકલ તમને અર્પણ કર્યું છે, તેથી બીજું શું કહું ! આ મારું મસ્તક પણ તમારા સારું જ કલ્પ્યું છે (૧-૨).
અનાદિમુક્ત ને એકાંતિક ભક્તની માફક વર્તનવાળા ઉત્તમરાજા આદિ મુક્તને શ્રીહરિમાં ગાઢ પ્રીતિ ને સ્વરૂપનિષ્ઠાનું દર્શન સત્સંગિજીવન - પ્ર. ૨, અ. ૩૨માં કહ્યું છે તે જુઓ :-
त्वत् प्राणनत्र नो हित्वा क्व यासि करुणाम्बुधे ! ।
गते त्वयि शरीरेषु न स्थास्यन्त्यसवो हि नः ।। ३४ ।।
गन्तव्यं चेदवश्यं ते तर्ह्यस्मानात्मना सह ।
नेतुमर्हषि नाम ! त्वं सौवीरानत्र वा वस ।। ३५ ।।
કોઈક સમયે શ્રીજીમહારાજ બીજા ભક્તના મનોરથ પૂરા કરવા ગઢપુરથી તે ભક્તના ગામ પ્રત્યે જવા તૈયાર થયા તે વખતે ઉત્તમરાજા આદિ શ્રીજીને કહે છે : હે કરુણામ્બુધે ! તમે જ અમારા જીવનપ્રાણ છો તે અમને મેલીને કયા સ્થળે જશો ! તમે જશો તો અમારા શરીરમાં પ્રાણ નહિ રહે (૩૪). માટે હે નાથ ! તમારે અવશ્ય જવું જોઈએ એમ હોય તો અમને તમારી સાથે સૌવીર દેશમાં લઈ જાઓ અથવા તો તમે કૃપા કરીને આ દુર્ગપુરમાં જ નિવાસ કરો. (૩૫)
सोढुं शक्ता वयं नैव विरहं तव सत्पते ! ।
साकमेवागमिष्याम-स्त्वयातो नात्र संशयः ।। ३६ ।।
राजस्य चिन्ता नास्त्येव तत्तु ते यत्समर्पितम् ।
ब्रह्मांडपोषकस्त्वं हि सर्वत्रान्नं तु दास्यसि ।। ३७ ।।
હે સત્પતે ! અમે તમારો વિયોગ સહન કરવા સમર્થ નથી, માટે તમારી સાથે જ આવશું એમાં સંશય નથી. અને જો આપશ્રીનું એમ કહેવું હોય જે તમારું રાજ્ય કોણ સાચવશે તો તે રાજ્યની ચિંતા અમારે નથી કેમ જે રાજ્ય તો તમને જ અર્પણ કર્યું છે. માટે અમે તમારી સાથે આવશું અને જો આપનું એમ કહેવું હોય જે રાજ્ય સાચવશો નહિ, તો તમારા સંબંધીનું ને તમારું ભરણપોષણ શાથી કરશો ? તો એના કર્તા તો આપ જ છો. કેમ જે સર્વ બ્રહ્માંડમાં સર્વ પ્રાણીઓના પોષણકર્તા તમે જ છો તો અમને સર્વત્ર અન્નાદિકથી પોષણ કરો તેમાં કહેવાનું શું છે ! (૩૬-૩૭). આવા હોય તે જ આત્મનિવેદી તથા એકાંતિક ભક્ત કહેવાય.
'ભાગવત ધર્મ' અથવા 'એકાંતિક ધર્મ' એટલે શું?
"ભગવાનના સંબંધે સહિત જે ધર્મ છે, એ ધર્મને જ ભાગવત ધર્મ કહે છે તથા એકાંતિક ધર્મ કહે છે; અને તે ધર્મ ને ભક્તિ તો બે નથી - એક જ છે. અને જે ધર્મ સ્થાપનને અર્થે ભગવાનના અવતાર થાય છે તે પણ એ જ ધર્મના સ્થાપનને અર્થે થાય છે; અને જે 'કેવળ' વર્ણાશ્રમ ધર્મ છે તે તો ભાગવત ધર્મથકી અતિશય ગૌણ છે ને તેનું ફળ પણ નાશવંત છે. અને ભાગવત ધર્મે કરીને તો જીવ ભગવાનની માયાને તરીને પુરુષોત્તમના ધામને પામે છે." (વ. ગઢડા અંત્ય પ્ર. ૨૧)