૧૨. વિશિષ્ટાદ્વૈતનો ભાવાર્થ

मतं विशिष्टाद्वैतं मे गोलोको धाम चेप्सितं ।

तत्र ब्रह्मात्मना कृष्णसेवा मुक्तिश्च गम्यताम्‌ ।। शि. श्लो. १२१।।

‘મે = મમ’ અમારો મત વિશિષ્ટાદ્વૈત છે - એમ શ્રીહરિએ કહ્યું. હવે વિશિષ્ટાદ્વૈત મતનો આ ગલિતાર્થ છે : વિશિષ્ટાદ્વૈત મતમાં જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ - આ પાંચ ભેદ અનાદિ છે. તે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એ સર્વકાળે સદાય છે, છે ને છે જ. એ પાંચમા જે પરબ્રહ્મ છે તે શરીરી છે અને જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ - એ પરબ્રહ્મનાં શરીર છે; પરબ્રહ્મ છે તે, સર્વના શરીરી, આત્મા, આધાર, વ્યાપક ને નિયંતા છે અને જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ એથી વિશિષ્ટ પરબ્રહ્મ પરમાત્મા છે; પરંતુ એ ચારેમાંથી કોઈ પણ ‘પરબ્રહ્મ’, જે સકલ મુક્તના સ્વામી પુરુષોત્તમ ભગવાન છે, એમના જેવા થવાને સમર્થ થતા જ નથી. એ હેતુથી પરબ્રહ્મ તે અદ્વૈત અને અદ્વિતીય છે; એમના જેવા એ એક જ છે. જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ તે, પરબ્રહ્મ પરમાત્માને આધીન છે; એ સર્વેને વિષે તે વ્યાપક છે. વળી પરબ્રહ્મ પરમાત્મા સ્વતંત્ર છે ને એ ચારે ય પરતંત્ર છે.

ટૂંકમાં દિવ્યસાકાર મૂર્તિમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન, પોતાના અક્ષરધામમાં પોતાના મુક્તોને તથા નિત્યમુક્તોને આનંદ ઉપજાવતા થકા રહ્યા છે, તે એમનું વ્યતિરેકસ્વરૂપ કહેવાય છે. અને જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ - એમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને, કર્મફળપ્રદાતાપણે તથા પ્રકાશપણે રહ્યા છે તે એમનું અન્વયસ્વરૂપ કહેવાય છે.

વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતનું નિરૂપણ, શ્રી સ્વામિનારાયણ ભગવાને ગઢડા પ્રથમ પ્ર.ના ૬૪મા વચનામૃત - વડતાલ પ્રતમાં સ્પષ્ટપણે સમજાવ્યું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ - એ સર્વથી વિશિષ્ટ છે; અર્થાત્‌ એ સર્વમાં અન્વયપણે રહ્યા છે છતાં, તે સર્વેથી પર, તે સર્વના કારણ, આધાર ને નિયંતા છે, એમ વ્યતિરેક છે - સ્વામી છે ને એ બધા સેવક છે; એ અન્વયસ્વરૂપ તથા વ્યતિરેકસ્વરૂપનું ‘અભેદપણું’ એટલે અદ્વૈતપણું છે છતાં, પરબ્રહ્મ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાન અદ્વિતીય છે. આનો વિસ્તાર લોયાના ૧૩મા વચનામૃત થકી જાણવો.

ભગવાન શ્રીહરિ વ્યતિરેકથકા અન્વય ને અન્વયથકા વ્યતિરેક છે. તે ગઢડા પ્રથમ પ્ર.ના ૭૮મા વચનામૃતમાં કહ્યું છે : ‘અક્ષરાતીત એવા પુુરુષોત્તમ ભગવાન’ તેની ઇચ્છાએ કરીને અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે; અને તે બ્રહ્માંડને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે; અને તે ભગવાન વ્યતિરેકથકા સર્વમાં અન્વયપણે રહ્યા છે અને અન્વયથકા પણ વ્યતિરેક છે.’

ગઢડા પ્રથમ પ્ર.ના ૭૨મા વચનામૃતમાં - ‘એ ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે તેમ જ, પ્રકૃતિ-પુરુષથકી પર જે અક્ષરબ્રહ્મ તેના પણ આત્મા છે; અને ક્ષર - અક્ષર એ બેયને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે; અને પોતે તો ક્ષર - અક્ષરથી ન્યારા છે.’

હરિવાક્યસુધાસિંધુ ત. ૫૧માં પણ શ્રીહરિ કહે છે :-

सर्वत्र कारणत्वेनाऽन्वितोऽस्ति, निजतेजसा ।

व्यतिरिक्तश्च धाम्नि स्वे राजतेऽनेकशक्तिभिः ।। १ ।।

ભગવાન, (સર્વત્ર) ક્ષર-અક્ષરમાં, (કારણત્વેન) નિયંતાપણે, (નિજતેજસા) પોતાની અંતર્યામી શક્તિએ કરીને, (અન્વિતઃ) વ્યાપીને રહ્યા છે - એ અન્વય છે અને (વ્યતિરિક્તઃ) ક્ષર - અક્ષરથકી પૃથક્‌ પોતાના ધામમાં પોતાના મુક્તો તથા ઐશ્વર્યે સહિત રહ્યા છે એ વ્યતિરેક છે (૧). આવી રીતે શ્રીજીમહારાજને સમજવા એ જ વિશિષ્ટાદ્વૈત.