પ્રકાશકીય
ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વે સત્શાસ્ત્રોના દોહનરૂપ ગ્રંથ ‘શિક્ષાપત્રી’ રચી સમગ્ર જગતના મુમુક્ષુઓને આત્યંતિક મોક્ષ પામવાનો સુગમ માર્ગ બતાવ્યો છે. શિ. શ્લોક ૨૧૦માં પોતાની આ પરાવાણીને ભગવાને પોતાનું સ્વરૂપ કહેલ છે. ભગવાનના એ દિવ્ય સ્વરૂપને સમજવા શબ્દાર્થથી આગળ જઈને એ સ્વરૂપને અનુભવે કરીને જેવું છે તેવું જાણેલું હોય એવા સદગુરુઓની વાણીનો આશરો લેવો જોઈએ.
આ દિશામાં પ્રથમ સિમાચિહ્નરૂપ સ. ગુ. શ્રી શતાનંદ મુનિ કૃત ‘શિક્ષાપત્રી-ટીકા’ છે. તદુપરાંત પ્રભુની પરાવાણી સમજવા ભગવાનના સ્વરૂપના અનુભવજ્ઞાની સંત-મુક્તોએ જ્ઞાનવાર્તાઓ કરી છે. એ જ્ઞાનપ્રવાહોને આવરી લઈ, સ. ગુ. મુનિસ્વામી શ્રી કેશવપ્રિયદાસજીએ સર્વાંગપૂર્ણ ‘શિક્ષાપત્રી-રહસ્યાર્થ’ મહાગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ વિસ્તૃત સ્વરૂપમાં તૈયાર થઈ રહ્યો હતો તે દરમિયાન આ ગ્રંથના સારરૂપ એક સંક્ષિપ્ત પુસ્તિકા રચી હોય તો સર્વેને વાંચવા-સમજવામાં સુગમતા પડે એ હેતુને અનુલક્ષીને સ. ગુ. મુનિસ્વામીએ આ લઘુપુસ્તિકા તૈયાર કરી, સં. ૨૦૧૬માં પ્રકાશિત કરેલી.
આવું મહત્ત્વનું પ્રકાશન નિત્ય વાંચન માટે એટલું અગત્યનું છે કે વિસ્તૃત પુસ્તકનું વાંચન કરવા સાથે સાથે આ સંક્ષેપમાં લખાયેલી માર્ગદર્શિકા ઘેરઘેર વસાવવા જેવી છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે રચેલ ‘શિક્ષાપત્રી’ ગ્રંથનો મુખ્ય સિદ્ધાંત તથા એમાં સમાવિષ્ટ દિવ્યવાણીનો પ્રત્યક્ષાર્થ સમજાવતી સ. ગુ. મુનિસ્વામીશ્રીની દિવ્ય પ્રસાદીરૂપ આ લઘુ પુસ્તિકાની દ્વિતીય આવૃત્તિ પ્રકાશિત કરતાં અમો કૃતકૃત્યતા અનુભવીએ છીએ.
સં. ૨૦૭૧, મહા વદ બારસ
ઇ. સ. ૨૦૧૫, ૧૬ ફેબ્રુઆરી
પ્રકાશન સમિતિ
શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન