૪. ધાતુની પ્રતિમા પૂજા
शैली वा धातुजा मूर्तिः शालग्रामोऽर्च्य एव तैः ।
द्रव्यै-र्यथाप्तै कृष्णस्य जप्योऽथाष्टाक्षरो मनुः ।। शि. श्लो. ५६ ।।
છપૈયાપુરમાં ભક્તિધર્મ થકી સ્વેચ્છાથી જ મનુષ્યાકૃતિ ધારણ કરી છે તો પણ જેવા પોતાના પ્રકાશરૂપ અક્ષરધામમાં દિવ્યાકૃતિ છે એવા જ દિવ્ય સ્વરૂપ છે અને ભક્તજને અર્પણ કરેલ જે ખાનપાનાદિક પદાર્થ તેને અંગીકાર કરીને તે ભક્તને પોતાના દિવ્ય આનંદને પ્રાપ્ત કરાવતા એવા, અને પોતાની પ્રતિમા પૂજા કરવાનો વિધિ તેના પ્રવર્તક શ્રી માર્કંડેયઋષિએ જેમના હરિ, કૃષ્ણ, હરિકૃષ્ણ ને નીલકંઠ આદિ નામ પ્રખ્યાત કર્યાં છે એવા, અને વળી રામકૃષ્ણાદિક સર્વ અવતારોને સુખ, સામર્થ્ય ને પ્રકાશના આપનારા અને પરમ એકાંતિક ને અનાદિમુક્તના સ્વામી, સુખદાતા ને નિયંતા પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામીએ જ પોતાને હરિકૃષ્ણ નામે કહ્યા છે. માટે આત્મનિવેદી કહેતાં એકાંતિક ભક્ત તેમણે પાષાણની અથવા ધાતુની જે ‘કૃષ્ણસ્ય’ કહેતાં કૃષ્ણની એટલે હરિકૃષ્ણની મૂર્તિપ્રતિમા અથવા શાલગ્રામ તેમની પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયાં જે ચંદન, પુષ્પ, તુલસીપત્ર, ફળાદિક વસ્તુ તેણે કરીને કરવી.
અને જે પાષાણની પ્રતિમા પૂજવા માટે કરાવવી તે ઉત્તમ આરસ - પાષાણની કરાવવી. અને ધાતુની પ્રતિમા તે સોનું, રૂપું, તાંબું ને પિત્તળ આ ચાર ધાતુની જ કરાવવી કેમ જે પ્રતિમામાં લોહાદિક અન્ય ધાતુનો નિષેધ છે અને જે ધાતુની મૂર્તિ પોતાની પાસે અથવા ઘેર પૂજવા રાખવાની હોય તે મૂર્તિનું માપ ‘ભવિષ્યોત્તર’ પુરાણમાં કહ્યું છે :-
अंगुष्टपर्वादारभ्य वितस्तिं यावदेव तु ।
गृहेषु प्रतिमा कार्या नाधिका शस्यते बुधैः ।। १ ।।
‘બુધૈઃ’ કહેતાં દિવ્યભાવ, મનુષ્યભાવ ને પ્રતિમાભાવ તેના અનુભવી સત્પુરુષોએ ‘શસ્યતે’ એટલે નિર્ણય કર્યો છે જે, પોતાના ઘેર તથા પોતાની પૂજામાં જે ધાતુની મૂર્તિ રાખવી હોય તે મૂર્તિ, અંગુષ્ટના પર્વથી આરંભીને ટચલી આંગળી સુધી વેંત કહેવાય છે, તે વેંતની જ રાખવી પણ તેથી મોટી ન રાખવી (૧). અને વળી વસિષ્ઠઋષિએ કહ્યું છે કે :-
नर्च्या गृहेऽश्मजामूर्ति-श्चतुरंगूलतोऽधिका ।
न वितस्त्यधिका धातु-सम्भवा श्रेय इच्छता ।। २ ।।
પોતાના ઘરમાં જે પાષાણની મૂર્તિ પૂજવાની હોય તે ચાર આંગળની જ રાખવી પણ તેથી મોટી ન જ રાખવી અને ધાતુ મૂર્તિ પણ ઘેર તથા પૂજામાં વેંતથી મોટી ન રાખવી; વેંતની જ રાખવી (૨).
અને શિખરબંધ તથા મોટા મંદિરમાં શ્રીજીમહારાજ મનુષ્યરૂપે જેવડા હતા તેવડી મૂર્તિ રાખવી અથવા નાની રાખવી પણ તેથી મોટી ન રાખવી. અને ધાતુ ને પાષાણની પ્રતિમાને પૂજવાનો અધિકારી કોને છે તેનો નિર્ણય સત્સંગિજીવન - પ્ર. ૪, અ. ૫૨માં દીક્ષાવિધિમાં કહ્યો છે કે :-
ધર્મવંશી ધર્મધુરંધર આચાર્ય મહારાજશ્રી થકી ‘કૃષ્ણ’ કહેતાં હરિકૃષ્ણ શ્રી સ્વામિનારાયણની દીક્ષા પ્રાપ્ત કરીને તથા સદગુરુ - સંતને સેવીને એકાંતિક ને આત્મનિવેદી ભક્ત થયા હોય એવા જે ત્રણ વર્ણના ભક્તજનો તથા ચાર આશ્રમના કહેતાં ધર્મનિષ્ઠ ત્યાગી સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ ને સાંખ્યયોગી વનિતા તથા પુરુષોએ પાષાણ ને ધાતુની શ્રી હરિકૃષ્ણ મહારાજની ને તેમના અવતાર સ્વરૂપની મૂર્તિ પૂજવી, એટલે તેમને ધાતુ - પાષાણની પ્રતિમા પૂજવાનો અધિકાર છે. વળી જે મૂર્તિની પ્રતિષ્ઠા ધર્મવંશી આચાર્ય મહારાજશ્રીએ અથવા તેમની આજ્ઞાથી સંતોએ કરી હોય તે મૂર્તિ પૂજવી, એમ દીક્ષાવિધિમાં એ જ અધ્યાયમાં કહ્યું છે :-
आचार्येण प्रतिष्ठाप्य या दत्ता प्रतिमा भवेत् ।
लेख्या धात्वादिजा वापि सैव पूज्या न चेतरा ।। ४ ।।
શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે પ્રતિમા ધાતુ, પાષાણની કે ચિત્રની હોય, તેની પ્રતિષ્ઠા ધર્મવંશી આચાર્ય મહારાજશ્રીએ અથવા તેમની આજ્ઞાથી સંત-હરિભક્તોએ કરી હોય તે મૂર્તિ પૂજવી અને બીજી તો નમસ્કાર - દર્શન કરવા યોગ્ય છે પણ પૂજવા યોગ્ય નથી (૪). અને વળી શ્રીજીમહારાજની પ્રતિમા સુશોભિત કરાવવી અને પ્રતિષ્ઠાવિધિ કરાવીને તે મૂર્તિ પૂજવી એમ અવતાર માહાત્મ્ય(શિક્ષાપત્રીભાષ્યના ૫૬મા શ્ર્લોકની ટીકામાં) માં કહ્યું છે :-
सुरुपां प्रतिमां विष्णोः प्रसन्नवदनेक्षणाम् ।
कृत्वाऽऽत्मनः प्रीतिकरीं सुवर्णरजतादिभिः ।।
तस्यां ब्रह्म समारोप्य मनसा तन्मयो भवेत् ।। ५ ।।
तामर्चयेत्तां प्रणमेत्तां यजेत्तां विचिन्तयेत् ।
विशत्यपास्तदोषस्तु तामेव ब्रह्मरूपिणीम् ।। ६ ।।
‘વિષ્ણોઃ’ કહેતાં વ્યાપવા સમર્થ અર્થાત્ મૂર્તિમાન જે અક્ષરબ્રહ્મ તેને આરંભીને જીવ પર્યંત, સર્વમાં અંતર્યામી શક્તિએ પ્રવેશ કરીને રહ્યા છે એવા શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રતિમા પ્રસન્ન મુખ-નેત્રથી ભક્તના મનને આકર્ષણ કરતી ને દર્શન કરતાં જ ભક્તને પ્રેમ પ્રગટે એવી અંગેઅંગમાં રૂપથી ભરેલી ને સુવર્ણ, રૂપું, તામ્ર ને પિત્તળ એ ચાર ધાતુથી જ બનાવેલી હોય તેની પ્રતિષ્ઠાવિધિ કરીને તેમાં બ્રહ્મ જે દિવ્યસ્વરૂપ શ્રીજીમહારાજ તેમનું આવાહન કરવું, પછી તે ભક્ત તે મૂર્તિને ચંદન-પુષ્પાદિક ષોડશોપચારે કરીને પૂજા કરે, અષ્ટાંગ પ્રણામ કરે, તે મૂર્તિની ભક્તિ - ઉપાસના કરે અને મને કરીને તે મૂર્તિનું ધ્યાન કરે. એમ કરવાથી ‘અપાસ્ત દોષઃ’ કહેતાં વિષયની વાસના ને કામ - લોભાદિક દોષ નાશ પામે છે ત્યારે તે ભક્ત ‘તન્મય’ કહેતાં મૂર્તિરૂપ થાય છે (૫). પછી શ્રીહરિની કૃપાથી ‘તામેવ બ્રહ્મરૂપિણીમ્’ તે જ સાકાર દિવ્ય શ્રીજીની મૂર્તિમાં ‘વિશતિ’ કહેતાં પ્રવેશ કરે છે એટલે શ્રીહરિ પોતે કૃપા કરીને તે ભક્તને પોતાના સ્વરૂપમાં રાખે છે, અર્થાત્ તે ભક્તને પોતાની સાથે એકાત્મપણાને પમાડે છે (૬).
મૂર્તિમાં દિવ્યભાવ રાખવા વિષે
सर्वातिशायि षाड्गुण्यं संस्थितं मंत्र बिम्बयोः ।
तेनाऽर्च्यो भगवान् साक्षान्नोपचारधिया क्वचित् ।। શિ. ભા. ૭ ।।
‘સ્વામિનારાયણ’ નામમંત્ર અથવા અષ્ટાક્ષરાદિક મહામંત્ર છે તેમાં અને શ્રીજીમહારાજની પ્રતિમામાં સર્વથી અધિક એવું છ ગુણવાળું ઐશ્વર્ય રહ્યું છે તેવા માહાત્મ્યજ્ઞાનથી મંત્ર જપવો ને મૂર્તિનું પૂજન કરવું. (૭)
શ્રીજીમહારાજ પોતાના ભક્તોને કહે છે : મારા ભક્તે આ પ્રતિમારૂપે મારા સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત્ વિરાજમાન છે એવા માહાત્મ્યજ્ઞાને કરીને અને સ્નેહથી રોમાંચિત ને ગદગદ કંઠ થઈને મૂર્તિની પૂજા કરવી પણ પ્રતિમાભાવ આવવા દેવો નહિ એમ સત્સંગિભૂષણ - અં. ૧, અ. ૩૯માં કહ્યું છે :-
मयि मत्प्रतिमायां चाप्यल्पं भेदं करोति यः ।
तस्य भेद्दृशः कालो मच्छक्ति कुरुते भयम् ।। ८ ।।
શ્રીજીમહારાજ કહે છે : મારા પ્રગટ મનુષ્ય સ્વરૂપમાં ને મારી પ્રતિમા સ્વરૂપમાં અલ્પ પણ ભેદ ન સમજવો અને જે ભેદ સમજે છે તે ભેદદૃષ્ટિવાળા ભક્તને મારી શક્તિરૂપ કાળથી ભય થાય છે એટલે ફરીથી જન્મ લેવો પડે છે અને જે ભક્ત મનુષ્યરૂપ મૂર્તિ ને પ્રતિમા ને ધામમાં મૂર્તિ છે એ ત્રણ એક જ છે એમ સમજે છે ને મર્યાદા રાખે છે, તે કાળ-માયાથી મુક્ત થાય છે (૮). એ હેતુ માટે પ્ર. વ. ૬૮માં ‘તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય ત્યારે જેમ પ્રત્યક્ષ ભગવાન વિરાજતા હોય ને તેની મર્યાદા રાખે તેમ તે મૂર્તિની પણ રાખવી જોઈએ. અને તેમ જ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે તે સંતની પણ મર્યાદા રાખવી જોઈએ.’ તે હરિવાક્યસુધાસિંધુ - તરંગ ૬૮માં પણ કહ્યું છે જે :-
अतः साक्षाद्भगवतो मर्यादा पाल्यते यथा ।
तथैव पालनीयाऽत्र तस्या अपि च पूजकैः ।। ११ ।।
ભક્તજન જે પ્રકારે મનુષ્યરૂપ પ્રત્યક્ષ ભગવાનની મર્યાદાપાલન કરે છે, તે જ પ્રકારે આ લોકમાં તે ભગવાનની મૂર્તિની પૂજા કરનારા ભક્તે મૂર્તિની મર્યાદા રાખવી (૧૧).
सतां च हृदये साक्षाद्धरिराविश्य वर्तते ।
तेषामपि ततः पाल्या मर्यादा तादृशी सदा ।। १२ ।।
પ્રત્યક્ષ શ્રીહરિ છે તે સંતના હૃદયમાં પ્રવેશ કરીને સદાય રહ્યા છે માટે સંતની પણ મર્યાદા મૂર્તિના જેવી જ રાખવી (૧૨).
અને મૂર્તિની પૂજા પણ વિધિપૂર્વક કરવી. તે સત્સંગિજીવન - પ્ર. ૪ના દીક્ષાવિધિમાં કહ્યું છે જે :
उपचारै-र्यथा लब्धै – र्विशुद्धै-र्प्रतिमा हरेः ।
स्वाधिकारानुसारैश्च पूज्या मंत्रै-र्यथा विधि ।। १३ ।।
દેશકાળને અનુસારે પ્રાપ્ત થયેલાં જે શુદ્ધ એવાં ચંદન, પુષ્પ, ફળાદિક પૂજાના ઉપચાર તેણે કરીને અધિકાર પ્રમાણે પ્રાપ્ત કરેલા (‘હરિચરિત્રામૃત’ નામે શાસ્ત્રમાં કહેલા) મંત્રો તેના ઉચ્ચારણપૂર્વક વિધિ પ્રમાણે શ્રીજીમહારાજની પૂજા કરવી (૧૧). હવે તે વિધિ કહીએ છીએ :
પ્રથમ પોતાને બ્રહ્મરૂપ માનીને શ્રીજીનું ધ્યાન કરવું. પછી માનસી પૂજા કરવી. પછી શ્રીહરિને જાગ્રત કરવાના મંત્રનું ઉચ્ચારણ ઘંટનાદ (ઘંટારવ) સાથે કરવું ને જગાડીને આસન ઉપર પધરાવેલા ચલપ્રતિમા કહેતાં ચિત્રપ્રતિમામાં મંત્રોચ્ચારણપૂર્વક આવાહન કરવું અને અચલ પ્રતિમા કહેતાં મંદિરમાં સ્થાપન કરેલ અથવા પૂજવા રાખેલ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં શ્રીજીની ભાવના કરવી. પછી નામમંત્ર(નામમંત્ર પ્રકરણ બેમાં જણાવેલા છે) બોલીને તેમાં કહેલા ચંદન-પુષ્પ વગેરે ઉપચાર ધાતુપ્રતિમાને પ્રત્યક્ષ અર્પણ કરવા અને ચિત્રપ્રતિમાને તો માનસિક ઉપચાર અર્પણ કરવાના કહેલ છે.
હવે પુનઃ અનુક્રમ લખીએ છીએ : પ્રથમ ભક્તે બ્રહ્મરૂપ માનીને ધ્યાન કરવું. પછી માનસી પૂજા કરવી. પછી ઘંટનાદ કરવો. ‘ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ’ વગેરે બોલીને આસન ઉપર પધરાવેલ ચલ પ્રતિમામાં શ્રીજીનું આવાહન કરવું ને અચલ પ્રતિમામાં શ્રીહરિની ભાવના કરવી. પછી શ્રી હરિકૃષ્ણ મહારાજને ચરણશુદ્ધિ કરવા જળપાત્ર તે રૂપ ‘પાદ્ય’ ને હસ્તશુદ્ધિને અર્થે જળપાત્ર તે રૂપ ‘અર્ઘ્ય’ અને દંતધાવન ને મૂખમાર્જનને અર્થે જળ તે રૂપ ‘આચમન’ તે શ્રીહરિને અર્પણ કરવાં. પછી પ્રતિમા સ્વરૂપ પ્રભુજીને સ્નાન પાત્રમાં પધરાવીને શુદ્ધોદકથી મળાપકર્ષ નામે સ્નાન કરાવવું. પછી શ્રીજીની ચંદન-તુલસીપત્રથી પૂજા કરવી અને અભિષેક સ્નાન તે જલધારાથી કરાવવું. પછી સર્વે અંગેઅંગમાં માર્જન કરીને વસ્ત્ર પહેરાવવાં ને યજ્ઞોપવિત તથા બેવડી તુલસીની કંઠી પહેરાવવી. પછી દિવ્ય વિવિધ વસ્ત્ર પહેરાવીને દિવ્ય આભૂષણ પહેરાવવાં. પછી ધૂપ, દીપ, નૈવેદ્ય સંકલ્પથી અથવા પ્રત્યક્ષ ધરાવવાં. તદનંતર ‘અપોશન’ કહેતાં જળપાન, તાંબુલ, ફળ, દક્ષિણા, આરતી જે નિરાજન, પુષ્પાંજલિ વગેરે અનુક્રમથી મંત્ર બોલીને જ કરવાં. પછી ‘સ્વામિનારાયણ’ એ ષડક્ષર નામમંત્રનો જપ કરવો અથવા અષ્ટાક્ષર૧ મંત્રનો જપ કરવો. ત્યાર પછી ભગવાનને પ્રદક્ષિણા, દંડવત્ સ્તુતિ-પ્રાર્થના, નમસ્કાર વગેરે કરીને પછી પૂજાની સમાપ્તિ કરવી.
વિશેષવિધિ અખંડાનંદવર્ણી રચિત ‘શ્રીહરિ ચારિત્ર્ય ભક્તિશાસ્ત્ર’માં મહાપૂજાનો અધ્યાય છે તેમાંથી જાણવી. સ્થિર પ્રતિમા ને શાલગ્રામ તેમ જ ધાતુની હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પૂજવા રાખી હોય તેમાં આવાહન-વિસર્જન કરવાં નહિ, પરંતુ જાગ્રત કરવા ને પોઢાડવા, એવી રીતે આવાહન ને વિસર્જનની ભાવના કરવી.
શ્રીહરિના આશીર્વાદ
આ પૃથ્વી ઉપર જે મનુષ્ય, શિક્ષાપત્રી આદિકમાં, મૂળપુરુષાદિ ઈશ્વરના પણ ઈશ્વર એવા મેં સહજાનંદ સ્વામીએ કહેલા, અહિંસાદિક ધર્મોનું પાલન કરવા પૂર્વક મારું ભજન કરે છે, તે મનુષ્યને અંતકાળે મારા ધામમાં લઈ જવા, મુનિજનોથી વીંટાયેલો એવો હું, તે તત્કાળ આવીશ.
(સત્સંગિભૂષણના બીજા અંશનો અ. ૩૫)